ઓસ્ટિનના સરસ મજાના રિવરવૉકની બાજુમાં આવેલા લોખંડના એક બાંકડા ઉપર હું બેઠો છું; અને મારી સામેની બધી ચહલ પહલ નિહાળી રહ્યો છું.
સામે, નદીની પેલે પાર, ડાઉન ટાઉનની ગગનચુંબી ઇમારતો ખડી છે – કોઈક વીસ માળની, તો કો’ક ચાળીસ માળની, તો કો’ક પચાસ માળની. સૌથી ઊંચી ઇમારત પર સ્વાભાવિક રીતે બધાંની નજર પડે; તેમ મારી નજર પણ ખેંચાય છે. એની આડી અને ઊભી, બધી બારીઓ બંધ છે – સાવ નિષ્ક્રિય અને કોઈ ચેતન વિનાની. હું એ બારીઓની પેલે પાર શું ચાલી રહ્યું છે; તે જોઈ શકતો નથી. કદાચ ત્યાં કોઈ આંતરરાષ્ટ્રીય કમ્પનીનો કરોડો ડોલરનો કારોબાર ચાલી રહ્યો હશે. કો’ક કુશાંદે ચેમ્બરમાં એક માંધાતા અતિ વૈભવશાળી ખુરશીમાં બેસી મ્હાલી રહ્યો હશે; અને તેની ઘણે નીચે આવેલા પરિસરમાં સળવળતાં માનવ જંતુઓને જોઈ મૂછમાં મલકી રહ્યો હશે.
એની આગળ નદી વહી રહી છે. એનાં પાણી હજારો વર્ષોથી આમ જ સતત વહેતાં રહ્યાં છે. એમાં જાત જાતની અને ભાત ભાતની હોડીઓ આવન જાવન કરી રહી છે.
નદીની મારી તરફ રિવરવૉક છે. એની ઉપર જાતજાતનાં અને ભાતભાતનાં લોકો – પુરુષો, સ્ત્રીઓ, બાળકો – ચાલી, દોડી રહ્યાં છે. કોઈક ધસમસતા સાઈકલ ચલાવીને જઈ રહ્યા છે. કોઈકની સાથે જાતજાતના અને ભાતભાતનાં કૂતરાં પણ છે.
લોખંડનો એ બાંકડો સાવ નિર્જીવ છે. એમાં કોઈ જ ચહલપહલ નથી. એ તો એમનો એમ જ, સાવ જડ અવસ્થામાં પડેલો રહેવાનો છે. એમાં કોઈ પરિવર્તનને અવકાશ નથી. હા ! હું મારી કલ્પના અને વિજ્ઞાનના થોડાક જ્ઞાનને સહારે, એના અણુ અને પરમાણુમાં સતત ચાલી રહેલી ગતિ વિશે વિચારી શકું છું. પણ બાંકડો એ જાણે છે ખરો ?
મારી નજર હવે એ બાંકડાની બાજુએ આવેલ ઝાડ પર પડે છે. એની ડાળીઓ મને શીતળ છાયા આપી રહી છે. એનાં પાંદડાં પવનમાં ફરફરી રહ્યાં છે. એનાં લીલાં પાન તડકામાં તપતાં શ્વસી રહ્યાં છે; વૃક્ષનો જીવન રસ સતત બનાવી રહ્યાં છે. સૂકી ભઠ્ઠ લાગતી એની ડાળીમાં ક્યાંક નવાંકુર ફુટું ફુટું કરી રહ્યો છે. થોડાક દિવસોમાં એમાંથી કુંપળ ફૂટશે અને નવી ડાળીનો કે કદાચ એક ફૂલની કળીનો નવો નક્કોર જન્મ થશે. પણ એ ઝાડ જોઈ શકતું નથી. સાંભળી શકતું નથી. સ્પર્શી શકતું નથી. એને કોઈ વિચાર પણ નથી આવતા. એ કશેય એક તસુ પણ ખસી શકતું નથી. એની ચેતના બાંકડાના લોખંડની ચેતનાથી થોડેક આગળ આવીને અટકી ગયેલી છે.
એટલામાં ગળે માલિકના પટાથી બંધાયેલો એક કૂતરો દોડતો દોડતો, અને મોંમાંથી જીભ બહાર લબડાવતો, આવી પહોંચે છે. સ્વભાવવશ, કશીક મનગમતી ચીજને ગોતતો, સુંઘતો, અને આમતેમ આથડતો, તે મારા પગને પણ સુંઘી લે છે. પણ માલિકના ઈશારાથી મને અવગણીને વિદાય લે છે.
કૂતરાની ચેતના ઝાડની ચેતના કરતાં ઘણી જટિલ છે. તે જોઈ શકે છે; સાંભળી શકે છે; સુંઘી શકે છે; ચાખી શકે છે. કરડી અને ભસી શકે છે. તે ચાલી, દોડી, કૂદી પણ શકે છે. પણ તેની વિચાર શક્તિ સીમિત છે.
આ બધું નિહાળતો હું કૂતરા કરતાં ઘણું વધારે કરી શકું તેમ છું. મારી પાસે માણસને મળેલી મહાન દોલત – માનવ મન છે. હું ધારું તો એ બાંકડાને તોડી ફોડી, ગરમ કરી તેના પુરજાઓના અવનવા ઘાટ ઘડી શકું છું; તેને ભઠ્ઠીમાં ઓગાળી, તેના રસને બીબાંમાં ઢાળી, સુંદર મૂર્તિ બનાવી શકું છું. હું એ ઝાડને કુહાડી વડે કાપી, તેના લાકડામાંથી આગ પેદા કરી શકું છું; અથવા એના બીજ બીજે વાવી, એવાં અનેક ઝાડ ઘણે દૂર, નવા જ કોઈ બગીચામાં ઉગાડી શકું છું. હું તે કૂતરાને અથવા એના જેવા અનેક કૂતરા કે બીજા પ્રાણીઓને પાળી, મારો માલિકીભાવ સંતોષી શકું છું.
મારી ચેતના કૂતરાની ચેતના કરતાં અનેક ગણી ચઢિયાતી છે; તેવો ગર્વ મારા મનમાં આકાર લેવા માંડે છે.
પણ …… એમ ન હોય કે, મારાથી અનેકગણું ચઢિયાતું કોઈક હોવાપણું એવી અપ્રતિમ ચેતના ધરાવતું હોય; જેના થકી એને કોઈ દેખીતા રંગ, રૂપ, આકાર કે હોવાપણાંની જરૂર જ ન હોય? જેને માનવ મનની કે અસ્તિત્વ અથવા અનસ્તિત્વની મર્યાદાઓ નડતી ન હોય? જે આ બધાંયની મ્હાંયલી પા અણુએ અણુમાં વ્યાપીને રહેલું હોય? જે આ બધાંયને હાલતાં, ચાલતાં, શ્વસતાં; કારણસર કે વિના કારણ, ધસમસતાં અને પ્રગટ અસ્તિત્વવાળાં કરી દેતું હોય?
પચાસ માળ ઊંચે આવેલી બંધ બારીની પેલે પાર બેઠેલા, પણ મારી આંખે ન દેખાતા માંધાતાની જેમ ?
e.mail : sbjani2006@gmail.com