ભારત જેવી કૃષિપ્રધાન અને દેવમાત્રુક ભૂમિ માટે અને તેના લોકો માટે વર્ષા ઋતુનું મહત્ત્વ અનન્ય છે. ભારતના જનજીવન માટે વર્ષા ઋતુ એ જીવાદોરીનો આધાર જ નહિ, પર્યાય છે. આથી જ વેદોમાંનાં પર્જન્ય સૂક્તોનાં ગાયકોથી માંડીને છેક આજનો કવિ કે લેખક પણ વર્ષા ઋતુને વધાવતાં થાકતો નથી. પરંપરાગત જીવનપદ્ધતિમાં વર્ષા ઋતુ એ વિખૂટાં પડેલાં પ્રેમીઓ-દંપતીઓને, કુટુંબીઓને, ગામવાસીઓને એકઠાં કરનારી ઋતુ પણ હતી. વેપારીઓ અને વણજારાઓ, ખલાસીઓ અને સૈનિકો, વિદ્યાભ્યાસ માટે આશ્રમમાં રહેવા ગયેલા વિદ્યાર્થીઓ, પરાયે ઘરે પરાણે વેઠ કરતા શૂદ્રો, સૌ ચોમાસાના ચાર મહિના શરૂ થાય તે પહેલાં પોતપોતાને ઘરે પાછાં ફરતાં. અરે, સતત પરિભ્રમણ કરનારા સાધુઓ પણ આ ચાર મહિના કોઈ એક સ્થળે ઠરીઠામ થઈને રહેતા. એટલે ભારતવાસી માટે વર્ષા એ વરદાયિની ઋતુ છે. વારિના વરદાન વડે તે વસુધાને વિકસાવે છે એટલે જ નહિ, પણ પ્રેમના પ્રસાદ વડે પ્રાણને પ્રફુલ્લિત કરે છે તેથી પણ. આથી જ વર્ષાગાન વગરની ભારતીય કવિતાને, અને વર્ષાગાથા વગરના ભારતીય ગદ્ય સાહિત્યની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણી ભાષાના કવિઓએ અને ગદ્યકારોએ મેઘના જે અનેકવિધ રૂપો આલેખ્યાં છે તેમાંથી થોડા અમી છાંટણા આ નાનકડા ખોબામાં ઝીલવાનો અહીં પ્રયત્ન કર્યો છે.
***
જળ વરસ્યું ને …
હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘ મલ્હાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.
ફૂંક હરિએ હળવી મારી, ગાયબ બળબળ લૂ,
શ્વાસ હરિના પ્રસર્યા, માટી સ્વયમ્ બની ખુશબુ.
ખોંખારો હરિએ ખાધો ને વાદળ ગરજ્યાં ઘોર,
સહેજ વાંસળી હોઠ અડાડી, ટહુક્યા મનભર મોર.
ત્રિભુવનમોહન નેત્રપલક ને ઝળળ વીજ-ચમકાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.
મેઘધનુંમાં મોરપિચ્છના સર્વ રંગ સાકાર,
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર.
− ભગવતીકુમાર શર્મા
(‘સીધો સાક્ષાત્કાર’ કાવ્યના સંકલિત અંશો)
***
વિજોગ
ઘન આષાઢી ગાજિયો, સબકી સોનલ વીજ,
દૂરે ડુંગરમાળ હોંકારા હોંશે દિયે.
મચાવે ધૂન મલ્હાર, કંઠ ત્રિભંગે મોરલા,
સબકે અંતર માંય સાજન! લખ લખ સોણલાં.
ખીલી ફૂલ બિછાત, હરિયાળી હેલે ચડી,
વાદળની વણજાર પલ પલ પલટે છાંયડી.
નહિ જોવા દિન-રાત, નહિ આઘું-ઓરું કશું,
શું ભીતર કે બ્હાર, સાજન! તુહીં તુહીં એક તું.
નેણ રડે ચોધાર તોય વિજોગ કેમ રે!
આ જો હોય વિજોગ, જોગ વળી કેવા હશે?
− મનસુખલાલ ઝવેરી
(‘વિજોગ’ કાવ્યના સંકલિત અંશો)
***
જય હો!
જય હો અષાઢ!
શંખ બજે ગગને ગગને,
શ્યામલ ઘન વાદળ દળ ઘેરાય પ્રગાઢ,
જય હો અષાઢ!
વનમાં નાચત મયુરપિચ્છના કલાપનું ટહુકાવું,
નયન મલક મલકાવું.
નરનારીનાં વૃંદ હિલોળે,
ગાય મલાર મહાડ,
જય હો અષાઢ!
− રાજેન્દ્ર શાહ
(‘જય હો અષાઢ’ કાવ્યના સંકલિત અંશો)
***
આષાઢી બાદલ
બરસ બરસ આષાઢી બાદલ,
શ્યામલ સઘન સજલ અંબરતલ,
રુક્ષ ધરા કરી દો રે છલ છલ … બરસ …
આ મધ્યાહ્ન ધખે સહરાના,
પ્રચંડ રણની જ્વાલા,
એને શીતલ સભર ભરી દો,
મેઘે બાર હિમાળા.
રણમાં રિક્ત પૂરણ લહરાવો
નવ અંકુર હરિયાળા
સ્પરશે મત્ત પવનને પાગલ … બરસ …
તલસી તલસી આથડતી તૃષ્ણા,
પલ પલ ઘેલી અકેલી,
એ મરુવન મૃગજળની માયા
વ્યર્થ લિયો સંકેલી.
મેઘધનુષના રંગ-મિલનની
સ્વપ્ન મધુરતા રેલી
પ્રગટ પરમ તૃપ્તિ જલ નિર્મલ … બરસ …
− પિનાકિન ઠાકોર
***
વરસી ગયા
વરસી ગયા રે વાદળમાં વનમાળી.
કહીં હવે પણ ઉરને,
નભને ભરતી સૂરત કાળી?
વરસી ગયા રે વાદળમાં વનમાળી.
જેઠ લગી તો જલી રહી ‘તી
કશુંય ન્હોતું કહેણ,
અચિંત આવ્યા, નવ નીરખ્યા મેં,
ભરી ભરીને નેણ,
રોમ રોમ પર વરસી-પરસી
બિંદુ બિંદુએ બાળી!
વરસી ગયા રે વાદળમાં વનમાળી.
તપ્ત ધરામાં જે શોષાયું
જહીં સરોવર-કૂપ,
જલધારામાં વહી ગયું એ
ઉરને ગમતું રૂપ.
શૂન્ય હતું ને શૂન્ય રહ્યું એ
નભને રહી હું ન્યાળી,
વરસી ગયા રે વાદળમાં વનમાળી.
− પ્રિયકાંત મણિયાર
***
વરસાદમાં
ભીંજાવામાં નડતર જેવું લાગે છે:
શરીર સુધ્ધાં બખ્તર જેવું લાગે છે.
મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ,
‘ઊઘડી જઈએ: અવસર જેવું લાગે છે.’
મોસમની હિલચાલ જ છે આશાવાદી:
સોળ અચાનક સત્તર જેવું લાગે છે.
ખુલ્લા ડીલે વૃદ્ધ મકાનો ઊભાં છે,
અક્કેકું ટીપું શર જેવું લાગે છે.
− ઉદયન ઠક્કર
***********************
વરસાદ પોતપોતાનો

અષાઢના આ ભીના દિવસોના મેઘ સાથે કાલિદાસ જોડાઈ ગયા છે. આદિ કવિ વાલ્મિકી અને આ યુગના કવિ રવિ ઠાકુર પણ જોડાયેલા છે. આ કવિઓએ વર્ષાને વિરહની ઋતુ જાહેર કરી દીધી છે. વર્ષા એ ભારતવર્ષની પ્રધાન ઋતુ છે, અને એ ઋતુ વિરહની? પ્રેમમાં જેણે વિરહ અનુભવ્યો નથી, એ પ્રેમ પદારથ તે શું એ કેવી રીતે જાણે? વિરહ તો પ્રેમીઓના જીવનમાં ડગલે ને પગલે આવે. અરે, વચ્ચે કમળના પાંદડા જેટલું અંતર હોય તોય ચક્રવાક અને ચક્રવાકી વિરહથી ઝૂરી મરે છે. પણ આ અષાઢના દિવસોમાં વિરહ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. વર્ષામાં વિરહ સહન કરવો દોહ્યલો છે, એમ કવિઓ કહી ગયા છે.
− ભોળાભાઈ પટેલ
(‘બોલે ઝીણા મોર’માંથી)

કોઈ પણ જાતના ઠાલા દેશાભિમાન વગર એક વાત નોંધવાની લાલચ નથી રોકી શકતો. ઘણા દેશોમાં વરસાદમાં પલળવાનું બન્યું છે. લંડનમાં તો એકાદ ઝાપટું આવે અને તમે માંડ પલળી રહો ત્યાં તો ઝાપટું ગાયબ! સાચું છે કે વરસાદને રાષ્ટ્રીય વાડાઓ સાથે સાંકળવાનું યોગ્ય નથી. છતાંય કહેવું પડશે કે અષાઢને પ્રથમ દિવસે આકાશમાંથી વરસાદી સુગંધ વરસી પડે અને આપણા મનને ભીંજવી દે એવો અનુભવ કોણ જાણે કેમ બીજા દેશોમાં નથી થતો. વરસાદ આપણને પલાળી મૂકે એ પૂરતું નથી. એ તો આપણી અંતર-ક્યારીને ભીંજવીને તરબતર કરી મૂકે ત્યારે જ તો વરસાદ કહેવાય. ચોમાસાની માતૃભાષા છે ‘ડ્રાઉં, ડ્રાઉં’
− ગુણવંત શાહ
(‘ઋતુસંહાર’ લેખના સંકલિત અંશો)

ન આવે. કચ્છીમાં જેને ધરતીનો લાડો કહેવાય છે તે મીં આવે નહિ. અમારી આંખોમાં લોહી ઉતરી આવે. પછી લોકો કહેવા માંડે કે મીંને કોઈએ બાંધી રાખ્યો છે. તે સાચે જ એવું લાગે કે જાણે કોઈ મંત્રતંત્રના જાણકારે વરસાદને બાંધી રાખ્યો છે. પછી એકાએક વરસાદ છૂટી જાય. રણના આકાશને પાર કરતો મોડો મોડો એ દેખા દે. પહેલો છાંટો મારી માલિકીનો. તપ્ત રેતીમાં ફફ્ દેતોકને છાંટો પડે. થોડી ધૂળ ઊડે અને પહેલો છાંટો સૂકાઈ જાય. પછી તો એક પછી એક છાંટા પડે અને મન હોય તો દિલ દઈને વરસવા લાગે. જે અંદર છે તે મારો વરસાદ છે. મારો વરસાદ તમારો વરસાદ નથી, અને તમારો વરસાદ મારો વરસાદ નથી. કારણ કે વરસતા વરસાદમાં આપણને જે યાદ આવવાના છે તે ચહેરા જુદા છે અને તે આંખો જૂદી છે. મારી અને તમારી ભીંતો પર જે લીલ ઊગે છે તે પણ જુદી જુદી છે.
− વીનેશ અંતાણી
(‘પોતપોતાનો વરસાદ’ના સંકલિત અંશો)

વર્ષાનાં અનેક રૂપ જોવાં ગમે છે. દૂરની આમલીની ઘેરી ઘટાની આસપાસ વૃષ્ટિની ધારા જે અવેષ્ટન રચે છે તે હું મુગ્ધ બનીને જોઈ રહું છે. વડની જટામાંથી નીતરતી ધારા પણ જોવી ગમે છે. ખુલ્લા મેદાનમાં યુદ્ધક્ષેત્રમાં ભારે વેગથી ધસી જતી અક્ષૌહિણી સેના જેવી વૃષ્ટિધારા પણ મેં જોઈ છે. દૂરની ક્ષિતિજે મેદુરતાને ઘૂંટતી વર્ષાધારા કશાક અપરિચિત જોડે આપણું સંધાન કરી આપતી હોય છે. જળભીના મુખ પરથી કપોલના ઢોળાવ પરથી સરીને ચિબુકને છેડેથી ટપકતું જળબિંદુ જોઈ રહેવું એ કેવું આહ્લાદક હોય છે!
− સુરેશ જોશી
(‘નિદ્રા ને વરસાદના તાણાવાણા’માંથી સંકલિત અંશો
સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 30 જૂન 2014