સાક્ષરજીવન, તેમાં સાહિત્યિકતા અને આજે એમાં શબ્દભંડોળની વાત ઉમેરવી છે.
શબ્દભંડોળ, અંગ્રેજીમાં – વૉકેબ્યુલરી. માણસ પાસે પોતાની ભાષાના ઉપરાન્ત બીજી ભાષાના જે શબ્દો હોય તે બધાના સરવાળાને શબ્દભંડોળ કહેવાય.
તમે કેટલા શબ્દો જાણો છો તેનો ટેસ્ટ આપી શકાય છે. તમારા શબ્દભંડોળનું સ્તર કયું છે, તેનું સામર્થ્ય કેટલું છે, તે જાણી શકાય છે. કરુણતા એ છે કે આ બધાં પરીક્ષણ અંગ્રેજી કે અન્ય ભાષાના ભાષકનાં થાય છે, ગુજરાતી ભાષકનાં નહીં – શાળા કક્ષાએ હળવાશથી થતાં હોય તો તેની મને જાણ નથી.
ગુજરાતી ભાષા મરી રહી છે એમ કહેવું કેટલું ગલત છે તે સૌ જાણે છે હવે. ખરી વાત તો એ છે કે તળ પ્રદેશોમાં ગામડાંઓમાં કે કસબાઓમાં ગુજરાતી મરી નથી. હા, ઘરડાં સાસુમા પણ ‘થૅન્ક્યુ’ ‘સૉરિ’ કરતાં થયાં છે – પણ એ શાસ્ત્રીય ચર્ચાનો વિષય છે, એમાં નથી જવું.
સર્જન / લેખન કરનારા સાહિત્યકારનું અને સહૃદય વાચકનું શબ્દભંડોળ સામાન્ય ભાષકના કરતાં મોટું હોય છે.
છતાં પૂછી શકાય કે ગુજરાતી સાહિત્યકારને કેટલા તત્સમ, કેટલા તદ્ભવ, અને કેટલા દેશ્ય શબ્દો આવડે છે. કેટલાં પંખીનાં, કેટલાં પુષ્પનાં, કેટલાં શ્હૅરોનાં કે વિશ્વના કેટલા દેશોનાં નામ એ જાણે છે. ત્રણ ઋતુ તો બધા જાણે છે પણ છ ઋતુનાં નામ અને તેના પ્રાકૃતિક ક્રમની કેટલાને ખબર છે. આ જ સવાલો ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપકને પણ પૂછી શકાય.
માહિતીપરક સવાલો પણ કરી શકાય : સમસામયિક વિવેચકને ગુજરાતી સાહિત્યના દિવંગત અને વિદ્યમાન કેટલા વિવેચકોનાં નામની જાણ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓનાં અને પશ્ચિમના કેટલા સિદ્ધાન્તકારોનાં નામની ખબર છે. કેટલા મરાઠી બંગાળી કે પંજાબી સાહિત્યકારોનાં નામની જાણ છે. ભારતની પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યકૃતિઓની એની યાદી નાની છે કે કેમ. એ શેક્સપીયર કોટિના કેટલા વિશ્વ સાહિત્યકારોનાં નામ જાણે છે.
સામાન્યપણે માણસને પોતાના નાણાંભંડોળની જાણ હોય છે. પોતાના બૅન્કઍકાઉન્ટમાં બૅલેન્સ કેટલું છે તેની જાણ હોય છે; ચિન્તા રાખે છે કે એ કેમ વધે, નિત્ય વધ્યા જ કરે, ઘટે નહીં, ઘટે જ નહીં. પણ પોતાના શબ્દભંડોળ વિશે એ ભાગ્યે જ કશું જાણતો હોય છે, વિચારવાનો તો સવાલ જ કેવો.
એટલે એ એક-ના-એક શબ્દો જ વાપર્યા કરે છે. કેટલાક લેખકો પણ એક જ ફકરામાં એ-નો-એ શબ્દ વાપરતાં ખચકાતા નથી. ભાષકોની એ માનસિકતા સમજવા જેવી છે. કેટલાક લોકો હરખમાં આવી જઈને, સવિશેષે, દીકરા-દીકરીના લગ્નની આસપાસ, ઘણા પૈસા વાપરી નાખે છે, ત્યારે કોઈ કોઈના અવાજ બેસી જાય છે કેમ કે ઘાંઘા થઈને એમણે એ-ના-એ શબ્દો વડે ઘાંટા પાડ્યા હોય છે. આગળના સમયમાં, ધોતી-ઝભ્ભામાં અને માથે ટોપીવાળો કોઇ શૅઅરબજારિયો એટલું તો બરાડતો હોય કે એને ભાન જ ન રહે કે એક મિનિટમાં પોતે કેટલા શબ્દો બોલી ગયો – એમાં કેટલા ય શબ્દો ભચડાઈ ગયા હોય ! આથી ઊલટું પણ જોવા મળે છે. કેટલા ય ભણેલા-ગણેલાઓ ‘પેલું શું ક્હૅવાય, પેલું’ કરીને અટકી પડતા હોય છે, ને વાક્ય માંડ પૂરું કરતા હોય છે. કો’કને આપણે ઓછાબોલો કહેતા હોઈએ છીએ, ચીડ ચડે તો મીંઢો ને ચીડ વધારે ચડે તો મૅંઢો કહેતા હોઈએ છીએ.
એના એવા ભાષિક વર્તનનું એક કારણ તો એ છે કે એની પાસે ઝાઝું મોટું શબ્દભંડોળ નથી. ચતુરાઈને કારણે ઓછું બોલતા હોય એ આમાં અપવાદ ગણાય.
આ બધી વાતો ઉપરાન્તની એક સંલગ્ન વાત કરવી છે :
વિશ્વમાં ભાષાઓ શીખવા માટેની એટલી બધી ઍપ્સ શરૂ થઈ છે કે વિદ્વાનો એને ‘ગોલ્ડન એજ ઑફ લૅન્ગ્વેજ લર્નિન્ગ ઍપ્સ’ કહે છે. કેટલાંક નામો ઘણા સમયથી ખાસ્સાં ચલણમાં છે : ‘ડ્યુઓલિન્ગો’. ‘મૅમરાઈઝ’. ‘બાબેલ’. તમે ‘ડ્યુઓલિન્ગો’ ખોલશો તો જણાવશે – અમે હિન્દી સ્પૅનિશ અરેબિક ગ્રીક આઇરિશ કે ડેનિશ વગેરે અનેક ભાષાઓ શીખવીએ છીએ. ‘બાબેલ’ કે ‘મૅમરાઇઝ’ પણ ડઝનેક ભાષાઓ શીખવે છે. આ દરેકના લર્નર્સની સંખ્યા અમુક મિલિયન્સથી ઓછી નથી.
શબ્દભંડોળના ઘડતર અને વિકાસ માટેની ઍપ્પ છે, ‘ડ્રૉપ્સ’. ‘ડ્રૉપ્સ’-ના લર્નર્સ છે ૩૫+મિલિયન્સ. ‘લર્ન ફ્રી …’ કહીને બોલાવે, પણ પછી ફી માગે. ‘ડ્રૉપ્સ’-ની માસિક ફી ૧૩ યુ.ઍસ. ડૉલર, વાર્ષિક ૮૯.૯૯ અને, કોઈ આજીવન ઠોઠ નિશાળિયો હોય તો તેને માટેની ફી ૧૫૯.૯૯. સામાન્યપણે આ કંઈ બહુ મોટી રકમો નથી. જો કે આ મુદ્દો અહીં જ પૂરો કરતાં કહું કે આમાંની ય એક પણ ઍપ્પ ગુજરાતી નથી શીખવતી.
પણ ભલા, ભાષિક વાતાવરણમાં રહેવાથી ભાષા સીધી જ આવડતી હોય છે. એ હકીકતના અનુમોદનમાં એટલું જ કહેવું રહે કે ગુજરાત પોતે જ સરળતાથી ઉપલબ્ધ એવી બહુ મોટી ઍપ્પ છે ! આપણ સૌ ગુજ્જુભાઈઓને ગમે એવું એમાં એ છે કે એ ફ્રી છે ! એ વાતાવરણમાં ચોખ્ખું ગુજરાતી બોલતા અને લખતા હોય એમને સાંભળવાની અને વાંચવાની ટેવ પાડવાથી ઘણો લાભ થશે, કેમ કે એ મોટું ઔષધ છે.
અને શબ્દભંડોળ તો આમ જ વધી જશે. ગુજરાતીના સારા પ્રૉફેસરને રોજ સાંભળવાને કારણે વિદ્યાર્થી કે વિદ્યાર્થિની બોલતાં થઈ જાય છે : પપ્પા, તમે મુદ્દાને ‘સંકુલ’ ન બનાવો, ‘સુસ્પષ્ટ’ વાત કરો તો મને ‘પ્રતીતિ’ થાય. નહિતર એણે આટલું જ કહ્યું હોત : પપ્પા, સીધું ક્હૉ તો હમ્જાય.
વિદ્યાર્થી કે વિદ્યાર્થિની લખતાં પણ થઈ જાય છે : તેઓ આપણા ‘સર્વશ્રેષ્ઠ’ કવિ છે. એમની કવિતામાં, ‘સંયમ’ ’ગામ્ભીર્ય’ અને ‘ઘનતા’-ના ગુણ ‘પ્રાધાન્ય’ ભોગવે છે. એમની કાવ્યસૃષ્ટિમાં ‘સવિશેષ’ કૃતિઓ નથી છતાં એ સૃષ્ટિ ‘સુશ્લિષ્ટ’ અને ‘રસાનુભવકારી’ છે. બને કે આવા લાક્ષણિક શબ્દો વાપરતાં વાપરતાં એ ‘વિદ્વાન’ થઈ જાય.
જો કે એની ‘એવી’ વિદ્વત્તા જુદી જ ચિન્તાનો વિષય પણ બને.
કેમ કે એ ‘વિદ્વાન’-ને બધા એક દિવસ ભલે ‘મહાન’ ગણે પણ એનું શબ્દભંડોળ ઠિંગરાઈ ગયું હોય કેમ કે એની મતિ ભાષાના એ ઓરડામાં કૅદ થઈ ગઈ હોય અને એ એવા અને એટલા જ શબ્દોનો ગુલામ બની ગયો હોય.
બીજા શબ્દોમાં કહેવાય કે એની ‘સંકેતપરક સ્વતન્ત્રતા’ નષ્ટ થઈ ગઇ હોય – સૅમિયોટિક ફ્રીડમ. એ ફ્રીડમની વાત હવે પછી.
= = =
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર