જ્યોત ૮ : કથાકેન્દ્રી સાહિત્ય (‘કથાશીલ’ પણ કહી શકાય) :
કથાકેન્દ્રી સાહિત્ય વિશેની સમજનો પ્રારમ્ભ ટુચકાથી કરવો જોઈએ. ટુચકો તે, જોક. જોકમાં આછી પણ કથા હોય છે. એ પ્રારમ્ભ હવેના સમયમાં તો માઇક્રો ફિક્શનથી – ૬ શબ્દની ટૂંકામાં ટૂંકી વાર્તાથી – કરવો જોઈશે.
જોકમાં, અન્તે ચોટ આવે તે ઘણા સમય લગી ટૂંકીવાર્તાનું લક્ષણ બની ગયેલું, એટલે લગી કે અન્તે ચોટ ન આવતી હોય તો કેટલાક સમ્પાદકો એ વાર્તાનો અસ્વીકાર કરતા !
કથાકેન્દ્રી સાહિત્યની સમજ અંગે, પછીના ક્રમે મૂકી શકાશે : લઘુકથા. ટૂંકીવાર્તા. લઘુનવલ. નવલકથા. મહાનવલકથા.
મહાનવલકથાનું જગમશહૂર દૃષ્ટાન્ત છે, ફ્રૅન્ચ સાહિત્યકાર માર્સલ પ્રૂસ્તકૃત (૧૮૭૧-૧૯૨૨) “રીમૅમ્બ્રન્સ ઑફ થિન્ગ્સ પાસ્ટ”. ‘ધ ગીનિસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડ્સ’ જણાવે છે કે એમાં ૯૬,૦૯,૦૦૦ અક્ષરો છે – માહિતીએકમો સમેત.
ફ્રૅન્ચમાં લખાયેલી આ કૃતિ ૧૯૧૩થી માંડીને ૧૯૨૭ દરમ્યાન પ્રકાશિત થઈ હતી. એનું શીર્ષક છે, À la recherche du temps perdu’, જેને અંગ્રેજીમાં In Search of Lost Time કહી શકાય. એ નામે પણ અંગ્રેજી અનુવાદની ઓળખ અપાતી હોય છે. કૃતિ સાત ગ્રન્થમાં વિસ્તરેલી છે. અલબત્ત, સમીક્ષકોએ જણાવ્યું છે કે પાછલા ત્રણેક ગ્રન્થો એટલા સારા નથી બન્યા, પ્રૂસ્ત પોતાની માંદગીને લીધે નવલના એ ભાગોને સરખા કરી શકેલા નહીં.
વિષય જ કેવો છે – શોધ, અને તે પણ, ગુમાવી દીધેલા, બરબાદ સમયની શોધ.
પ્રૂસ્ત અને નવલનો કથક એકરૂપ ભાસે છે, જો કે પ્રૂસ્તે તેનો ઇનકાર કર્યો છે. પણ ભલે, એ બન્ને નહીં, તો કથક આ નવલમાં સમયને નિરન્તર અનુભવે છે. કોઇ એક વાર કથકના જીવનમાં નાનું કશુંક બને છે. એથી એ પ્રેરાય છે, ઉશ્કેરાય છે, વીતેલાં વરસોની યાદમાં ધકેલાય છે, અને પોતાના ભૂતકાલીન અનુભવોને મનોમન ફરીથી જીવવા માંડે છે.
સમય આ નવલનું મુખ્ય વિષયવસ્તુ છે, સાથોસાથ, આમ, એમાં સ્મૃતિ અને પાછલા જીવનની મનોનુભૂતિઓ આપોઆપ ઉમેરાય છે.
કથકના જીવનમાં નાનું કશુંક બન્યું તે આ : કથક ‘મૅડલીન’ કેક ખાતો’તો, સાથે લિમ્બુનાં ફૂલની સુવાસવાળું પીણું પીતો’તો. એણે ચુસકી ભરી ને થોડી વારમાં શૈશવથી માંડીને તે ક્ષણ દરમ્યાનની યાદોમાં સરકી ગયો, ડૂબી ગયો. કેક એની સંવેદનાને સર્વથા મુક્ત કરનારી ચાવી બની ગયો.
એ ફ્રૅન્ચ કેક નાનો અને શંખના આકારનો હોય છે. કહે છે, એ ખાવાથી સ્મરણો જાગે છે.
મા ગુડનાઈટ-કિસ ન આપે ત્યાં લગી પ્રૂસ્ત સૂઇ ન્હૉતા શકતા. નવલમાં કહ્યું છે કે – રોજ વેળાસર સૂઇ જવા મથું. એટલે કે, ઊંઘ રોજ્જે આવતી જ ન્હૉતી ! પ્રૂસ્ત ૯ વર્ષની વયે અસ્થમાના જીવલેણ ઍટેકથી બચી શકેલા. આ નવલકથા એમણે ૪૦-ની વયે શરૂ કરી, એટલે એટલો સમય બરબાદ ગયો – ‘લૉસ્ટ ટાઇમ’નો એ પણ એક સંકેત છે.
જિવાયેલું જીવન કે ગયેલો સમય પાછાં નથી આવતાં. સ્મૃતિ અખૂટ અને નિરંકુશ વસ્તુ છે; અનીપ્સિત, માણસને એની અનિચ્છાએ પણ વીતી ચૂકેલા કાળમાં દૂર દૂર ખૅંચી જાય અને જિવાયેલું ખાસ્સું ડ્હૉળાય, ઘૂંટાય.
માણસના જીવનમાં એ સ્મૃતિ ખરેખર શું છે, તે સત્યની શોધ રૂપે આ નવલ વિસ્તરી છે. પ્રૂસ્તે એક શબ્દસ્વામી તરીકે એ શોધને કલાસ્વરૂપ આપ્યું છે. હંફાવી દેનારાં સ્મરણોને તેઓ શ્રમસાધ્ય કલાથી વટી ગયા છે.
વીતી ચૂકેલી પળો કે વરસો મારા જેવા સૌ સંવેદનશીલ મનુષ્યોને બહુ સતાવે, માંખી કે બગાઈની જેમ વારે વારે ચિત્તને ચૉંટે, પજવ્યા કરે ને ખસેડ્યાં ખસેડાય જ નહીં. આ પળ પછીના સમયની કલ્પના તો એક આછી લકીર હોય છે, પણ જે જિવાયું હોય ને ગુમાવાયું હોય તે શું હોય હતું? એ કાજે માણસ ચિત્તને ફંફોસ્યા કરે છે ને પાર વિનાની યાદોમાં સંડોવાઈ જાય છે. કેમ કે સ્મૃતિ તળિયા વિનાનો કૂવો છે. તેમ છતાં, બને કે કંઇ ને કંઇ એને ચિત્તથી વાગોળવા તો મળે જ.
વિશ્વની કોઈ પણ ગણમાન્ય સાહિત્યકૃતિમાં સર્જકની સ્મૃતિનો નાનો-મોટો અંશ હોય છે અને તે એકરસ થઈ ગયો હોય છે. સર્જકને એકરસ કરતાં આવડ્યું ન હોય અને કૃતિને એણે સસ્તા અતીતરાગનું સાધન ગણી લીધી હોય, તો એવું ચીતરી કાઢવાનું અઘરું નથી, બહુ સહેલું છે.
કાળની કળા હમેશાં કઠિન હોય છે; કાળજયી તો એથી પણ કઠિન !
+
યાદ રહે કે આત્મકથા, જીવનકથા, અને પ્રવાસકથા પણ કથાકેન્દ્રી સાહિત્યના જ પ્રકારો છે. તેમછતાં, એ દરેકની ભૂમિકા નકરું વાસ્તવિક જીવન હોય છે. બાકી, માણસ આત્મકથામાં પોતાની મહાનતાને ચગાવ્યા કરે; જીવનકથાકાર પેલાને વિભૂતિ રૂપે ચીતર્યે જાય; પ્રવાસલેખક ભલે ને પૅરીસમાં બે દા’ડા ધકોડા ખાઈ આવ્યો હોય, નકશો જોઈને ઘણું લખી કાઢે, વ્યાખ્યાનોમાં એ જ વાતો જોડ્યા કરે. અમારા એક અધ્યાપક એ જ કરતા’તા.
વિદેશમાં ગયા-આવ્યાનાંની ખરીખોટી ગઠરિયાં ખ્યાનામ સાહિત્યકારો પણ બાંધતા હોય છે ને પછી મૉકળા મને સાહિત્યસમાજના લાભાર્થે (!) ખોલતા હોય છે. આપણે બચારા બહુ બહુ તો અવારનવાર વડોદરા અમદાવાદ કે મુમ્બઈ ગયા હોઈએ; કદીક, દિલ્હી કે કોલકાતા. એટલે ડઘાઈ જઇએ. બનાવટી પ્રવાસવર્ણનો પણ એક સ્વરૂપની દાણચોરી છે.
યાદ રહે કે પત્રકારત્વક્ષેત્રે જેને ‘સ્ટોરી’ કે ‘રીપોર્તાજ’ કહીએ છીએ, તે સાહિત્યના પ્રકારો નથી.
એ પણ યાદ રહે, ખાસ તો ટૂંકીવાર્તા લખનારાઓને, કે જીવનમાં ઘટેલી ઘટનાને ભાષામાં સીધેસીધી લખી પાડીએ તે ‘અહેવાલ’ છે, ‘કથા’ નથી. એ રચના ઉન્નતભ્રૂ ગણાતા તન્ત્રીના તન્ત્રીપદે ભલે ને છપાઇ હોય !
= = =
(May 26, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર