ભરતના રસસૂત્રમાં સૂત્રિત વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવથી મનુષ્યજીવનનો ભાવસમૂહ સૂચવાય છે.
એ પછી સૂત્ર આમ પૂરું થાય છે, ‘સંયોગાત્ રસનિષ્પત્તિ:’ એટલે કે, એ ભાવોના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે.
ભાવ અને રસ વચ્ચે શું સંભવે છે? શાસ્ત્ર કાર્ય-કારણ બતાવતાં એમ કહે છે કે ભાવોના ‘કાર્ય’ રૂપે – ઍક્શન રૂપે – અનુભાવો છે અને તે રસનું ‘કારણ’ બની શકે છે. બીજું એ કહે છે કે સ્થાયી ભાવ, વ્યભિચારી ભાવ, ‘ચિત્તવૃત્તિ’ રૂપ છે. પરન્તુ નિયમાનુસાર, બે ચિત્તવૃત્તિઓ સાથે સાથે ન હોઈ શકે, તેથી વિભાવો અને અનુભાવોથી ‘ઉપચિત’ સ્થાયી ભાવ જ રસ છે; અનુપચયિત સ્થાયીને માત્રસ્થાયી જ ગણવો જોઇશે.
મને એક પ્રશ્ન થયો છે : ભાવ અને રસ વચ્ચે ‘સંયોગાત્’ સંજ્ઞા છે. જો સંયોગ છે, તો એનો કરનાર પણ હશે; કોણ હોય છે?
હું એક ઉત્તર એ આપું કે વિભાવો રંગભૂમિ પરની ‘પ્રૉપ’ કહેતાં, પ્રૉપર્ટિ વગેરે તમામ સન્નિવેશથી – સૅટિન્ગ્સથી – સરજાય છે અને અનુભાવો તેમ જ વ્યભિચારી ભાવો અભિનેતાઓના અભિનયથી સરજાય છે. પરિણામે, સંયોગ સિદ્ધ થાય છે અને રસનિષ્પત્તિ થાય છે.
ભરત તો એટલે સુધી સૂચવે છે કે અભિનેતાઓએ સંયોગ સિદ્ધ થાય એ સ્વરૂપનો અભિનય કરવો જોઈશે.
આ મુદ્દો એમણે શૃંગાર આદિ લગભગ બધા રસ વિશે વિવરણપૂર્વક રજૂ કર્યો છે : હું બધા રસોની ઉત્પત્તિરૂપ શૃંગાર, રૌદ્ર, વીર, બીભત્સની, અને મને બહુ જ ગમતા કરુણ તેમ જ અદ્ભુતની જ વાત કરીશ :
રસસૂત્રાનુસારી મુખમુદ્રાઓ —
Pic Courtesy : Mediated Unity
૧: શૃંગાર વિશે –
શૃંગારનો સ્થાયી ભાવ રતિ છે.
ભરત જણાવે છે કે શૃંગાર સ્ત્રી-પુરુષનાં નિમિત્તોથી સંભવે છે. ઉજ્જવળ વેશવાળી વ્યક્તિ શૃંગારવાન ગણાય છે. ઉત્તમ યૌવનવાનને શૃંગાર વધારે અનુકૂળ પડે છે, અથવા ઊલટું !
કહ્યું કે – તસ્ય દ્વે અધિષ્ઠાને સમ્ભોગો વિપ્રલમ્ભશ્ચ. શૃંગારરસનાં બે અધિષ્ઠાન છે, સમ્ભોગ શૃંગાર અને વિપ્રલમ્ભ શૃંગાર. અધિષ્ઠાનને આશ્રય કે પ્રકાર પણ કહી શકીએ.
ભરત જણાવે છે કે ઋતુ, માળાઓ, અનુલેપ, ઘરેણાં, પ્રિયજન, વિષય, સરસ ઘર, ઉપભોગ, ઉપવનગમન, શ્રવણ, દર્શન, ક્રીડા, લીલા વગેરે વિભાવોથી સમ્ભોગશૃંગાર ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટે ઉચિત સન્નિવેશની રચના કરવી જોઈશે.
વિપ્રલમ્ભ શૃંગાર અને કરુણ રસ વચ્ચેનો ફર્ક બતાવતાં ભરત કહે છે કે કરુણ રસ શાપ, ક્લેશ, વિનિપાત, ઇષ્ટજન-વિયોગ, ધનનાશ, વધ કે બન્ધનથી ઉદય પામે છે, એમાં ઉત્કણ્ઠા અને ચિન્તાથી સમુત્થિત નિરપેક્ષતાનો એટલે કે લાપરવાહીનો ભાવ હોય છે, જ્યારે વિપ્રલમ્ભમાં સાપેક્ષતાનો ભાવ હોય છે એટલે કે એકમેકની પરવા કરાતી હોય છે.
અભિનય માટે ભરત કહે છે, નયનચાતુર્ય, કટાક્ષ, લલિતમધુર અંગવિેક્ષેપ અને વાક્યાદિ અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે. ભય, આલસ્ય, ઉગ્રતા અને ઘૃણા સિવાયના ભાવો વ્યભિચારી ભાવો છે. નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, શ્રમ, ચિન્તા, ઉત્કણ્ઠા, નિદ્રા, સ્વપ્ન, ઉન્માદ અપસ્માર જડતા અને મૃત્યુ વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:
૨ : રૌદ્ર વિશે –
રૌદ્રનો સ્થાયી ભાવ ક્રોધ છે.
ભરત જણાવે છે કે ક્રોધ રાક્ષસ, દૈત્ય અને ઉદ્ધત મનુષ્યોથી ઉત્પન્ન થાય છે. કોઇનો નિરાદર કરવો, કોઇ પર આક્ષેપ કરવો, અપમાન કરવું, જૂઠું બોલવું તેમ જ કઠોર વાણી કે મત્સરતા વગેરે વિભાવોથી રૌદ્ર રસ ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટે ઉચિત સન્નિવેશની રચના કરવી જોઈશે.
અભિનય માટે ભરત કહે છે, વ્યક્તિ પર શસ્ત્રપ્રહાર કરવો, માર મારવો, એને તંગ કરવી તેમ જ ફાડવું, ચીરવું, કાપવું, ઉગામવું વગેરે રૌદ્રસંગત કાર્યો છે. તદનુસારનો અભિનય કરવો. ઉપરાન્ત, દાંત કચકચાવવા, હોઠ દબાવવા, કાંડું પકડીને દબાવવું તેમ જ આંખ લાલ હોય, પ્રસ્વેદ થતો હોય, ભ્રકુટિ ખૅંચાતી હોય, વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઈશે – પ્રયોક્તવ્ય:
કહે છે, સમ્મોહ, ઉત્સાહ, વેગ, અમર્ષ એટલે કે ક્રોધ, ચપલતા, ઉગ્રતા, પ્રસ્વેદ, વેપથુ એટલે કે કાંપવું, રોમાંચ, વગેરે વ્યભિચારી ભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:
૩ : વીર વિશે –
વીરનો સ્થાયી ભાવ ઉત્સાહ છે.
ભરત જણાવે છે કે એ ઉત્તમ કહી શકાય એવી પ્રકૃતિ ધરાવનારી વ્યક્તિઓમાં જોવા મળે છે. અસમ્મોહ, અધ્યવસાય એટલે કે નિશ્ચય, નીતિ, વિનય, પરાક્રમ, શક્તિ, પ્રતાપ, પ્રભાવ વગેરે વિભાવોથી વીર રસ ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટે ઉચિત સન્નિવેશની રચના કરવી જોઈશે.
અભિનય માટે ભરત કહે છે, સ્થિરતા, શૌર્ય, ધૈર્ય, ત્યાગ, વૈશારદ્ય એટલે કે ચાતુર્ય વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઈશે – પ્રયોક્તવ્ય:
કહે છે, ધૃતિ, મતિ, ગર્વ, વેગ, ઉગ્રતા, અમર્ષ એટલે કે ક્રોધ, સ્મૃતિ, રોમાંચ, વગેરે વ્યભિચારી ભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:
૪ : બીભત્સ વિશે –
બીભત્સનો સ્થાયી ભાવ જુગુપ્સા છે.
ભરત જણાવે છે કે અમનોહર અને અપ્રિય વસ્તુ જોવાથી, અનિષ્ટ સાંભળવાથી, જોવાથી કે બીજાને કહી બતાવવાથી, શબ્દદોષ દેખાય એથી, રસ, ગન્ધ, સ્પર્શ વગેરેમાં ત્રુટિઓ ધ્યાનમાં આવવાથી, સર્વ પ્રકારની વ્યાકુળતાઓથી બીભત્સ રસ ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટે ઉચિત સન્નિવેશની રચના કરવી જોઈશે.
અભિનય માટે ભરત કહે છે, મૉં સંકોચવું, વમન કરવું, થૂંકવું, અંગો હાલે એમ કરવું વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઈશે – પ્રયોક્તવ્ય:
કહે છે, અપસ્માર, વેગ, મોહ, વ્યાધિ, મરણ વગેરે વ્યભિચારી ભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:
૫ : કરુણ વિશે –
કરુણનો સ્થાયી ભાવ શોક છે.
ભરત જણાવે છે કે શાપથી જનમેલો ક્લેશ, ઇષ્ટજનનો વિયોગ, વિભવનાશ (ધન વગેરેનો), વધ, બન્ધન, ભાગદોડ, દુર્ઘટના, વ્યસન-સંયોગ વગેરે વિભાવોથી કરુણ રસ ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટેના સન્નિવેશની રચના કરવી જોઈશે.
અભિનય માટે ભરત કહે છે, આંસુ સારવાં, શોકમૂલક વિલાપ કરવો, મૉં સૂકાયેલું કે નિસ્તેજ દર્શાવવું, નિસાસા નાખવા, ઉપરાન્ત, ગાત્રપતન કે વિસ્મરણ વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઈશે – પ્રયોક્તવ્ય:
કહે છે, નિર્વેદ, ગ્લાનિ, ચિન્તા, ઉત્કણ્ઠા, આવેગ, મોહ, શ્રમ, ભય, વિષાદ, દીનતા, વ્યાધિ, જડતા, ઉન્માદ, અપસ્માર, મૃત્યુ વગેરે વ્યભિચારી ભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:
૬ : અદ્ભુત વિશે –
અદ્ભુતનો સ્થાયી ભાવ વિસ્મય છે.
ભરત જણાવે છે કે દિવ્ય વસ્તુના દર્શનથી, મનવાંછિત ઇચ્છા પૂરી થવાથી, ઉત્તમ વન કે દેવમન્દિરોમાં જવાથી, અસંભવ વસ્તુઓ કે ઇન્દ્રજાલથી, અતિશયાર્થ વાક્ય કે શીલનો બોધ થવાથી, વગેરે વિભાવોથી અદ્ભુત રસ ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટેના સન્નિવેશની રચના કરવી જોઈશે.
અભિનય માટે ભરત કહે છે, આંખો વિસ્ફારિત કરવી, તાકી તાકીને જોવું, હર્ષ દર્શાવવો, ધન્યવાદ આપવા, ઉપહારનું દાન કરવું, વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:
કહે છે, સ્પર્શ કરવો, ઉત્કણ્ઠિત થઈ જવું, હસવું, આંસુ સારવાં, હોહો કરવું, ગદ્ ગદ્ વચન ઉચ્ચારવાં તથા રોમાંચ, સ્તમ્ભ, પ્રસ્વેદ, આવેગ, સંભ્રમ, જડતા, વગેરે વ્યભિચારી ભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:
રસસૂત્રમાં, અગાઉ કહ્યું એમ, ભાવ અને રસ વચ્ચે ‘સંયોગાત્’ સંજ્ઞા છે. મેં એવો પ્રશ્ન કરેલો કે સંયોગ છે, તો એના કરનાર કોણ હોય છે -? આપણે જોઈ ગયા એ પ્રમાણે, એ સંયોગના કરનાર રંગકર્મીઓ અને અભિનેતાઓ હોય છે.
પણ હું બીજો ઉત્તર એ આપીશ કે એ સંયોગના કરનાર સર્જકો / લેખકો હોય છે. સર્જકતાની સત્તાએ સંયોગ સિદ્ધ થાય છે અને રસનિષ્પત્તિ થાય છે.
= = =
(11/21/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર