વાતની માંડણી ક્યાંથી કરવી તે જ સમજાતું નથી. જેનું અધ્યક્ષપદ ક્યારેક ભોળાભાઈ પટેલ સરખા, શુદ્ધ સાહિત્યપદાર્થને વરેલા, પોતાની સાહિત્યસાધના (અન્ય કોઈ ‘સાધના’ નહીં) થકી એ પદ માટે સર્વથા પાત્રતા ધરાવનાર સર્જકે શોભાવ્યું હતું, પદને ગરિમા બક્ષી હતી, ત્યાં હવે ઇતિહાસકાર વિષ્ણુ પંડ્યા બિરાજમાન થવા જઈ રહ્યા છે. સરકારી અમલદારના અનુગામી તરીકે એમની વરણી લગભગ નિશ્ચિત હતી. આમ ન થયું હોત તો જ આશ્ચર્ય થાત. શું ગુજરાતમાં એવો કોઈ મોટા ગજાનો સાહિત્યસેવી નથી, જેને આ પદ માટે પસંદ કરી શકાય? હશે ભાઈ Loyalty brings Royalty.
ફરી પાછા ભોળાભાઈ તરફ વળીએ. એમને રણજિતરામ ચંદ્રક પ્રાપ્ત થયો, ત્યારે અિશ્વન મહેતાએ પાઠવેલા શુભેચ્છાસંદેશમાં, રવીન્દ્રનાથના સમકાલીન ગીતકવિ અતુલપ્રસાદના ગીતની એક પંક્તિ ટાંકી છે. ‘સબ દલ, છલ, છલ, રે ભોલા!’ પોતાની જાત પર હસી શકનાર ભોળાભાઈ ‘ભોલા’ એટલે ‘અણસમજુ’ જાણતા જ હોય, પણ અિશ્વન મહેતાએ તેમને જાણે નામજોગ સંબોધન કરી ચેતવ્યા ન હોય, એમ અનુભવે છે. આ બધાં ચંદ્રકો, પારિતોષિકો, માન-અકરામ છેવટે તો જેનો ‘માંહ્યલો સાબૂત’ છે, તેને માટે ગૂંગળાવનારાં બની રહે છે. આ છળ, પ્રચંચ, ગોઠવણો સાહિત્ય સાધનાથી જોજનો દૂર લઈ જાય છે. માટે જ તેમના આ જ પુસ્તક ‘વાગ્વિશેષ’માં ભોળાભાઈ, ટાગોર નોબેલ પુરસ્કારપ્રાપ્તિ વેળા અંતર્મુખ થઈ વિચારે છે. તેની વાત કરતાં કહે છે. પોતાના કવિને વિશ્વસ્તરે પોખાતો જોઈ ભલે દેશ આખો રાજીપો અનુભવે, પણ કવિને મન ‘એ મણિહાર આમાય નાહિ સાજે’.
આ મણિહાર મને શોભતો નથી – એ પહેરવા જતાં વળગી પડતો લાગે છે, છિન્ન કરવા જતાં નકામો બની જાય છે. આજે જ્યારે શાસકોની રહેમનજર કે અન્ય કોઈ સાધનોની મદદથી પદ, હોદ્દો, ચંદ્રકો મેળવી પોતાની મહત્તા સિદ્ધ કરવા દોડાદોડ કરતા વામણા જીવોને જોઈએ છીએ, ત્યારે થાય છે કે ‘સબ છલ, છલ, છલ રે, ભોલા’ની યાદ એમને કોણ અપાવશે?
સુરેશ જોષી કહેતા હતા તેમ ‘ઘો મરવાની હોય ત્યારે વાડે જાય’ ન્યાયે કવિતા નામશેષ થવા વર્ગખંડોમાં જાય.’ આજે તો દર ત્રીજી વ્યક્તિ કવિ બની બેઠી છે. પછી તે ‘સરકારી અમલદાર’ હોય, દાક્તર હોય, વકીલ હોય કે વ્યાપારી, કોઈ સુંદર સવારે આપણને સાંભળવા મળે કે અમુક ઉદ્યોગપતિ અકાદમીનું અધ્યક્ષપદ શોભાવશે (!) તો સહેજ પણ આશ્ચર્ય નહીં થાય. We are living in an ‘Age of surprizes.’
વિષ્ણુ પંડ્યા માટે મને કોઈ અંગત રાગદ્વેષ નથી, કોઈને ય ન જ હોય. પણ આ પદ માટે અન્ય, અનેક ગણી લાયકાત ધરાવનારા પ્રાપ્ય હોય ત્યારે – પછી ભલેને તે પરિષદ તરફ સહાનુભૂતિ ધરાવનાર હોય – એમના માટે માર્ગ મોકળો કરી આપ્યો હોય તો, છેવટે તો એમના ય ગૌરવમાં ઉમેરો થયો હોત પણ … જે નાટકો ભજવાતાં આપણે અટકાવી શકવાનાં નથી, તેમાં આ એક વધારે.
ખૂબ યાદ આવે છે. ઉમાશંકર જોશીની જેમને સહજપણે મળેલાં માન-અકરામ, ચંદ્રકો, પારિતોષિકોની યાદી કરતાં એમણે સૈદ્ધાંતિક કારણોસર ઠુકરાવેલા હોદ્દાઓની યાદી ઠીકઠીક લાંબી હતી.
આપણા સુખ્યાત હાસ્યલેખક વિનોદ ભટ્ટ પ્રત્યે ભારોભાર આદર છતાં, તેમનાં કેટલાંક અનપેક્ષિત વિધાનો શૂળની જેમ ખૂંચ્યાં છે :
• ‘ચંદ્રકાન્ત ટોપીવાળા ન વંચાતા વિદ્વાન છે.’ • ‘કોઈ ગુનેગારને ‘ફૉર્થ ડિગ્રી ટ્રીટમેન્ટ તરીકે સિતાંશુની કવિતા સંભળાવવામાં આવે, તો તેનો ન કરેલો ગુનો કબૂલ કરી લેશે.’ • ‘ભાગ્યેશ જહાની મુદત પૂરી થઈ, એટલે હવે હું રાજીનામું આપું છું.’ • ‘ખાનદાની ખોરડા જેવી પરિષદ કરતાં અકાદમીએ અનેકવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કર્યું છે.’ • જે પરિષદની ચૂંટણીમાં ખુદ ગાંધીજી પરાજિત થયા હતા, તેનો હું પ્રમુખ રહી ચૂક્યો છું.’ (વિગતદોષ માફ).
જે પરિષદને એકાવન લાખ રૂપિયા જેવું માતબર દાન પોતાના પ્રયાસો થકી મળ્યાની તેઓ વારંવાર દુહાઈ આપતા ફરે છે તે સંદર્ભમાં પેલી બહુ જાણીતી વાત યાદ આવે છે. ડૂબતા માણસને બચાવનાર વ્યક્તિને વારંવાર સંભળાવે ‘મેં તને બચાવ્યો’. ત્યારે પેલા માણસે કંટાળીને કહ્યું, ‘આના કરતાં ડૂબવા દીધો હોત તો સારું થાત. વારંવાર આ સાંભળવાથી બચી જવાત.’ અહીં તો ‘મારે મોગલ ને ફુલાય પીંજારો’ જેવો ઘાટ છે. પોતાના ગજવામાંથી મદદ કરી હોત, તો બિચારા ‘ખાનદાની ખોરડા’ને શું ને શું ય સાંભળવું પડ્યું હોત. ‘ફૉર્થ ડિગ્રી ટ્રીટમેન્ટ તરીકે સિતાંશુની કવિતા સુધી આવીને કેમ અટકી ગયા હશે ?’ ફિફ્થ ડિગ્રી’ તરીકે ભાગ્યેશ જહાની કવિતા સુધી આગળ વધી શક્યા હોત.
પરિષદમાંથી અકાદમી તરફ પ્રયાણ કરનારા ‘મિત્રો’ની મનોદશાનો વિચાર કરતાં એક વિદેશી કવિતાનું સ્મરણ થાય છે. પોતાના નિવાસસ્થાનેથી અન્યત્ર જવા નીકળેલ યાત્રિકનું વાહન રસ્તામાં બગડતા મિકેનિક તેને દુરસ્ત કરવામાં વ્યસ્ત હોય છે, ત્યારે તે વિચારે છે, ‘જ્યાંથી નીકળ્યો છું, તે સ્થળ છોડવાનું દુઃખ નથી, તો જ્યાં જઈ રહ્યો છું, તેનો કોઈ આનંદ નથી.’ નથી પરિષદ સાથે છેડો ફાડવાનું દુઃખ કે નથી અકાદમીના ખોળે બેસવાનો આનંદ.
નવા અધ્યક્ષને શુભેચ્છાઓ પાઠવવાની સાથે અપેક્ષા રાખીએ કે તેમના નેતૃત્વ નીચે અકાદમી વૈવિધ્યસભર કાર્યક્રમોથી છવાઈ જાય. સામાન્યપૂર્વે ફિરોઝ ગાંધીને પણ જરા સ્મરી લઈએ. જેમણે પોતાના રંક હરીફ ઉમેદવારને તેના પ્રચારમાં અગવડ ન પડે તે માટે વાહનોનો કાફલો મોકલ્યો હતો અને ‘મેં તને વાહનો પૂરાં પાડ્યાં હતાં.’ તેની ક્યારે ય યાદ કરાવી નહોતી.
અસ્તુ.
ગાંધીનગર
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2017; પૃ. 07