મારી હથેળીમાં સમાય એવડો નાનકડો હતો એ, ને તો ય અને અડતાં, ઊંચકતા મને ફાવતું નહીં. સહેજ ડર પણ લાગતો. અણગમો નહિ, પણ ગમો ય નહીં. બસ એક નિર્વિકાર ભાવ. પણ દૂરથી હું એને જોતી. મારી દીકરી એને રમાડતી તે ય જોતી. ત્યાં મને અચાનક ખ્યાલ આવ્યો કે એના નાનકડા પિંજરામાંથી એ પણ મને જુએ છે. મોટી મોટી આંખોમાં ક્યારેક વિસ્મય, ક્યારેક હું ના સમજી શકું એવું કૈક,ને ક્યારેક ખુશી, આનંદ જેવું ય કૈંક. કોઈવાર મને થતું કે આ ભાવવૈવિધ્ય ખરે જ છે કે પછી એ મારા જ મનનાં સંચલનો છે? પણ ધીરે ધીરે એક પરિચય કેળવાતો ગયો. હું એને કોઈવાર બોલાવતી, એની નોંધ લેતી અને એ એની રીતે, એની ભાષામાં આ નોંધ લેવાયાનો પડઘો પાડતો.
વ્યોમા હવે ક્યારેક એને બહાર કાઢીને છૂટો મૂકતી અને એ ઘર આખામાં રખડીને કોક મનપસંદ ખૂણો શોધી બેસી જતો. એક દિવસ બહાર કાઢ્યા પછી એ સીધો રસોડામાં આવ્યો અને હું ઊભી રહીને કામ કરતી હતી ત્યાં મારા પગ પાસે ગોઠવાઈને બેસી ગયો! એણે આ પહેલ કરી પછી પણ મને એને આવકારતાં સહેજ વાર લાગતી પણ મારો એની સાથેનો વાર્તાલાપ વધ્યો, એની આદતો, જરૂરતો સમજાવા લાગ્યા. હવે તો હું જ્યાં હોઉં ત્યાં મારા ચરણોમાં જ સ્થાન ગ્રહણ કરી લેવું એવું એણે નક્કી જ કરી લીધું! થોડા દિવસમાં તો મારી બાજુમાં બેસવું, કે હું સંગીત શીખવતી હોઉં ત્યારે એકધ્યાન થઈ શાંતિથી સાંભળવું એ શરૂ થયું. મારો એના તરફનો ગમો વધવા લાગ્યો. વ્યોમાએ પાડેલું 'બબા' નામ મને ગમતું નહીં એટલે હું એને જાતજાતના નામે બોલાવતી અને 'ચિમચિમ' નામ પડ્યા પછી ય આખરે ચીમન કહેતી થઈ તે ય એણે સ્વીકાર્યું..
અને પછી એક વાર ગુડનાઈટ કહેવા આવેલી દીકરીના હાથમાંથી ધરાર કૂદકો મારી એ બેસી ગયો મારા ખોળામાં અને મારી સામું જોઈ રહ્યો – જાણે કહેતો હોય, 'તું એકલી નાનુને જ વ્હાલ કેમ કરે છે? મને પણ કર! ' મેં એના માથા પર, શરીર પર હળવેથી હાથ ફેરવ્યો અને એ તો આંખ બંધ કરી, શરીર રીલેક્સ કરી ગોઠવાઈ ગયો! પછી તો આ રૂટીન થતું ગયું. મારો પગરવ ઓળખીને હું નજીક આવું તો એની ભાષામાં મને બોલાવવી, પાણી કે ખાવાનું ખલાસ થયું હોય તો અવાજ ઊંચો કરી ફરિયાદ કરવી, અને રાત્રે એના માથે હાથ ફેરવી બે વાત ન કરું ત્યાં સુધી જવું જ નહિ એ પ્રથા એણે શરૂ કરી. મને ખબર પણ ન પડી કે હું ક્યારે એના રૂટીનમાં ગોઠવાઈ ગઈ! એની હાજરી, અવાજ, આદતો, જરૂરતો, તકલીફો એ બધામાં હું ક્યારે ભળી ગઈ એ જ સમજાયું નહિ! એકવાર મુંબઈથી દીકરીઓ સાથે skype પર વાત કરતાં મને જોઈ, સાંભળી એણે લેપટોપના સ્ક્રીન પર કૂદકો માર્યો, મારી પાસે આવવા, અને મારા રહ્યા સહ્યા બંધ પણ છૂટી ગયા .. સહજ મમતાની આડે હવે કશું ય રહ્યું નહીં!
આઠમી ઓક્ટોબરે સવારે એણે સાડા પાંચ વર્ષ અમારી પાસે રહી કાયમી વિદાય લીધી – એની આગલી સાંજે પણ એની નાદુરસ્ત તબિયતે મારા ખોળામાં જ એ શાંતિથી થોડું ઊંઘ્યો હતો. એને વિદાય આપવાનું વ્યોમા માટે તો આકરું થયું જ,પણ મારા માટે પણ – કારણ કે એણે જ તો પોતાને સાવ સહજતાથી મને સમર્પી દઈ મને નિર્વ્યાજ, નિરપેક્ષ સ્નેહ કરતાં શીખવાડ્યું!
https://www.facebook.com/profile.php?id=1474836073&fref=nf