લેટેસ્ટ સર્વે કહે છે કે ધર્મમાં માનનારા ઘટયા છે, યે બાત કુછ હજમ નહીં હૂઈ ! ધર્મ પાખંડીઓને કારણે વારંવાર વગોવાયો છે તો ક્યારેક તેને અફીણ કહીને ઉતારી પડાયો છે, છતાં ધર્મ ટક્યો છે. કમનસીબે ધર્મને નામે ધતિંગ કરનારા વધ્યા છે એટલે ધર્મ અંગેની સમજને સ્પષ્ટ કરવી અને સુધારવી જરૂરી બની છે, સાચું ને ?
છત્તીસગઢમાં કોંગ્રેસની પરિવર્તન રેલી પર નક્સલવાદીઓના હિચકારા હુમલાના સમાચાર વાંચતાં જ ભૂદાન યજ્ઞ આદરીને નક્સલવાદનો સર્વોદયી ઉકેલ આપનારા વિનોબા ભાવેનું સ્મરણ સ્ફુરી ઊઠયું. અહીં ધર્મ અંગે ચર્ચા કરવી છે ત્યારે અઠંગ અને અનન્ય ગાંધીજન એવા વિનોબાએ આપેલું સૂત્ર પણ સાંભરે છે, વિજ્ઞાન + ધર્મ = શાંતિ (વિકાસ) અને વિજ્ઞાન + અધર્મ = અશાંતિ (વિનાશ). વિજ્ઞાન અને ધર્મને સદીઓથી આપણે એકબીજાની સામસામે મૂકતા આવ્યા છીએ ત્યારે વિનોબાએ તેને જોડીને વિકાસનો માર્ગ ચીંધ્યો હતો. બર્ટ્રાન્ડ રસેલે પણ વિજ્ઞાન અને ધર્મને સાંકળીને સુંદર વાત કરી હતી, ‘ધર્મ વિનાનું વિજ્ઞાન લૂલું છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો છે.’ આજે વિજ્ઞાન વિકસ્યું છે તો સાથે સાથે ધર્મનો વિસ્તાર પણ ઘણો વધ્યો છે. છતાં એ બન્ને વચ્ચે સેતુ સાધવાનું કામ હજુ ઉપેક્ષિત જ રહ્યું છે.
તાજેતરમાં વિન ગેલપ નામની સંસ્થાનો ગ્લોબલ ઇન્ડેક્સ ઓફ રિલિજિયોસિટી એન્ડ એથિઝમનો લેટેસ્ટ સર્વે જારી થયો છે. આ સર્વે કહે છે કે ભારતમાં ધર્મમાં માનનારા લોકોની સંખ્યા ઘટી છે. આંકડા બોલે છે કે વર્ષ ૨૦૦૫માં ભારતના ૮૭ ટકા લોકો ધર્મમાં આસ્થા ધરાવતા હતા, પરંતુ ૨૦૧૩માં આ આંકડો ઘટીને ૮૧ ટકાએ આવી પહોંચ્યો છે ! શું ખરેખર લોકો ધર્મમાંથી શ્રદ્ધા ગુમાવી રહ્યા છે? આધુનિક માનવીએ ધર્મ નામના 'અફીણ'ને અલવિદા કરી દીધી છે? મંદિરોમાં દર્શન માટે લાગતી લાંબી લાંબી લાઇનો, પગપાળા યાત્રાઓમાં ઉમટતાં ટોળેટોળાં, ઉમંગભેર ઊજવાતા ધાર્મિક ઉત્સવો વગેરેને જોતાં ભાગ્યે જ કોઈ આ સર્વે સાથે સહમત થઈ શકે. આજે બાધા-આખડી રાખનારા લોકોની કમી નથી. આધુનિક ગણાતા શહેરી લોકો પણ મંત્ર-તંત્રમાં અંધશ્રદ્ધા ધરાવતા હોવાના પુરાવા ઠેર ઠેર મળતાં રહે છે. સુશિક્ષિત લોકો પણ પોતાની વ્યક્તિગત સમજ કરતાં સાધુ-બાવાઓ-મુલ્લા-પાદરીની સલાહને વધારે મહત્ત્વ આપતા જોવા મળે છે. કહેવાતી ધાર્મિક ચેનલો મનોરંજન ચેનલો જેટલો જ ટી.આર.પી. ઉસેટી રહી છે. આવા માહોલમાં ધર્મ-સંપ્રદાયનું વર્ચસ્વ વધ્યું હોવાના જાગતા પુરાવા મળી રહ્યા છે.
આધુનિક માનવીએ ધર્મથી અળગા થઈ જવાની નહીં તેને ઓળખવાની જરૂર છે. ધર્મ અને શ્રદ્ધાના નામે ચાલતાં પાખંડ અને ધતિંગો સામે તેણે આંખ ઉઘાડવી જ નહીં બલકે લાલ પણ કરવી પડે. કમનસીબે એવું ભાગ્યે જ થઈ રહ્યું છે. આજનો માનવી વિજ્ઞાનની દેણ સમી નિતનવી શોધ-સંશોધનોનો ઉપભોગ તો કરે છે, પણ તેનામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસ્યો હોય એવું ઓછું જોવા મળે છે અને એટલે જ ધર્મને નામે સદીઓથી ચાલતાં ધતિંગો આજે પણ ધૂમ મચાવી રહ્યાં છે. શ્રદ્ધાના નામે ફેલાવાતી અંધશ્રદ્ધાનાં અંધારાં એકવીસમી સદીમાં પણ ઉલેચાયાં નથી. દોષનો ટોપલો ધર્મને પોતાના પિતાની ધોરાજી સમજીને કંઈ પણ હાંક્યે રાખનારા પાખંડીઓ પર ચોક્કસ ઢોળી શકાય પણ શું ધર્મ અંગેની આપણી અડધીપડધી-અધકચરી અને તકવાદી સમજનો આમાં કંઈ જ વાંક નથી? આ અંગે પણ થોડું વિચારવું રહ્યું.
ધર્મ એટલે કોઈ સંપ્રદાયના ચોક્કસ નિયમોનું પાલનમાત્ર છે? ધર્મ એટલે કોઈ સાધુ-બાવાનાં વચનોને દિમાગની બત્તી બુઝાવીને સાંભળ્યે રાખવાની ફરજમાત્ર છે? કોઈ ધર્મ શું તમને અન્ય ધર્મ કે સંપ્રદાયના દુશ્મન બનાવે ખરો? ધર્મ તમને ગાડરિયા પ્રવાહમાં વહાવ્યે રાખે ખરો? ધર્મ તમને સુધારે નહીં પણ પંપાળ્યે રાખે ખરો? ના, ના અને ચોખ્ખી ના ! ધર્મ તો માણસની પ્રકૃતિગત પશુતાને પાછળ રાખીને ખરા અર્થમાં માણસ બનાવે છે, માનવતાનાં પીયૂષ પાતો હોય છે.
ધર્મ એ એટલી વિશાળ અને જનસામાન્ય (કોમન) બાબત છે કે તેને કોઈ એક પરિભાષા કે માળખામાં બેસાડી શકાય નહીં. કદાચ એટલે જ આપણે ત્યાં અનેક ધર્મો અને સંપ્રદાયો સ્થપાયા છે, પણ એમાં ય છેવટે તો ધર્મને એક વિચારધારામાં કે રીતભાતોમાં જ સીમિત કરી દેવાતો હોય છે. ધર્મ તો જાતને સતત સુધારતા જવાની અવિરત પ્રક્રિયા છે. ધર્મ તો દુર્ગુણોને ત્યાગીને સદ્દગુણોને વિકસાવવાની કવાયત છે. ધર્મ તો મર્યાદાઓ અને સંકુચિતતાઓના વાડાઓને લાંઘીને ઉદારતા અને વિશાળતા પામતા જવાની દિશાદોરી છે. માણસ વિચારતો થાય, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે પોતાની આજુબાજુના માહોલને મૂલવતો જાય તેમ જ પોતાના અનુભવોમાંથી નિતનવું શીખતો જાય, સમજ અને શાણપણ વધારતો જાય ત્યારે તે પોતાના સ્વધર્મને પામે છે, જેનો બોધ ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્દ ભગવદ્દગીતા થકી આપ્યો હતો.
ખરો ધર્મ તો માણસને વિચાર કરતો કરે, નહીં કે કોઈ એક વિચારમાં બાંધી દે. જે. કૃષ્ણર્મૂિતએ એક સુંદર વાત કરી હતી કે ‘કોઈ વિચાર જ્યારે થીજી જાય છે ત્યારે તેનાથી સંપ્રદાયની ઇમારત ચણવામાં આવતી હોય છે.’ કોઈનો થીજેલો વિચાર તમારું ભલું કરી શકે નહીં, તમારું સત્ય તમારે જ શોધવું પડે અને એ જ રીતે તમારો ધર્મ પણ તમારે પોતે જ ઘડવો પડે
http://sandesh.com/article.aspx?newsid=173145
લેખકની ‘સમય-સંકેત’ કટાર, “સંદેશ”, Jun 01, 2013