મૂડીવાદનો જન્મ આજકાલમાં થયો નથી. અમેરિકા તેનો જન્મદાતા નથી. માનવીની સામાજિક જરૂરિયાતમાંથી તે પેદા થયેલ છે. તે કોઈ એકલદોકલ વ્યક્તિ કે ઔદ્યોગિક એકમનું સર્જન નથી. જ્યારે કૃષિ આધારિત સામાજિક જીવનની અસરો જેવી કે માનવીના વ્યક્તિગત જીવન પર ધર્મ, રાજાશાહી અને સામંતશાહીની નાગચૂડ પકડનું સંપૂર્ણ વર્ચસ્વ હતું તેની સામે બળવા (રિબેલ) કે ક્રાંતિ તરીકે મૂડીવાદનો જન્મ થયો હતો. તેણે માનવીને ચર્ચ, જમીનદાર અને રાજા જે બધા ઈશ્વરી કૃપાના કાલ્પનિક દાવાથી અમાપ સત્તા ભોગવતાં હતાં તે બધાંને પડકારીને માનવને કેન્દ્રમાં રાખીને નવી સમાજ, રાજ્ય ને અર્થવ્યવસ્થાનું સર્જન કર્યું. આ રીતે મૂડીવાદ માનવમુક્તિનું પ્રેરકબળ બન્યો. મૂડીવાદના વિકસતા જતા સર્વ પ્રકારનાં પરિબળની મદદથી ક્રમશઃ માનવીએ રૂઢિચુસ્ત કુટુંબપ્રથા, પરંપરાગત ધંધાકીય આર્થિક વ્યવસાયો અને રાજાશાહી સામે લોકશાહી રાજ્યપ્રથાને ઉત્ક્રાંત કરી, કારણ કે તેના પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને તેનો વિકાસ કરવા માટે તે પ્રથા અનિવાર્ય હતી. મૂડીવાદ અને લોકશાહી બંનેના કેન્દ્રમાં માનવી હતો. જો કે માનવસમાજના આ વિકાસના તબક્કાને કૃષિવ્યવસ્થા અને તેના આધારે પેદા થયેલી સંસ્કૃિત(કલ્ચર)ને ઝડપથી હાંસિયામાં ધકેલી દઈને ઔદ્યોગિકીકરણ આધારિત જે સમાજ બન્યો. તે મૂડીવાદી સમાજ નહીં પણ ઔદ્યોગિક સમાજ બન્યો હતો. નવા સમાજનાં બધાં જ લક્ષણો જૂના કૃષિસમાજની વિરુદ્ધ એટલા માટે હતાં કે તે રેનેસાં-યુગની જ્ઞાનઆધારિત સંશોધનો ને માહિતીની નીપજ હતાં. મૂડીવાદ એ નવા ઔદ્યોગિક સમાજનું ચાલકબળ એટલા માટે બન્યો કે તેણે વિશ્વભરના સમાજોમાં છેલ્લાં દસ હજાર વર્ષોમાં શિકારયુગ ત્યજીને પેદા થયેલ માનવને કૃષિસંસ્કૃિતનો વિકલ્પ આપ્યો છે, જેને ખૂબ જ ઝડપથી સર્વત્ર સ્વીકારવામાં આવી રહ્યો છે.
હવે મૂડીવાદી અર્થવ્યવસ્થાના વર્તમાન સ્વરૂપનું પૃથક્કરણ કરીએ તે પહેલાં ઔદ્યોગિક સમાજના ચાલકબળ તરીકે મૂડીવાદે છેલ્લાં પાંચસો વર્ષોમાં માનવજાતને કૃષિયુગનાં દસ હજાર વર્ષોના સમયગાળાની સરખામણીમાં ક્યાં લાવીને મૂકી દીધી છે, તે વાસ્તવિક રીતે જોવાની જરૂર છે.
છેલ્લાં બસો વર્ષોમાં વિશ્વમાં ગરીબી માનવજાતનાં ત્રણ હજાર વર્ષના સમગ્ર સમયગાળાની સરખામણીમાં ખનિજતેલના ઉપયોગને કારણે ઘણી ઓછી થઈ છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેતીલાયક અડધી જમીનમાંથી બધી ખેતીલાયક જમીન જેટલું ખેતઉત્પાદન સહેલાઈથી લઈ શકાય છે. વિશ્વનું ૬૦ ટકા ખેતઉત્પાદન ખનિજ તેલમાંથી પેદા થતાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પર બિલકુલ આધારિત છે. સને ૧૯૮૧ પછીના ત્રણ દાયકામાં જેને ‘સંપૂર્ણ ગરીબ’, જેની પ્રતિદિનની આવક ૧ ડૉલર ને ૨૫ સેન્ટ છે, તે ૫૩ ટકાથી ઘટીને ૧૭ ટકાએ પહોંચી છે. ઓછી આવકવાળા દેશોમાં જે લોકોનું સરેરાશ આયુષ્ય ૨૫થી ૩૦ વર્ષ હતું તે વધીને ૬૨ વર્ષે પહોંચ્યું છે. રાસાયણિક ખાતરોના ઉપયોગ સિવાય આજની આશરે ૬ અબજ કરતાં વધારે વસ્તીને અનાજ પૂરું પાડવા આખા દક્ષિણ અમેરિકાખંડ અને યુરોપીય યુનિયનના દેશોની તસુએ તસુ જમીનનો ઉપયોગ કરવો પડે તો પણ તેટલું અનાજ ઉત્પાદન લઈ શકાય નહીં. આ ઉપરાંત સામૂહિક શિક્ષણ, આરોગ્ય, વૈજ્ઞાનિક શોધો, વાહનવ્યવહારનાં સાધનોની વૈશ્વિક સગવડ, પ્રમાણમાં કાયદાનું શાસન આવી-ગણી ગણાય નહીં તેવી શોધો ને સગવડો મૂડીવાદે ઔદ્યોગિક સમાજના માળખામાં રહીને પૂરી પાડી છે.
મૂડીવાદના બે અગત્યના પાયાના આધારસ્તંભો છે ઉત્પાદન અને વહેંચણી (પ્રોડક્શન ઍન્ડ ડિસ્ટ્રિબ્યૂશન). માનવીય શોષણનો મુદ્દો ‘વહેંચણી’માં આવે છે. કાર્લ માર્ક્સથી માંડીને ઘણા બધાનું તારણ છે કે ઉત્પાદનની પ્રવૃત્તિ, જમીન, યંત્રો કે મૂડી કરતી નથી, પણ તે બધાં જ ઉત્પાદનનાં સાધનોનો ઉપયોગ કરતા ‘માનવશ્રમ’નું પરિણામ છે. માનવશ્રમની મદદથી જે કુલ ઉત્પાદન થાય છે તેના કરતાં ઘણું બધું ઓછું વળતર વેતન તરીકે માનવશ્રમ કરનાર મજૂરને મળે છે. આ મુદ્દા ઉપર કદાચ કાર્લ માર્ક્સ જેટલું તાર્કિક પૃથ્થકરણ ભાગ્યે જ બીજા કોઈએ કર્યું છે. પણ તેમાં આજના ઔદ્યોગિક સમાજે એકત્ર કરેલી બચત-સરપ્લસમાંથી મૂડીવાદે પેદા કરેલ ભૌતિક શ્રમ બચાવનાર સંશોધનો, રિસર્ચ અને કમ્પ્યૂટર, ઇન્ટરનેટ ને મોબાઇલ કે સેલફોન જેવી કૉમર્શિયલ ચીજવસ્તુઓનો ફાળો ફક્ત અગત્યનો અને ચાવીરૂપ છે.
માર્ક્સે પોતાના પુસ્તક ‘થિયરી ઑફ સરપ્લસ વૅલ્યુ’(દાસ-કૅપિટલના ત્રણ ભાગમાંના એક ભાગ તરીકે)માં મૂડીવાદી અર્થવ્યવસ્થા પોતાનાં આંતરિક પરિબળોની વિરોધાભાસી સક્રિય કામગીરીથી તૂટી પડશે તે સમજાવ્યું છે. તેમાં કેવી રીતે મૂડીવાદ ‘ઓછું આપવું અને વધુ એકત્ર કરવું’ તેવાં સ્વભાવગત લક્ષણોને કારણે એક એવી સ્થિતિએ (પાછા આવી ન શકાય કે વળી ન શકાય) પહોંચશે, જેમાં બેકારોની અનામત ફોજ (ઇન્ડસ્ટ્રિયલ રિઝર્વ આર્મી)ને કારણે માંગની મંદી સર્જાતાં મૂડીવાદી વ્યવસ્થા આપમેળે જ તૂટી પડશે. શોષિતો જ શોષણ કરનારાઓને પૂરા કરી દેશે.
માર્ક્સના તારણો કેમ ખોટાં પડ્યાં તેની વિગતોમાં જવા માટેનો આ લેખનો હેતુ નથી, પણ ઔદ્યોગિક સમાજવ્યવસ્થાએ પેદા કરેલ મૂડીવાદે હજુ તેની ક્રાંતિકારી ગતિશીલતા ગુમાવી દીધેલ નથી. છેલ્લાં એકસો પચાસ વર્ષોમાં માર્ક્સે જે કામદારો અને મધ્યમવર્ગની સ્થિતિનું તારણ કાઢ્યું હતું તેના કરતાં બિલકુલ વિપરીત આર્થિક અને સામાજિક સ્થિતિનું સર્જન આધુનિક મૂડીવાદની મદદથી ઔદ્યોગિક દેશોમાં અસ્તિત્વમાં આવેલા કલ્યાણરાજયના અર્થતંત્રે (વેલફેર સ્ટેટ ઇકોનોમિક્સ) કર્યું છે. આ બધા દેશોનો કામદાર અને મધ્યમવર્ગ માર્ક્સે પોતાના મૂડીવાદનાં તારણોમાંથી ઉપજાવેલો વંચિતોનો છડીદાર કે અગ્રેસર બન્યો નથી. માર્ક્સના શ્રમજીવી ક્રાંતિના સિદ્ધાંતોને પ્રમાણમાં અમલમાં મૂકવાનો પ્રયત્ન કરતાં સોવિયેટ રશિયા અને પૂર્વ યુરોપના દેશોમાં સામ્યવાદી ક્રાંતિની કસુવાવડ એટલા માટે થઈ ગઈ કે તેઓએ માર્ક્સના એ તારણમાં દૃઢ વિશ્વાસ રાખ્યો કે મનુષ્ય ફક્ત ‘આર્થિક પ્રાણી છે અને તે તેના જન્મની સાથે દાતરડું અને હથોડી લઈને જન્મેલો છે.’
૨૧મી સદીનો મૂડીવાદ વૈશ્વિક છે. તેણે રાષ્ટ્ર-રાજયની રાષ્ટ્રીય અને ભૌગોલિક સીમાઓ અપ્રસ્તુત બનાવી દીધી છે. તેના આર્થિક, વહીવટી અને માળખાગત સંચાલન માટે આધુનિક શૈક્ષણિક કુશળતા કે નિપુણતા પ્રાપ્ત કરેલ વિકેન્દ્રિત, ભાગીદારીવાળી માનવીય નિર્ણયપ્રથા અનિવાર્ય બની છે. તે સર્વ પ્રકારનાં માનવીય અને કુદરતનાં ક્ષેત્રોમાં નિરંતર વિકસતા જતા જ્ઞાન-વિજ્ઞાનની નીપજ છે. આર્થિક ક્ષેત્રે ભલે તેનું સ્વરૂપ રાક્ષસી કદનું બન્યું હોય પણ તેના સંચાલનનું સત્તાકીય માળખું તો વધુ ને વધુ વિકેન્દ્રિત બન્યું છે અને હજુ બનતું રહેવાનું છે. તે અઢારમી સદીના પેલા પોલિટિકલ ઇકોનૉમિસ્ટ એડમ સ્મિથના શ્રમ – વિભાજનના (ડિવિઝન ઑફ લેબર) સિદ્ધાંતના કાર્યક્ષેત્રની બહાર ક્યારે ય જઈ શકશે નહીં. જે આર્થિક પ્રવૃત્તિ શ્રમવિભાજન સિદ્ધાંતને આધારે સર્વપ્રકારનાં શિખરોને આંબવાની નેમ રાખીને પ્રગતિ કરતી હોય તે સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં નિર્ણયો અને સત્તાનું કેન્દ્રીકરણ કે આપખુદશાહીવાળાં વ્યવસ્થાકેન્દ્રોને લાંબા સમય સુધી ચલાવી શકે જ નહીં.
ઔદ્યોગિક સમાજના ચાલકબળરૂપ મૂડીવાદ, ૧૭ અને ૧૮ સદીનાં માનવમૂલ્યો કેન્દ્રિત રેનેસાં ચળવળનું પરિણામ છે. જ્યાં સુધી તેનાથી માનવમૂલ્યો આધારિત સશક્તીકરણની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, ત્યાં સુધી તે જીવંત રહેશે. તેની અપ્રસ્તુતતા પેદા કરવા માટે આપણે ભૂતકાળનાં યશગાન ગાવાને બદલે તેનાથી વધુ શક્તિશાળી સૌપ્રથમ તો વૈચારિક રચનાત્મક ભૂમિકા તો તૈયાર કરવી પડશેને!
[16 સપ્ટેમ્બરના અંકમાં ડૉ. ભરત શાહના લેખ 'મૂડીવાદની માયાજાળ'ના પ્રતિભાવરૂપે]
e.mail :shroffbipin@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2015; પૃ. 06-07