હરારી તો પ્રખર ઇતિહસવેત્તા છે. વર્તમાનથી પાછળ જેટલે જવાય એટલે જઈને પોતાનાં મન્તવ્યોને સમર્થિત કરે છે.
પણ મને આપણે ત્યાં પ્રવેશેલા કમ્પ્યૂટર-કાળમાં જવું જરૂરી લાગે છે. એ રાહે, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને સમજવાની પણ એક વ્યવહારુ સગવડ થશે.
છેક ૧૯૮૫-૮૬ની વાત છે.
હું ત્યારે હસમુખ ગાંધીના તન્ત્રીપદે ચાલતા “સમકાલીન” દૈનિકમાં “વેઇટ્-એ-બિટ્” કૉલમ લખતો’તો. એ નામનું મારું પુસ્તક પણ છે, 1987.
મારો હસમુખભાઈ સાથે તાર બરાબર સધાયેલો – એ રીતે કે એમને તેમ મને દેશની ‘સાફસફાઈ’ માટે ‘માથાફાડ ઘા’ કરવાનું બહુ ફાવે, એવી હતી અમારા બન્નેની સમીક્ષક-બુદ્ધિ ! હસુમખભાઈ રાજકાજની છડેચોક ટીકટિપ્પણી કરે, હું ય કરું, પણ સાહિત્યકલાની વ્યાપક ભૂમિકાએ મને સંપડાવેલી મારી સૂઝબૂઝ પ્રમાણે.
ત્યારે, મેં પહેલી વાર કમ્પ્યૂટર અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિશે, એ.આઇ. વિશે, લેખ કરેલા. (હવેથી દરેક વખતે, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માટે ‘એ.આઇ.’ પ્રયોજીશ.)
રાજીવ ગાંધી દિલ્હીના તખ્તે આરૂઢ હતા. દેશના આકાશમાં બે વાતોના રંગીન પતંગ ચગેલા : એક પતંગ, ન્યૂક્લિયર હૉલોકાસ્ટનો – અણુવિધ્વંસનો; અને બીજો પતંગ, કમ્પ્યૂટર-ક્રાન્તિનો. મેં લખેલું : બન્નેમાં દેશવાસીઓનું જ્ઞાન-અજ્ઞાન ભૂસાના પડીકાની જેમ સંભરેલું છે.
ત્યારે રૅગનનો “સ્ટાર-વૉર્સ-પ્રોગ્રામ” ભયાનક સ્વરૂપે જોખમી ભાસતો’તો, પણ રૅગન એને ‘ડિફેન્સ મિકેનિઝમ’ કહેતાં શરમાતા ન્હૉતા. તે સમયની જીનિવા ખાતેની શિખર-મન્ત્રણાઓમાં, રૅગનના એક નમ્બરના પ્રતિસ્પર્ધી ગોર્બાચોવ પણ દુનિયાને બહુ પાકા માણસ લાગેલા.
પરોક્ષ પરિણામ એ આવ્યું કે ત્રીજા વિશ્વના બૌદ્ધિકો અણુ-વિધ્વંસની શાબ્દિક ચર્ચાઓ કરવા લાગ્યા. કાર્લ સગાને કહ્યું કે પૃથ્વી પર ૫૫,૦૦૦ અણુશસ્ત્રો ગણી શકાય એવાં ઉઘાડાં છે.
બીજું પરોક્ષ પરિણામ એ આવ્યું કે આવી બધી માહિતીથી ભારત જેવા વિકાસશીલ દેશોના લોકો રોજે રોજ આક્રાન્ત થવા લાગ્યા. બિચારી પ્રજાઓના રાંક નેતાઓ ઇચ્છવા લાગ્યા કે બીનજોડાણવાદી સૂત્રે જોડાઇ જઈએ એ જ તરણોપાય છે. એ જોડાણનું રસાયન સૌને રાજીવ ગાંધી લાગેલા.
એક જમાનામાં કમ્પ્યૂટરો કારખાનાં જેવાં તોતિંગ હતાં. બાકી, પ્રારમ્ભે તો એ એક સાદું ગણકયન્ત્ર હતું. ત્યારે, મારી પાસે હતી એ માહિતી અનુસાર, મેં લખેલું કે માનવજાતે (ઍઝ અ સ્પીશિસ – હરારી) કૃષિ-ક્રાન્તિ પછી મોટી હરણફાળ ભરી અને તે હતી, ઔદ્યોગિક ક્રાન્તિ. ત્યારે, માહિતી-ક્રાન્તિનાં, ઇન્ફર્મેશન-રીવૉલ્યુશનનાં, પગરણ મંડાઈ ચૂકેલાં, માંડ ૪૦-૫૦ વર્ષ થયાં હશે. પણ એનો પ્રભાવ એટલો ઝડપી હતો કે પૂર્વકાલીન કૃષિ અને ઔદ્યોગિક, બન્ને ક્રાન્તિઓ યાદ જ ન આવે, વિસ્મરણ થઈ જાય. સમાજ તો હતો જ પણ એક નવો જ સમાજ, માહિતીસમાજ, ઊભો થઈ રહેલો. કમ્પ્યૂટર સૌને માનવચિત્તનું બરોબરિયું લાગવા માંડેલું. વગેરે.
મેં લખેલું : પ્રત્યેક કમ્પ્યૂટર પ્રોગ્રામમાં એ.આઇ.ની લાક્ષણિક વ્યવસ્થા હોય છે. દરેક પ્રોગ્રામ પોતાની નિશ્ચિત મર્યાદામાં સમ્પૂર્ણ હોય છે, એકદમ બુદ્ધિશાળી હોય છે.
નેચરલ ઇન્ટેલિજન્સની, માનવ-બુદ્ધિની, વ્યાખ્યા કરી શકાતી નથી, એનો તો હમેશાં પરચો મળે છે ! પણ, એ.આઇ.ની વ્યાખ્યા કરી શકાય છે. એમાં શું શું હોય છે તેનાં નામ પાડી શકાય છે. લખેલું કે, એ અનેક સામર્થ્યોનું સંયોજન છે. એમાં સ્મૃતિ છે. એમાં તાર્કિક વિચારપદ્ધતિ છે. એમાં તથ્યો વચ્ચેના સમ્બન્ધોને ઓળખવાની સૂઝ છે. વિચારો, પ્રતીકો અને ભૂતકાલીન અનુભવોને નવા સંદર્ભમાં વાપરવાની ગત છે, ગતાગમ છે.
= = =
(06/08/23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર