‘ધ બ્યુરો’ નામની કાફ્કાની એક અપૂર્ણ વાર્તા છે : એક ઉંદર જેવું અથવા badger જેવું પ્રાણી બખોલ (બ્યુરો) બનાવે છે, એવી કે, કોઈ અન્ય પ્રાણી કદી એને મારી શકે નહીં. તેમછતાં, એ સતત ભય હેઠળ જીવે છે બલકે ક્રમે ક્રમે બખોલ એને ભુલભુલામણી જેવી લાગે છે. પોતાનું એ સર્જન એને વ્યર્થ લાગે છે.
માણસે સરજેલી એવી જ સર્વથા સલામત શાસન-પ્રણાલિ લોકશાહી છે, પણ આજે એની સાર્થકતા પ્રશ્નાર્થ હેઠળ છે. એ વાત હું યથાસમયે આગળ ચલાવીશ.
+ +
આ અગાઉના લેખમાં મેં કહેલું કે સ્વાતન્ત્ર્ય-સંગ્રામને પણ એવાં સંગઠનોની જરૂર પડેલી, જેને માહિતી-જાળ કહી શકાય.
૧૮૫૭-ના ‘બળવા’-સમયની આસપાસ એવું કોઈ સંગઠન હતું નહીં, જેને માહિતી-જાળ કહી શકાય. પરન્તુ બ્રિટિશ શાસનના બળવાન પ્રતિકારનો પ્રારમ્ભ અવશ્ય થયો હતો. એ પ્રતિકારના મને બે વિભાગ સમજાયા છે : પહેલો વિભાગ, જે રાજા રામ મોહન રાયથી શરૂ થયો હતો, અને બીજો વિભાગ, જે ગાંધીજી દ્વારા વિકસ્યો હતો અને ૧૯૪૭-માં સ્વાતન્ત્ર્ય મળ્યું ત્યારે સમ્પન્ન થયો હતો.
એ સંદર્ભમાં, બંગાળના ઉલ્લેખથી શરૂઆત કરવી જોઇશે. રાજા રામ મોહન રાય (૧૭૭૨-૧૮૮૩), દેબેન્દ્રનાથ ટાગોર (૧૮૧૭-૧૯૦૫), ઈશ્વર ચન્દ્ર વિદ્યાસાગર (૧૮૨૦-૧૮૯૧), દયાનંદ સરસ્વતી (૧૮૨૪-૧૮૮૩), કેશવ ચન્દ્ર સેન (૧૮૩૮-૧૮૮૪) ઇત્યાદિ મહામનાઓનો નિર્દેશ કરવો જોઈએ.
એ સૌએ જોયું-વિચાર્યું હશે કે જ્યાં લગી અજ્ઞાન તેમ જ રૂઢિઓ અને સમાજે લાદેલાં બન્ધનોથી પ્રજા મુક્ત નહીં થાય, ત્યાંલગી દેશનો ઉદ્ધાર શક્ય નથી. ગાંધીજીને પણ એવું જ સમજાયેલું કે જ્યાંલગી ગામડાં બેઠાં નહીં થાય, ત્યાંલગી આઝાદી શક્ય નથી.
હું ત્રણ મહામનાઓ વિશે ટૂંકી વાત કરું :
રાજા રામ મોહન રાય —
તેઓ ઇન્ડિયન રેનેસાંસના, ભારતીય પુનર્જાગરણના, અગ્રયાયી કહેવાયા છે, અર્વાચીન ભારતના ઘડવૈયા ગણાયા છે. જાણીતું છે કે સામાજિક અને ધાર્મિક સુધારાના મુખ્ય હેતુથી એમણે ‘બ્રહ્મો સમાજ’-ની સ્થાપના કરેલી. એમનું મન્તવ્ય હતું કે ‘વિશદ ચર્ચા વડે જ સત્યને શોધી શકાય’. એમણે ‘બ્રહ્મનિકલ મૅગેઝિન’ તેમ જ ‘મિરાત-અલ-અખબાર’ અને ‘સંવાદ કૌમુદી’ નામનાં અઠવાડિક શરૂ કરેલાં. એમણે ‘ઍન્ગ્લો હિન્દુ કૉલેજ’-ની સ્થાપના કરેલી. એમણે કહેલું કે મહિલાઓના શોષણને કારણે સમાજની પ્રગતિ રૂંધાઇ રહી છે. એમણે સતી અને બાળલગ્ન પ્રથાઓનો સખત વિરોધ કરેલો. લૉર્ડ બૅન્ટિકે સતી-પ્રથા વિરુદ્ધ કરેલા કાયદાના રખોપા માટે, જરૂરી વકીલાત માટે, મુઘલ સામ્રાજ્યના પ્રતિનિધિ તરીકે, ૧૮૩૦-માં તેઓ ઇન્ગ્લૅન્ડ ગયેલા. તેઓ એકેશ્વરવાદના આગ્રહી હતા, તેમછતાં, એમણે વેદો આદિ હિન્દુ શાસ્ત્રોનું અને મુસ્લિમ તેમ જ ખ્રિસ્તી ધર્મગ્રન્થોનું ઊડું અધ્યયન કરીને પોતાનાં તુલનાત્મક મન્તવ્યો પ્રકાશિત કરેલાં.
પરન્તુ નૉંધપાત્ર બાબત એ છે કે ‘બળવા’ પૂર્વે જ એમણે બ્રિટિશ શાસનની સિસ્ટમમાં જ સુધારો ઇચ્છ્યો હતો – સવિશેષે કેળવણી અને કાયદા બાબતે, તેમ જ સતી-પ્રથાની નાબુદી માટે. એમણે મર્યાદિત એવા સેલ્ફ-ગવર્નન્સની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. એમની માન્યતા હતી કે અંગ્રેજી કેળવણી ભારતીયોને દેશના વિકાસ માટે વધુ કાર્યક્ષમ બનાવશે.
દેવેન્દ્રનાથ ઠાકુર (ટાગોર) —
ઘણાં વર્ષ તેઓ ઘરે રહીને ભણ્યા હતા પણ પાછળથી એમને રાજા રામ મોહન રાયની ‘ઍન્ગ્લો હિન્દુ કૉલેજ’-માં દાખલ કરવામાં આવેલા. તેઓ રાજકારણમાં સક્રિય થયેલા. ૧૮૫૧-માં ‘બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિએશન’-ની સ્થાપના થયેલી, એમાં એમની સૅક્રેટરી તરીકે નિમણૂક થયેલી, ગ્રામવાસી ગરીબોને ‘ચૉકીદારી ટૅક્સ’ ભરવો પડતો હતો, એ કાયદો દૂર કરાવવા તેમ જ ભારતની સ્વાયત્તતા માટે એમણે બ્રિટિશ પાર્લામૅન્ટ સાથે પત્રવ્યવહાર કરલો.
દયાનંદ સરસ્વતી —
પુનર્જાગરણમાં એમનું પણ યોગદાન મહત્ત્વનું ગણાય છે. જાણીતું છે કે હિન્દુ ધર્મમાં સુધારણા માટે એમણે ‘આર્યસમાજ’-ની સ્થાપના કરેલી. એમના ‘સત્યપ્રકાશ’-માં જોઇ શકાય છે કે વેદોના દર્શનને એમણે આત્મસાત કર્યું છે અને પોતાના દૃષ્ટિબિન્દુથી તેનાં નૂતન અર્થઘટન અને મૂલ્યાંકન કર્યાં છે. તેઓ કદાચ સ્વાતન્ત્ર્યની લડતમાં સીધા ન્હૉતા જોડાયા, પરન્તુ એમના વિચારોથી સ્વાતન્ત્ર્યના અનેક લડવેયાઓને બળ મળેલું. ‘સ્વરાજ’-ની સૌથી પહેલાં અહાલેક જગવનાર દયાનંદ છે, એથી ‘ભારત ભારતીયો માટે છે’ ભાવનાને વેગ મળેલો. જોઈ શકાય છે કે એ ભાવના લોકમાન્ય ટીળકના, ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ સૂત્રથી વિકસી હતી.
આમ, આ મહામનાઓના આવા અથાગ પ્રયાસો, તેમનાં સ્વરચિત પુસ્તકો, ઉપરાન્ત, ‘મિરાત-અલ-અખબાર’ (૧૮૨૨), ‘ધ ઇન્ડિયન મિરર’ (૧૮૬૧), ‘અમૃત બાઝાર પત્રિકા’ (૧૮૬૮ ), ‘ધ હિન્દુ’ (૧૮૭૮) વગેરે માધ્થમોથી સરજાયેલા માહિતી-સંચયે બ્રિટિશ શાસનની ટીકાટિપ્પણીમાં તેમ જ પ્રજાકીય જાગૃતિમાં મોટો ભાગ ભજવેલો. કહી શકાય કે કૉલોનિયલ સિસ્ટમના પ્રતિકાર માટેની એક માતબર પૂર્વભૂમિકા રચાઇ હતી.
એ પૂર્વભૂમિકા દરેક પ્રાન્તમાં, ત્યાંના નેતાઓના નેતૃત્વ હેઠળ વિકસી હતી. દાખલા તરીકે, મહારાષ્ટ્રમાં, લોકમાન્ય ટીળક (૧૮૫૬-૧૯૨૦), પંજાબમાં, લાલા લજપતરાય, વીર ભગતસિંહ (૧૯૦૭-૧૯૩૧), બાંગ્લા દેશમાં, બિપિન ચન્દ્ર પાલ (૧૮૫૮-૧૯૩૨), વગેરે વગેરે અનેકાનેક દૃષ્ટાન્તો સુવિદિત છે.
‘બળવો’ ૧૮૫૭માં, દલપતરામનો સમય, ૧૮૨૦-૧૮૯૮. નર્મદનો સમય, ૧૮૩૩-૧૮૮૬. ત્યારથી શરૂ થયેલા સાહિત્ય-યુગને આપણે ‘સુધારક યુગ’ ગણીએ છીએ. પણ, જાણીતું છે કે એમાં સમાજની સુધારણા માટે જે પડકારો ઝિલાયા એવા કોઈ પડકારો બ્રિટિશ શાસન સામે ન્હૉતા સંભવ્યા.
ગુજરાતમાં, દલપત-નર્મદના સમયમાં બ્રિટિશ શાસનની દેશ-વ્યાપી સિસ્ટમનાં પરિણામોથી જુદું પરિણામ ન્હૉતું આવ્યું. એ સમયે પ્રતિકાર કરવો પડે એવા શોષણ કે દમનના પ્રશ્નો પણ ગુજરાતમાં નથી નૉંધાયા. ગુજરાત ત્યારે બૉમ્બે પ્રૅસિડેન્સી હેઠળ હતું. લૉર્ડ ઍલ્ફિન્સ્ટન આદિ ગવર્નર નિમાયા હતા, અને ત્યારે જે કંઈ સ્થાપનાઓ થઇ હતી તે મુખ્ય તો વિદ્યાકીય હતી. ગુજરાતમાં ફારબસ અને દપલતરામના સહયોગથી સાહિત્ય લાભાન્વિત થયેલું.
ખરો પ્રતિકાર તો ગાંધીજી ૧૯૧૫-માં દક્ષિણ આફ્રિકાથી આવ્યા ત્યારે શરૂ થયો. ખેડૂતોના હક્કો માટેની ૧૯૧૭-ની ચમ્પારણ લડત, એ પછી, બારડોલી સત્યાગ્રહ, દાંડી-કૂચ, ગોળમેજી પરિષદ, ક્વીટ ઇન્ડિયા મૂવમૅન્ટ, ગાંધીજીને અનેક વાર જેલવાસ, એમ એક પછી એક સંભવેલી પ્રતિકારની ઘટનાઓથી અંગ્રેજ શાસકોને ગાંધીજીની પ્રભાવક વ્યક્તતિતાનો પરચો મળી ગયેલો.
મોટો ફર્ક એ હતો કે ગાંધીજીનાં ખુદનાં લેખનો, ગાંધીજીના અન્તેવાસીઓનાં લેખનો, પુસ્તકો, વિદેશી ગ્રન્થોના અનુવાદો વગેરે માધ્યમોથી વિશાળ કદનો માહિતી-સંચય થયો હતો.
બીજો ફર્ક એ હતો કે સ્વાતન્ત્ર્યની લડતમાં નવી પેઢી મોટી સંખ્યામાં જોડાઈ હતી અને લડતની પદ્ધતિ સવિનય કાનૂનભંગ અને અસહકારની હતી – ટૂંકમાં, પદ્ધતિ અહિંસક સત્યાગ્રહની હતી. ગુજરાતી સાહિત્યના ‘ગાંધી યુગ’-માં, સાહિત્યકારો અને અન્ય વિચારકો પર ગાંધીદર્શનની ઠીક ઠીક અસર પડી હતી, સવિશેષે, ગાંધીવિચારને પોષક સામાજિક ચિન્તન શરૂ થયું હતું અને સાહિત્યમાં ગ્રામજીવનનું વાસ્તવ પ્રતિબિમ્બિત થયું હતું.
માહિતી-સંચયને સ્વાતન્ત્ર્ય-સંગ્રામના સમગ્ર નેટવર્કનો અનિવાર્ય ભાગ ગણવો જોઈશે. ગાંધીજીના આગમન પછી, લડતને ઘણો વેગ મળ્યો હતો અને માહિતી-સંચયમાં ઘણી જ વૃદ્ધિ થઈ હતી. કહેવું હોય તો કહી શકાય કે ગાંધીજીના આગમન પછી એ જાળ સરજાઇ અને સ્વાતન્ત્ર્ય-પ્રાપ્તિ લગી વિકસતી રહી.
+ +
સ્વાતન્ત્ર્ય-સંગ્રામના એ સમગ્ર નેટવર્કથી જુદું પણ એના જેવું જ નેટવર્ક છે, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીયતા માટેનું નેટવર્ક – નેશનાલિઝમ. આજના વિશ્વમાં તીવ્ર પ્રશ્ન એ છે કે માણસ આજે રાષ્ટ્રપ્રેમી હોય એ પૂરતું છે કે એ વિશ્વપ્રેમી પણ હોવો જોઈએ …
= = =
(18Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર