
સુમન શાહ
આ અગાઉના લેખમાં મેં વર્ણવેલી હૅમિન્ગ્વેના ઘરની મારી મુલાકાત સંદર્ભે મારા FB મિત્ર અને વતનવાસી Uday Kulkarni-એ પ્રતિભાવમાં આવા મતલબનું લખ્યું :
ડભોઈના બાળપણની યાદ તાજી થઈ ગઈ. ‘વિશ્વગુરુ’-દેશમાં હાલમાં જ્યાં વસવાટ કરું છું ત્યાં ક.મા. મુનશીની ભવ્ય હવેલી વેચાવા માટે મૂકવામાં આવી છે અને કદાચ કોઈકે તે ખરીદી લીધી પણ છે એ વાત જાણી, અને આપની આ પોસ્ટ વાંચી. એ પરથી ત્યાંનો અને આપણે ત્યાંનો ફરક સમજાઈ ગયો.
મુનશીની હવેલી વેચાઇ ગઈ એનો મિત્ર અફસોસ કરે છે, એ વાજબી છે. આપણે એટલા બધા ધનાઢ્ય નથી એ કારણે એટલી સુન્દર રીતે આપણા સાહિત્યકારના નિવાસને ચિરસ્મરણીય સ્મારકનું સ્વરૂપ ન આપી શકીએ એ કદાચ સમજાય એવું છે.
પણ સવાલ ધનનો નથી, સાહિત્યકારને માટેના પ્રેમાદરનો છે. આપણે એટલા કૃપણ છીએ કે સાહિત્યકાર વિદ્યમાન હોય ત્યારે પણ એને સરખો પ્રેમ નથી આપી શકતા, દિવંગત થઈ જાય એટલે તો વાત ત્યાં જ પતી જતી હોય છે. અને એટલે પછી વંશજો કે વારસદારો એનું ઘર કે જે કંઈ ઊપજાઉ ચીજો હોય તેને આમ વેચી નાખતા હોય છે.
અને આપણી પાસે દલીલની સગવડ ક્યાં નથી – અમે તો ક્ષરમાં નહીં, અક્ષરદેહમાં માણીએ છીએ !
સ્મારક ન રચાય, ભલે, પણ અક્ષરદેહનો પુનરાવતાર થાય એ માટે પણ આપણે ઉદાસીન છીએ. અમદાવાદમાં જ બે-ત્રણ સંસ્થાઓમાં સૅંકડો હસ્તપ્રતો અન્ધકારમાં પડી રહી છે, એ બિચારી અંદરોઅંદર વાતો કરે છે … ક્યારે ય આપણો ઉદ્ધાર તો થવાનો નથી … હવે મરણ થાય તો બસ ! સાહિત્યકારની હોમ-લાઇબ્રેરી, એને મળેલા અનેક વાચકો-ચાહકોના સંખ્યાબંધ પત્રો કે એણે બચાવી રાખેલા અંગત પત્રો કે પ્રેમપત્રો પણ અંદરોઅંદર એવી જ વાતો કરતા હશે કે ધૂળ ખાઈ ખાઈને મરણશરણ થઈએ તો બસ થાય …
આ સંદર્ભની હું હૅમિન્ગ્વેની વાત કરું :
અર્નેસ્ટ (હૅમિન્ગ્વે) હાઇસ્કૂલમાં ભણતો’તો ત્યારે એને Frances Coates Grace નામની છોકરીને વિશે ક્રશ થયેલો.
crush ‘ક્રશ’ એટલે કોઇને પામવાની તીવ્ર ઝંખના. જો કે એ ઝંખના ફળે નહીં તો વખત જતાં કરમાઈ જાય છે. પણ ‘હું તારા પર મરું છું’ એવો એને મારફાડ ભાવ કહેવો જોઈશે. પણ ક્રશ એટલે લવ? ના! ક્રશમાંથી લવ થવાનો હોય તો થાય. માટે, ‘આઇ હૅવ અ ક્રશ ઑન યુ’ કહ્યા પછી ખાસ્સી રાહ જોવાની હોય છે. જો કે, કશું પરિણામ ન આવે તોપણ ‘ક્રશ’ ‘લવ’-ની સરખામણીમાં મને વધારે મહાન લાગે છે.
ફ્રાન્સેસની ઉમ્મર ૧૭, અર્નેસ્ટની ૧૬. હાઇસ્કૂલના એક ઓપેરામાં અર્નેસ્ટ સેલો વગાડતો’તો. સેલો તો વાગતું’તું પણ ઓપેરામાં માર્થાની ભૂમિકા ભજવી રહેલી ફ્રાન્સેસને તક મળ્યે તાકી રહેલા અર્નેસ્ટભાઇશ્રી અંદરથી ઘવાઇ ગયેલા.
એના ભાઈબંધે દયામણી નજરે તાકી રહેલા નિરાશવદન છોકરાનું કૅરિકેચર દોરેલું અને નામ આપેલું : ‘ફ્રાન્સેસ નામની છોકરીને તાકે છે અર્નિ’.

અર્નેસ્ટ હૅમિન્ગ્વે
અર્નિ – અર્નેસ્ટ – એટલો શરમાળ કે ફ્રાન્સેસનો કદી બૉયફ્રૅન્ડ થઈ શક્યો જ નહીં.
હા, સાહિત્યકાર અર્નેસ્ટ હૅમિન્ગ્વેની શબ્દસૃષ્ટિમાં ફ્રાન્સેસ જુદા જુદા સ્વરૂપે-નામે જરૂર આવી છે. સવિશેષે, ’Up in Michigan’ નામની શૃંગારપ્રચુર ટૂંકીવાર્તામાં.
બાકી, પોતાના એ ક્રશને વરસો લગી રુદિયામાં ધરબેલો રાખીને વિશ્વપ્રિય આ સાહિત્યકાર દુનિયા આખીમાં ભમ્યા છે.
ત્રણ વર્ષ પછી, ઓગણીસેકની વયે, અર્નેસ્ટ પહેલા વિશ્વયુદ્ધ વખતે ઇટાલીમાં રેડક્રૉસના ઉપક્રમે ઍમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે સેવા આપતો હોય છે. દરમ્યાન એને વાગે છે, ઇજા પ્હૉંચે છે. બહેનને પત્ર લખે છે : તું ફ્રાન્સેસને ક્હે કે – મારો ભાઇ મરણપથારીએ છે. એને ક્હૅ – મને પત્ર લખે. એને ક્હૅ – હું એને અને માત્ર એને જ ચાહું છું : ફ્રાન્સેસે પત્ર લખ્યો. અર્નેસ્ટને મળ્યો, જવાબમાં લખ્યું : ફ્રાન્સેસ, તારો પત્ર ભયંકર-સુન્દર છે, અવર્ણનીય. તારા હસ્તાક્ષર કેવા હશે એના ઇન્તેજારમાં કાયમથી હું બહુ પરેશાન રહેતો’તો. હવે આ પત્રને સદા સાચવી રાખીશ.
2023-ના ઑગસ્ટમાં એક હરાજીનું આયોજન થયેલું. હું અગાઉ કહી ચૂક્યો છું કે હૅમિન્ગ્વે ચાર વાર પરણેલા. એમની પહેલી પત્ની હતી, Hadley Richardson. હૅમિન્ગ્વેએ એને લખેલા બે પત્રોની તેમ જ હાઇસ્કૂલ-સમયના હૅમિન્ગ્વેના એક રૅકોર્ડિન્ગની હરાજી થયેલી.
ગુજરાતી સાહિત્યકારે પત્નીને કે પ્રિયાને લખેલા પ્રેમપત્રો બચ્યા હોય, તો એના વારસદારો બાળી નાખે, કશી રૅકર્ડ બચી હોય તો કચડી નાખે. ગુજરાતીઓને ગુપ્ત પ્રેમ પરવડે. પશ્ચિમની પ્રજાને પ્રેમના બારામાં કશુંપણ સંતાડવાજોગ ન લાગે.
+ +
મેં ’Up in Michigan’ ટૂંકીવાર્તાનો ઉલ્લેખ કર્યો. એ વિશે મને યાદ છે એ પ્રમાણે ટૂંકમાં કહું :
યુવતી Liz Coates (ફ્રાન્સેસની જેમ એ પણ Coates છે) એક વેઇટ્રેસ હોય છે અને Jim Gilmore નામના સ્થાનિક બ્લૅકસ્મિથના ચિક્કાર પ્રેમમાં પડે છે. વાચક તરીકે આપણે અનુભવી શકીએ કે ભરપૂર પ્રેમ અને વાસનાથી સરજાતી લીલા કેટલી સંકુલ અને યાતના જનમાવનારી હોઈ શકે છે.
પીધેલ જિમ અતિ આવેશમાં લિઝ જોડે બળજબરી કરે છે, લિઝ અવઢવમાં રહે છે, પણ પછી થનાર થઈને રહે છે. કોઈને આ દૃશ્ય બળાત્કારનું લાગે, પણ જે થયું તે તો વાસ્તવિક હતું. અન્તે જિમ લિઝની કાયા પર પડ્યો રહે છે. વ્યથિત લિઝ જિમને પોતાનો કોટ ઓઢાળીને ચાલી જાય છે. હૅમિન્ગ્વે લાગણીની નરી પ્રાકૃતતા અને દુ:ખદ પ્રેમાનુભવની સંદિગ્ધતા વ્યંજિત કરતા હોય છે.
અહીં મને હૅમિન્ગ્વેની થોડામાં ઘણું કહી દેનારી minimalist શૈલી યાદ આવે છે. એમણે પોતે કહ્યું છે :
ગદ્યકારને જો પૂરતી જાણ હોય કે પોતે જેને વિશે લખી રહ્યો છે, તો પોતાને ખબર હોય એવી કેટલીક વસ્તુઓને એણે ઓમિટ કરી દેવી જોઈએ – જતી કરવી જોઈએ. અને એ જો સાચકલું લખતો હશે તો વાચક એ બાબતોને પામી જ જવાનો છે. સપાટી ઉપર એકઅષ્ટમાંશ દેખાય એમાં જ હિમશિલાની હિલચાલનું ગૌરવ છે. જો કે વસ્તુઓને જાણ્યા-કર્યા વિના ઓમિટ કરનારો લેખક પોતાના લખાણમાં બાકોરાં પાડી દેશે.
આવી શૈલી કેમ નીપજી હશે? એનો જવાબ એમની પત્રકારીતામાં જોવા મળે છે. કારકિર્દીની શરૂઆતમાં હૅમિન્ગ્વે પત્રકાર હતા. હાઈસ્કૂલ-ગ્રૅજ્યુએટ થઇને સીધા ‘The Cansas City Star’ છાપામાં કબ રીપોર્ટર – શીખાઉ ખબરપત્રી – તરીકે જોડાઈ ગયેલા.
એ કુશાગ્રબુદ્ધિના યુવાને જોયું કે સત્ય તો ન્યૂઝ કે સ્ટોરીઝની નીચે છુપાયું હોય છે. એમણે જોયું કે નાનકડા શહેરની વ્યવસ્થાઓમાં, ઈસ્પિતાલોમાં, પોલીસ-સ્ટેશનોમાં, બધે રાજકારણ છે. જે બાબતો વિવાદાસ્પદ છે, નિકાલ કરવાજોગ છે, એને રાજકારણીઓએ સફાઇપૂર્વક છાવરી છે. સપાટી પર દેખાય છે એથી ઘણું એની નીચે સંતાયેલું છે.
હવે જો એવા બધા સંદર્ભો સાથે રીપોર્ટ લખવો હોય, તો ઘણા શબ્દોમાં વિસ્તારથી લખવું પડે. છાપામાં સૌથી મૉંઘી વસ્તુ સ્પેસ હોય છે. એટલે એવાં વિસ્તારી વર્ણનો શી રીતે પરવડે? હૅમિન્ગ્વેએ નક્કી કર્યું કે પોતે ટૂંકમાં પણ અસરકારક બલકે પેલી અંદરની વાતના ઈશારા કરતું કશું વિશિષ્ટ ગદ્ય લખશે. વીસમી સદીનાં શરૂનાં વરસોમાં પૅરીસનિવાસ દરમ્યાન ‘Torennto Star’-માં ફૉરેઇન કૉરસ્પૉન્ડન્ટ તરીકે કામ કરતા હતા. ત્યારે એમણે ગ્રીકો-ટર્કિશ વૉર વિશે ડઝનેક લેખો કરેલા.
એવા પૂર્વકાલીન સંકલ્પો અને લેખનોના અનુભવને પરિણામે હૅમિન્ગ્વે ઉચ્ચ કોટિના અમેરિકન ગદ્યકાર રૂપે નીવડી આવ્યા છે.
આપણે ત્યાં સાહિત્યકારો એવું માને છે કે પત્રકારોનું ગદ્ય છીછરું ને કામચલાઉ હોય છે. કેટલા ય પત્રકારો ‘મમથી કામ’-વાળી માનસિકતા ધરાવે છે. છાપું તો સામયિક ને પ્રાસંગિક વસ્તુ છે એમ ગણીને ભાષિક ગુણવત્તાની ઉપેક્ષા કરે છે. એવી ઉપેક્ષા જતે દિવસે એમની સાવધાનીનો નાશ કરે છે. એટલે લગી કે એમના ધ્યાન બહાર એઓ માહિતીદોષ વ્યાકરણદોષ કે જોડણીદોષ પણ કરતા થઈ ગયા હોય છે. છાપભૂલ હશે કહીને બચાવ કરી લેવાય એ વધારાની મુશ્કેલી છે. કોઈપણ જવાબદાર વ્યક્તિ જાહેરમાં ભાષાપ્રયોગ કરે ત્યારે એની આ જાતની અસાવધતાને કારણે અદૃશ્ય નુક્સાન થતાં હોય છે. એવી વ્યક્તિને રીસિવિન્ગ એન્ડ પરના વાચકો, શ્રોતાઓ, વિદ્યાર્થીઓ, પ્રજાજનો તો પરમ શ્રદ્ધેય ગણીને ચાલતા હોય છે!
આપણે ત્યાં પત્રકારો એવું માને છે કે સાહિત્યકારોનું ગદ્ય ગમ્ભીર ને ટકાઉ ખરું પણ એમાં ભાષિક ચાંપલાશો – સાહિત્યિકતા – બહુ હોય છે. અલંકાર કલ્પન પ્રતીક વગેરેની અનિવાર્યતા ન હોય છતાં ઠઠાડે કેમ કે એને ‘સર્જક’ નિબન્ધકાર તરીકે પુરવાર થવું હોય! બધું લાંબું લસરક થઇ ગયું હોય. સાદો નિબન્ધ ત્યારે લખે ત્યારે ચિન્તનની ભરમારથી બધું ભારેખમ કરી મૂકે. શાસ્ત્ર કે વિવેચનની વાતમાં વ્યાખ્યાઓ અને પારિભાષિક શબ્દોથી લખાણને ક્લિષ્ટ બનાવી દે. આ બધા દાખલાઓમાં ગુજરાતી ગદ્યની અવદશા થતી હોય છે.
હૅમિન્ગ્વેની ટૂંકીવાર્તાઓનો પહેલો સંગ્રહ ‘in our time’ 1925-માં પ્રકાશિત થયેલો. જોઈ શકાશે કે આખા શીર્ષકમાં ક્યાં ય કેપિટલ અક્ષરો નથી. છ રચનાઓ 1923-માં એઝરા પાઉણ્ડના અનુરોધથી ‘The Little Review’-માં પ્રકાશિત થયેલી. એ મોટાભાગની રચનાઓ બહુશ: રેખાંકનો કે શબ્દચિત્રો હતી, જેને ‘વિનિયટ્ટ’ કહેવાય છે. આ વિનિયટ્ટસથી હૅમિન્ગ્વેએ ટૂંકીવાર્તાલેખનનો શુભારમ્ભ કરેલો.
1924-માં એમાં બીજી બાર રચનાઓ ઉમેરીને અને 1925-માં બીજી ચૌદ ઉમેરીને પ્રકાશન કરેલું. એમાં યુદ્ધનાં દૃશ્યો છે, બુલફાઇટિન્ગ છે, પ્રાસંગિક ઘટનાઓ છે. નોંધપાત્ર વાત એ છે કે શૈલીને કારણે આ વાર્તાઓનો એક આગવો મહિમા છે. એ શૈલી તે, પૂર્વોક્ત ‘આઈસબર્ગ’ અથવા ‘હિમશિલા શૈલી’. આમે ય ટૂંકીવાર્તાની ભાષા લાઘવગુણોપેત હોય છે. હૅમિન્ગ્વે એમાં ઉમેરો કરે છે કે આખે આખું કહી નથી દેવાનું. ચાહીને કરકસર કરવાની છે. ભલે ધૂંધળું થાય. વાચકની કલ્પના માટે કેટલુંક છોડી દેવાનું છે. એ કારણે એમની આ રચનાઓમાં છેડા છૂટ્ટા હોય છે. સળંગસૂત્રતાને બદલે બધું ટુકડા ટુકડાઓમાં ગોઠવાયેલું જોવા મળે છે. કોઈ લાઈન ટપકાં ટપકાંથી આગળ ધપતી હોય જેમ કે … … … … તો એને elliptical line કહેવાય છે.
ટૂંકીવાર્તા માટે સુરેશ જોષીએ વરસો પર આ elliptical શૈલીનો મહિમા સમજાવેલો.
માણસ આજે give & take-માં માનતો થઈ ગયો છે. ગુજરાતી તો તરત પૂછવાનો – એમાં મને શું મળવાનું? ટકા કેટલા? સાહિત્યકાર પણ જો એ વૃત્તિને વશ થઈ જશે તો એના શબ્દમાં કશો દમ હશે નહીં, અને તેથી એનાં સ્મારકો પણ હશે નહીં – મૂળ જ ન હોય તો શાખા તો હોય જ શી રીતે?
= = =
ક્રમશ:
(31Dec24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર