– શિક્ષણ ક્ષેત્રે વિચારધારાકીય આક્રમણ
– 'ધોરાજી’ ૨૦૧૪; દીનાનાથ બત્રાનાં પુસ્તકો રાજ્યની ૪૨,૦૦૦ શાળાઓમાં પરબારાં દાખલ કરવામાં આવ્યાં …
સાવન જો આગ લગાયે ઉસે કૌન બુઝાયે : બમ્બૈયા હિંદી ફિલ્મના સુપર સ્ટારના મોંમાં મુકાયેલું આ ગીત બરાબર બેસતે શ્રાવણે જ સાંભરી આવવાનું નિમિત્ત અલબત્ત એ 'અચ્છે દિન’ બુલેટિન છે કે ગુજરાતની ૪૨,૦૦૦ શાળાઓના પાઠયક્રમમાં પૂરક સામગ્રી તરીકે દીનાનાથ બત્રાનાં નવ પુસ્તકોનો સેટ ધરાર ઠઠાડવામાં આવ્યો છે. સંઘપ્રેરિત વિદ્યાભારતીની લીલી ઝંડી એની પાછળ છે એ જોતાં આખો પ્રયાસ શિક્ષણક્ષેત્રનો મલાજો જાળવવાને બદલે નિ:શંક જેને વિચારધારાકીય આક્રમણ કહી શકાય એનો અને એવો છે.
એક બાજુ સેલ્ફ-ફાઈનાન્સ નામે ધરાર ધંધાદારી રવૈયો અને બીજી બાજુ પાઠયક્રમ પરત્વે આમ મનમાની, રાજ્ય જો આ રાહે ચાલે તો શું કહેવું, સિવાય કે સાવને પેટાવેલ અગન. આ કિસ્સો જો કે બત્રાનાં પુસ્તકો દાખલ કર્યાનો છે પણ બત્રાની આબરૂ (અગર ધાક અને છાક) પુસ્તકો પ્રતિબંધિત કરાવનાર જણ તરીકેની છે. હિંદુ ધર્મ (વસ્તુત : સંઘ માન્ય હિંદુત્વ) પરત્વે એમને કોઈ પણ અભ્યાસ-સંશોધન ટીકાપાત્ર લાગે એટલે એમણે હિલચાલહોબાળો હાથ ધર્યો જ માનો. અભ્યાસક્ષેત્રે આલોચનાવિવેક કેળવવાનો ખયાલ એમને ચોક્કસ સંજોગોમાં રાષ્ટ્રવિરોધી લાગે છે.
જ્ઞાનવિજ્ઞાનક્ષેત્રે પશ્ચિમી લાભ છતાં એક સંસ્થાનવાદી વણછો હતો તો આ એક વળતી સંસ્થાનવાદી ચેષ્ટા છે. અને હવે નવી દિલ્હીમાં ભા.જ.પ. સુવાંગ સત્તારૂઢ થયા પછી 'સૈંયા ભયે કોતવાલ’ સંજોગોમાં વિચારધારાકીય સાંસ્થાનિક પ્રક્ષેપણ સારુ સગવડ જ સગવડ છે. કારણ, અંગ્રેજ અમલ અને કોંગ્રેસ શાસનમાં પાઠયક્રમ ક્ષેત્રે 'કૂડા (ડર્ટ), કરકટ (ફિલ્ધ) અને બકવાસ (રબિશ)’ ઘણુંબધું હતું. કેટલુંક ખરેખર, પણ ઘણું સંઘસર.
જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે, મુદ્દાની વાત એ છે કે પાઠયક્રમ અને પૂરક સામગ્રી જેવો મોટો નિર્ણય આપણે હર્ષદ શાહ, ઋતા પરમાર અને રેખા ચુડાસમા જેવી સંઘમાન્ય પ્રતિભાઓ માત્ર પર છોડી શકીએ નહીં. મૂલ્યાંકનની પ્રક્રિયાની છાંટ આ નિર્ણય પર હોઈ શકે છે. પણ શિક્ષણક્ષેત્રે પ્રયોગમૃધ્ધ ગુજરાતનાં વિદ્યાવર્તુળોમાં આવે પ્રસંગે મુક્ત અને પુખ્ત બહસ જરૂરી છે. કારણ, પ્રસ્તુત નિર્ણય વિદ્યાકીય ઓછો અને વિચારધારાકીય વધુ છે. વસ્તુત : સંઘમાન્ય પ્રતિનિધિઓની સામેલગીરીપૂર્વક વ્યાપક વિદ્યાવર્તુળમાં પૂરા કદની ચર્ચા વગરનું આ પગલું વેળાસર નહીં રોકાય તો બત્રા સ્કૂલ અને કોઇ મુદ્દે સત્યાંશ હોય તો પણ આખી પ્રક્રિયા અંગૂંઠેથી સરકારી કલિપ્રવેશ સરખી બની રહેશે.
આ પ્રશ્ન જો શાસનવિવેકનો છે, સંઘવિવેકનો છે તો એથી સહેજ પણ ઓછો ગુજરાતના શિક્ષણકારો અને કેળવણી ચળવળમાં પડેલાઓનો નથી. જો આધુનિક યુદ્ધ કેવળ સેનાપતિભરોસે રેઢું મૂકી શકાતું નથી તો શિક્ષણને ય કેવળ સરકારી રાહે રેઢું મૂકી શકાતું નથી. ગુજરાતના કેળવણીકારોએ (આ દુર્લભ પ્રજાતિના જે પણ નમૂનાઓ બચ્યા હોય તેમણે) સળેસળ છૂટા પાડીને ચર્ચા ચલાવવી જોઈએ, હિંમતે ને વિગતે જેમને ધન્ય આંખકાનની મૂઠ ન વાગી હોય એવા સર્વ શિક્ષણસેવીઓએ સરકારની હર ધોરાજી ચેષ્ટા પરત્વે સાવધાનીનો સૂર ઉચ્ચારવો જોઈએ.
તર્કતથ્યમંડિત ધોરણે વજૂદ છે કે નહીં, એવી નિરંતર પરીક્ષણ પ્રક્રિયામાં ન તો જૂનું આપવાદ હોઈ શકે, ન તો નવું. ઉમાશંકર અને દર્શક જેવા વિદ્યાપુરુષો હજી હમણાં લગી ગુજરાતના જાહેર જીવનમાં હાજરાહજૂર હતા. કોંગ્રેસ વર્ષોમાં પાઠયપુસ્તક મંડળ વાટે સરકારીકરણની બૂ બાબતે ગુજરાતનાં વિદ્યાવર્તુળો ચૂપ રહ્યાં નહોતાં. આગળ ચાલતાં પાઠયપુસ્તક મંડળ રચાયું ત્યારે વિધાયક સહયોગ પૂર્વક પણ એને ઠમઠોરતાં ગુજરાતના વિદ્યાસમાજે સંકોચ નહોતો કર્યો. તો પછી, આજે કેમ સૌ ઠરી ગયા છે?
ગુજરાતે ગાંધી પ્રતાપે અને નાનાભાઈ – ગિજુભાઈની કુળ પરંપરામાં શિક્ષણક્ષેત્રે એવું કાંક નવું નરવુંનક્કુર કરેલું છે જેને રાષ્ટ્રીય અર્પણ તરીકે ખુશીથી મૂલવી શકીએ. ગુજરાતના ધરાર ધુરીણોને આ વાતની કોઈ કદર તો શું ખબર પણ છે કે કેમ તે આપણે જાણતા નથી. રાજ્યના હાલના શિક્ષણસુબાઓને વખત છે ને તમ્મર આવી જાય એવું જોખમ ખેડીને પણ મારે એક બાતમી આપવી જોઈએ કે નાનાભાઈ ભટ્ટનું નિધન થયું ત્યારે 'ઈન્ડિયન એક્સપ્રેસ’ના ફ્રેન્ક મોરાઈસે પ્રથમ અગ્રલેખ એમને વિશે મૂકવો મુનાસીબ માન્યું હતું.
ગુજરાતના શિક્ષણ, સમાજશિક્ષણ અને જાહેર જીવનનો ખરો કોયડો નજર સામે છતાં ખોવાયેલા વિમર્શનો છે. મળતાં મળે એવા ગાંધી છતાં આપણે આટલા મૂઢમતિ? રે, સરકારગ્રસ્ત અકાદમી હસ્તક દર્શક દેકારા વચ્ચે કોઈકે સરકારને અને સવિશેષ તો આ લખનાર સહિતના સમગ્ર શિક્ષણસાહિત્યસંસ્થાજગતને દર્શક કૃત 'દીપનિર્વાણ’નાં એ અમર વચનોની યાદ આપવી ઘટે છે જે તક્ષશિલાના (ત્યારે બિહારમાં નહીં એવા તક્ષશિલાના) પ્રવેશદ્વારે મૂકાયા હતા : 'હે ચક્રવર્તી આ જગ્યાએ જ્ઞાનની અધિષ્ઠાત્રી, આજીવન બ્રહ્મચારિણી, સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસનાસ્થાન છે એટલે અહીંની શાંતિને અભંગ રાખવા માટે તારા, સપ્તસિંધુઓનું જલ પીધેલા ઘોડાને અહીં બહાર જ વિશ્રામ દેજે. તારાં દેદીપ્યમાન અસ્ત્રશસ્ત્રોનો ભાર અહીં જ રથમાં ઉતારી નાખજે; ને તારા રાજવીમદ મર્દનની અહંભાવ અહીં મૂકીને જ આ અંતર્વેદીમાં પગ મૂકજે.’
છોડો, સરકારને શું ધૂળ અહેસાસ કરાવી શકવાના હતા અમે સૌ કલમઘસીટુ ? આ તો, બત્રા નિમિત્તે બે શબ્દો બોલ્યાથી જે અંતરાત્માનો ઉત્સર્ગ થયો તે સાચો
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 28.07.2014