= = = મને મારો કોઈ લેખ સમ્પન્ન થઈ જાય એટલે બદામ-પિસ્તાં ને દ્રાક્ષવાળો ગરમ શીરો આરોગ્યા જેવો ભાવ થાય છે. સંતોષનું સહજ સ્મિત ફરકે = = =
"મારી વિદ્યાયાત્રા"-માં ત્રીજો ખણ્ડ છે : 'મારે વિશે, મારાં મન્તવ્યો વિશે' : એમાં મેં દર્શાવ્યું છે કે હું સાહિત્યકાર છું; અધ્યાપક છું; ટૂંકીવાર્તાકાર છું; વિવેચક છું; તન્ત્રી-સમ્પાદક છું; કૉલમનવીસ છું; અનુવાદક છું; તે કેવા સ્વરૂપે છું. તે તે પ્રવૃત્તિઓ વિશે કેવાં કેવાં મન્તવ્યો ધરાવું છું.
અધ્યાપન, ટૂંકીવાર્તા અને વિવેચન વિશે આ સ્થાને અનેક વાતો કરી છે, મન્તવ્યો પણ દર્શાવ્યાં છે. આજે એમાં તન્ત્રી-સમ્પાદક સ્વરૂપની વાત મૂકી છે :
તન્ત્રી-સમ્પાદક રૂપે —
સાહિત્યિક સામયિકોના તન્ત્રી – editor – તરીકે મેં લગભગ ૩૫ વર્ષ લગી કામ કર્યું -‘વિશ્વમાનવ’ ‘શબ્દસૃષ્ટિ’ અને ‘ખેવના’. ઉપરાન્ત, 'સન્ધાન' અને ‘સન્નિધાન’- સંલગ્ન પુસ્તકોનું તથા 'સાહિત્યસ્વરૂપ શ્રેણી', 'ચિન્તન-મનન શ્રેણી', 'કાવ્યતત્ત્વ વિચાર શ્રેણી', તદુપરાન્ત, કાવ્યોનાં, ટૂંકીવાર્તાઓનાં તથા દયારામ, સુરેશ જોષી તેમજ રમણલાલ જોશીની સૃષ્ટિ વિશેનાં સમ્પાદનકાર્ય પણ ઉમેરાયાં. એ સઘળા સમય દરમ્યાન, તન્ત્રી-સમ્પાદક તરીકેનો મને માતબર અનુભવ મળ્યો.
ઉત્તરોત્તર મારા ધ્યાનમાં આવ્યું કે તન્ત્રીકાર્યના સ્વરૂપમાં અને તેની રીતભાતમાં ઘણા બદલાવ આવી રહ્યા છે. જુઓ ને, આ ઇન્ટરનેટ યુગમાં કેટલાક શબ્દોનો વપરાશ કેટલો બધો વધી ગયો છે – default – update – select – cut – paste – save, – junk – trash – archive – recycle – delete – edit, વગેરે.
એ બધામાં edit મને વધારે ગમતો થઈ ગયો છે. કેમ કે, એમાં લગભગ સમગ્ર તન્ત્રીકાર્ય આવી જાય છે : લખાણને edit કરવા માંડીએ એટલે એના અમુક અંશ select થાય, cut થાય, paste થાય, delete થાય. સારા અંશ save કરાય, archive-માં રખાય. ન-સારા junk-માં જાય, trash-માં જાય. આખેઆખું recycle થઈ જાય તેમ આખેઆખું આંખના પલકારામાં duplicate થઈ જાય. નકલ ઉતારવા બેસવાની જફા નહીં.
તન્ત્રીકાર્ય મને વધારે એ કારણે ગમ્યું અને ગમે છે કે એનો મૂળેરો સમ્બન્ધ લેખન સાથે છે. કેમ કે લખવું એટલે જ edit કરવું – શબ્દો લખવા, બદલવા, શબ્દગુચ્છોને ઉલટપુલટ કરવા, વાક્યો બનાવવાં, બદલવાં, જોડણી સાચવવી, વિરામચિહ્નો મૂકવાં, કાઢી નાખવાં. લખનારને જાણ છે કે લખવાની મજા છે, કેમ કે લેખન self-editing છે. જો કે લખનારને એ વાતની પણ જાણ છે કે એ એક પ્રકારની જાતજધામણ છે – આ બેલ મુઝે માર ! નરી ચૅંકભૂંસનો મામલો. તેમ છતાં, એનું છેલ્લું પરિણામ હમેશાં પ્રસન્નતા હોય છે.
મને મારો કોઈ લેખ સમ્પન્ન થઈ જાય એટલે બદામ-પિસ્તાં ને દ્રાક્ષવાળો ગરમ શીરો આરોગ્યા જેવો ભાવ થાય છે. સંતોષનું સહજ સ્મિત ફરકે.
મેં ધ્યાન રાખ્યું હોય છે કે લેખનને પ્રકાશિત કરતાં પહેલાં હું જાતે જ ઍડિટ શું કામ ન કરું -? સૅટ થઈ ગયેલી મારી નાહકની લઢણોની એથી મને ખબર પડે છે, દૂષિત વાક્યરચનાઓ દેખાય છે. ક્યાંક જોડણીનો ઝીણો લોચો હોય, તે ભળાય છે, કશેક વિરામચિહ્નોની ગરબડ હોય, તે વરતાય છે. તો વળી, રમણીય તાજા પુષ્પગુચ્છ જેવા છતાં સમુચિત શબ્દપ્રયોગોની લિજ્જત પણ આવતી હોય છે.
તન્ત્રીકાર્ય મને એ કારણે પણ ગમ્યું અને ગમે છે કે એનો સીધો સમ્બન્ધ લિટરેચર, જર્નાલિઝમ અને મીડિયા સાથે પણ છે. ‘ખેવના’ સામયિકના ૧૦૦ અંક થયા, ૨૨ વર્ષ લગી ચલાવ્યું. ત્યારે મને થાય, એક તન્ત્રી તરીકે કોઈના પણ લેખનને હું એવું-ને-એવું જાહેરમાં શી રીતે મૂકી શકું? લેખકપ્રાણીને વાણી-સ્વાતન્ત્ર્યનો છાક બહુ હોય છે. ફાટ્યું-ફાટ્યું બોલે ને ફગ્યું-ફગ્યું લખે. હું પહેલેથી સમજતો હતો ને ધીમે ધીમે દૃઢ થયું કે એવા લેખકમહાશયના એવા યદૃચ્છાવિહારને કાતરી-સમારીને માફકસરનો કરનાર કોઈ હોય, તો તે હું છું – તન્ત્રી ! કોઈ કોઈ ભારાડીને તો મારે ઘેર બોલાવીને નાસ્તાપાણી કરાવીને બતાવતો હતો કે એનું ચર્ચાપત્ર કેટલું તો કાપકૂપને લાયક છે !
પણ તન્ત્રી માત્રે સમજી રાખવા જેવું પરમ સત્ય પણ મારા ધ્યાનમાં આવ્યું. તે એ કે હું તન્ત્રી, પણ લેખક-વાચક-ગ્રાહક મારા સામયિકનું બીજું અર્ધાંગ છે અને એ અર્ધાંગ જોડે મારાથી પ્રેમ કરાય, હાકેમી નહીં.
કેટલાંક વ્યવહારુ સત્યો પણ ધ્યાનમાં આવતાં ગયાં :
મારું સામયિક લેખકોથી અને ગ્રાહકોથી ચાલવાનું છે. લેખકો નીસરી ગયા હશે, ગ્રાહકો ચાલી ગયા હશે, તો પોતાને પણ પોબારા ગણવા પડશે.
લેખકને મન પુરસ્કાર પ્રભુની અમીદૃષ્ટિ સમો આહ્લાદકારી હોય છે – ભલે ને નાનો કે અમસ્તો કેમ નથી ! આપનારાઓ ઉપકાર નથી જ કરતા. જો કે અહંમન્ય તન્ત્રી ઊધું ક્હૅ છે – લેખકનું પોતે છાપે છે એ જ ઉપકાર છે !
એવું તો એ ઘણું ઘણું ભળતું સમજી બેઠો હોય છે : એમ કે, પોતે સર્વથા સાહિત્યજ્ઞ છે – લેખકમાત્રને સાહિત્યસમાજમાં સ્થાન આપનાર – વાચકમાત્રની સાહિત્યરુચિ કેળવાય તે માટેની તક પૂરી પાડનાર. પરન્તુ એ શ્રીમાનને ભાન નથી હોતું કે અંક જ ન પ્હૉંચ્યો હોય, તો એ તક તો બચારી બ્હાવરી ઊડણચકલી કે કંઈ બીજું -?
Editor : તન્ત્રી
Pic courtesy : Pinterest
મારી સમજ બંધાઈ છે કે લિટરેચર, જર્નાલિઝમ કે મીડિયાનો તન્ત્રી એવી વ્યક્તિ છે જેને શબ્દના સૌન્દર્ય અને સામર્થ્યની પૂરેપૂરી સૂઝબૂઝ હોય છે. મોટાં છાપાંનાં તેમ જ વરસો-વીત્યે નીવડેલાં સામયિકોનાં વ્યવસ્થા-તન્ત્રો સમૃદ્ધ હોય છે, ખાસ તો પશ્ચિમના દેશોમાં.
ત્યાં મુખ્ય તન્ત્રી ઉપરાન્ત બીજા અનેક ઉપ-તન્ત્રીઓ હોય છે. કોઈ ઉપ-તન્ત્રી લેખમાં મુકાયેલા ડેટાની ખાતરી કરે, ગ્રાફ, કોઠા, જો હોય, તો તે તપાસે. બીજો, અવતરણો, સૂચિઓ અને હકીકતોનાં તથ્યાતથ્ય તપાસે. ત્રીજો, એ રીતે પરખે કે લેખ પોતાના છાપાએ નક્કી રાખેલા ફૉરમેટ અનુસાર છે કે નહીં. દાખલા તરીકે, વાર્તા ૨,૦૦૦ શબ્દની હોવી જોઈએ, એમ નિયમ રાખ્યો હોય તો તે તેમ છે કે કેમ એ તપાસે. ચૉથો ઉપતન્ત્રી લેખના વિચાર કે મન્તવ્યને સમીક્ષાદૃષ્ટિથી જુએ અને એને જો લાગે કે લેખ સમુચિત કે સંતુલિત નથી તો, પરત કરે કે ન પણ કરે.
આમ, તન્ત્રીકાર્ય બેશુમાર સમય અને શ્રમ માગી લેનારી પ્રવૃત્તિ છે. તેથી તન્ત્રીને હું એક જાગ્રત વિવેકી જન ગણું છું. વિવેક એવો કે માણસે સરજેલી કલા અને જ્ઞાનની સમ્પદાઓની એ સતત ચૉકી કરે છે, વૉચમૅન છે એ. જનજીવનમાં સ્થિર થયેલા સંસ્કારોની હમેશાં રક્ષા કરે છે, રક્ષક છે એ, પહેરેગીર, સન્ત્રી. લેખન-તસ્કરો પર એ ચાંપતી નજર રાખે. પાત્રતા કે સજજ્તા વિના ઘૂસવા નીકળેલા આલિયા-માલિયાને રોકે. આઇ.ડી. અને પાસવર્ડ માગે. સિક્યૉરિટી ગાર્ડ છે એ.
બહુ ચોખ્ખું છે કે લેખકોનાં લેખનોને વાચકો સાથે જોડનારી કડી તન્ત્રી છે. ગૉરમા’રાજ છે એ. પણ ત્યારે, સવિશેષે તો સાહિત્યના ગૉરમા’રાજે, એટલે કે, દાખલા તરીકે, મારે, જોવું જોઈશે કે હું લાકડે માંકડાં તો નથી વળગાડતો ને. કાવ્ય, વાર્તા કે વિવેચનને નામે વાચકસમાજને અગડમ્ બગડમ્ તો નથી પધરાવતો ને. મારે સમજદારી દાખવવાની હોય કે હું સાહિત્યપદાર્થ પીરસનારો છું – નહીં કે કચરો.
કેમ કે, આપણે ત્યાં મોટા ભાગનું સાહિત્ય સૌ પહેલાં સામયિકોમાં પ્રગટે છે. એ પછી લેખકો એનાં પુસ્તકો કરે છે. એટલે, શું સાહિત્યપદાર્થ, કે શું કચરો, સૌ પહેલાં તો તન્ત્રીને હાથ, મારે હાથ, ચડે છે – જાણે નવજાત શિશુ. મારે વિવેક કરવો જોઇશે કે કયું શબ્દ-શિશુ જીવવાલાયક છે ને કયું ‘સ્વાહા’ કરવાને લાયક છે. મારો ધર્મ બને છે કે હું સાહિત્યપદાર્થને પ્રકાશમાં લાવું ને કચરાનો નાશ કરું. કહી દઉં પેલાને કે ભઇ, અહીં તારો ગજ વાગે એમ નથી, કંઈક બીજું કર.
મેં સમજી લીધેલું કે એ ગૉરમા’રાજ રૂપે મારે નવીન અને નીવડેલા સાહિત્યકારોને જોડવાના પણ છે. નીવડેલી કલમોને નવીનો સામે ધરી બતાવવાની છે તથા નવીનોને નીવડેલાઓની સામે ધરવાના છે. એક દીપ છે, એક દર્પણ છે. મારે સંકેત એવો રચવાનો છે કે જોજો ભાઇ, જોજો બહેન, આ પૂર્વજોમાંથી બળ મેળવજો અને એમનાથી ઊતરતી કોટિનું તો ન જ લખશો. સંકેત મારે નીવડેલાઓ માટે પણ વિસ્તારવાનો છે કે તમે જોજો વડીલો કે કેવી નવ્ય અને આશાસ્પદ કલમો આવી છે, આવી રહી છે.
મને સમજાયું હતું કે તન્ત્રી રૂપે આમ મારે બે પેઢી વચ્ચે ઉપકારક સેતુ બનવાનું છે, નહીં કે પેલા ચતુર વાનરની જેમ નીવડેલાંઓનું ને નવીનોનું, બન્નેનું, ખાઈ જવાનું છે !
= = =
(January 19, 2022: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર