એમનું નામ વિદ્યા મુનશી. નામમાં 'મુનશી’ અટક પરથી એટલો અંદાજ તો આવ્યો કે ગુજરાતી હોવા જોઈએ. થોડીક તપાસ કરી તો ખબર પડી કે વિદ્યા મુનશી ગુજરાતી તો હતાં પરંતુ કલકત્તામાં રહેલા એટલે દુનિયા એમને 'કલકત્તાની વિદ્યા’ તરીકે જ ઓળખે છે. વિદ્યા મુનશી વિશે તો થોડીઘણી માહિતી ઉપલબ્ધ છે. પરંતુ એમના ગુજરાતી મૂળિયાં વિશે કશું જ ખબર નથી. અમદાવાદ-કલકત્તાના લેખક-પત્રકાર મિત્રોએ વિદ્યા મુનશી વિશે વધુ તપાસ કરવી જોઈએ. કેમ?
બે કારણસર. એક, વિદ્યા મુનશી ભારતનાં પ્રથમ મહિલા પત્રકાર હતાં અને બે, ૭ જુલાઈ ૨૦૧૪ના રોજ ૯૪ વર્ષની ઉંમરે એમનું અવસાન થઈ ગયું.
વિદ્યા મુનશી નામની એક ગુજરાતી સ્ત્રી દેશની પ્રથમ મહિલા પત્રકાર હતી એ આપણને ખબર જ નહીં એટલે થોડીક શરમ પણ આવી. શરમનો આ ભાર ઓછો કરવા વિદ્યા મુનશી વિશે વાંચવાનું શરૂ કર્યું. પરિણામે આ લેખ તમારા હાથમાં છે.
તમે અમિતાભ બચ્ચનની 'કાલા પથ્થર’ જોઈ હશે. એમાં કોયલાનો વેપારી પૈસા ગણવાની વેતરણમાં હોય છે ત્યારે જમીન નીચે કોયલાની ખાણમાં હજારો ખાણિયાઓ પાણીમાં દમ તોડી રહ્યા હોય. એવી કહાની હતી 'કાલા પથ્થર’ ૧૯૭૯માં આવેલી. એનાં ૨૦ વર્ષ પહેલાં, તમે જેને કોમેડિયન તરીકે સસ્તી ઈમેજથી યાદ રાખ્યા છે તે, કોમ્યુિનસ્ટ બુદ્ધિજીવી ઉત્પલ દત્તે 'અંગાર’ નામનું નાટક બનાવેલું. ૧૯પ૯માં (ત્યારના) કલકત્તામાં ભજવાયેલા આ નાટકમાં નીચે ખાણમાં ભરાઈ રહેલા જાલીમ પાણીમાં ખાણિયાઓ જીવ ગુમાવી રહ્યા હોય અને ઉપર જમીન પર રાજકારણીઓ અફલાતૂન નિવેદનો કરી રહ્યા હોય એવું ક્લાઇમેક્સ દૃશ્ય હતું.
ઉત્પલ દત્તનું આ 'અંગાર’ નાટક વિદ્યા મુનશીના એક રિર્પોતાજ આધારિત હતું. કલકત્તાના આસનસોલમાં બેંગાલ કોલ કંપની લિમિટેડની ચીનાકુરી ખાણમાં ૨૨ ફેબ્રુઆરી ૧૯પ૮ના રોજ વિસ્ફોટ સાથે આગ લાગેલી જેમાં ૧૮૨ ખાણિયાઓ મરી ગયેલા. વિદ્યા મુનશી ત્યારે રુસ્તમજી ખુરશેદજી કરંજિયાના મુંબઈ સપ્તાહિક 'બ્લીટ્ઝ’ના કલકત્તાનાં સંવાદદાતા હતાં. એમણે આ ચીનાકુરી ખાણ દુર્ઘટનાનું એટલું સરસ રિર્પોટિંગ કરેલું કે ખાણિયાઓના જીવન પ્રત્યે વેપારીઓ અને રાજકારણીઓની ક્રિમિનલ ઉપેક્ષા પ્રત્યે દેશ આખાનું ધ્યાન ખેંચાયેલું.
આ રિર્પોતાજ વાંચીને ઉત્પલ દત્તનો સામ્યવાદી આત્મા કકળી ઊઠેલો અને એમાંથી એમણે 'અંગાર’ની પટકથા લખેલી જે પાછળથી યશ ચોપરાના 'કાલા પથ્થર’ની પ્રેરણા બની. વિદ્યા મુનશી કરંજિયાના 'બ્લીટ્ઝ’માં દસ વર્ષ (૧૯પ૨-૬૨) સુધી સંવાદદાતા હતાં. વિદ્યા 'બ્લીટ્ઝ’માં એક એવું સ્કૂપ લઈ આવેલાં કે કેનેડાના બે પાઇલટ હોંગકોંગથી સોનાનો જથ્થો લઇને રવાના થવાના છે. આ સોનું સુંદરબનના એક ટાપુ ઉપર ફેંકવામાં આવશે અને ત્યાંથી એને કલકત્તામાં ઘુસાડવામાં આવશે. અમિતાભ બચ્ચનની 'દીવાર’ ફિલ્મ જેવા આ અજીબો-ગરીબ ગોલ્ડ સ્મગલિંગ સમાચારના પગલે પબ્લિક અને પોલીસ બંનેએ સુંદરબનમાં રાતો બગાડી હતી.
કરંજિયાનું 'બ્લીટ્ઝ’ ભારતનું પહેલું અને છેલ્લું તોફાની પેપર હતું. એના ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વના કારણે બહુ બધા લોકોને એ નડતું હતું. કલકત્તામાં એક રેલીમાં પોલીસે પત્રકારોને મારેલા. એમાં વિદ્યા મુનશી પણ ઝપટમાં આવી ગયેલી. એનો કેમેરા તોડી નખાયેલો. પોલીસ 'બ્લીટ્ઝ’ને સંડોવવા માગતી હતી. પણ વિદ્યા કશું જ આડુંઅવળું ન બોલી. એ કિસ્સાને યાદ કરીને વિદ્યાએ પાછળથી કહેલું, 'એ જમાનામાં પત્રકારત્વ એનાં વ્યવસાયિક જોખમોથી ભરેલું હતું.’ સાચું. હવે પત્રકારોને માર પડતો નથી. એ પત્રકારત્વની પડતીની નિશાની છે.
વિદ્યા મુનશી મુંબઈમાં જન્મેલાં. એમના પિતા મુંબઈના ક્રિમિનલ લોયર. પિતાએ વિદ્યાનો પરિચય ચોપડીઓથી કરાવેલો. એમના કાકાએ રાજનીતિનો પરિચય કરાવ્યો. દાદીએ વિદ્યામાં સામાજિક સેવાનાં બીજ વાવ્યાં. પતિ સુનીલ મુનશીએ પત્રકારત્વ શિખવાડયું. કોણ હતું આ મુનશી પરિવાર ? મુંબઈનાં પત્રકાર-મહિલા કાર્યકર સોનલ શુકલને ફોન કર્યો તો એમને ય 'ભારતનાં પહેલાં મહિલા પત્રકાર વિદ્યા મુનશી’નું નામ સાંભળી આશ્ચર્ય થયું.
સોનલબહેને મને વળતો ફોન કરીને કુમુદ શાનભાગનો નંબર આપ્યો. કુમુદબહેન સામ્યવાદી કાર્યકર છે.’ સોનલબહેને માહિતી આપી, 'વિદ્યા મુનશીને એ સારી રીતે ઓળખતાં હતાં. પણ કુમુદબહેનની ઉંમર બહુ છે. સાંભળતાં નથી. સાચવીને, ધીમેથી વાત કરશો તો કદાચ કંઈક બોલશે. તમે એમને ફોન કરો.’
કર્યો. કુમુદબહેને ફોન ના ઉપાડયો.
કલકત્તાની શેરીઓમાં વિદ્યા મુનશીનું નામ અજાણ્યું નથી. જે સમયમાં પશ્ચિમ બંગાળમાં વિયેટનામ, ક્યુબા અને સોવિયત સંઘના મુદ્દાઓ અને મુસીબતો જનતાના 'ચિંતા’ના વિષય હતા ત્યારે વિદ્યા મુનશીએ કમ્યુિનઝમની કંઠી પહેરેલી. સોનલ શુકલ મને કહે, 'બ્લીટ્ઝમાં લખવાવાળા બધા જ 'સી.પી.આઇ.વાળો’ (કમ્યુિનસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા-સીપીઆઇ) હતા એટલે શક્ય છે કે તમે જે બ્લીટ્ઝવાળા વિદ્યા મુનશીની વાત કરો છો તે સીપીઆઇવાળા હોય.’
વિદ્યા મુનશી ભણવા માટે લંડન ગયેલાં. અને ત્યાંથી સામ્યવાદની સાડી (અથવા કંઠી) પહેરેલી. આજનાં છોકરા-છોકરી જેમ વિદ્યા બાલનના પોસ્ટર્સ જુએ છે તેમ ૧૯૪૩માં આ મુનશીની વિદ્યા 'પોસ્ટર ગર્લ’ તરીકે જાણીતી બનેલી. એ વખતે અવિભાજિત બંગાળમાં ભયાનક દુકાળ પડેલો અને પોસ્ટરોનું પ્રદર્શન ગોઠવીને બ્રિટિશરાજના કુવહીવટ પર પ્રકાશ ફેંકેલો. એને યાદ કરીને વિદ્યાએ કહેલું, 'ત્યારથી લઇને હું મહિલાઓના અધિકાર, કામદારોની છટણી અને કોમી એકતા જેવા મુદ્દાઓને લઇને મેં ઘણાં ય પોસ્ટર એક્ઝબિશન કરેલાં. ચિત્રોથી જે અસર ઊભી કરી શકાય છે તે ગજબની છે.’
૧૯પ૦ની આ પોસ્ટર ગર્લ વિદ્યા મુનશીના કલકત્તાના ઘરમાં આ પોસ્ટરો આજે ય સચવાયેલાં પડયાં છે. ૨૦૦૮માં પોસ્ટરો દ્વારા મહિલા ચળવળ ચલાવતાં એક સંગઠન દ્વારા 'પોસ્ટર વુમન’ નામના કાર્યક્રમમાં વિદ્યાનું સન્માન પણ કરાયેલું. વિદ્યા મુનશી ૧૯૩૮માં ડોક્ટર બનવા લંડન ગયેલી પણ ૧૯૪૨માં પાછી આવી ત્યારે સીપીઆઇની કાર્યકર બની ગયેલી. પાછા આવીને એ કલકત્તાના ધ સ્ટુડન્ટ નામની પત્રિકાના એડિટર સુનીલ મુનશીને પરણી ગઈ. વિદ્યાએ એ યાદ કરીને કહેલું, 'હું તો જન્મે ગુજરાતી, બંગાળી આવડે નહીં.’ ધ સ્ટુડન્ટમાં હું રિપોર્ટિંગ કરતી હતી. એવામાં 'ચાલાર પાથે’ નામના બંગાળી પત્રનું સંપાદન કરવાની જવાબદારી આવી. તંત્રીને ભાષા ન આવડતી હોય તે ચાલે? હું એમાં જ બંગાળી શીખી ગઈ.
થોડાં વર્ષો પહેલાં નેટવર્ક ઓફ વિમેન ઇન મીડિયા દ્વારા વિદ્યા મુનશીનું સન્માન થયેલું ત્યારે તેમણે કહેલું, 'સારું લખવા માટે પહેલાં તો તમને અંદરથી જુસ્સો હોવો જોઈએ. મારા આ જુસ્સા માટે સાથી પત્રકારો દ્વારા સન્માન થાય એ કોઈ રાજ્યના સન્માન કરતાં ય મોટી વાત છે.’ ૨૦૦૬માં વિદ્યાએ લખેલી સ્મૃિતગાથા 'ઇન રિટ્રોસ્પેક્ટ : વોર ટાઇમ મેમરીઝ એન્ડ થોટ્સ ઓન વીમેન્સ મૂવમેન્ટ’નું પ્રકાશન થયેલું. ત્યારે ધ ટેલિગ્રાફની પત્રકાર રાજશ્રી દાસગુપ્તાએ (તે વખતે) ૮૭ વર્ષનાં વિદ્યા મુનશીની મુલાકાત લીધેલી, જેમાંથી આ લેખની ઘણી બધી માહિતી લેવાઈ છે.
રાજશ્રી લખે છે, 'વિદ્યા મુનશી પેપરો વચ્ચે મોઢું ઘાલીને કલાકો સુધી એની ખુરશીમાં બેસી રહે છે. દિવસે એ જાડા કાચના ચશ્માં પહેરે છે અને રાત્રે રીડિંગ લેમ્પ નીચે મેિગ્નફાઇંગ ગ્લાસ ધરીને વાંચ્યા કરે છે. ક્યારેક વાંચવાનું અટકાવી, ખુરશીમાં આગળ નમીને ડાબા હાથથી કાગળ પર કશુંક ટપકાવે છે. વિદ્યા મુનશીને કશી ય તકલીફ વગર આ કરતાં જોઈને આશ્ચર્ય થાય છે. ચાર વર્ષ પહેલાં જમણા અંગને મારી ગયેલો પેરેલિસિસ પણ એમના માટે અવરોધરૂપ નથી. પાછળ તાણીને સખત રીતે અંબોડામાં બંધાયેલા ચાંદી જેવા વાળવાળી વિદ્યા મુનશી વેરમીર (ડચ પેઇન્ટર)ના કોઈ પોસ્ટર જેવી લાગે છે.’
આમીન, પોસ્ટર ગર્લ વિદ્યા
સૌજન્ય : https://www.facebook.com/raj.goswami.31