
સુમન શાહ
સામાન્યપણે માણસ આજે સપાટી પર જીવે છે. એક અર્ધજ્ઞાત કે અજ્ઞાત ભવિષ્યની આશામાં? એક ગઈકાલમાં? એક વર્તમાનમાં? ઘણુંખરું, ના; માત્ર સપાટી પર — સ્થળનું એવું સ્તર જે સપાટ છે, જ્યાં સમયનો અહેસાસ છે જ નહીં અથવા ઝીરો ડિગ્રીએ છે. આ વિલક્ષણ સમયશૂન્યતા છે, ચિન્તાનો વિષય છે.
ઋતુ બદલાય એટલે કેટલાંક પક્ષીઓ સ્થાનાન્તર કરી જાય છે. એમને યાયાવર કહેવાય છે. સમાજસુધારક કરસનદાસ મૂળજીના જમાનામાં વિદેશગમનનો નિષેધ હતો. આજે તો સ્થાનાન્તર સહજ બલકે અનિવાર્ય બની ગયું છે. લગભગ પ્રત્યેક મનુષ્યને વતનથી દૂર જવું છે, કાં મુમ્બઇ, કાં કોલકાતા કે દિલ્હી. અથવા ભારતથી અમેરિકા બ્રિટન ઑસ્ટ્રેલિયા કે ન્યૂ ઝીલૅન્ડ. માત્ર ભારતવાસી જ નહીં મોરક્કન શ્રીલન્કન પાકિસ્તાની ચીની જપાની એમ વિશ્વભરની પ્રજાઓ સ્થાનાન્તર કરતી હોય છે. આ લખું છું એ ક્ષણે પણ વિશ્વના દરેક દેશેથી વિદેશગમન ચાલુ છે.
ગામડાં નગર થયાં, નગરો મહાનગર થયાં, એ આધુનિકીકરણ પ્રક્રિયામાં સ્થાનાન્તર નૂતન પ્રકરણ છે. સ્થાનાન્તર હવે આધુનિક જીવનશૈલી છે, એ પર આપણું ખાસ ધ્યાન નથી ગયું.
મોટા ભાગનાઓને અમેરિકા પ્હૉંચવું હોય છે. કેમ કે The Amrican Dream વિશે એ ઉત્સાહીએ પોતાના દેશનાં છાપાંઓ દ્વારા સાંભળ્યું હોય છે કે અમેરિકા તો land of opportunity છે. એવી ઇદમ્ શ્રુતમ્ માહિતીથી ઝંકૃત ચિત્ત લઈને નીકળેલો એ બધી વાતે બેધ્યાન કે બેપરવા થઈ જતો હોય છે. લગભગ ઘાંઘો. જે સ્થાને પ્હૉંચવાનું હોય એ દિશામાં એની ‘ટ્રાવેલ’ કે ‘જર્નિ’ શરૂ થાય છે. હવે એ ‘પ્રવાસ’ કે ‘યાત્રા’ નથી બોલતો. યથાશક્તિ યથાશક્ય અંગ્રેજી શબ્દો બોલે છે કે બોલી નાખે છે.
દાખલા તરીકે, એવો કોઈ જન વતનથી નીકળીને મુમ્બઇ પ્હૉંચે એ એનો પહેલો પડાવ. બધી ફૉર્માલિટીને અન્તે પ્લેનની સીટમાં હાશ કરતો બેસે એ બીજો પડાવ. સ્થાનાન્તરના દેશે પ્લેનમાંથી ઊતરીને બૅગેજ-કન્વેયરબેલ્ટ પર પોતાની બૅગેજીઝની રાહ જોતો ઊભો રહે એ ત્રીજો પડાવ. ઓળખીતા રીસીવ કરવા આવ્યા હોય ને એમને ઘરે બીજી વાર હાશ કરતો ને હસતો બેસે એ કદાચ એનો છેલ્લો પડાવ.
મેં ‘કદાચ’ એટલા માટે લખ્યું કે પૂર્ણ સ્વરૂપના પરદેશવાસી – immigrant – થવા માટે એણે બીજા અનેક પડાવો પાર કરવાનું મોટું કામ બાકી હોય છે. એ કામ શારીરિક અને માનસિક શ્રમ માગી લેનારું હોય છે. એમાં એ સફળ થાય તો બરાબર, નહિતર પ્રતિગમનાર્થે સ્વદેશ ભણી પાછા ઊડવાનું હોય છે. એ બોલતો હોય છે – બાકી આપડો દેસ તો છે જ ને, યાર!
ટૂંકમાં, ઊડતાં જતાં હોય ત્યારે યાયાવર પક્ષીઓનું ધ્યાન દિશા પર હોય છે તેમ સ્થાનાન્તરની સમગ્ર વિધિ-પ્રવિધિમાં માણસનું ધ્યાન ગન્તવ્ય પર હોય છે. પણ મારો મુદ્દો જુદો હતો – એ કે માણસ આજે સપાટી પર જીવે છે. ઝીરો ડિગ્રીના સમયની ધાર કહેવાય એવી સમયશૂન્યતામાં જીવે છે.
પહેલાં તો એ ત્રણ ત્રણ સમયમાં જીવતો હતો. દેશનો સમય, પોતાના વૉચનો સમય અને ચિત્તનો સમય. દરેક સમય બીજાથી થોડો આઘોપાછો ભલે હતો, દેશના સમયે એ ઑફિસ પ્હૉંચી જતો, કાંડા પરના સમયે ઘરે પ્હૉંચી જતો. કશું ન ગમે ત્યારે ચિત્તના ઘડિયાળ મુજબ બચપણમાં પ્હૉંચી જતો, બાળસખીએ બનાવેલા રેતીના ઘરથી ઘર-ઘર રમવા.
એ દિવસોમાં એણે ઝરણને પોતાનો રસ્તો કરતું જોયેલું, એના વ્હૅણના ખળખળ નિનાદને સાંભળેલો. બાગમાં ઊછળતા ફુવારાને જોયેલો, એની વાછંટથી ભીંજાયેલો ત્યારે એને સારું લાગેલું. પતંગને આકાશે ચગાવતાં દોરીને સડસડાટ ઊકલતી જોવાની એને મજા આવેલી. એ દોરીની લચ્છી વાળતાં થતી આંટી – loop – જોવાથી કે રાતે દોરીને પિલ્લામાં વાળવાથી અને વળેલી જોવાથી એને ખુશી થયેલી. બપોરે મહમ્મદમીંયાની લારી પર એ જોઈ રહેલો કે બરફ જેવા બરફનું કેટલું ઝીણું છીણ થાય છે, કેવો તો ગોળો વળે છે, એ પર શરબતનો કેવો તો છંટકાવ થાય છે. અરે, પ્રિયાને મળવા મિલનસ્થળે દોડીને ગયેલો ને પ્હૉંચ્યો ત્યારે ભાન પડેલું કે પોતે ૩૫ મિનિટ લગી અવિરત દોડેલો. તળાવકિનારે પાણીમાં પગ બોળીને બન્ને બેઠાં ત્યારે એકબીજાની આંખોમાં એણે શાન્તતાને ઝળહળતી જોઈ હતી. રાતે નિદ્રાના બાહુપાશમાં નિસ્સમયમાં ખોવાઇ જવાનું એને વારંવાર ગમેલું.
આવા બધા રમ્ય ભૂતકાળને સ્થાનાન્તરની ઘટનાઓ ભૂંસી રહી છે અથવા એનાં માત્રનિશાન – traces – ઉપસાવી રહી છે. વિચારો આદર્શો અનુભવો હવે સપાટી પર આવી ગયા છે, દેખાય છે કે અકબંધ નથી રહ્યા. સગાંવહાલાં સાથેની મમતા વિવિધ મૈત્રી પ્રેમપરિણય કે જાતીય સમ્બન્ધોની કારિકાઓ એટલી બધી બદલાઈ ગઈ છે કે જિવાયેલું બધું કોઈ જૂની વાર્તા લાગે.
સંયુક્ત કુટુમ્બો ભાંગ્યાં અને વિભક્ત કુટુમ્બપ્રથા, અમે બે અમારાં બે, જેવી ન્યૂનતામાં વિકસી ત્યારે સમાજને એમાં પોતાનો વિકાસ દેખાયેલો. પણ આજે તો એ વિભક્તના પણ ભાગલા પડી રહ્યા છે. પોતે આ શ્હૅરમાં, પત્ની બીજા શ્હૅરમાં, સન્તાનો ત્રીજા શ્હૅરમાં, જેવી સુ-વિભક્ત પરિસ્થિતિ હવે સ્વાભાવિક ગણાય છે.
વ્યક્તિસ્વાતન્ત્ર્ય સંજ્ઞાથી સમાજ પ્રગતિશીલ લાગતો હતો. હવે એ સ્વાતન્ત્ર્યની પરાકાષ્ઠા જોવા મળે છે. પરિણિત વ્યક્તિ હવે જરા પણ ચલાવી લેવા તૈયાર નથી, નથી ફાવતું એટલે ફવડાવવું જ નથી પણ છૂટાછેડા લઈ લેવા છે, એ માનસિકતા અને વર્તન જ હવે યોગ્ય ગણાય છે. વયોવૃદ્ધ મા કે બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનું પણ એટલું જ યોગ્ય ગણાય છે. સાથોસાથ, નવતાઓ અને અપરિચિતતાઓ સાથેની અથડામણો રોજે રોજ વધી રહી છે.
ખરું તો એ છે કે વાસ્તવિકતાઓ વાસ્તવિકતા અને તે વાસ્તવિકતા નવી વાસ્તવિકતા સરજ્યે જાય છે અને એ સંસૃજન સામે સત્ય કંઈ કરી શકતું નથી. સત્યની કશી વ્યાખ્યા થઈ શકતી નથી, જે કરીએ એ બીજી પળે ખોટી પડે છે. સત્ય જાણે માણસનો સાથસંગાથ છોડીને ભાગી ગયું છે.
ઉપરાન્ત, માણસની સામે વૈશ્વિક રાજકારણ અને યુદ્ધગ્રસ્ત વિશ્વ છે. એને પોતામાં ગોઠવવા માણસ એક વધારાની મથામણ કરી રહ્યો છે. મૂળથી ઊખળેલા માણસે હવે નવી નવી લડાઈઓ લડવાની છે.
સમયશૂન્યતાની વાતમાં આટલા સમયને આપણે સંભૃત કરી શક્યા એ વાત ઠીક ગણાય.
= = =
(160725USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર