મનુભાઈ રાજારામ પંચોળી – દર્શક (૧૫-૧૦-૨૦૧૪ : ૨૯-૮-૨૦૦૧), અમસ્તાં પણ સહજ ભાવે જેમની શતવર્ષી સંભારી અને ઉજવી શકાય એવા જણ હતા. પણ નિરીક્ષક ફાઉન્ડેશનના સન્માન્ય સ્થાપક-અધ્યક્ષને આજની ઘડીએ સંભારવા એ ન તો રસમી રાબેતો માત્ર છે, ન કેવળ ઉજવણું છે. એની પાછળ એક સાત્ત્વિક ધક્કો અને ધખના છે. બલકે, ભલે પુણ્યાવેશી પણ કંઈક કિન્નો છે. તમે એને ગીતાપ્રોક્ત મન્યુ તરીકે પણ જોઈ શકો.
વાત એમ છે કે દલપતની ધીરતા અને નર્મદના જોસ્સાથી શરૂ કરી અનેક નાનામોટા ચઢાવઉતાર અને સંઘર્ષ તેમ જ સામંજસ્યના ધોરણે ગાંધીપ્રકર્ષની એક આખી ઇતિહાસ પ્રક્રિયા થકી ગુજરાતમાં જાહેરજીવનનું એક ધોરણ અને એક વિમર્શ ઊભો થયો હતો. એની માંડણીમાં, એની કરણીમાં છાયાભેદ અને ઝોકફેર હોઈ શકે, પણ અત્યંત વ્યાપક અર્થમાં એ અભિગમ પ્રગતિશીલ માનવતા ભણીનો હતો. બેલાશક, ઊર્વિસાર અને વિવેકબૃહસ્પતિ સરખી ઓળખને અંકે કરવા સારુ ત્યારે પણ ગુજરાતને ખાસી જદ્દોજહદની જરૂરત હતી જ. પણ નિકષ અને નેજાની બુલંદી કંઈ પણ નબળું હોય તો તે અંગે મોડાવહેલા પણ જાત જોડે જવાબ માગવાની રીતે જાગ્રત કરી શકે એ બરની ખસૂસ હતી. કંઈ નહીં તો પણ એમાં નીરમગુંજાશ તો હતી જ હતી.
કમનસીબે, છેલ્લાં વર્ષોમાં આ વિમર્શ કંઈક ખોરવાયેલ, કંઈક ખોટવાયેલ, કંઈક ભટકેલ, કદાચ અપહૃત-બલાત્કૃત અનુભવાય છે. તાજેતરનાં વર્ષોમાં જે શતાબ્દી પુરુષોને સંભારવાના નાનામોટા અવસર આવી મળ્યા – પછી તે જયન્તિ દલાલ હોય કે ઉમાશંકર જોશી, બાબુભાઈ જશભાઈ હોય કે ભોગીભાઈ ગાંધી અગર કૃષ્ણલાલ શ્રીધરાણી, અને અલબત્ત દર્શક કે યશવન્ત શુક્લ – એ સૌ નિમિત્તે બઢીચઢીને લખવાબોલવાની અને વિચારવિનિમયની તાકીદ એટલા વાસ્તે હતી અને એ છે કે સંસ્કૃિતવેશી રાષ્ટ્રવાદ અને વિકાસવેશી વૈશ્વિકીકરણના દોરમાં તેમ જ પ્રચારશોરમાં સ્વતંત્રતા અને સમાનતા માટેની પ્રગતિશીલ માનવતાની આહ અને ચાહ વિસારે પડ્યાં છે. જે બધા વિચારો હાલ વિમર્શરૂપે ચલાવાય અને ચગાવાય છે, એમાં વ્યામોહ જ વ્યામોહ વરતાય છે.
હમણે હમણે નાનાભાઈ-મનુભાઈનો ઠપ્પો મારીને દીનાનાથ બત્રાનો માલ ખપાવાય છે એ આ વ્યામોહનું જ એક ઉદાહરણ છે. વિકાસને નામે (સંપત્તિનું એકતરફી કેન્દ્રીકરણ અને વિષમતા વિવર્ધન), રાષ્ટ્રવાદને નામે (કોમવાદનું રાજકારણ), ધર્મને નામે (ધુંવાધાર ધંધાવાદ / રાજકીય વિચારધારાવાદ)ઃ વ્યામોહ લટકા કરે વ્યામોહ સામે.
વ્યાસ અને વાલ્મીકિની સૃષ્ટિમાં રમેલા દર્શક ભાજપના હિંદુવાદ વિશે તેમ કૉંગ્રેસના લીગ-સંધાન વિશે કે પંજાબના કૉંગ્રેસ-અકાલી રાજકારણને અનુલક્ષીને ‘ધર્મની વિભાજક ભૂમિકા’ વિશે નિઃસંકોચ બોલી શકતા. ૧૯૮૪ના ઓપરેશન બ્લુસ્ટાર પછીના દિવસોમાં એક વાર વાસુદેવ મહેતાએ મને કહ્યું હતું – ધર્મની વિભાજક ભૂમિકા વિશે આટલું અસંદિગ્ધપણે બોલનારો તો એક તમારો મનુભાઈ જ જોયો.
વિમલાતાઈ જેવાં ઉદાત્ત ભૂમિકાએથી પણ ‘સ્પિરિચ્યુઅલ’ લોકશાહીની જિકર કરે ત્યારે એમની સાથે અત્યંત આત્મીય સંબંધ ધરાવતા મનુભાઈ બિલકુલ ચુસ્તીથી ‘સેક્યુલર’ સંજ્ઞાનો મહિમા કરી વિરોધ નોંધાવવાનું ચૂક્યા નહોતા.
૧૯૪૫માં, રિપીટ, ૧૯૪૫માં એ ‘બે વિચારધારા’ લઈને આવ્યા અને ગાંધીવિચાર ને લોકશાહી સમાજવાદ વચ્ચે સાર્થક, પ્રગતિશીલ માનવતા તેમ જ વિષમતા નિર્મૂલનમુખી પારસ્પર્યની સંભાવનાઓ સરસ ઉપસાવી આપી. સ્વરાજના ભણકારા વાગતા હતા અને ગાંધી પોતાના ‘વારસ’ જવાહરલાલને ખુલ્લી બહસ માટે અખાડે ઊતરવા લલકારતા હતા ત્યારે ગુજરાત છેડેથી ન્યાયી સમન્વયનો એક ખરડો-ખરીતો જે કહો તે ત્રીસ વરસના મનુ પંચોળીએ રમતો મૂક્યો હતો! આચાર્ય ભાગવત અને આચાર્ય જાવડેકર મહારાષ્ટ્રમાં કદાચ એથી પણ આગળ પહોંચ્યા હતા. દર્શક શતાબ્દી, અમર્ત્યસેન અને જગદીશ ભગવતીના વિવાદમાં અટવાયેલ ગંઠાયેલ વૃદ્ધિવિવાદને સમતાલક્ષી વિકાસની નવી ભોં ભાંગવા સારુ કંઈક સામગ્રી, સવિશેષ તો નિમિત્ત પૂરાં પાડે છે.
ખેર, અનેક મુદ્દા આ સંદર્ભમાં યથાપ્રસંગ, યથા અવકાશ ચર્ચીશું. પણ હમણાં તો સરકારી અકાદમીને સ્વાયત્ત બનાવવાની એમના અંતિમ પર્વ પૈકી એક એવી કામગીરીને પુનઃ સરકારગ્રસ્ત થતી આપણે સૌ જોઈ રહ્યા એ ક્લૈબ્યદૌર્બલ્ય ત્યજવાને ધોરણે શતાબ્દીનો સાદ સંભળાય તો આ લખનાર સહિત સૌને લાયક બકું.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.01-02