
સુમન શાહ
આજકાલ આપણા અનુ-આધુનિક સાહિત્ય વિષે કેટલીક અધૂરી વીગતો પ્રસરી રહી છે, ત્યારે, સૌ પ્રથમ, એના પૂરેપૂરા ક્ષેત્રનો ખયાલ મેળવવો જરૂરી છે. એ ખયાલ આ પ્રમાણે છે :
આપણે ત્યાં છેલ્લા દસકાઓમાં મુખ્યત્વે દલિત અને નારી તત્ત્વોને કેન્દ્રમાં રાખીને સર્જનો / લેખનો થયાં છે. માત્ર એને જ આપણે ‘અનુ-આધુનિક’ સાહિત્ય ગણીને ચાલ્યા છીએ.
— પરન્તુ, આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, ન-દલિત અને ન-નારી તત્ત્વોને લક્ષ્ય કરતી અને વાચકો વડે અનુભવાતી સૃષ્ટિઓ પણ છે.
— દલિત, નારી, ન-દલિત, ન-નારી એ ચારેય તત્ત્વો દાખવતા આપણા અનુઆધુનિક સાહિત્યમાં, નવલકથાઓ, લઘુનવલો અને લઘુકથાઓ પણ છે — સમગ્ર કથાસાહિત્ય છે.
— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, માત્ર કથાસાહિત્ય નથી; એમાં અછાન્દસ કાવ્ય, ગદ્યકાવ્ય કાવ્ય, કથનકાવ્ય, ગઝલ-કાવ્ય પણ છે — સમગ્ર કવિતાસાહિત્ય છે.
— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, માત્ર કથાસાહિત્ય કે કવિતાસાહિત્ય નથી; એમાં લલિત નિબન્ધસાહિત્ય પણ છે.
— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, માત્ર કથાસાહિત્ય, માત્ર કવિતાસાહિત્ય કે માત્ર લલિતનિબન્ધસાહિત્ય નથી; એમાં, એ અનુ-આધુનિકતાનું પ્રસરણ દર્શાવતાં સમીક્ષાત્મક લેખનો પણ છે.
દાખલા તરીકે જુઓ, પ્રમોદકુમાર પટેલ, ચન્દ્રકાન્ત ટોપીવાલા, બાબુ સુથાર અને સુમન શાહનાં લેખનો અને પુસ્તકો.
આપણે સમજવું જોઈએ કે અનુ-આધુનિકતાની પ્રકૃતિ પ્રસરણશીલ છે. જુઓ, એ મતલબનું પ્રકરણ મારા “અનુ-આધુનિકતા અને આપણે” પુસ્તકમાં. પ્રસરણના અર્થમાં, કેટલાંક સામયિકો; લાઇફ લિટરેચર રજૂ કરતાં સંસ્મરણો, વાર્તાલાપો; તેમ જ કેટલીક સંસ્થાઓનો પણ સમાસ કરવો જોઈશે.
જેમ કે —
— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, કેટલાંક સામયિકો પણ છે.
દાખલા તરીકે, ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ દ્વારા પ્રગટતું માત્ર મહિલા-લેખકો માટેનું સામયિક ‘વિશ્વા’. બાબુ સુથાર-સમ્પાદિત ‘સન્ધિ’ સામયિકમાં ‘ચૉતરેથી’ શીર્ષકે સાહિત્યિક પત્રકારત્વ દાખવતા કેટલાક લેખો, વાર્તા આદિના કેટલાક ભાવાનુવાદો. વિપુલ કલ્યાણી-સમ્પાદિત ‘ઓપિનિયન’, જેમાં સમસામયિક પત્રકારત્વના લાભ દર્શાવતાં કેટલાંક લેખનોનું પુન:પ્રકાશન પણ જોવા મળે છે.
— અનુ-આધુનિક સાહિત્યમાં જીવનપરક સાહિત્યનો – લાઇફ લિટરેચરનો – મહિમા વધ્યો છે.
એ જોતાં, જેમ એક જમાનામાં, નરોત્તમ પલાણ અધ્યાપકીય ડાયરી લખતા હતા, તેમ, દાખલા તરીકે, નરેશ શુક્લ જેવા અધ્યાપકો શૈશવનાં સ્મરણો લખે છે એવાં આત્મકથનોનો પણ સમાવેશ કરવો જોઈશે. એ સંદર્ભમાં, કાજલ ઓઝા વૈદ્ય કે જય વસાવડા વડે અવારનવાર રજૂ થતાં, જીવનમાર્ગમાં પ્રેરક વાર્તાલાપોમાં કે પ્રવચનોમાં પણ મને અનુ-આધુનિક ઉન્મેષ પરખાય છે.
— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, માત્ર કથાસાહિત્ય, માત્ર કવિતાસાહિત્ય, માત્ર લલિતનિબન્ધસાહિત્ય, માત્ર સમીક્ષાત્મક લેખનો, માત્ર સામયિકો કે માત્ર લાઇફ લિટરેચર નથી, સોશ્યલ મીડિયા પરના કેટલાક બ્લૉગ્સ પણ છે.
દાખલા તરીકે. એવા બ્લૉગર્સમાં મને પ્રભાવક લાગ્યા છે, સૂચક ફોટોગ્રાફ્સ રજૂ કરતા ઉમેશ સોલંકી. ગુજરાત અને દેશના દલિત સાહિત્યકારોના જન્મદિવસે કે અન્યથા એમનાં સર્જનોની વાત કરતા ગણપત વણકર. ‘માય મ્યુઝિયમ ઑફ મૅમરીઝ’ શીર્ષક હેઠળ દેશ-વિદેશના ફિલ્મમેકર્સ તેમ જ અન્ય કલાકારોનાં નૉંધ-સહિત પિક્ચર્સ મૂકતા અમૃત ગંગર. પશ્ચિમનાં પુસ્તકોની માહિતીથી જાગૃતિ ફેલાવતા બાબુ સુથાર કે ‘ફિલ્લમ’-ના આયોજક શક્તિસિંહ. પંચમ્ શુક્લ, નિસર્ગ આહીર, મયૂર ખાવડુ, અભિજિત વ્યાસ પણ જુદા જુદા હેતુથી ઉપકારક બ્લૉગ્સ ચલાવી રહ્યા છે.
— આપણા એ અનુ-આધુનિક સાહિત્યમાં, માત્ર કથાસાહિત્ય, માત્ર કવિતાસાહિત્ય, માત્ર લલિતનિબન્ધસાહિત્ય, માત્ર સમીક્ષાત્મક લેખનો, માત્ર સામયિકો કે માત્ર બ્લૉગ્સ નથી, કેટલીક સ્વાયત્ત મંડળીઓ, સંગઠનો કે ફાઉન્ડેશનો પણ છે.
દાખલા તરીકે, નારી, દલિત, ન-નારી, ન-દલિત એમ ચારેય તત્ત્વોને ઊંડણમાં લેતી વાર્તાકૃતિઓ માટે ભારે ઉમળકાથી શિબિરો યોજતું “સુજોસાફો”. દાખલા તરીકે, મહિલાઓના પ્રશ્નો માટેની “સ્ત્રિયાર્થ” મંડળી; ઉષા ઉપાધ્યાયની રાહબરી હેઠળ નારી તત્ત્વના કેન્દ્રમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતું સંગઠન “જૂઇ મેળો”. દર્શિની દાદાવાલાના નેતૃત્વ હેઠળ ‘સાહિત્યમિત્રો’-ને સજ્જ કરી અણજાણ એવા છેવાડાના ‘સહૃદય’-સમુદાયો સુધી સ્ટોરીઝ શૅઅર કરતું ‘વિમૅન લિવિન્ગ બાય લિટરેચર’-નો ધ્યાનમન્ત્ર ધરાવતું “સંવિત્તિ” ફાઉન્ડેશન. ગુજરાતી સાહિત્યનું નિત્યવર્ધમાન માતબર ઑનલાઇન ગ્રન્થાલય ચલાવતું અતુલ રાવલ-સંસ્થાપિત “એકત્ર ફાઉન્ડેશન”. વગેરે.
ક્રમશ:
(15 Jul 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર