સેક્સ એજ્યુકેશન બાબતે ડો. હર્ષવર્ધનના નિવેદનથી ફરી એક વાર ગુસપુસ ઊભી થઈ છે. પ્રમાણમાં શિક્ષિત હોય તેવાં માતા-પિતા પણ બાળક જ્યારે પૂછે કે હું "હું ક્યાંથી/કેવી રીતે આવ્યો?" એનો યોગ્ય જવાબ આપી શકતાં નથી. જાતીય અપરાધો -રોગો વધી રહ્યા છે ત્યારે સેક્સ એજ્યુકેશન જરૂરિયાત નહીં અનિવાર્યતા બની રહે છે. આ બાબતે મીંઢું મૌન કે ગલીપચીવાળી ગુસપુસ નહીં પણ નક્કર વૈજ્ઞાાનિક ચર્ચા જરૂરી છે
તાજેતરના દિવસોમાં બે સમાચારો એક સાથે ધ્યાન ખેંચનારા બની રહ્યા. એક ગુજરાતની પ્રસિદ્ધ રાણકીવાવને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતની યાદીમાં સ્થાન અને બીજું નવી સરકારના વ્યવસાયે દાક્તર એવા પ્રધાન હર્ષવર્ધનનો બફાટ. આ બેઉ બાબતોને જોડતી કડી છે સેક્સ. જેને વિશ્વ વિરાસતનો દરજ્જો મળ્યો છે તે રાણકીવાવ પર ચિતરાયેલાં શૃંગારિક શિલ્પો પર ભલે લોકોનું ધ્યાન ન ગયું હોય, પણ ડો. હર્ષવર્ધનના પહેલાં કોન્ડોમ અંગેના અને પછી સેક્સ એજ્યુકેશન અંગેના નિવેદને ગુસપુસ ઊભી કરી છે. રિપીટ ગુસપુસ. જેનું કોઈ ફળદાયી પરિણામ હોય તેવી ચર્ચા નહીં. ફરી એના એ જ સવાલો ઊભા થયા છે. શું સેક્સ એજ્યુકેશન ('સેક્સ' શબ્દ માત્રથી જેમને ગલગલિયાં થતાં હોય કે પછી નાકનું ટીચકું ચઢી જતું હોય તેમણે સેક્સને બદલે 'જાતીય કે યૌન' એમ વાંચવું) ખરેખર જરૂરી છે? કેમ જરૂરી છે? જો એ જરૂરી હોય તો કોની જવાબદારી છે? શું એ માતા-પિતાનો વિષય છે? કે પછી બાકી બધા શિક્ષણની જેમ તે પણ શાળાએ આપવું જોઈએ? કેટલાં વર્ષે આપવું જોઈએ? કઈ હદ સુધી આપવું જોઈએ? અને ડો. હર્ષવર્ધનના નવા વિવાદ મુજબ સેક્સ એજ્યુકેશનને બદલે બાળકોને યોગશિક્ષણ અને ઉચ્ચ નૈતિક મૂલ્યો શીખવીએ તો ન ચાલે? આ તમામ સવાલો થતાં પહેલાં જે મૂળભૂત સવાલ થવો જોઈએ તે એ કે, સેક્સ એજ્યુકેશન એટલે શું?
સેક્સ એજ્યુકેશન એટલે શું?
સેક્સ આપણા સમાજમાં એક અપરાધિક શબ્દ માનવામાં આવે છે. તેને વર્જ્ય ગણવામાં આવે છે એટલે સ્વાભાવિક છે કે તેની સાથે જે કાંઈ જોડાય તે તમામ બાબતો વર્જ્ય બની જાય છે. આવું જ કંઈક અંશે સેક્સ એજ્યુકેશનમાં થાય છે. સેક્સ શબ્દને માત્ર ફિલ્મી સ્ટાઇલમાં જોનારો વર્ગ એવડો મોટો છે કે તે આ શબ્દ સાંભળતા જ નૈતિક મૂલ્યોના નારા સાથે રસ્તા પર આવી જાય છે, કેમ કે તેઓ સેક્સ એટલે બે વ્યકિતઓ વચ્ચેનો શરીરસંબંધ એવી સાંકડી સમજણ ધરાવે છે. આ બાબતે જાણીતા સેક્સોલોજિસ્ટ પ્રકાશ કોઠારી (સંદેશ, ૨૭ એપ્રિલ, ૨૦૧૩માં) કહે છે કે, "ખરેખર તો સેક્સ એજ્યુકેશન યાને કે યૌન શિક્ષણ એ માનવીય પ્રજનનતંત્રની આંતરિક સંરચના અને શરીરક્રિયાનું સરળ વિજ્ઞાાન છે. એ માત્ર બાળકો કેવી રીતે પેદા થાય છે તેની વાત નથી કરતું પણ ગર્ભધારણ, ગર્ભનિરોધક, જાતીય મનોવિજ્ઞાાન, શારીરિક વિવિધતાઓ, આપસી સંબંધો અને તેની પરાકાષ્ઠા, પ્રેમ જેવા ઘટકો વિશે પણ પૂરતી માહિતી આપે છે. આ જાણકારીથી મનમાં એક એવો પાયો નંખાઈ જાય છે, જેના આધાર પર કોઈ પણ વ્યક્તિનો વિકાસ એક સ્વસ્થ અને જવાબદાર વયસ્ક તરીકે થાય છે. સેક્સ વ્યક્તિને પોતાની સેક્સુઆલિટીની ઓળખ આપે છે."
સેક્સ એજ્યુકેશન કેમ જરૂરી છે?
જે દેશમાં વાત્સ્યાયનનું 'કામસૂત્ર' રચાયું હોય, જેનાં મંદિરોની ભીંતો પર કામઅંગભંગિમાઓ સાક્ષાત્ હોય, મહાકવિ કાલિદાસના કુમારસંભવથી નરસિંહ મહેતાનાં પદોમાં પ્રચુર શૃંગાર મળી આવતો હોય ત્યાં આજે સેક્સ એજ્યુકેશન કેમ જરૂરી છે, એવો સવાલ પૂછવામાં આવે છે તે વાત જ દુઃખદ અને અસાહજિક લાગે છે. અલબત્ત, સેક્સ એજ્યુકેશન એ સંવેદનશીલ બાબત તો છે જ પણ તેની તરફેણ માટે અનેક કારણો છે. પ્રાણીઓને સેક્સ વિશેની સમજણ આપવાની જરૂર પડતી નથી, તેઓ 'આપમેળે જ તે શીખી લેતાં હોય છે.' : આ દલીલ સેક્સ એજ્યુકેશનના વિરોધમાં બહુ વાપરવામાં આવે છે. આ બાબતે કામસૂત્રના સર્જક મુનિ વાત્સ્યાયન કહે છે કે, "સેક્સ એજ્યુકેશનની જરૂર જાનવરોને નહીં પણ પ્રાણીઓને છે, કેમ કે જાનવરો એક ખાસ ઋતુમાં શરીરસંબંધ બાંધે છે જ્યારે માનવ દરેક ઋતુમાં શરીરસંબંધ બાંધે છે." વાત સાચી માનવી પડે તેવી છે. માણસ એક વિચારશીલ પ્રાણી છે એટલે તેનો શારીરિક સંબંધનો હેતુ માત્ર પ્રજનન નહીં પણ આનંદ પણ છે. દેશમાં જાતીય હિંસાના બનાવો ઝડપથી વધી રહ્યા છે. કેટલાંક લોકો આવા શિક્ષણથી તેમાં હજી વધારો થશે તેમ માને છે, પણ હકીકત તો એ છે કે આવા શિક્ષણથી તેમાં ઘટાડો થઈ શકે છે. અલબત્ત, કાયદાઓનો કડક અમલ તેમાં વધારે અગત્યનો છે તેની ના નથી.
આપણા દેશમાં કિશોરવયની વ્યક્તિઓનું પ્રમાણ ઘણું છે. યોગ્ય જાણકારીના અભાવે તેઓ ઘણા હેરાન થાય છે અને તેને લીધે જાતીય રોગો તથા વસ્તીવધારા સહિતની સમસ્યાઓ ઉપરાંત સ્ત્રીઓને લગતી અનેક શારીરિક તકલીફો ઊભી થાય છે. દેશમાં નેશનલ હેલ્થ સર્વે મુજબ ૧૫-૧૯ વચ્ચેની વયજૂથ ધરાવતી ૧૨ ટકા છોકરીઓ માતા બને છે. આ આંકડાને અવગણી શકાય તેમ નથી. તેઓ માતા બને છે કેમ કે ગર્ભધારણ કે ગર્ભનિરોધકની યોગ્ય વૈજ્ઞાાનિક જાણકારીઓનો અભાવ છે. ભારતનાં કિશોર-કિશોરીઓ દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં સમજણથી વધારે વંચિત છે. તેમને પોતાના શરીર બાબતે, સેક્સ્યુઆલિટી બાબતે યોગ્ય જાણકારી મળે તે જરૂરી છે. તેમની જાણકારીનો મુખ્ય સ્રોત હાલ માતા-પિતા તથા અધકચરું જ્ઞાાન ધરાવતા આડોશીપાડોશી છે. જો શાળામાં આ અંગે યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો તેમને અનેક જાતીય રોગોથી બચાવી શકાય તેમ છે. વળી, તેને લીધે માતામૃત્યુદર, કુપોષણ સહિતની અનેક બાબતો પર અસર નિપજાવી શકાય. બીજો એક મુદ્દો, બાળ યૌનશોષણનો છે. જો યોગ્ય માહિતી હોય તો તેને પણ ઘટાડી શકાય છે.
ભારતમાં સેક્સ એજ્યુકેશનની સાથે તે કઈ ઉંમરે અપાય તેનો પણ વિવાદ છે. ૨૦૦૯માં રાજ્યસભાની વૈંકેયા નાયડુના અધ્યક્ષપદે નિમાયેલી સંસદીય સમિતિએ ધોરણ ૧૨ પહેલાં સેક્સ એજ્યુકેશન આપવાનો ઇન્કાર કર્યો હતો. આ વિષયના અનેક નિષ્ણાતો તેનો વિરોધ કરે છે. નિષ્ણાતોના મતે સેક્સ એજ્યુકેશન બાળકના જન્મથી જ પ્રાથમિક રીતે શરૂ થઈ જાય છે. ઔપચારિક શિક્ષણ તેઓ પ્યુિબર્ટી એજમાં આવે ત્યારે એટલે કે છોકરીઓ માટે સરેરાશ દસ વર્ષ અને છોકરાઓ માટે સરેરાશ ૧૨ વર્ષે શરૂ થવું જોઈએ. આ જ સમયગાળામાં તેઓના શરીરમાં હોર્મોનના ફેરફાર સર્જાતા હોય છે એટલે આ ઉંમરથી તેમને શિક્ષણ આપવું જોઈએ. ટૂંકમાં, ધોરણ ૬-૭થી આવું શિક્ષણ અપાવું જોઈએ એમ નિષ્ણાતો માને છે.
સેક્સ એજ્યુકેશનનો વિરોધ
સેક્સ એજ્યુકેશનનો વિરોધ કરતાં લોકોની એક દલીલ એ છે કે, હાલના સમયમાં જ્યારે ફિલ્મોમાં સેક્સની ભરમાર હોય છે ત્યારે તથા ઇન્ટરનેટ હાથવગું સાધન છે ત્યારે લોકોને તે શીખવવાની કોઈ જરૂર નથી, પણ ખરેખર તો આવા સમયે જ વધુ જરૂર ગણાય, કેમ કે ઇન્ટરનેટની સાથે પોર્નોગ્રાફી પણ આવે છે અને તે કાંઈ વૈજ્ઞાાનિક રીતે સેક્સ એજ્યુકેશન આપવા માટે નહીં પણ મનોરંજન માટે છે. તે એક ધંધો છે અને તેને લીધે જ બાળકો પોર્ન ફિલ્મ કે ફિલ્મો જોઈને નહીં પણ યોગ્ય પદ્ધતિ સાથે શાળામાં નિર્ધારિત અભ્યાસક્રમ મુજબ શીખે તે જરૂરી છે. કેટલાંક લોકો આ બાબતે માતા-પિતા પોતાની મેળે ફોડી લેશે તેમાં વળી શિક્ષણ શેનું? એવી દલીલ કરે છે પણ પ્રમાણમાં શિક્ષિત હોય તથા સાચી માહિતી ધરાવતા હોય તેવા લોકો પણ જ્યારે પરિવારમાં સેક્સ વિશે વાત કરી શકતા નથી ત્યારે અભણ તથા રૂઢિચુસ્ત લોકો પાસેથી આવી આશા રાખવી વધારે પડતું છે.
ખતરનાક જાતીય રોગ એઇડ્સ પણ સેક્સ એજ્યુકેશન માટેનું એક સબળ કારણ છે. વિવાદોને લીધે ટ્વિટર પર હર્ષ'બર્ડન' તરીકે પ્રસ્થાપિત થયેલા યુનિયન હેલ્થ મિનિસ્ટર ડો. હર્ષવર્ધન કોન્ડોમને બદલે સંયમની સલાહ ભલે આપે, પણ સંયમ એ એક નૈતિક મૂલ્ય ગણીએ તો પણ નૈતિક મૂલ્યો પ્રાયોગિક ધોરણે પ્રસ્થાપતિ થવાં જરૂરી છે. આમ ત્યારે જ શક્ય છે જ્યારે દરેક પાસે યોગ્ય વૈજ્ઞાાનિક જાણકારી હોય. સંયમ મનની બાબત છે, જ્યારે જાણકારી અને સાધન તે આંખે દેખી શકાય તેવી વૈજ્ઞાાનિક બાબત છે. હાલ, દેશમાં સેક્સ એજ્યુકેશનના નામે જાહેર મુતરડીઓ-શૌચાલયોનું સાહિત્ય, સસ્તી ફિલ્મોનાં દૃશ્યો તથા રેલવે/બસસ્ટેશને વેચાતાં પુસ્તકો ચાલે છે, પણ દેશનું ભવિષ્ય તથા અનેક લોકોની જિંદગી તેમના નામે દાવ પર લગાવી શકાય નહીં. ધાર્મિક-પરંપરાગત-રૂઢિચુસ્ત વિરોધોને અવગણીને કિશોર-કિશોરીઓ માટે યોગ્ય યૌન શિક્ષણ નીતિ ઘડાય અને તેમાં અદૃશ્ય સંયમની વાતો નહીં પણ નક્કર વૈજ્ઞાાનિક સત્યોનો સમાવેશ કરાય તે જરૂરી છે.
e.mail: mmehul.sandesh@gmail.com
સૌજન્ય : ‘વિગતવાર’ નામે લેખકની કટાર, “સંદેશ”, 2 July 2014 :
http://www.sandesh.com/article.aspx?newsid=2958216