ટ્રમ્પ કહે છે કે કમલા હૅરિસ ફાસિસ્ટ છે, મૅન્ટલિ ઇમ્પૅર્ડ છે.
કમલા હૅરીસ કહે છે કે ટ્રમ્પે એક વાર કહેલું કે ગર્ભપાત કરાવનારી સ્ત્રીઓને સજા થવી જોઇએ. ટ્રમ્પને હું જાણું છું.
સર્વોત્તમ કહેવાતા લોકશાહી દેશ યુ.ઍસે.ની ચૂંટણીને માત્ર એક અઠવાડિયાની વાર છે. ત્યારે પ્રમુખપદ જેવા ઉચ્ચ પદના ઉમેદવારો એકબીજા માટે શું બોલે છે, એનું ઉપર્યુક્ત દૃષ્ટાન્ત સ્વયંસ્પષ્ટ છે.
શાળામાં વ્યાખ્યા ગોખેલી કે લોકોનું, લોકો વડે ચલાવાતું, અને લોકો માટેનું શાસન તે લોકશાહી.
પણ ‘લોકશાહી’ શબ્દને ડીકન્સ્ટ્રક્ટ કરીએ તો જણાશે કે ‘લોક’ સાથે ‘શાહી’ શબ્દ જોડાયેલો છે. લોકશાહોની વર્તણૂકો બાદશાહો જેવી જ હોય છે. લોકશાહીય ગણાતાં રાષ્ટ્રોમાં જ ‘કિન્ગ’ અને ‘કિન્ગડમ’ જીવે છે અને એમના જન્મદિવસો, એમની પુણ્યતિથિઓ, રાજાશાહીમાં ઉજવાતાં હતાં એથી ય ભારે એવા ભભકાથી ઉજવાય છે.
લોકશાહી પૂર્વે રાજાશાહી હતી, સરમુખત્યારશાહી હતી. કેટલાક રાજાઓ પૂર્વાશ્રમમાં લૂંટારા હતા, કેટલાક સરમુખત્યારો હત્યારા હતા, પ્રજાજનોને અપશબ્દો કે ગાળો દેતાં પણ ખચકાતા ન્હૉતા. હવેના લોકશાહોમાં એ વર્તણૂકોનાં તત્ત્વો નથી એમ નથી કહી શકાતું.
લોકશાહી લોકને રીપ્રેઝન્ટ કરે છે એમ કહેવું અને સાંભળવું સારું લાગે છે, બાકી એ એક સૂક્તિથી વિશેષ કંઈ નથી. કેમ કે, લોકશાહીનો પ્રાણ ગણાય એ મતદાર બુધી હોય કે અબુધ, નો મૅટર, ફર્ક પડે છે, માત્ર મતસંખ્યાથી. અને, એ સંખ્યા ગુરુતમ સાધારણ પદ્ધતિથી મળેલો માત્ર એક આંકડો હોય છે. અને, હાર-જીતના બે આંકડા વચ્ચે નજીવો ફર્ક હોય છે ત્યારે તો એ બે ઉમેદવારમાં લાયક કોણ કે ન-લાયક કોણ એ વિચારવું વ્યર્થ બલકે હાસ્યાસ્પદ ઠરે છે.
હકીકતે લોકશાહી કેટલી? ચૂંટણી યોજાય ને વસ્તીના અમુક ટકા લોકો મતદાન કરે એટલી.
જુઓ, વડા પ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ પાર્ટીને જેટલા વફાદાર હોય છે, એટલા લોકને નહીં; અને પાર્ટીને, એમનાથી ઉચ્ચ કોઈ દેખાતું નથી. એમના એ જોડાણમાં લોકશાહી અર્પે એ સ્વાતન્ત્ર્ય કેટલું? વાણી વિચાર કે ભિન્ન મત અથવા અસમ્મતિને કેટલો અવકાશ?
રાષ્ટ્રહિતની બાબતો પાર્લામૅન્ટમાં જાય એ પહેલાં લેવાતા કીચન-કૅબિટ કે ઇન-કૅમેરા નિર્ણયો સમીક્ષાત્મક હોય છે ખરા? એમાં કશાં વસ્તુલક્ષી ધૉરણો હોય છે ખરાં કે પછી સર્વોચ્ચની મરજી કે પસંદગીને ઓકે કરવામાં આવે છે? સર્વોચ્ચને વફાદાર રહેવું એટલે પાર્ટીને અથવા પાર્ટીને વફાદાર રહેવું એટલે સર્વોચ્ચને. પણ પ્રજા પ્રત્યેની વફાદારીનું શું? આમ, પક્ષીય અને પ્રજાકીય હિત સામસામે આવી જાય છે. ક્યારેક ક્યારેક લોકશાહીના સ્વાંગમાં પ્રજાને ઑથોરિટેરિયન સ્ટેટનો અનુભવ મળે છે. એની વર્તમાન ભારત, યુ.ઍસે. અને યુ.કે.-ના બૌદ્ધિકોએ જે તે પ્રસંગે ટીકાટિપ્પણી કરી છે.
આપણે ડૅમોક્રેટિક ગણાતાં નેટવર્ક્સને પણ ખાસ તપાસવાં જોઈશે, કેમ કે વિશ્વનાં ૫૦% રાષ્ટ્રોમાં લોકશાહીય શાસન છે.
+ +
આજના માણસના વર્તમાનમાં, યુ્દ્ધખોર રાષ્ટ્રો છે અને યુદ્ધને વારવા-નિવારવાનો ખેલ ખેલતાં લોકશાહી રાષ્ટ્રો છે. ટૅક્નોલૉજિકલ પ્રોગ્રેસ અ-પૂર્વ છે, પણ તેથી અસમાનતા વધી છે, એક ગુપ્ત સામ્રાજ્યવાદ વિકસી રહ્યો છે. આજના માણસના વર્તમાનમાં, સ્ટોરી મિથ ટ્રુથ અન્ટ્રુથ પોસ્ટ-ટ્રુથ અને વિઝડમ વચ્ચેના ભેદ લુપ્ત થઈ ગયા છે. આજના માણસની ચોપાસ ગ્રેટ કે લિટલ સંખ્યાબંધ નૅરેટિવ્ઝની કૂદાકૂદ છે, રંજાડ છે.
વર્તમાનની આ સર્વ વિષમતા શાને કારણે છે એ સમજવાની ઉતાવળ કરવાને બદલે નિરાંતે મને હરારી જેવા ઇતિહાસવિદ પાસે જવું જરૂરી સમજાય છે.
+ +
હરારી માહિતીસંસારના ‘સ્ટોન એજ’-થી ‘સિલિકોન એજ’ લગીના ઇતિહાસની ભૂમિકાએ જણાવે છે કે માણસનું માહિતી સાથેનું જોડાણ ઉત્તરોત્તર વધતું રહ્યું છે, પરન્તુ સાથોસાથ સત્ય, સચ્ચાઇ કે ડહાપણમાં થવો જોઈતો વધારો નથી થયો.
કહે છે, વાસ્તવિકતાનો સાવ ચૉક્કસ નકશો ઊભો કરવામાં માહિતીનું કેવુંક રૂપ રચી કાઢવું એ આપણને સરસ આવડે છે, પરન્તુ સંખ્યાબંધ લોકોને માહિતી સાથે જોડવાનું પણ સરસ આવડે છે. નાઝી અને સ્તાલીન વિચારસરણીઓએ સામાજિક જાતિઓ અને વર્ગો વિશે ઢગલાબંધ ભ્રાન્ત વિચારો ફેલાવેલા, પરિણામે, લાખ્ખો લોકોને એમની સાથે યન્ત્રવત જોડાવાની, તાલ સે કદમ કરવાની, ફરજ પડી હતી. પરન્તુ, વિવિધ માહિતી-જાળનો ઇતિહાસ તપાસીએ તો, હરારી કહે છે, સમજાશે કે આદિ કાળથી ઇન્ફર્મેશન ટૅક્નોલૉજીઝની અવનવી શોધો થતી આવી છે, પરન્તુ તેથી વિશ્વનું એવું ચિત્ર નથી મળ્યું કે એવું ઘડતર નથી થયું જેને સચ્ચાઇભર્યુ – ટ્રુથફુલ – કહી શકાય. વિશ્વનું એવું જ ઘડતર ઇન્ટરનેટ અને AI -ના પ્રવર્તમાન યુગમાં પણ થઈ રહ્યું છે.
આમ, ઇતિહાસની ભૂમિકાએ રહીને હરારી વર્તમાનને સમજાવી રહ્યા છે, એની નૉંધ લેવી જોઈશે.
+ +
ટૅક્નોલૉજીઝની એ પુરાકાલીન શોધોમાંની એક તે, વાર્તાઓ. તે વિશે અનેક દાખલા આપીને એમણે સમજાવ્યું છે કે વાર્તાઓ કેવી રીતોથી શોધાઇ હતી અને તે સાથે લોકો કેવા તો જોડાતા ચાલ્યા હતા :
હરારી પોતાનાં પુસ્તકો “Sapiens” અને “Homo Deus”-માં રજૂ કરેલા એક વિચારને યાદ કરે છે. એ વિચાર એ કે આપણે મનુષ્યો વિશ્વ પર રાજ કરીએ છીએ તે આપણી flexibility-ને કારણે, નહીં કે ડહાપણને કારણે. Flexibility એટલે લવચિકતા, એકબીજા સાથે સરળતાથી જોડાઇને પૂરા સહકારી થઈ જવાની તત્પરતા.
હરારી જણાવે છે કે આ લવચિકતા ચિમ્પાન્ઝીઓ અને કીડીઓમાં પણ હોય છે, જો કે એ વડે ચિમ્પાન્ઝીઓએ કે કીડીઓએ સામ્રાજ્યો, ધર્મો કે વેપારધંધા માટેનાં નેટવર્કસ ઊભાં નથી કર્યા; પણ આપણે, માણસે, જરૂર કર્યાં છે. ચિમ્પાન્ઝીઓની સંખ્યા પણ ૨૦-૬૦ જેટલી જોવા મળતી હતી, પ્રસંગોપાત્ત વધીને ૧૫૦-૨૦૦ થતી હતી. આપણે તો અતિ મોટી સંખ્યામાં સહકારી થઈ જઈએ છીએ. હરારી જણાવે છે કે કૅથલિક ચર્ચના ૧.૪ બિલિયન સભ્યો છે, સામ્યવાદી વિચારધારા સાથે ૧.૪ બિલિયન ચીનાઓ જોડાયેલા છે, ગ્લોબલ ટ્રેડ નેટવર્ક્સ ૮ બિલિયન મનુષ્યોને પોતાની સાથે જોડે છે, સંડોવે છે. સમજાય એવું છે કે આ નેટવર્ક્સ વ્યક્તિથી વ્યક્તિને નથી જોડતાં, જોડતાં હોત, તો એનું કદ કદી આટલું મોટું ન થયું હોત.
હરારી Neanderthals અને ancient Homo sapiiens માનવ-પ્રજાતિઓનો નિર્દેશ કરીને જણાવે છે કે દરેક કબીલામાં થોડાક ડઝન સંખ્યાની વ્યક્તિઓ હતી, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સહકાર હતો, વળી, કબીલાઓએ એકમેક સાથે કશા સહકાર પણ જવલ્લે જ ઊભા કરેલા. જો કે એકબીજા સાથે સહકાર સાધવાનું અપૂર્વ સામર્થ્ય તો ‘હોમો સૅપિયન્સ’-ના કબીલાઓએ ૭૦ હજાર વર્ષ પૂર્વે દાખવવા માંડેલું અને તેને પરિણામે, કબીલા કબીલા વચ્ચે વેપારધંધાની તેમ જ કલાપરક પરમ્પરાઓની શરૂઆત થઈ હતી, અને ક્રમે ક્રમે વિશ્વભરમાં પ્રસરી હતી.
હરારી જણાવે છે કે વિભિન્ન કબીલાઓ વચ્ચેનો એ વ્યાપક સહકાર મનુષ્ય-મસ્તિષ્કની સંરચના અને ભાષિક સામર્થ્યમાં થયેલા ઉત્ક્રાન્તિપરક ફેરફારોને આભારી હતો, અને તેથી, માનવજાતિમાં કાલ્પનિક વાર્તાઓ કહેવાની, તેમાં વિશ્વાસ કરવાની અને તેથી દ્રવીભૂત થવાની ક્ષમતા વિકસી હતી. માનવ માનવ વચ્ચે કડી રચાય એવાં નેટવર્ક્સને સ્થાને માનવ અને વાર્તાઓ વચ્ચે કડી રચાય એવાં નેટવર્ક્સ શરૂ થયાં હતાં.
પરિણામ એ આવ્યું કે એકબીજાને જાણવા-ઓળખવાની જરૂરત ન રહી; તેઓ બસ, એ વાર્તા જાણી લે, એ પર્યાપ્ત મનાવા લાગ્યું. એ-ની-એ વાર્તા કરોડો લોકો જાણી શકે એવી થવા લાગી. એટલે, વાર્તા જ કેન્દ્રસ્થ કડી બની રહી – સૅન્ટ્રલ કનેક્ટર. એના એટલા બધા આઉટલેટ્સ થયા કે અમર્યાદિત સંખ્યામાં લોકો તે સાથે પ્લગ-ઇન થઈ શકે. હરારી કહે છે, દાખલા તરીકે, “બાઇબલ”-થી જોડાયેલા કૅથલિક ચર્ચના ૧.૪ બિલિયન સભ્યો છે, સામ્યવાદી વિચારધારાની વાર્તાઓથી જોડાયેલા ૧.૪ બિલિયન ચીનાઓ છે, અને ગ્લોબલ ટ્રેડ નેટવર્ક સાથે સંકળાયેલા ૮ બિલિયન સભ્યો છે. તેઓ ચલણી નાણું, કૉર્પોરેશન્સ, અને બ્રાન્ડ્સ કે બ્રાન્ડ નેમ્સ્-ની વાર્તાઓ સાથે જોડાયેલા છે.
હરારીએ સ્પષ્ટતા નથી કરી પણ મને લાગે છે કે તેમને મન ‘કાલ્પનિક વાર્તાઓ’-નો અર્થ શુદ્ધ સાહિત્યિક કથાઓ તો નથી જ, પણ એવી વાતો છે જે રે-લોલની જેમ ઝિલાયા કરતી હોય છે અને સમાચારની જેમ ગતાનુગતિક રીતે વિકસ્યા કરતી હોય છે. એ જ રીતે, એમણે ‘વિશ્વાસ’-નો અર્થ પણ ‘ભોળો ભરોસો’ કર્યો લાગે છે, નહીં કે ‘શ્રદ્ધા’. કેમ કે, ધર્મ તો શ્રદ્ધાનો વિષય છે, જેની ચર્ચામાં મહદંશે આધ્યાત્મિક દૃષ્ટિ અને સૂઝબૂઝની જરૂરત પડતી હોય છે. ત્રીજું, પ્રજાઓને સામ્યવાદી વિચારસરણીમાં વિશ્વાસ પડે છે, એમ લોકશાહીમાં ય પડે છે. વળી, એના અનુસરણમાં પણ વાર્તાઓની નિર્ણાયક ભૂમિકા હોય છે, તે વિશે હરારીનું શું મન્તવ્ય છે તે યથાસમયે જોઈશું.
= = =
(29Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર