વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને મને જૂના જમાનાના હેડમાસ્તરની યાદ આવે છે. એવું કહેવાય છે કે, તેઓ પોતાના મંત્રીઓને શાળાના વિદ્યાર્થીઓ સમાન ગણે છે, તેમને શું પહેરવું, કોને મળવું અને શું કહેવું એવી સલાહો આપે છે. મંત્રીઓને વિવિધ કાર્યક્રમોની માહિતી આપવા માટે તેમ જ તેમને સલાહ-સૂચન આપવા માટે મોદી સતત તેમના અમલદારો પર આધાર રાખે છે. વડા પ્રધાન કાર્યાલયે મંત્રીઓના અંગત સચિવોની ખૂબ જ ઝીણવટથી ચકાસણી કરી છે અને તેમાંથી કોઈ જ એવું નથી, જે યુ.પી.એ. સરકારની નજીકનું કહી શકાય. વડા પ્રધાન ઈચ્છે છે કે અમલદારો તેમને વફાદાર રહે અને એવું જતાવવા માટેનું આ એક નાનકડું પગલું હતું.
સામાન્ય રીતે સારા સમાચાર હોય ત્યાં સુધી વફાદાર સરકારી નોકરો તેમના રાજકીય સાહેબોને ખરેખર જે થઈ રહ્યું છે એ નહીં, પણ તેઓ જે સાંભળવા માગતા હોય, એટલું જ કહેવા ટેવાયેલા હોય છે. જો કે, મોદી જેના પર સૌથી વધારે ભરોસો કરે છે, ત્યાંથી તેમને ચેડાં કરેલી માહિતી મળે એવો ભય પણ છે.
કોઈ પણ વડા પ્રધાન માટે માહિતી મેળવવા માટે પોતાનો પક્ષ પણ મહત્ત્વનો સ્રોત હોવો જોઈએ. વર્ષ ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીની હાર પછી કૉંગ્રેસ-પ્રમુખ દેવકાંત બરુઆએ (‘ઇન્ડિયા ઇઝ ઇન્દિરા ઍન્ડ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ એવું જાણીતું વિધાન કરનારા) મને કહ્યું હતું કે પક્ષના સભ્યો ઇન્દિરા અને તેમનાથી પણ વધારે સંજય ગાંધીની ધાક તળે દબાયેલા છે, તેથી તેઓ જે કંઈ માહિતી પહોંચાડે છે, તે ચેડાં કરેલી હોય છે અને તેનાથી અવાસ્તવિક દૃશ્ય ખડું થાય છે. બરુઆનું માનવું હતું કે ચૂંટણીમાં હાર માટેનાં મુખ્ય કારણો પૈકીનું એક કારણ એ પણ હતું. મોદીએ પક્ષનું સુકાન તેમની સૌથી નજીકના સાથીદાર અમિત શાહને સોંપ્યું છે. અમિત શાહના પક્ષ પરના વર્ચસ્વથી ભા.જ.પ.ની ‘ચૅનલ ઑફ ઇન્ફોર્મેશન’માં અવરોધ ઊભા થાય એવો ભય નથી?
બીજો એક સ્રોત છે મીડિયા, જેના વિના પોતે કામ ચલાવી લેશે એવું ઇન્દિરા ગાંધીનું માનવું હતું. કટોકટી વખતે તેમણે ઑલ ઇન્ડિયા રેડિયોના ડિરેક્ટર જનરલને ત્યાં સુધી કહ્યું હતું કે વિશ્વસનીયતાની તેઓ ચિંતા ના કરે પરંતુ વિશ્વસનીય મીડિયાની ગેરહાજરીમાં અફવાઓ ફેલાવનારા ફૂલ્યા-ફાલ્યા અને ઇન્દિરાએ તેની કિંમત ચૂકવી. આજે વડા પ્રધાન એવું માની રહ્યા છે કે સરકાર જે કંઈ કહે એના મીડિયાએ અહેવાલો આપવા જોઈએ, કોઈ સવાલ નહીં કરવા જોઈએ. તેથી જ તેઓ, મંત્રીઓ અને અધિકારીઓ મીડિયા સાથે ટિ્વટર દ્વારા સંપર્કમાં રહે છે. આથી પત્રકારોને વધુ ઊંડી તપાસ કરવાની તકનો કોઈ અવકાશ રહેતો નથી અને તેના કારણે તેમનું રિપૉર્ટિંગ જેટલું હોવું જોઈએ, એટલું માહિતીસભર પણ નથી હોતું. મહત્ત્વની વાત એ છે કે, સરકારી નીતિઓ અંગે પત્રકારોના સવાલો જાહેર હિતને લગતા હોઈ શકે છે આ સંજોગોમાં પ્રધાન મંત્રી સહિતના નેતા અને અધિકારીઓ દ્વારા થતી ટિ્વટ ઓછો વિશ્વસનીય સ્રોત બની રહે છે.
ન્યાયતંત્ર લોકઅધિકારોની રક્ષા કરતું એક મહત્ત્વનું અંગ છે, જે સરકારને જમીન પર રાખીને તેને અહંકારી બનતી રોકે છે. એટલે જ ન્યાયાધીશોની પસંદગી કરવામાં સરકારની કોઈ ભૂમિકા ના હોવી જોઈએ. તેઓની પસંદગી ફેલો ન્યાયાધીશો દ્વારા થવી જોઈએ, પણ હાલની સરકારે હવે આ પદ્ધતિ બદલી નાંખી છે. શું એ ભયજનક સ્થિતિ નથી કે કાયદામંત્રીને જે ન્યાયાધીશો કે વકીલો સ્વતંત્ર-મિજાજી લાગતા હોય તેમની નિમણૂક જ ના થાય?
છેલ્લે, મોદી અનુભવીઓનો અવાજ સાંભળે એવું પણ લાગતું નથી. કૉંગ્રેસમાં પણ એવી લાગણીએ જોર પકડ્યું છે કે, રાહુલ ગાંધી વિદેશી પદવીઓ લઈને આવેલા બિનઅનુભવી સલાહકારો પર વધુ પડતો મદાર રાખી રહ્યા છે. મોદી યુવાન-બિનઅનુભવી સલાહકારોથી ઘેરાયેલા નથી, પરંતુ અનુભવીઓ માટે તેઓ ખાસ માન પણ જાળવતા નથી. એન.ડી.એ. સરકાર વખતની ઉચ્ચ નેતાગીરી પણ તેમના પાસે નથી અને વડા પ્રધાન પોતે પણ આ પહેલાં ક્યારે ય રાષ્ટ્રીય સ્તરે સરકાર સાથે સંકળાયેલા નથી રહ્યા.
ખેર, મોદીરાજના પહેલા ૧૦૦ દિવસ સૂચવે છે કે, ભારત પાસે સાંભળતા વડા પ્રધાન નથી, તેથી મારા માનવા મુજબ, શક્ય છે કે તેઓ વાસ્તવિકતાથી દૂર થઈ જશે. મોદી સાંભળતા નથી, એ વાત ત્યારે જ સાબિત થઈ ગઈ હતી, જ્યારે તેમણે અચાનક પોતાની વ્યક્તિગત વેબસાઇટ પર એક નિવેદન પોસ્ટ કર્યું હતું. આ નિવેદનનો ભાવાર્થ એ હતો કે, તેમણે શરૂ કરેલા પરિવર્તનથી જે લોકો ટેવાયેલા નથી, તેમણે આગામી વર્ષોમાં આ બાબતથી ટેવાઈ જવું પડશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2014, પૃ. 03