આજે, પણ્ડિતરાજ જગન્નાથ વિશે —
એમનો સમય છે, ૧૭-મી સદીનો મધ્ય ભાગ. એમના ગ્રન્થનું શીર્ષક છે, “રસગંગાધર”.
(રા.બ. આઠવલેના “રસગંગાધર ખણ્ડ : ૧”-નો અનુવાદ નગીનદાસ પારેખે ગુજરાતીમાં કર્યો છે, પણ મને યાદ છે એ મુજબ, એમાં સંસ્કૃત પાઠ નથી.)
સૌ કાવ્યાચાર્યોની જેમ જગન્નાથના ગ્રન્થમાં પણ કાવ્યલક્ષણ, કાવ્યહેતુ, કાવ્યભેદ કે ગુણદોષની ચર્ચા છે.
એમણે ‘ધ્વનિકાવ્ય’-ના એક મહત્ત્વના ભેદ ‘રસધ્વનિ’-ના ચર્ચાપ્રસંગે ભરત મુનિના રસસૂત્રની અને અનુષંગે ભટ્ટ લોલ્લટ, શંકુક, ભટ્ટ નાયક અને અભિનવગુપ્તના મતોની ચર્ચા ઉમેરી છે. પરન્તુ એ ચર્ચા રસ-સમ્પ્રદાય અને ધ્વનિ-સમ્પ્રદાયના જ્ઞાતા અને અધ્યેતા માટે કશો નવો પ્રકાશ નથી પાડતી. અલબત્ત, કેટલીક નાની બાબતોમાં જગન્નાથ જુદા પડતા હોય છે, પણ જરાક જ.
જગન્નાથે કાવ્યના અર્થને રમણીય કહ્યો, રમ્ય, પ્લેફુલ, એ એમનો મહત્તમ વિશેષ છે.
Pic Courtesy : Chaukhamba Vidya Bhavna Varanasi
એ રમ્ય કે રમણીય તત્ત્વને અનેક વિદ્વાનોએ સાહિત્યસર્જન સંદર્ભે લાક્ષણિક ગણ્યું છે. અંગ્રેજ કવિ વિલિયમ બ્લેક કલાકારને બાળ-સહજ ગણતા, ‘ધ ટ્રુ આર્ટિસ્ટ ઈઝ નેવર ઍનિથિન્ગ બટ અ ચાઇલ્ડ’. અમેરિકન નવલકથાકાર ફ્લૅનરી ઓ’કોનોર કહેતા કે ‘રાઇટિન્ગ ઇઝ લાઇક પ્લેઇન્ગ ધ પિયાનો ઇન ધ ડાર્ક’. સુખ્યાત સમીક્ષક નૉર્થ્રોપ ફ્રાયે કહેલું, ‘લિટરેચર ઇઝ ધ ફૉર્મ ઑફ પ્લેફુલ રિચ્યુઅલ’. ‘ભાવક-પ્રતિભાવ સમ્પ્રદાય’ના વિદ્વાનો – રીડર્સ રીસ્પૉન્સ ક્રિટિસિઝમ’ના વિદ્વાનો – કૃતિના અર્થ માટે ભાવકના અનુભવને નિર્ણાયક લેખે છે, પણ ભાવનની એ પ્રક્રિયાને ‘પ્લેફુલ ઇન નેચર’ કહે છે.
સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જગન્નાથ એ રીતે જુદા પડે છે કે એમણે રમણીયતાની વિભાવનાને વીગતનાં એક પછી એક ડગ ભરીને શાસ્ત્રીય પદ્ધતિએ રજૂ કરી છે.
તેઓ પ્રારમ્ભે જ કહે છે :
રમણીયાર્થપ્રતિપાદક: શબ્દ: કાવ્યમ્
– રમણીય અર્થનું પ્રતિપાદન કરનારો શબ્દ કાવ્ય છે.
રમણીયતા કોને કહેવાય? :
રમણીયતા ચ લોકોત્તરાહ્લાદજનક જ્ઞાનગોચરતા.
– રમણીયતા લોકોત્તર આનન્દ જનમાવનારી જ્ઞાનગોચરતા છે.
એટલે કે લોકોત્તર, અલૌકિક, આનન્દજનક જ્ઞાનનો વિષય, રમણીયતા છે.
લોકોત્તરતા શું છે? :
લોકોત્તરત્વમ્ ચાહ્લાદગતશ્ચમત્કારત્વાપર્યાયોડનુભવસાક્ષિકો જાતિવિશેષ:
– લોકોત્તરતા જ ચમત્કાર છે; બીજા શબ્દોમાં, એ એક વિશિષ્ટ પ્રકારની આહ્લાદદાયક અનુભૂતિ છે. પુત્રજન્મ કે ધનપ્રાપ્તિથી થતો આનન્દ લૌકિક છે, જ્યારે આ અ-લૌકિક છે, લોકોત્તર છે.
એ કેવી રીતે ઉત્પન્ન થાય છે?
એ પ્રશ્નનો ઉત્તર જગન્નાથે સરસ આપ્યો છે, કે એ આહ્લાદ લોકોત્તરતાની ભાવનાનું વારંવાર અનુસન્ધાન કરવાથી પ્રગટે છે – કારણમ્ ચ તદવચ્છિન્નમ્ ભાવનાવિશેષ:પુન:પુનરનુસન્ધાનાત્મા.
મને જાણ છે કે કલાકૃતિનાં મારાં ભાવન, કૃતિના કેન્દ્રથી પરિઘ સુધી અને પરિઘથી કેન્દ્રમાં આવ-જા કરીને રસ ઘોળતાં હોય છે …
જગન્નાથે રમણીયાર્થયુક્ત કાવ્યની આ અનુભૂતિ માટે પ્રયોજેલાં બે વિશેષણ મને ખૂબ યથાર્થ અને સયુક્તિક લાગ્યાં છે -અનુભવસાક્ષિક: અને જાતિવિશેષ:
આ પરત્વે જગન્નાથનું તાત્પર્ય એ છે કે કાવ્યના અનુભવનું કોઈ સાક્ષ્ય અથવા પ્રમાણ હોય તો તે છે, સહૃદયનો કાવ્યાનુભવ. એટલે કે, કાવ્યકલાને અન્ય પ્રમાણોથી પ્રમાણી શકાય નહીં, એમ કરવા જતાં, કશું પણ પ્રમાણ હાથ આવશે નહીં.
વળી, કાવ્યનુભવને તેઓ જાતિવિશિષ્ટ કહે છે. એટલે કે, કાવ્યાનુભવની જાતિ કાવ્યાનુભવ પોતે જ છે. એમનું તાત્પર્ય મારા શબ્દોમાં સમજાવું તો કહું કે કલાની કોટિ કલા જ છે, એની કોઈ બીજી કોટિ નથી, કલા અદ્વિતીય છે, યુનિક છે.
આ ઉપરાન્ત, જગન્નાથે કરેલી કાવ્યહેતુની ચર્ચા પણ મને ઘણી નૉંધપાત્ર લાગી છે, કેમ કે એ પણ યથાર્થ અને સયુક્તિક છે :
સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અનુસાર, કાવ્યના કારણભૂત પરિબળોમાં પ્રતિભા, વ્યુત્પત્તિ, અને અભ્યાસ છે, શાસ્ત્રમાં એ ત્રણને કાવ્યહેતુ કહ્યા છે. જગન્નાથ કહે છે કે કાવ્યનો હેતુ, કારણ, પ્રતિભા છે. પણ પ્રતિભા શું છે? તેઓ કહે છે કે કાવ્યઘટનાને અનુકૂળ શબ્દાર્થોની ઉપસ્થિતિનું નામ પ્રતિભા છે.
અન્ય કાવ્યાચાર્યોએ પ્રતિભાને ઈશ્વરદત્ત ગણી છે, પણ જગન્નાથનું આ દૃષ્ટિબિન્દુ જુદું, વાસ્તવિક અને વિશ્વસનીય છે.
તેઓ કહે છે કે કોઈ દેવતા કે કોઈ મહાપુરુષની પ્રસન્નતા કારણ હોય પણ એ તો અદૃષ્ટ કારણ છે. ક્યારેક અસાધારણ અધ્યયન, વ્યુત્પત્તિ, કારણ હોય; ક્યારેક કાવ્યરચનાનો અભ્યાસ કારણ હોય; પણ કોઈ કોઈ અબુધોમાં તો માત્ર મહાપુરુષની પ્રસન્નતાથી જ પ્રતિભોત્પત્તિ થઈ હોય છે ! એમાં એમના પૂર્વજન્મની વિલક્ષણ વ્યુત્પત્તિ અને અભ્યાસને પણ સ્વીકારી શકાય નહીં કેમ કે એમાં બિનજરૂરી વિસ્તાર થાય અને પ્રમાણનો પણ અભાવ હોય છે. જગન્નાથે દૃષ્ટ-અદૃષ્ટનું વૈચારિક નિદર્શન સ્વીકારીને વિશેષ છણાવટ પણ કરી છે, જેમાં જવાનું અત્રે કારણ નથી.
પરન્તુ તેઓ કાવ્યને એક ઘટના ગણે છે, અને એ ઘટે તેમાં કારણ બને એ શબ્દાર્થોને પ્રતિભા ગણે છે, એ મહત્ત્વનું છે. કેમ કે એથી એમણે વ્યક્તિમાં નહીં પણ શબ્દાર્થમાં પ્રતિભા જોઈ, એ વસ્તુલક્ષીતા વિચારલાભ કરાવે છે, અને તેથી પ્રશંસાપાત્ર ઠરે છે.
= = =
(10/23/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર