ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝે પોતાની નવલકથામાં સરજેલા માકોન્ડો ગામમાં અનિદ્રાનો રોગચાળો ફેલાય છે. લોકો ઊંઘી નથી શકતા. ઉજાગરા ને જાગરણ. એનું દુષ્પરિણામ એ આવે છે કે લોકોની યાદદાસ્ત જતી રહે છે.
સામુદાયિક સ્મૃતિભ્રંશનો એ દાખલો બહુ સૂચક છે. સ્મસ્ત પ્રજા બધું ભૂલવા માંડે છે ત્યારે ક્રમશ: દિશાહીન થઈ જતી હોય છે.
આજે દેશના જ્ઞાનજગતની દશા લગભગ એ જ થઈ છે. આ સ્મૃતિભ્રંશ એટલે ભૂતકાલીન વારસાનું વિસ્મરણ. સંસ્કૃત પરમ્પરાનું બલકે સમગ્ર ભારતીય જીવનદર્શનનું વિસ્મરણ. આ સ્મૃતિભ્રંશ એટલે ભવિષ્યાભિમુખ નવ્ય વિચારધારાઓનું વિસ્મરણ. છેલ્લા અર્ધશતક દરમ્યાનના પશ્ચિમ સાથેના દાર્શનિક અને સાહિત્યિક અનુબન્ધોનું વિસ્મરણ.
સામાન્ય લોકોની વાત જુદી છે પણ બૌદ્ધિકો, બુદ્ધિજીવીઓ, અને ખાસ તો સમકાલીન સાહિત્યકારો કેટકેટલું ભૂલી રહ્યા છે. બહુ ઓછાઓને કાન્ટ કે સાર્ત્રમાં રસ છે. તૉલ્સતોય, ચેખવ, શેક્સપીયર કે કામૂની સૃષ્ટિઓમાં અવારનવાર હરફર કરનારા કેટલા? ભવભૂતિ કાલિદાસ બાણ કે શ્રીહર્ષની સૃષ્ટિઓની વાત કરનારા અને તેને સાંભળનારા કેટલા?
“નાટ્યશાસ્ત્ર”-ના રચયિતા ભરત મુનિથી માંડીને ‘રમણીયાર્થ’ પ્રતિપાદક શબ્દને કાવ્ય કહેનારા “રસગંગાધર”-ના રચયિતા જગન્નાથ સુધીનું કાવ્યશાસ્ત્ર યુનિવર્સિટીઓમાં યથાસંભવ ભણાવાય છે. પણ સૅમિસ્ટર સિસ્ટમમાં તેમાં કેટલો ભલીવાર આવતો હશે તે તો કોઈ સન્નિષ્ઠ અધ્યાપક જ કહી શકે. એના પીએચ.ડી.-પદવીધારીઓ મળે છે, વિકિપીડિયા પર કે અન્ય પ્લૅટફૉર્મ્સ પર એની ઇધરઉધરની માહિતી મળે છે, પણ આજના કેટલા કવિઓ ત્યાં જતા હશે?
(જો કે એ માહિતી ખતરનાક નીવડી શકે એવી પણ હોય છે. એક સ્થળે મેં વાંચ્યું કે આધુનિક ગુજરાતી ગઝલોની શરૂઆત સુરેશ જોષીથી થઈ ! એમાં, શ્રીકાન્ત શાહને કે પ્રબોધ પરીખને ગઝલકાર ગણાવ્યા છે ! એમણે લખી હોય તો બરાબર, પણ મને ખાતરી છે કે નથી જ લખી.)
પાણિની કે પતંજલિ વિશે સમકાલીનો કેટલું જાણે છે? બહુ દૂર ન જઈએ પણ હરિવલ્લભ ભાયાણીનાં ભાષાસંશોધનને વરેલાં પુસ્તકોની કે ઊર્મિ દેસાઈએ લખેલા ગુજરાતી વ્યાકરણગ્રન્થની પણ વાત કોણ કરે છે? ભાષાવિજ્ઞાની પ્રબોધ પણ્ડિતનાં ગુજરાતી ભાષાને વિશેના પ્રદાનની કોને કેટલી ખબર છે?
Luxembourg Palace, Paris
Pic courtesy : Exploring Our World
ભાષાનું વિજ્ઞાન એક મોટો મહેલ છે. જાણે પૅરીસનો લક્ઝમ્બર્ગ પૅલેસ. એમાં અનેક ઓરડા છે ને દરેક ઓરડાને અનેક બારીઓ છે. એમાં વસતા વર્તમાન વિદ્વાનો, મોટેભાગે પશ્ચિમના, જાણે રોજ નવી નવી બારીઓ ખોલી રહ્યા છે. પણ ગુજરાતમાં ભાષાના વિજ્ઞાનને કોઈ સૂંઘતું ય નથી. ખૂણે બેસીને કોઈ એમાં મચી પડ્યો હોય, તો હોય.
મહત્ત્વનો સવાલ એ છે કે કેટલી યુનિવર્સિટીઓમાં ભાષાવિજ્ઞાનનું ડિપાર્ટમૅન્ટ છે અને તેમાં કેટલા અધ્યાપકો છે, કેટલા વિદ્યાર્થીઓ છે. જે યુનિવર્સિટીઓમાં એ ડિપાર્ટમૅન્ટનો નાશ થયો, તેના પુનરાવતાર માટે કશું થયું કે કેમ એ પણ મોટો સવાલ છે.
સરેરાશ ગુજરાતી માણસ લુખ્ખો વ્યવહારુ હોય છે. એ એમ ક્હૅવાનો કે મારે તો મમ-થી કામ છે, ટપ-ટપથી નહીં. સર્જકો એમ ક્હૅતા હોય કે સર્જનમાં એ બધાંની શી જરૂર, અને જો સમકાલીન લેખકો એમ કહેતા હોય કે ભાષાસુધારની શી જરૂર, ક્હૅવાનું સમજાઇ જાય તો બસ છે, તો એમને ન સાંભળવા, એમની ઉપેક્ષા કરવી. કેમ કે એ આત્મઘાતી માનસિકતા છે.
વિમાનમાં બેઠા પછી એમ ન ક્હૅવાય કે ભલે ખખડ્યા કરતું, ચાલશે !
ગુજરાતી વ્યક્તિ આજે ખાસ તો ગુજરાતી ભાષા ભૂલી રહી છે. એ જોડણી કે વાક્યાન્વયની ભૂલો તો કરે જ છે પણ એનું શબ્દભંડોળ નાનું અને આછુંપાછું થઈ રહ્યું છે. ભૂલો એને એમ દર્શાવે છે કે એ કેવો વરવો છે. પણ એનું શબ્દભંડોળ તપાસવાથી એમ સમજાશે કે એ કેટલો શબ્દધની છે કે કંગાળ છે.
માણસ પાસે જીવનસાધનો કેટલાં છે એમ પૂછીએ છીએ, એ જ રીતે પૂછવું જોઈએ કે જીવવા માટે એની પાસે કેટલા શબ્દો છે. હવે તો શબ્દભંડોળની સાઇઝ કેટલી છે તે માપી શકાય છે. એ ટેસ્ટ આપો એટલે પરિણામ મળી જાય કે તમારા ભંડોળમાં કેટલા શબ્દો છે. ‘વૉકેબ્યુલરી ચૅલેન્જ’ જેવા કાર્યક્રમો પણ યોજાય છે.
ગુજરાતી ભાષકના શબ્દભંડોળમાં સંસ્કૃત અને અંગ્રેજીના તત્સમ તેમ જ તદ્ભવ શબ્દો હોય, અરબી-ફારસીના હોય; તો વળી દેશ્ય શબ્દો પણ હોય. પણ અમુકના ભંડોળમાં સંસ્કૃત તત્સમ કેટલા? દેશ્યની કેટલાને જાણ છે? કોને ખબર છે કે આ શબ્દ અરબી-ફારસી મૂળનો છે કે નથી.
કેટલાકના શબ્દભંડોળમાં થોડાક જ શબ્દો હોય છે. એક-ના-એક શબ્દો વારંવાર વાપર્યા કરે છે. પેલું શું ક્હૅવાય, પેલું શું ક્હૅવાય, એમ ફાંફાં મારે છે. હોય સાહિત્યકાર, બોલે, પણ વાણી પ્રયોજે છે એમ ન લાગે …
હવે જો જેનું શબ્દભંડોળ જ ગરીબડું છે, તો અર્થચ્છાયાનો વૈભવ તો એ ક્યાંથી દાખવી શકવાનો’તો?
ભાષાવિજ્ઞાનમહેલના એક ઓરડાનું નામ છે, સિમૅન્ટિક્સ – શબ્દાર્થવિજ્ઞાન. આમ તો એમાં શબ્દોના અર્થ અને અર્થ વચ્ચેના ફર્કની ચર્ચા થાય; જેને અર્થચ્છાયા કહેવાય. અર્થચ્છાયાને અંગ્રેજીમાં nuance પણ કહેવાય છે. શબ્દાર્થવિજ્ઞાનને સમજવાથી વ્યક્તિની ગ્રહણશક્તિ વિકસી શકે; લોકો કેવી કેવી રીતે એકબીજાને સમજે છે અથવા નથી સમજી શકતા; સમજાવે છે અથવા નથી સમજાવી શકતા; સંક્રમણ સાધી શકે છે અથવા નિષ્ફળ જાય છે, વગેરેનાં કારણો હાથ આવે. પણ શબ્દાર્થવિજ્ઞાન કોણ શીખવે? ક્યારે? કોને?
અર્થચ્છાયાભેદ આછો અને સૂક્ષ્મ હોય છે, દાખલા તરીકે, ‘પાણી’ ‘જળ’ અને ‘અમ્બુ’. ત્રણેયનો અર્થ ‘પાણી’ જ છે છતાં, આપણને અવગત થઈ જાય છે કે ‘જળ’ જરાક જુદું હોય છે, ‘અમ્બુ’ તો ખાસ સંજોગોમાં જ પ્રયોજાય.
આ લેખના પ્રારમ્ભે ‘ઉજાગરો’ અને ‘જાગરણ’ શબ્દો છે, બન્ને શબ્દો ઊંઘનો અભાવ સૂચવે છે, પણ બન્ને વચ્ચે નાનો અર્થચ્છાયાભેદ છે. જિજ્ઞાસુએ શોધી કાઢવો.
માણસમાત્રે ‘પ્રેમ’ ‘પ્યાર’ ‘મહોબત’ ‘દિલ્લગી’ ‘પ્રીતિ’ ‘વ્હાલ’ ‘વાત્સલ્ય’ ‘સ્નેહ’, કે ‘લવ’ વચ્ચે કેવાક અર્થભેદ છે તે જાણી લેવું – ભાન પડશે કે સમ્બન્ધ બાંધતી વખતે કયો શબ્દ વાપરીશ તો લેખે લાગશે.
હું એમ માનું છું કે અર્થચ્છાયાભેદ દર્શાવતા શબ્દો જાણવાથી આપણું ભાષિક સામર્થ્ય – લિન્ગ્વિસ્ટિક કૉમ્પિટન્સ – વિકસે અને તેથી આપણી ભાષિક રજૂઆતો – લિન્ગ્વિસ્ટિક પરફૉર્મન્સિસ – પણ વિકસે. સર્જકને લાભ એ કે ક્યારે કયો શબ્દ વાપરીશ તો ધાર્યું કામ આપશે એ વિશેની એની સૂઝબૂઝ વિકસે.
જેનું શબ્દભંડોળ બચુકડું હોય એને પ્રશ્ન થાય કે અરે, હું મારી જ ભાષાની સમૃદ્ધિથી, આટલી બધી સગવડોથી, વંચિત છું, તે કેમ -? કેમ કે હું મૂરખો છું.
(September 9, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર