૨૧મી જૂનને દિવસે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદ આવવો શરૂ થયો. એ પ્રદેશના મૂળ નિવાસીઓ, યાત્રાળુઓ અને કામ-ધંધાર્થે આવન-જાવન કરનારાઓનાં જાન જોખમમાં મુકાયા. નદીઓનાં પાણી જાણે હિમાલયની ચોટીઓને મળવા ઊંચે ને ઊંચે ચડવા લાગ્યાં. ભેખડો ધસી પડી, રસ્તાઓ અને પુલો ભૂગર્ભ તરફ ગતિ કરવા લાગ્યા. કુદરતનું વિકરાળ સ્વરૂપ અનેકનાં જાન ભરખી ગયું. જાણે શિવજીનું ત્રીજું નેત્ર ખૂલ્યું.
સમાચાર માધ્યમો દ્વારા મળતી માહિતીઓ જોતાં સાંભળતાં વિચાર આવ્યો કે આપણે શું વાંક ગુનો કર્યો તે આમ ભગવાન રૂઠે ? ત્યાં તો શિવજી ખુદ પ્રગટ થયા અને કહે, ‘બેટા, ઇન્દ્ર ભગવાન અવારનવાર માનવોની કસોટી કરતા રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતવાસીઓએ ધરતી માતા અને જંગલોની જાળવણીમાં બેદરકારી દાખવી છે, એ તું જો. નદીઓના ઉદ્દગમસ્થાન પર્વતોથી માંડીને તેના સમુદ્ર મિલન સુધીના માર્ગોમાં અસંખ્ય જંગલો હતાં, જે આડેધડ કાપવાનું દુષ્કૃત્ય મારા ભક્તજનોએ કર્યું. આથી ધરતી નરમ બની અને ભારે વરસાદનો મારો થતાં ધસી પડી.’
શિવજીનો આક્રોશ હજુ શાંત નહોતો થયો, તેઓ વદ્યા, ‘હે અબૂધ બાળક, તમ પામર જીવોને સ્વર્ગાદપિ ગરિયસી એવી ભારતભૂમિ પર ખેતી કરીને વસવાટ કરવા રાજા ભગીરથના તપને પ્રતાપે મેં મા ગંગાને પૃથ્વી પર ઉતારી, જેને પવિત્ર માનીને તેની રક્ષા કરતા હતા એ જ પ્રજાજનોના વંશજોએ તેમાં મળ-મૂત્ર વિસર્જન કરીને, તેમાં પંચ તત્ત્વોમાં ભળી ન શકે તેવા પદાર્થો હોમીને ગંગાને અપવિત્ર બનાવી મૂકી છે. વણકર, મોચી, સુથાર, લુહાર અને દરજીના કુદરતનો મલાજો જાળવીને ચાલતા ઉદ્યોગોને સ્થાને રાક્ષસી યંત્રોથી ચાલતાં મહાકાય કલ-કારખાનાંઓમાંથી નીકળતાં દૂષિત તત્ત્વો હિમાલયની તમામ પુત્રીઓનાં જળને અતિ મલીન બનાવી રહ્યાં છે. અથ : એ નદીઓમાં વસતાં જલચરો અને તેને કિનારે વસતાં અન્ય પ્રાણી, પશુ, પક્ષી અને જ્ન્તુઓનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે. આવાં અવિચારી, અધમ, સ્વાર્થી અને કનિષ્ઠ કૃત્યોનો બદલો તમને મળી રહ્યો છે. માટે હે ભક્ત, તારા ભગિની અને બંધુઓને મારી આજ્ઞા કહે કે જો તેઓ વાયુ, પ્રકાશ, જળ, અવકાશ અને અગ્નિના ગુણધર્મોને ધ્યાનમાં લઈને તેના ઉપભોગ અને સંચય-સંવર્ધનનું પૂણ્ય કાર્ય કરવાની પ્રતિજ્ઞા લેશે તો જ ભવિષ્યમાં આવો વિનાશ નિવારી શકશે.’
આ સાથે પ્રભુ અંતર્ધાન થયા.
હું ફરી ક્ષણભંગુર સૃષ્ટિમાં વિચરવા લાગી. ત્યાં તો હૈયું હરખથી છલકાયું. આવી હૃદયદ્રાવક ઘટનામાં જાન ગુમાવેલા લોકો અને તેમના પરિવાર માટે અનુકંપાથી મન વ્યાકુળ હતું તેવામાં એક સમાચાર પર નજર પડી. ગુજરાતના મુખ્ય પ્રધાન માનનીયશ્રી નરેન્દ્ર મોદીએ લગભગ ૧૫,૦૦૦ ગુજરાતી શ્રદ્ધાળુઓને બચાવવાનું પૂણ્ય કાર્ય કર્યું. એમની કરુણાનો કોઈ પાર નથી. દસ દિવસ સુધી મથવા છતાં લશ્કરની ૪૦,૦૦૦ લોકોને બચાવવાની મહેનત ન ફળી ત્યાં ન.મો. કેવા ડૂબતાના તારણહાર સાબિત થયા ? આ તો સ્વતંત્રતા મળી તે સમયે ફાટી નીકળેલ કોમી રમખાણોને સરકાર ન રોકી શકી, અને ગાંધીજીએ એકલ પંડે, કલકત્તા અને નોઆખલીમાં શાંતિ સ્થાપી ત્યારે લોર્ડ માઉન્ટ બેટને તેમને ‘One man army’ કહીને નવાજેલા એના જેવું થયું ! ભારતના વડા પ્રધાન થવું હોય તો ઉત્તરાખંડમાં આવેલ હોનારતને ગુજરાતની પોતાની આપત્તિ ગણીને દોડી જવું પણ પડે.
વળી વધુમાં એમ પણ જાણવા મળ્યું કે કેદારનાથથી દહેરાદૂનનું ૨૨૧ કિ.મિ.નું અંતર કાપવા માટે સામાન્ય વાહનને દસ દિવસ આવા સંયોગોમાં લાગે, પણ અમારા મોદી સાહેબે તો એક દિવસમાં કામ પાર પાડી બતાવ્યું. ૮૦ ઈનોવા કારમાં ૬૫ મુસાફરો બેસી શકે એટલે ૧૫,૦૦૦ માણસોને સ્થળાંતર કરીને લાવવા માટે ૨૫-૩૦ ફેરા કરવા પડે તો ય કરવા માટે તેઓએ કેટલી હિંમત બતાવી અને કાર ચલાવનારાઓએ કેટલો ભોગ આપ્યો હશે ? દેહરાદૂનથી ૨૫ લકઝરી બસમાં માન-પાન સાથે એ બચેલા મુસાફરોને સલામત પહોંચાડીને તેમણે બહુ મોટું કામ કર્યું.
જો કે અહીં એક સવાલ થાય કે જ્યાં કુદરતી આફતનો ભોગ બનેલાઓનો રાફડો ફાટ્યો હોય ત્યાં માત્ર ગુજરાતીઓને તેઓએ કેવી રીતે ઓળખ્યા હશે ? જીવ બચાવવા માટે પ્રાર્થના કરતા બિન ગુજરાતીઓને કેવી રીતે દૂર રાખ્યા હશે ? આવી હોનારતમાં મદદરૂપ થવા અસંખ્ય લોકો આવી પહોંચ્યા અને સમાચાર સંવાદદાતાઓને કહ્યું કે આ તો કુદરતી હોનારત છે, તેમાં કોઈ જાતના ભેદભાવ વગર બધા નાત-જાત-ધર્મના લોકો એકબીજાને મદદ કરે માટે અમે અહીં આવ્યા છીએ. તો સવાલ એ થાય કે કોણ મહાન, નરેન્દ્ર મોદી કે બીજા સ્વયંસેવકો ? કોણ વડા પ્રધાન થવાને વધુ લાયક ? નરેન્દ્ર મોદી કે બીજા સ્વયંસેવકો ? ધોવાઈ ગયેલા રસ્તાઓ, તૂટેલા પુલ, પુષ્કળ વરસાદ અને ધસમસતા પૂર વચ્ચે હેલીકોપ્ટર કે પ્લેઈન પણ પહોંચી ન શક્યાં ત્યાં નરેન્દ્ર મોદીની સેના પહોંચી એ એક ચમત્કાર જ સમજવો રહ્યો. મને તો એમ લાગે છે કે રાઈ જેવડા નેતાઓને પર્વત જેવડા મોટા બતાવનાર કંપનીની આ કરામત હશે.
દિલ્હીથી ગુજરાત આવવા નીકળેલા ૧૫,૦૦૦ ગુજરાતી મુસાફરો ‘હર હર મહાદેવ’ની બદલે ‘હર હર નરેન્દ્ર દેવ’ની ધૂન બોલતા સંભાળવા મળે છે. હું ગુજરાતી હોવાને નાતે નરેન્દ્ર મોદીને મુખ્ય પ્રધાન તરીકે ચૂંટી શકું કેમ કે કદીક મારો જાન બચાવશે, પણ ભારતના વડાપ્રધાન તરીકે લાયક ન ગણું કેમ કે બીજા ભારતીય પ્રજાજનો એમના શાસનમાં સલામત નહીં રહે, તે એમણે સાબિત કરી બતાવ્યું.
e.mail : 71abuch@gmail.com