પ્રકાશ ન. શાહ : પંચોતેરમે
• ઉર્વીશ કોઠારી
’આવતી કાલે પ્રકાશભાઈને પંચોતેરમું વર્ષ બેસશે’ એવું બિનીત મોદીએ ગઈ કાલે કહ્યું, ત્યારે મેં ફક્ત ’હા, હં’ કહીને નોંધ લીધી ને ફોન મૂકી દીધો. પછી આજે સવારે વિચાર આવ્યો કે ઝડપથી અને શોર્ટ નોટિસમાં મળી શકે એવા પ્રકાશભાઈના પ્રેમી મિત્રો એમના ઘરે ભેગા થઈએ. ’મઝા આવશે’ એ તો પ્રકાશભાઈને મળવાનું હોય એટલે નક્કી જ હોય.
એવી રીતે અમે થોડા મિત્રો મળ્યા. બિનીત મોદીને કેક લાવવાની જવાબદારી સોંપી હતી. (સોરી, દીનાનાથ બત્રા). બિનીત મોદી જગતમાં એક જ અને અનોખી જણસ છે. એ કેકની દુકાનેથી બિલ લાવ્યો, પણ કોના નામનું? ‘પી.યુ.સી.એલ., રિપબ્લિક ઓફ ચાઇના.’ (પી.યુ.સી.એલ. – પિપલ્સ યુનિયન ઓફ સિવિલ લિબર્ટીઝ – સાથે પ્રકાશભાઈના સંબંધો જાણનારા આ બિનીતબ્રાન્ડ જોક વધારે માણી શકશે.)
અપેક્ષા મુજબ જ અમે ભારે જલસા કર્યા. પ્રકાશભાઈના પરમ મિત્ર અને અમારા સ્નેહી વડીલ વિપુલ કલ્યાણી (લંડન) સાથે ફોન પર ગોષ્ઠિ કરીને તેમને પણ મહેફિલમાં સામેલ કર્યા.
’નવગુજરાત સમય’ના તંત્રી અને ’(વર્ષો પહેલાં વડોદરા લોકસત્તામાં) પ્રકાશભાઈએ 'મને બસની ટિકીટની પાછળ અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપ્યો હતો’, એવું વખતોવખત ગૌરવપૂર્વક કહેનારા અજય ઉમટ પણ તેમને વિશ કરવા આવ્યા હતા. આ ઘરેલુ જલસા-પાર્ટીની થોડી તસવીરો પ્રકાશભાઈના પ્રેમીઓ-ચાહકોના લાભાર્થે મૂકું છું. સાથોસાથ, થોડા વખત પહેલાં જસવંતભાઈ રાવલે ’નયા પડકાર’ માટે પ્રકાશભાઈ વિશે મારી પાસે એક લેખ લખાવ્યો હતો. એ લેખ પણ અહીં મૂકું છું. એને પ્રકાશભાઈનો સ્નેપ-પ્રોફાઇલ કહી શકાય.
તો આ તસવીરો .. અને પછી લેખ ..
પ્રકાશભાઈના જાહેરજીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા – કટોકટી અને જેલવાસના વર્ષ 1975 અને 75માં વર્ષનો મેળ બેસાડતું બિનીતભાઈ મોદીનું લખાણ.
બેકરીવાળાને ગુજરાતી લખતાં ન આવડે એટલે જાતે જ લખવું પડ્યું !
પ્રકાશભાઈને ચોકલેટ ખવડાવીને બાકાયદા મોં મીઠું કરાવતા બિનીતભાઈ મોદી, વચ્ચે અજયભાઈ ઉમટ અને પાછળ દિવ્યેશભાઈ વ્યાસ
કેક કાપવા વિશે પ્રકાશભાઈ એકાદ સારો શબ્દ આપે એની રાહ જોઈએ. [પ્રકાશભાઈ – નયનાબહેન]
પ્રકાશભાઈ − નયનાબહેન
ડાબેથી : બિનીતભાઈ મોદી, દિવ્યેશભાઈ વ્યાસ, અજયભાઈ ઉમટ, પ્રકાશભાઈ ન. શાહ, આશિષભાઈ કક્કડ, ઉર્વીશભાઈ કોઠારી
મંડળી મળવાથી થતા ફાયદા : નયનાબહેન શાહ, પ્રકાશભાઈ ન. શાહ, આશિષભાઈ કક્કડ, દિવ્યેશભાઈ વ્યાસ, કેતનભાઈ રૂપેરા, સંજયભાઈ ભાવે, બિનીતભાઈ મોદી
નયનાબહેન, પ્રકાશભાઈ, આશિષભાઈ કક્કડ, સંજયભાઈ ભાવે, ઉર્વીશભાઈ કોઠારી, કેતનભાઈ રૂપેરા, દિવ્યેશભાઈ વ્યાસ
પ્રકાશ ન. શાહ : અડીખમ નાગરિકધર્મનું મુક્ત હાસ્ય
આ અગાઉ 17 માર્ચ 2014ના રોજ, “અોપિનિયનમેગેઝિન”ની વેબસાઇટ પર ઉર્વીશભાઈ કોઠારીનો આ લેખ મુકાયેલો હોવાથી, તેની આ કડી [link] અહીં આપીએ છીએ :
https://opinionmagazine.co.uk/details/769/પ્રકાશ-ન.-શાહ-ઃ-અડીખમ-નાગરિકધર્મનું-મુક્ત-હાસ્ય
સૌજન્ય : http://urvishkothari-gujarati.blogspot.in/2014/09/blog-post_12.html
ગયા ફેબ્રુઆરી વેળા સંજયભાઈ ભાવેનો આ લેખ “નવગુજરાત સમય”માં પ્રગટ થયેલો તે પણ અહીં સાદર લઈએ છીએ :
નમતા પહોરે જ્ઞાનપ્રકાશ
• સંજય શ્રીપાદ ભાવે
વિચારપત્ર ‘નિરીક્ષક’ ના કર્મશીલ સંપાદક અને પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રકાશ ન. શાહનાં એકંદરે ઇતિહાસ વિશેના વ્યાખ્યાનોમાં દર મંગળવાર અને શુક્રવારના નમતા પહોરનો દોઢ કલાક જ્ઞાનપ્રકાશથી ઝળાંઝળાં હોય છે. વક્તા વિદ્યાવંત અનંત ભાસે છે.
ગુજરાત વિદ્યાપીઠના અહિંસા શોધ ભવનમાં ચાલતી વ્યાખ્યાનમાળાનું નામ છે ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’. [આ લયગહન પંક્તિથી ઉમાશંકર જોશીનું વિશિષ્ટ ખંડકાવ્ય ‘વિશ્વશાંતિ’ (1926) શરૂ થાય છે. તેમાં ગાંધી અને ગાંધીયુગનો મહિમા છે.]
સત્તર જાન્યુઆરીથી શરૂ થયેલી અને ચૌદ માર્ચે પૂરી થનારી વ્યાખ્યાનમાળાનું પ્રકાશભાઈએ પેટાશીર્ષક આપ્યું છે – ‘નવજાગરણથી સ્વરાજનિર્માણ સહિતની વૈચારિક જદ્દોજહદ : વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં’. વ્યાખ્યાનમાળા જેમના નામ સાથે જોડાયેલી છે તે આચાર્ય કૃપાલાની (1888-1982) પ્રકાશભાઈના એક આરાધ્ય સમાજઅગ્રણી, ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ આચાર્ય અને ગાંધીવિચારના સ્વતંત્રમતિ ભાષ્યકાર. ગાંધીજી અને કૃપાલાની મળ્યા તે 1915ના ભારતના માહોલનું ચિત્ર પ્રકાશભાઈએ પહેલા વ્યાખ્યાનમાં આપ્યું.
સમાંતરે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધનાં એટલે કે નવજાગરણનાં વર્ષો આવ્યાં. બીજા વ્યાખ્યાનમાં પ્રકાશભાઈએ, જેનું આ શતાબ્દી વર્ષ છે તે, ગદર પાર્ટીને શસ્ત્રોથી ઉપર ઊઠી ચૂકેલાં માનવતાવાદી સંગઠન તરીકે મૂલવી. ત્યાંથી તે યુરોપિયન રેનેસાંમાં પહોંચ્યા અને ફરી પાછા નર્મદ-દલપત, બંકિમ-રવીન્દ્રના કાળમાં ગયા, ત્યાંથી ઔદ્યોગિકરણવાળા ઇંગ્લેન્ડમાં, અને દસ વ્યાખ્યાનોમાં પછી …. !
''દર્શક'ના દેશમાં હીંચકે મહાલતા પ્રકાશ ન. શાહ અને મનુભાઈ પંચોળી 'દર્શક'
પ્રકાશને કોણ રોકે? તેની ગતિ અને દિશાની આછીપાતળી રૂપરેખા આપવી ય મુશ્કેલ છે. વક્તવ્યવિહાર માનવવિદ્યાઓ અને સમાજશાસ્ત્રની અનેક શાખા પ્રશાખાઓમાં ઉન્મુક્તપણે થતો રહે છે. સાથે સાહિત્ય, જાહેરજીવન અને સમૂહમાધ્યમો હોય છે. પ્રચલિત અને અદ્યતન પ્રવાહો હોય છે. ગાંધીવિચાર તરફ વારંવાર જવાનું થાય છે. [જ્ઞાનના સાગરપંખીનો વિહાર આકાશમાં હોય અને નજર ધરતીપરના સમાજવાસ્તવ પર.] ધ્યેય સ્વાતંત્ર્ય-સમતા-બંધુતાની મૂલ્યત્રયી પર વસેલા શાણા સમાજનું હોય છે.
ટૉલ્સ્ટૉય અને થૉરો, માર્ક્સ-સ્પેન્સર-આદમ સ્મિથ, સાવરકર અને આંબેડકર, રામ અને કૃષ્ણ, ચાર્લ્સ ડિકન્સ અને કૉલિન વિલ્સન, જયપ્રકાશ નારાયણ અને જયંતિ દલાલ હોય. ત્રિકાળ-ત્રિલોકમાંથી કયા વ્યક્તિવિશેષો પ્રકાશભાઈની હડફેટે ચડે અને વિચક્ષણ વક્તા તેનાં કેવાં નવલાં દર્શન કરાવે તે કહેવાય નહીં. સવાસો જેટલા જણ અત્યાર સુધી હડફેટે ચઢ્યા છે એક ગણતરી મુજબ.
બીજી એક ગણતરી મુજબ પ્રકાશભાઈએ અત્યાર સુધીના દસ વ્યાખ્યાનોમાં પ્રતીતિકર રીતે ટાંકેલાં પુસ્તકોની સંખ્યા સો જેટલી છે. [આ માહિતી, બધાં વ્યાખ્યાનોમાં નોંધો લેતા અને કેટલાકનો સાર રજૂ કરતા કૉલેજના વિદ્યાર્થી પાર્થે કરી છે (પત્રકારત્વમાં ભણતી શૈલી વિડિયો રેકૉર્ડિંગ કરે છે).] તેમાં સંખ્યાબંધ નવલકથાઓ, જીવનચરિત્રો, સંશોધનો તેમ જ જે તે વિષયના પાયાના આકરગ્રંથો છે. સાથે માઇઆ રામનાથના ‘હજ ટુ યુટોપિઆ’ કે રામચન્દ્ર ગુહાના ‘ગાંધી બિફોર ઇન્ડિયા’ જેવા તાજા અભ્યાસો પર ટિપ્પણી પણ હોય છે.
સમગ્ર વિવેકાનંદ−મુનશી–દર્શક, મોટાભાગના રસેલ અને ગાંધી; મહાદેવભાઈની ડાયરીના ઓગણીસ, વિલ ડ્યુરાંની ‘સ્ટોરી ઑફ સિવિલાઇઝેશન’ના અગિયાર અને ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથાના છ ખંડ જેવા પ્રકાશભાઈએ ઉલ્લેખેલાં પુસ્તકોનો ઉપરોક્ત સંખ્યામાં સમાવેશ નથી !
આવા જ્ઞાનસાગરમાંથી માહિતીનાં કેવાં અચંબો પમાડનારાં મોતી નીકળે – નર્મદે દાદાભાઈ નવરોજીના અકાઉન્ટન્સીના વર્ગો ભરેલા, લોકમાન્ય ટિળકે મુંબઈમાં પડાવેલી કામદારોની હડતાળની નોંધ લેનિને લીધી હતી, [લાલશંકર ઉમિયાશંકર વિવેકાનંદના અમદાવાદના યજમાન હતા,] સાવરકર-કૃપાલાની-કાલેલકર ફર્ગ્યુસન કૉલજમાં સહપાઠીઓ હતા, ગદ્દર પાર્ટીના મંગુરામ ચમારે પંજાબમાં માનવતાવાદી આદિધર્મ શરૂ કરેલો, દુર્ગા ભાગવત અને બાબુભાઈ જશભાઈ વચ્ચે પ્રભાતિયાંની હરીફાઈ થઈ હતી. આ યાદી બહુ લાંબી થઈ શકે.
મોટી વાત એ કે વિરલ વિદ્વત્તાભર્યા આ વ્યાખ્યાનોની રજૂઆતમાં એટલી જ વિરલ હળવાશ હોય. સહજ હાસ્ય હોય, જેમ કે ‘બ્રૂમફીલ્ડ નામ આપણા સુખદેવભાઈને ગમે તેવું છે’. સંદર્ભસભર નર્મવિનોદ હોય – ‘ધુમકેતુમાં ગામડાનું એટલું સરલીકરણ હોય કે તેમણે જિબ્રાન વાંચ્યા છે કે નહીં એ નક્કી ન થઈ શકે.’ કટાક્ષ હોય – ‘નરેન્દ્ર નામ કંઈ સાઠ વર્ષ પહેલાં જ પડ્યું છે એવું નથી.’
અનેક વિચાર-ચમકારામાંથી આ બે દાખલા : દલપરામનું વઢવાણથી અમદાવાદ આવવું એટલે ગુજરાતનું મધ્યયુગનું રેનેસાંમાં પ્રવેશવું; ગોવર્ધનરામ ખેડા જિલ્લાની તમાકુની ખળીઓમાંથી નીકળ્યા હોત તો કલ્યાણગ્રામની જગ્યાએ સેવાગ્રામ ઘણું વહેલું આવ્યું હોત.
પ્રકાશભાઈ વાતવાતમાં ગુજરાતી ભાષાના લાડ લડાવે છે. તેમાં સુંદર અંગ્રેજી પ્રયોગો ડોકાય છે. ‘દેવભાષા’ના અવતરણોનો ઉપયોગમાં એમના જેવી સહજતા જવલ્લે જ જોવા મળે છે. વ્યાખ્યાન આપતી વખતે પ્રકાશભાઈનું આખું ય શુભ્રોજ્જ્વલ વ્યક્તિત્વ તેની તમામ હળવાશ સાથે દીપી ઊઠતું હોય છે. કોઈ પૂછે કે શ્રોતાઓને આ વ્યાખ્યાનોમાંથી શું મળે ? એક શ્રોતા તરીકેનો જવાબ છે : ‘પ્રકાશમાંથી શું ન મળે ?’
21 ફેબ્રુઆરી 2014
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : 26 ફેબ્રુઆરી માટે / ‘કદર અને કિતાબ’
http://epaper.navgujaratsamay.com/details/835-7021-1.html