૨૦૧૨માં, સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વરા પ્રકાશિત “ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ” સમ્પાદક : સુમન શાહ : પુસ્તકમાંથી પુન:શ્ચ, કેટલાક અંશો —
મારો દયારામભાઇને વિશેનો વિશિષ્ટ ભાવ તો એ કારણે કે હું પણ ડભોઇનો છું. મારા એ વતનમાંથી મને જે કંઇ મળ્યું છે તેમાં દયારામ નામનું મૉંઘું રતન પણ છે.
મારા દાદા કૃષ્ણભક્ત હતા. ડભોઇમાં એમણે ભજનિક તરીકે નામ કાઢેલું. મળસ્કાના જાગી જતા. અગાશીમાં જઇ ફળિયાવાળાંઓની દરકાર રાખ્યા વિના કરતાલ સાથે મુક્ત મને ભજનો ગાતા. ઓરડામાં ખૂણે સેવાનું મન્દિર સજાવેલું. ભજન-મંડળોમાં કે ધર્મસભાઓમાં જઇ જાહેરમાં પણ ગાતા, એટલું જ નહીં, નાચતા ! મેં એમને ઉત્કટતાની પળોમાં કૃષ્ણછબિ સામે ઊભા થઇ જતા અને નાચવા મંડી પડતા અનેકવાર જોયેલા. ત્યારે કરતાલ છોડી દે અને બન્ને હથેળીઓની આવેશભેરની તાળીઓ સાથે મન મૂકીને નાચે. પછી થાકે ત્યારે ઢળી પડે. હાથ જોડી કૃષ્ણચરણમાં ક્યાં ય લગી નતમસ્તક પડ્યા રહે. મને એમનાં વહાલાં ભજનો યાદ નથી રહ્યાં તેનો રંજ છે; પણ એમાં દયારામની કોઇ કોઇ રચનાઓ જરૂર હતી એમ ચોક્કસ કહી શકું છું.
એક બીજો અનુબન્ધ મારા પિતાજી સાથે છે. એ એમના જમાનાના એમની રીતના થોડા કવિ હતા. જાણીતા જરા ય નહીં અથવા સાવ જ ઓછા. એક રચના એમણે દયારામ પર પણ કરેલી. મને એની પહેલી અને એક જ કડી યાદ રહી છે : ‘રસઝરતી લેખિની એની હળવી : એનું નામ અમર દયારામ કવિ …’ ‘રસઝરતી’ પ્રયોગ મને સ્થૂળ લાગ્યો છે છતાં, દયારામની લેખિનીનું એ વિશેષણ મને અનુચિત નથી લાગ્યું. અને એનું ‘હળવી’ વિશેષણ તો સર્વથા ઉચિત લાગ્યું છે. ખરેખર તો એ કેટલું બધું સાચું છે કે દયારામની અમરતાનું રહસ્ય એ બે ગુણ-વિશેષોમાં છે !
એક ત્રીજો અનુબન્ધ એ છે કે ડભોઇમાં કવિનો જન્મદિવસ વરસો સાલથી ઉજવાતો આવ્યો છે. કિશોરાવસ્થાથી મારા ચિત્ત પર એ ઉજવણાંની ગાઢ છબિ અંકાયેલી છે. ત્યારે કવિની ગરબીઓને અને એમનાં પદોને એમના જ મૂળ ઢાળોમાં સાંભળવાનું બનેલું. એવું ગાનારાંઓમાં અરુણા બક્ષીનાં માતુશ્રી સવિતાબે’ન ભાદુવાળાની અસ્સલ દયારામ-ઢબની હલક મને કાયમ માટે યાદ રહી ગઇ છે. પછી તો, મારા સાઠોદરા નાગર મિત્રો પણ હતા. પછી તો, અમે પણ દયારામને ગાતાં હતાં. ત્યારે, શી ખબર, પણ કવિના મૂળ ગોપીભાવ સાથે મારો કિંચિત્ તાર સધાઇ જતો. એ ખરું કે ગાવાના એ દિવસો ક્રમે ક્રમે સંતાઇ-છુપાઇને ક્યાંક ચાલી ગયા છે, પણ દયારામને વિશેના મારા કોઇપણ વિચારનાં મૂળ એવા ભીના સ્મૃતિલોકમાં છે. દયારામ મને હમેશાં સૂરોમાં આવે છે.
પહેલેથી મને દયારામની કાવ્યસૃષ્ટિને વર્તુળોમાં મૂકીને જોવાનું સલાહભર્યું લાગ્યું છે :
ગોપીની પ્રેમભક્તિ સૂચવતી રચનાઓ : પહેલું વર્તુળ. એના કેન્દ્રમાં ગોપી અને કૃષ્ણ છે, ગોપીની પ્રેમભક્તિ છે. ‘મોહનમાં મોહિની’-થી માંડીને ‘ડહાપણ રાખોજી!’ લગીની રચનાઓ એમાં આવે.
(આ અને અહીં ઉલ્લેખિત રચનાઓના જિજ્ઞાસુઓએ એ પુસ્તક, “ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ” જોવું.)
વાંસલડીપરક રચનાઓ : બીજું વર્તુળ. એના કેન્દ્રમાં ગોપી અને વાંસલડી છે. ‘કુંજમાં વાય છે વાંસળી’-થી માંડીને ‘માનીતી વાંસલડીને’ લગીની રચનાઓ એમાં આવે.
કવિ સ્વયંના ભક્તિભાવને રજૂ કરતી રચનાઓ : ત્રીજું વર્તુળ. એના કેન્દ્રમાં દયારામ અને દયાપ્રીતમ પ્રભુ શ્રીકૃષ્ણ છે. કવિએ સ્વયંના ભક્તિભાવને આકાર્યો છે. ‘રૂડા દીસો છો રાજેશ્વર !’-થી માંડીને ‘પ્રેમ’ લગીની રચનાઓ એમાં આવે.
અન્ય રચનાઓ : ચોથું વર્તુળ. એના કેન્દ્રમાં દયારામની અન્ય કાવ્ય-સર્જકતાને જોઇ શકાય છે. ‘તિથિઓ : પ્રેમ અગમપંથ’-થી માંડીને ‘ગરબે રમવાને’ લગીની રચનાઓ એમાં આવે.
પહેલા અને બીજા વર્તુળની રચનાઓ કવિની, ગોપીની તેમ જ કોઇપણ ભક્તની કૃષ્ણને વિશેની અનર્ગળ ભક્તિ સૂચવે છે. એ મુખ્યત્વે પ્રેમલક્ષણા ભક્તિ છે.
એ બન્ને વર્તુળની રચનાઓ પછી તરત મેં ચોથા વર્તુળની રચનાઓ મૂકી છે. અને છેલ્લે, ત્રીજા વર્તુળની રચનાઓ મૂકી છે. ત્રીજા વર્તુળની રચનાઓ મુખ્યત્વે કવિની ઉત્તરાવસ્થા સૂચવે છે. એમાં પ્રેમલક્ષણાભક્તિનું દાસ્યભાવમાં સમુચિત પર્યવસાન છે. કૃષ્ણ-ગોપીના ભેદને સ્થાને એમાં હું-તું-ના અભેદની આરત વધારે છે અને તે માટેની શરણાગતિ છે.
જરૂરી વિવરણથી દરેક વર્તુળને સમજીએ :
(ક્રમશ:)
(12 Aug 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર