આ નવલની ‘સમરી’ મળે છે તે સારું છે કેમ કે એથી કથાની રૂપરેખા જળવાય છે. હું એ જોતો હોઉં છું, પણ પૂરી સાવધાનીથી. પરિણામે મને અનેકવાર જોવા મળ્યું છે કે સમરીવાળાઓ માર્ક્વેઝની કથનકલા પ્રગટી હોય એ રમણીય અંશોને જ કાતરી ખાય છે ! જિવાતા જીવનના તળમાંથી ઊગેલાં નવજાત છોડવા જેવાં દર્શનપરક રસપ્રદ વિધાનોને જ વાઢી નાખે છે. એ કેમ ચાલે? મારો પ્રયાસ એથી બચવાનો હોય છે.
પ્રકરણ : ૪ : (આ પ્રકરણમાં બે મહત્ત્વની ઘટનાઓ ઘટે છે : મેલ્કીઆદેસનું મૃત્યુ અને હોસે આર્કાદિયો બ્વેન્દ્યાનો કરુણ અંજામ. એકદમ રસ પડી જશે, ધીરજથી વાંચજો. નવલની મારી પાસેની ઑનલાઈન નકલમાં આ પ્રકરણનાં ૧૯ પેજીસ છે. ટૂંકાવતાં જીવ નથી ચાલ્યો, પણ શું કરું?)
સફેદ કબૂતર જેવા સફેદ નવા ઘરનું ઉદ્ઘાટન ઉર્સુલાએ નાચગાનથી કર્યું. બપોરે ઉર્સુલાના ધ્યાનમાં આવેલું કે રેબેકા અને અમરન્તા દેખાવે હવે બાળકી નથી રહી, કિશોરાવસ્થામાં પ્રવેશી છે, ત્યારથી એના મનમાં નાચગાનનો વિચાર થનગનતો’તો.
ઘરને નવું બનાવી દેવાનો વિચાર ખાસ તો એને એ કારણે આવેલો કે છોકરીઓ શોભીતી જગ્યાએ બેઠી હોય તો મહેમાનોનું સરસ રીતે સ્વાગત કરી શકે. ઘરના વૈભવમાં કશી કમી રહી જાય નહીં એ માટે ઉર્સુલાએ જેને ગધાવૈતરું કહેવાય એ હદની મહેનત કરેલી. સવિશેષે, ડૅકોરેશન્સ અને ઇન્ડીઝ કમ્પનીની ટેબલ સર્વિસ માટે તેમ જ બીજી મૉંઘી મૉંઘી અનેક વસ્તુઓના ઑર્ડર કરેલા. ગામલોકો ચકિત થઈ જાય, ખાસ તો જુવાનિયાંને મૉજ પડી જાય, એ માટે એણે પિયાનોલા મંગાવેલું. ઑર્ડર પ્રમાણેની વસ્તુઓ આવી ગયેલી – વિયેનીઝ ફર્નિચર – બોહેમિયન ક્રિસ્ટલ – હોલૅન્ડથી ટેબલક્લૉથ્સ તેમ જ કીમતી લૅમ્પ્સ, કૅન્ડલસ્ટીક્સ, હૅન્ગિન્ગ્સ અને લાંબા પરદા. ઇમ્પૉર્ટ હાઉસવાળાએ પિયાનોલા ઍસેમ્બલ કરવા, કેમ ચાલુ કરવું વગેરેનું શિક્ષણ આપવા પોતાને ખર્ચે પિએત્રો ક્રેસ્પી નામના ઇટાલિયન નિષ્ણાતને મોકલી આપેલો.
એકલવાયો ઉદાસ ઔરેલિયાનો મોટા ભાઇથી સગર્ભા થયેલી બે બાળકોની મા તરનેરાને ભોગવવા જાય છે. પણ બને છે, કંઇક જુદું.
તરનેરા સ્લિપમાં હતી, ઊભી’તી, પગરખાં ય નહીં પ્હૅરેલાં, ઑરેલિયાનો ત્યાં પ્હૉંચી જાય છે. તરનેરા લૅમ્પ ધરે છે અને એને ભાળીને ચમકે છે. ઔરેલિયાનોને સમજાતું નથી કે પોતે એટલે લગી શી રીતે પ્હૉંચી ગયો, પણ પોતાના લક્ષ્ય વિશે એ સભાન હતો. નાનપણથી એ લક્ષ્ય એના હૃદયની ખાડીમાં એટલે કે બંધિયારમાં બંધ હતું. કહે છે : હું આવ્યો છું અહીં તારી સાથે સૂવા : એનાં કપડાંમાંથી કાદવ અને ઊલટીની વાસ આવતી’તી. તરનેરા એને એક પણ સવાલ કર્યા વિના પથારીમાં લે છે, એનો ચ્હૅરો સાફ કરે છે, એનાં વસ્ત્રો ઉતારી નાખે છે, પોતે પણ સાવ નગ્ન થઈ જાય છે, બાળકો જુએ નહીં એ માટે મચ્છરદાની પાડી દે છે.
તરનેરા પોતાના ભૂતકાળથી થાકી ગયેલી. દરમ્યાન એની ચામડી પર કરચલીઓ પડી ગયેલી, સ્તન ચીમળાઈ ગયેલાં, હૃદયના અગ્નિ ઓલવાઈ ગયેલા. અંધારામાં એણે ઔરેલિયાનોના શરીરને ફંફોસ્યું, એના પેટ પર હાથ મૂક્યો અને એની ડોકે ચુમ્બન કરતાં બબડી : હે મારા બાળ બચારા ! : ઔરેલિયાનો થથરી જાય છે; સાવધ રહી સિફતથી પોતાની સંચિત વેદનાથી છૂટવા હળવેકથી નીકળી જાય છે.
એ પછી ઔરેલિયાનો યુવા રેમેડિયોસ વિશે વિચારે છે. એ એને પરણવા માગતો હોય છે. પોતાનાં કામકાજ પડતાં મૂકીને ઔરેલિયાનો રેમેડિયોસને શોધે છે – એની બારીના પરદા પાછળ – એની બહેનોની દુકાને – એના બાપની ઑફિસે, પણ રેમેડિયોસ નથી મળતી. મળે છે તે બસ એની ઇમેજ – જે ઇમેજે ઔરેલિયાનોના અંગત ભયાવહ એકાન્તને વલોવી નાખેલું.
ઔરેલિયાનો પછી તો, કાવ્યો કરવા લાગ્યો – એવાં જેને ન હોય આરમ્ભ કે ન અન્ત. મેલ્કીઆદેસે આપેલા પાતળા ચર્મપત્ર પર લખે, બાથરૂમની દીવાલો પર લખે, પોતાના બાહુ પર લખે – દરેકમાં રેમેડિયોસ રૂપાન્તરિત થઈ હોય : બપોરના બે થયા હોય ને હવામાં જે ઘૅન લ્હૅરાતું હોય એમાં રેમેડિયોસ. ગુલાબની સુંવાળી સુગન્ધમાં રેમેડિયોસ. જળ-ઘડિયાળમાં પતંગિયાંની છાનીછપની વાતોમાં રેમેડિયોસ. સવારની ગરમ ગરમ બ્રેડમાં રેમેડિયોસ. રેમેડિયોસ સર્વત્ર અને સદાકાળ, બસ રેમેડિયોસ.
આ તરફ બ્વેન્દ્યા પરિવારની પેલી બે છોકરીઓ, અમરન્તા અને અપનાવાયેલી રેબેકા, બન્ને, પિએત્રો ક્રેસ્પીના પ્રેમમાં પડે છે. પિેએત્રો ક્રેસ્પી જુવાન હતો, સશક્ત અને રૂપાળો. પહેરવેશ બાબતે એકદમ સભાન, સખત ગરમી પડતી હોય તો પણ એ એનાં ભારે કાળાં કપડાંમાં હોય – સોનાચાંદીની જરી ભરેલી વેસ્ટ તો હોય જ. બન્ને છોકરીઓને પ્રેમરોગ લાગ્યો અને માંદી પડી ગઇ.
એ ઉમ્મરે પણ રેબેકા અંગૂઠો ચૂસવાનું ભૂલી ન્હૉતી. એ માટે બાથરૂમમાં ભરાઈ જતી, વળી, દીવાલે માથું અડાડીને ઊંઘી જતી. વરસાદી બપોરોમાં બૅગોનિયાથી છવાયેલા પ્રવેશદ્વાર પાસે બેનપણીઓ જોડે વાતો ને ભરતગૂંથણ ચાલતાં હોય, પણ રેબેકા અચાનક વાતોનો દૉર વીસરી જાય, અને કશીક યાદની મારી રડવા માંડે. ત્યારે એણે ભીની માટીની પટ્ટીઓ અને બાગનાં અળસિયાંઓએ કાઢેલા કાદવના નાના ઢગ જોયા હોય. એનું તાળવું ખારું થઈ જતું …
રેબેકા વળી પાછી માટી ને પોપડા ખાવા માંડે છે; જો કે ક્રેસ્પીએ નક્કી કરેલું કે પોતે રેબેકાને પરણશે. એટલે પછી, રેબેકા-ક્રેસ્પી અને ઔરેલિયાનો-રેમેડિયોસનાં લગ્ન ગોઠવાયાં. પરન્તુ અમરન્તાને રેબેકાની ખૂબ જ ઈર્ષા થઈ. એટલે લગી કે એણે પ્રણ લીધું કે પોતે એ લગ્ન નહીં જ થવા દે. અમરન્તાના એ પ્રણને લીધે રેબેકા અતિ દુ:ખી થાય છે.
સરવાળે, ઉર્સુલાના બ્વેન્દ્યા-હાઉસનું એ સુખ ઝાઝું ટકતું નથી. એમાં ઉમેરાય છે, જિપ્સી મેલ્કીઆદેસનું મૃત્યુ. એ રહી રહીને મર્યો’તો. માકોન્ડોમાં મરણ પામનાર એ પહેલો હતો. માકોન્ડો આવ્યાને એને બે મહિના થયેલા, પણ એજિન્ગ શરૂ થયું, એટલું બધું ઝડપી ને મુશ્કેલ કે તુરન્ત સારવાર શરૂ કરવી પડી.
કશા ય ઉપયોગમાં ન આવે એવા ન-કામા દાદા-વડદાદાઓની થતી હોય છે એવી હતી એ સારવાર. એ ડોસાઓ બેડરૂમોમાં પડછાયાની જેમ ભમતા હોય – પગ પછાડતા હોય ને મોટેથી બોલતા હોય કે ક્યાં ગયા મારા એ સારા દિવસો … પણ કોઇને એમની પડી હોતી નથી. કોઇને યાદ પણ નથી આવતા. યાદ આવે છે ત્યારે સવાર થઈ ગઈ હોય છે, ને તેઓ પથારીમાં મૃત જોવા મળે છે.
સારવાર દરમ્યાન મેલ્કીઆદેસ ઘણા સમય બાદ પહેલી વાર હસે છે, અને સ્પૅનિશમાં બોલે છે : હું મરું ત્યારે ત્રણ દિવસ મારા રૂમમાં પારાના દીવા કરજો : આર્કાદિયો આ વાત હોસે આર્કાદિયો બ્વેન્દ્યાને કહે છે પણ એને કંઈ સમજાતું નથી. મેલ્કીઆદેસ જણાવે છે – મને અમરત્વ મળી ગયું છે. વગેરે.
એના મૃત્યુના શોક-દિવસો પૂરા થાય છે. એ પછી હાઉસમાં સુખની આછી ઝલક આવેલી. ક્રેસ્પી-રેબેકા પ્રેમમાં રત હતાં અને ઔરેલિયાનો ભાવિ વધૂ રેમેડિયોસની નજીક જઇ રહ્યો’તો. તરનેરા ગર્ભવતી થયેલી પણ એ સમાચાર વિશે ઔરેલિયાનો બેતમા હોય છે.
હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અજ્ઞાતની શોધનાં અન્ત વગરનાં અધ્યનનોમાં મચી પડેલો. એણે એક યાન્ત્રિક બૅલેરિના બનાવેલી. એ બૅલેરિના ત્રણ ત્રણ દિવસ લગી નાચ્યા કરેલી. પોતાની એ શોધથી એ એટલો બધો ખુશ થઈ ગયેલો કે ખાવા-પીવાનું ને ઊંઘવાનું સુધ્ધાં ભૂલી ગયેલો. રેબેકા એને સાચવતી’તી પણ એને એના નિરન્તરના હનેપાતથી બચાવી શકેલી નહીં. એ પોતાના રૂમમાં ચાલ્યા કરતો અને પોતાના સંશોધનને વિકસાવનારા વિચારોનો બડબડાટ કર્યા કરતો.
અનિદ્રાથી એ ખૂબ થાકી જતો. એક વાર મળસ્કું હતું ને કોઈ ડોસો એના રૂમમાં આવી લાગેલો, પણ શા માટે, તે સમજાયેલું નહીં. ડોસાના વાળ સફેદ હતા અને અસ્પષ્ટ ચાળા કરતો’તો. એ હતો પ્રુદેન્સિયો આગિલાર, પૂર્વે જેને હોસેએ મારી નાખેલો. હોસે એને ઓળખી પાડે છે, એને થાય છે કે મૃતક વૃદ્ધ પણ છે. હોસેનું ચિત્ત અતીતમાં ભમવા માંડે છે. અચરજ વ્યક્ત કરે છે – પ્રુદેન્સિયો ! લાગે છે કે તું બહુ દૂરથી આવ્યો છું …
હોસેએ એ વરસોમાં એને ખૉળવામાં ઘણો સમય ખરચેલો. એણે ઉપલી ઘાટીએથી કળણ ખૂંદીને આવેલા રિઓહાચના મૃતકોને પૂછેલું. પણ કોઇ કહી શકેલું નહીં કેમ કે મેલ્કીઆદેસના આવતાં પહેલાં માકોન્ડોની કોઇને કશી ખબર જ ન્હૉતી. એ તો મેલ્કીઆદેસ હતો જેણે મૃત્યુના પચરંગી નક્શા પર નાનકડી કાળી ચાંલ્લી કરેલી.
મળસ્કા દરમ્યાન હોસેએ પ્રુદેન્સિયો સાથે વાતો કરી પણ જાગરણથી થાકી ગયેલો. થોડા સમય બાદ ઔરેલિયાનોની વર્કશોપે ગયો ને પૂછ્યું : આજે કયો વાર છે? : મંગળવાર : મને એમ કે એમ જ છે પણ થયેલું કે ગઈકાલવાળો સોમવાર હજી ચાલુ છે; તું આકાશ જો, દીવાલો જો, બૅગોનિયાં જો, આજે સોમવાર જ છે. ઔરેલિયાનો હોસેની વિચિત્રતાઓથી ટેવાઈ જાય છે, કાન નથી ધરતો. પણ બુધવારે હોસે ફરીથી ઔરેલિયાનોની વર્કશોપે જાય છે. કહે છે : આફત તો જો કેવી રૂપાળી છે, તું હવા જો, તડકાની ગુંજ સાંભળ, બધું ગઈ કાલે ને પરમ દિવસે હતું એમ જ છે. આજે સોમવાર જ છે.
રાત્રે ક્રેસ્પી હોસેને પ્રવેશદ્વારમાં બેસીને રુદન-વિલાપ કરતો જુએ છે – પ્રુદેન્સિયોને યાદ કરીને – મેલ્કીઆદેસને યાદ કરીને – રેબેકાનાં માબાપને – પોતાની માને – બાપને … જેટલાં યાદ આવ્યાં એ બધાંને તેમ જ મરણની રાહ જોતા એકલ જીવો માટે પણ હોસે રુદન-વિલાપ કરતો રહે છે.
ગુરુવારે હોસે પોતાની વર્કશોપમાં પાછો ફરે છે. નજર એની ખેડાયેલા ખેતર જેવી છે. રડમસ અવાજમાં બબડે છે : સમયનું મશિન તૂટી ગયું છે ને પાસમાં ઉર્સુલા કે અમરન્તા ય નથી : ઔરેલિયાનો હોસેને એ બાળક હોય એમ ધમકાવે છે. હોસે પસ્તાવો કરતો જપી જાય છે.
બધાં જાગે એ પહેલાં શુક્રવારે હોસેને કુદરત એ-ની-એ જ લાગે છે ને દિવસ પણ સોમવાર જ લાગે છે. પછી એણે બારણાનો સળિયો પકડી લીધો અને પોતે અસાધારણ બળવાન તો હતો જ તે નરી ચીડ અને ક્રૂરતાથી આલ્કેમી લૅબોરેટરીનાં સાધનસામગ્રીને મસળી-કૂટીને ધૂળભેગાં કરી દીધાં. અસ્ખલિત પણ અસ્પષ્ટ અને જડબાંતોડ ભાષામાં સંડોવાયેલા કોઈ જનની જેમ એ બરાડતો રહ્યો.
બાકી બચેલા ઘરને હોસે નષ્ટભ્રષ્ટ કરી મૂકે એ પહેલાં ઔરેલિયાનો પડોશીઓને મદદ માટે બોલાવે છે. હોસેને નીચે લાવવા ૧૦ માણસોની જરૂર પડેલી અને ૧૪ વડે એને બાંધી શકાયેલો. ૨૦ જણા એને આંગણાના ચેસ્ટનટ વૃક્ષ લગી લઈ જાય છે ને એના હાથ ને પગ થડ સાથે દોરડાંથી બાંધી દે છે, ને પછી એમ જ છોડી જાય છે.
હોસે વિચિત્ર ભાષામાં બોલતો રહે છે, અને એના મૉંએ લીલા પરપોટા થતા રહે છે.
ઉર્સુલા અને અમરન્તા આવીને જુએ છે તો હોસે વરસાદથી પલળી ગયેલો અને પૂરો ગરીબડો લાગતો’તો. ઉર્સુલા હોસેની કમરે બાંધેલું દોરડું રહેવા દે છે, બાકીનાં છોડી નાખે છે.
પાછળથી એ લોકોએ હોસેના માથે પામની સૂકી શાખાઓની છાપરી કરેલી – ટાઢતડકાથી બચી શકે.
(હવે પછી, પ્રકરણ -૫)
(August 20, 2022: USA)
Pic Courtesy : https://steemit.com/@tolmachova1981
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર