== આ નવલકથામાં માર્ક્વેઝના સ્વાનુભવો મોટું પ્રેરકબળ બન્યા છે; એની પ્રતીતિ આ અને પછીનાં પ્રકરણોમાં સવિશેષે થાય છે.
જેમ કે, બનાના પ્લાન્ટેશનના કામદારો હડતાલ પર ઊતરી જાય છે અને એમને મારી નાખવામાં આવે છે એ દુર્ઘટના, માર્ક્વેઝે પોતાના નાનપણમાં જોયેલી ઘટનાનું પ્રતિબિમ્બ છે. ત્યારે માર્ક્વેઝ એક બનાના પ્લાન્ટેશનની નજીક રહેતા હતા; ત્યારે કામદારો હડતાળ પર ઊતરી ગયેલા; ત્યારે મશિનગનોથી કામદારોની હત્યા થયેલી, એટલું જ નહીં, એમની લાશોને દરિયામાં ફૅંકી દેવાયેલી !
એમ લાગે કે માર્ક્વેઝ એકાન્તે, કોરાણે, રહી ગયેલા માકોન્ડો ગામની રસપૂર્વક વાર્તા કહી રહ્યા છે; પરન્તુ નોંધવું જોઈશે કે બનાના પ્લાન્ટેશનનું એ અમાનવીય ઘટનાચક્ર લેટિન અમેરિકામાં વિસ્તરેલા વેસ્ટર્ન ઇમ્પિરિયાલિઝમના ઇતિહાસનો જ એક દુ:ખદ હિસ્સો છે. નવલકથામાં માર્ક્વેઝ નિરૂપે છે કે બનાના કમ્પનીઓનો કૅપિટાલિસ્ટ ઇમ્પિરિયાલિઝમ માકોન્ડોવાસીઓ માટે કેટલો તો ખાઉ અને નુક્સાનકારક હતો. એથી માકોન્ડોમાં ભ્રષ્ટાચાર શરૂ થયેલો.
નવલમાં સરકારો અને સત્તાને વિશેનું એમનું સમીક્ષક દૃષ્ટિબિન્દુ પણ વણાયેલું છે. કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાની લિબરલ પાર્ટી માટેની લડત માત્ર કથાપરક કલ્પના નથી, પણ એ લડતની પાર્શ્વભૂમાં લિબરલ્સને વિશેની માર્ક્વેઝની સહાનુભૂતિ અને ભ્રષ્ટ કૉન્ઝર્વેટિવ સરકાર પ્રત્યેનો તિરસ્કારભાવ પણ જોઈ શકાય છે.
ખરેખર તો, એમના વતન કોલમ્બિયામાં થયેલા રાજકીય સંઘર્ષોનાં જ આ બધા કથા-આકારો છે. ==
પ્રકરણ : ૧૫ —
મૌરિસિઓ બૅબિલોનિયાને થયેલા કરોડરજ્જુના રોગની કરુણતાથી મેમે આઘાત પામે છે ને બોલતી બંધ, અવાક, થઈ જાય છે. મેમેની વર્તણૂકથી વિક્ષુબ્ધ ફર્નાન્ડા એને લાંબો પ્રવાસ કરાવીને પોતાને વતન લઈ જાય છે.
મૌરિસિઓ બૅબિલોનિયાને એની જગ્યાએથી ખસેડીને મુક્ત થતાંની વારમાં, ફર્નાન્ડાએ આગળનું બધું વીગત વીગતમાં વિચારી લીધું, એટલા માટે કે એ આખા બોજથી ઝટ હળવા થઈ જવાય. પતિ જોડે કશી વાતચીત કર્યાં વિના એણે બૅગો તૈયાર કરી. દીકરી માટે એક નાની સૂટકેસમાં ત્રણેક જોડ કપડાં મૂક્યાં, અને ટ્રેન ઉપડવાના અરધા કલાક અગાઉ દીકરીના બેડરૂમમાં જઈને એને પણ તૈયાર કરી દીધી.
‘ચાલ જઈએ, રેનાતા,’ ફર્નાન્ડાએ કહ્યું, કશો વિશેષ ખુલાસો પણ ન કર્યો, મેમેએ પણ કંઈ પૂછ્યું નહીં. એને થયું ફર્નાન્ડા જાણે એને કસાઇખાને લઈ જાય છે, જાણ્યું જ નહીં કે બન્ને ક્યાં જઈ રહ્યાં છે. બૅકયાર્ડમાં થયેલા ગોળીબારનો ધડાકો અને મૌરિસિઓ બૅબિલોનિયાની ચીસ સિવાયનું એને કશું જ યાદ ન્હૉતું; અને ત્યારથી એ અવાક થઈ ગયેલી તેમ જ જીવનભર એમ જ રહેલી. બેડરૂમમાં ફર્નાન્ડાએ હુકમ ફરમાવ્યો એટલે એણે મૉં ધોયું નહીં, વાળ પણ ઓળ્યા નહીં ને ટ્રેનમાં પ્રવેશી – જાણે ઊંઘમાં ચાલી રહી’તી … એને ખબર પણ ન પડી કે પીળાં પતંગિયાં હજી એને સાથ આપી રહ્યાં’તાં.
મેમે કૉન્વેન્ટમાં જોડાય છે અને મૌરિસિઓ બૅબિલોનિયાના વિચારોમાં ખોવાયેલી રહે છે, શેષ જીવન ત્યાં જ વીતાવે છે. એના કૉન્વેન્ટમાં આવ્યાના અનેક માસ પછી, કૉન્વેન્ટની એક નન મૌરિસિઓ બૅબિલોનિયાથી થયેલા મેમેના અવૈધ છોકરાને લઈને બ્વેન્દ્યા હાઉસ આવે છે. ફર્નાન્ડા એને ઔરેલિયાનો બ્વેન્દ્યાની જૂની વર્કશોપમાં સંતાડી રાખે છે. મેમેનાં એ કરતુતથી ફર્નાન્ડાને નીચાજોણું થાય છે, એ એવી બનાવટ કરે છે કે છોકરો અનાથ છે. છોકરો ‘ઔરેલિયાનો બીજો’ કહેવાય છે.
તે મેમે બ્વેન્દ્યાના એ અવૈધ પુત્રને ઘરે લાવી, પરન્તુ એથી તો માકોન્ડો ગામ માટે ભાવિમાં ઘાતક નીવડનારી ઘટનાઓ સ્પષ્ટ થઈ ગઈ.
લોકોની પરિસ્થિતિ એવી હતી કે અંગત લફરાંમાં માથું મારવા કોઈ તૈયાર ન્હૉતું. એવા વાતાવરણમાં ફર્નાન્ડાને ભરોંસો પડેલો કે પોતે પુત્રને સંતાડી રાખશે તો કશું ખોટું નહીં થાય – જાણે એનું અસ્તિત્વ જ ન્હૉતું ! જાણે એ હતો જ નહીં. ફર્નાન્ડાએ એમ જ કરવું પડે, કેમ કે પુત્રને એવા સંજોગોમાં લાવેલા કે જુદું કશું શક્ય જ ન્હૉતું. ફર્નાન્ડાને ગમે કે ન ગમે, પુત્રને જીવનભર વેઠી લીધા વિના એનો છૂટકો ન્હૉતો; વળી, પુત્રને બાથરૂમના ટબમાં ડુબાડી દેવાના પોતાના મનોનિર્ણય વિશે પણ એ ઢચુપચુ હતી.
પુત્રને એણે કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાની જૂની વર્કશૉપમાં બંધ કર્યો ને સોફિયા દ લા પિયેદાદને સમજાવી દીધું કે એણે છોકરાને બાસ્કેટમાં ‘તરતો’ – દેખાતો – જોયો છે. ઉર્સુલા છોકરાની અસલીયત ન જાણે તો તો જીવતે જીવ મરી જાય ! એક વાર, ફર્નાન્ડા છોકરાને ખવરાવતી’તી ત્યારે, નાની અમરન્તા ઉર્સુલા ત્યાં જઈ ચડેલી, એને પણ બાસ્કેટની જુક્તિ સમજાઈ ગયેલી.
મેમેને એના જીવનની કરુણતાથી બચાવી લેવામાં ફર્નાન્ડા ઢંગધડા વગરનું વર્તેલી, એટલે, એનો ધણી ઔરેલિયાનો સેગુન્દો હતાશ થઈ ગયેલો. છોકરાને ઘરે લાવ્યા એ પછીનાં ત્રણ ત્રણ વર્ષ લગી ઔરેલિયાનો સેગુન્દોને પોતાના એ પૌત્રની કશી જાણ જ ન્હૉતી થઈ.
Turkeys’s wattles —
બનેલું એવું કે ફર્નાન્ડાની બેદરકારીને લીધે છોકરો એક દિ વર્કશોપમાંથી આંગણામાં પ્હૉંચી ગયેલો – નાગો – વાળ વિખરાયેલા – એનું શિશ્ન નર ટર્કીની સંવનન માટે ઉત્તેજિત થઈ ગયેલી લાલ ગળાગોદડીના જેવું (Turkeys’s wattles) હતું. લાગે કે એ માનવબાળ નથી પણ જ્ઞાનકોશમાં આપેલી નરભક્ષકની વ્યાખ્યા છે.
(ક્રમશ:)
= = =
(Feb 26, 24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર