૧૦
ગુજરાત બહાર ફાર્બસ રાસમાળાના લેખક તરીકે વધુ જાણીતા થયા છે, પણ રાસમાળા એ તેમનું પહેલું પુસ્તક નહોતું. તેમનું પહેલું પુસ્તક હતું દલપતરામના ભૂત નિબંધનો અંગ્રેજી અનુવાદ. (આ પુસ્તકના મુખપૃષ્ઠ પર મૂળ લેખકનું નામ ‘Dalpatram Daya’ એમ છાપ્યું છે તે જોઈ થોડી નવાઈ લાગે. કારણ ગુજરાતી રીતરિવાજથી ફાર્બસ સારી પેઠે પરિચિત હતા, અને એટલે દલપતરામના પિતાના નામ પછી ‘ભાઈ’ ન ઉમેરે તે નવાઈ કહેવાય. મૂળ ગુજરાતી ભૂત નિબંધ ૧૮૫૦માં પ્રગટ થયો હતો. (પહેલી આવૃત્તિની નકલ જોવા મળી નથી.) ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની સ્થાપના થઇ ત્યારે તેના જે ઉદ્દેશો જાહેર કરવામાં આવ્યા હતા તેમાંનો એક ઉદ્દેશ ગુજરાતી પુસ્તકો પ્રગટ કરવાનો હતો. મુંબઈમાં કેપ્ટન જર્વિસના વડપણ હેઠળ ચાલતી નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક્સ સોસાયટી પણ ગુજરાતી, મરાઠી, વગેરે ભાષાઓમાં પાઠ્ય પુસ્તકો પ્રગટ કરતી હતી. આ માટે તે જાહેરાત આપીને હસ્તપ્રતો મગાવતી હતી અને તેમાંથી જે છાપવા લાયક જણાય તેને ‘ઇનામ’ આપતી હતી. (આમ કરવા પાછળનો હેતુ કદાચ સ્થાનિક પરંપરા સાથે અનુસંધાન જાળવવાનો હતો.) આ પદ્ધતિને અનુસરીને ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’એ પણ પુસ્તકો છાપવાનું શરૂ કર્યું. ૧૮૪૯ના જૂન મહિનાની તેરમી તારીખે મળેલી સોસાયટીની બેઠકમાં ‘ભૂતપ્રેતનો વહેમ મનમાં પેસે છે તે શું હશે અને તેને કાઢવાને વાસ્તે શા શા ઉપાય કરે છે તે વિશેનો નિબંધ રચાવવાને’ તથા આવેલા નિબંધોમાંથી જે સૌથી સરસ લાગે તેને રૂ. ૧૫૦નું ‘ઇનામ’ આપવાનું ઠરાવાયું હતું. નિબંધો મોકલવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો, એટલે કે ૧૮૪૯ના ડિસેમ્બરના અંત સુધીમાં નિબંધ મોકલવાના હતા. આ જાહેરાત થઇ ત્યારે દલપતરામ ફાર્બસને ત્યાં નોકરી કરતા હતા. એક દિવસ ફાર્બસે તેમને પૂછ્યું કે તમે આ નિબંધ હરીફાઈમાં ભાગ લેવાના છો કે નહિ? ત્યારે દલપતરામે જવાબ આપ્યો કે ઇનામની રકમ બહુ ઓછી છે એટલે નિબંધ લખવાની મહેનત કરવાનું મન થતું નથી. આ સાંભળીને ફાર્બસે કહ્યું કે ઇનામ મેળવવા ખાતર નહિ, પણ ગુજરાતના લોકોને વહેમ અને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા પણ તમારે આ નિબંધ લખવો જોઈએ. એટલે પછી દલપતરામે ભૂત નિબંધ લખીને હરીફાઈમાં મોકલ્યો અને તે પસંદ થયો તથા તેને ૧૫૦ રૂપિયાનું ‘ઇનામ’ મળ્યું. ફાર્બસ આ નિબંધથી સારા એવા પ્રભાવિત થયા હતા. સોસાયટીના બીજા વર્ષના અહેવાલમાં આ શબ્દો જોવા મળે છે જે મોટે ભાગે ફાર્બસે જ લખ્યા હતા.
દલપતરામના ‘ભૂત નિબંધના ફાર્બસે કરેલા અનુવાદનું મુખપૃષ્ઠ
“પહેલી જ કૃતિ ભૂત નિબંધની સારી એવી પ્રશંસા થઇ છે. તેની ભાષામાં શુદ્ધિ અને જોમ રહેલાં છે એટલા ખાતર જ નહિ. પણ તેમાં દર્શાવાયેલા સ્વતંત્ર મત અને વિચારો તથા પૂર્વગ્રહોના વિરોધને કારણે પણ તે પ્રશંસ્ય બન્યો છે. દેશમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાને દૂર કરવા મથનારાઓમાં આ ગુણો આજે બહુ ઓછામાં જોવા મળે છે, અને તેથી વધુ મૂલ્યવાન બની રહે છે.”૧૮
ફાર્બસને આ નિબંધ એટલો ગમી ગયો હતો કે તેમણે તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. બોમ્બે ગેઝેટ પ્રેસમાં છપાયેલા એ પુસ્તકની પ્રસ્તાવનામાં ‘દેશી’ ભાષાઓને પ્રોત્સાહન આપવાની જોરદાર હિમાયત ફાર્બસ કરે છે. તેઓ કહે છે :
હિન્દુસ્તાનમાં અંગ્રેજી ભાષાનો બને તેટલો વ્યાપક પ્રસાર થાય તે ઇચ્છનીય છે જ, પણ એનો અર્થ એવો નથી કે ‘દેશી’ ભાષાઓના વિકાસ પ્રત્યે આપણે દુર્લક્ષ સેવવું જોઈએ. હકીકતમાં આનાથી ઊલટું જ બનતું જોવા મળે છે. આ માટેની સર્વસામાન્ય દલીલો જવા દઈએ. પણ અંગ્રેજી શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલાઓનો અનુભવ પણ એ જ વાતની સાબિતી આપે છે કે અંગ્રેજી અને ‘દેશી’ ભાષાના સાહિત્યનો અભ્યાસ, બંને સાથોસાથ ચાલવા જોઈએ.૧૯
હિન્દુસ્તાનના, અને ખાસ કરીને ગુજરાતના લોકોના મનમાંથી ભૂતપ્રેત અંગેની માન્યતાઓ દૂર કરવા ફાર્બસ આતુર છે, પણ આવી માન્યતાઓ ધરાવવા માટે તેઓ ‘દેશી’ લોકોની ટીકા કરતા નથી. કારણ તેમના પોતાના દેશમાં નજીકના ભૂતકાળમાં આ અંગે જે સ્થિતિ હતી તેનાથી તેઓ પૂરેપૂરા વાકેફ છે. તેઓ કહે છે :
જેને વિષે આ નિબંધમાં લખવામાં આવ્યું છે તેવા વહેમની વાતોનો અને તેનાં પરિણામોનો આપણને ગ્રેટ બ્રિટનમાં પણ નજીકના ભૂતકાળમાં અનુભવ ક્યાં નહોતો થયો? આજથી સોએક વર્ષ પહેલાંના સ્કોટિશ લોકો અંગેના આંકડાકીય અહેવાલ પરથી જાણવા મળે છે કે એ લોકો ભૂતપ્રેત, ડાકણ, પરીઓ વગેરેમાં દૃઢપણે માનતા હતા.૨૦
ભૂત નિબંધના લેખક દલપતરામ વિષે ફાર્બસે લખ્યું છે :
તેઓ સ્થાનિક સાહિત્યના, પછી તે સંસ્કૃતમાં લખાયેલું હોય કે ‘દેશી’ ભાષાઓમાં લખાયેલું હોય, ઉત્સાહી અભ્યાસી છે. તેમની બુદ્ધિ પરિપક્વ છે અને તેમનામાં હાસ્યની નૈસર્ગિક શક્તિ રહેલી છે. તેમની નિરીક્ષણ શક્તિ સૂક્ષ્મ છે અને સ્મૃતિ સતેજ છે, અને તેમના અનુભવનું ક્ષેત્ર વિશાળ છે.૨૧
અહીં એ હકીકત પણ નોંધવી જોઈએ કે ફાર્બસે કરેલો ભૂત નિબંધનો આ અનુવાદ એ અર્વાચીન ગુજરાતી ભાષામાંથી થયેલો સૌથી પહેલો અંગ્રેજી અનુવાદ છે.
ડબ્લિન યુનિવર્સિટી મેગેઝીન : લિટરરી એન્ડ પોલિટીકલ જર્નલે તેના (પુસ્તક ૩૭) જાન્યુઆરીથી જૂન ૧૮૫૧ના અંકમાં ભૂત નિબંધના અનુવાદનું અવલોકન પ્રગટ કર્યું હતું. અલબત્ત, આ અવલોકન તેણે હિન્દુસ્તાનના કોઈક સામયિકમાંથી પુનર્મુદ્રિત કર્યું હતું. એ સામયિકનું કે અવલોકન લખનારનું નામ આ જર્નલમાં આપ્યું નથી.
આ પુસ્તક અંગે અવલોકનકાર લખે છે :
“ગુજરાતના હિંદુઓમાં પ્રચલિત એવા ભૂતપ્રેત અંગેના ખ્યાલો અને વહેમોની વિચિત્ર વિગતો અહીં આપવામાં આવી છે. જેમને માત્ર ઉપરછલ્લી બાબતોમાં જ રસ છે, અથવા જેઓ માત્ર મનોરંજન માટે જ વાંચે છે તેમને આ વાતો મામૂલી લાગે તેમ બને. પણ જે વિચારશીલ વાચકો છે તે તો આ વાતોનું મહત્ત્વ સ્વીકાર્યા વગર રહેશે નહિ. માણસ જાત સામે જે કેટલીક અસ્પષ્ટ છતાં ખૂબ મહત્ત્વની સમસ્યાઓ રહેલી છે તેમાંની એક ભૂતપ્રેત અંગેની સમસ્યા છે. એટલે એ અંગે જેટલી પણ વધારે વિગતો મળે તે આ સમસ્યા અંગેની આપણી જાણકારીમાં વધારો કરી શકે તેમ છે.”૨૨
આ પુસ્તક વાંચવાથી કોને કોને ફાયદો થાય તેમ છે તે જણાવ્યા પછી અવલોકનકાર કહે છે :
“ભૂત નિબંધના પ્રકાશનથી આ વિષય અંગેની ઘણી બધી ભરોસાપાત્ર વિગતો આપણને મળી છે. સત્યની ખોજમાં આ વિગતો ઉપયોગી થાય તેવી છે. અને તેથી આ પુસ્તક વાચવા જેવું બની રહે છે.૨૩
ભૂત નિબંધના આ અંગ્રેજી અનુવાદમાં લખાણની વચ્ચે વચ્ચે કેટલીક આકૃતિઓ મૂકી છે. (આ સાથે તેમાંથી બે નમૂના આપ્યા છે.) મૂળ ગુજરાતી પુસ્તકની પહેલી આવૃત્તિમાં પણ તે હોવી જોઈએ. પણ ‘ગુજરાત સાહિત્ય અકાદમી’એ મધુસૂદન પારેખ સંપાદિત ‘દલપત ગ્રંથાવાલી’ના પાંચમા ભાગમાં ભૂત નિબંધ છાપ્યો છે તેમાં બધી આકૃતિઓ કાઢી નાખી છે. આમ કરવા પાછળનું કારણ તો સંપાદક કે પ્રકાશક જ જાણે.
ભૂત નિબંધના અંગ્રેજી અનુવાદમાં લખાણની વચ્ચે મૂકેલી આકૃતિઓમાંની બે
અહીં ભૂત નિબંધ અંગેની બીજી એક-બે વાત પણ નોંધી લઈએ. પહેલી તો એ કે તેના નામમાં ભલે ‘નિબંધ’ હોય, આ કૃતિ તે કોઈ રીતે આજે આપણે જેને નિબંધ કહીએ છીએ તે પ્રકારની નથી જ નથી. તે વખતે હજી હાથે લખેલી પોથીઓ પ્રચારમાં હતી. એટલે જો ‘હસ્તપ્રત’ મગાવવામાં આવે તો કેટલાકના મનમાં ગેરસમજ થવાની શક્યતા હતી. આથી મુંબઈમાં જ્યારે કેપ્ટન જર્વિસે છાપવા માટે પાઠ્ય પુસ્તકો મગાવવાનું શરૂ કર્યું ત્યારે ‘હસ્તપ્રત’ શબ્દ ન વાપરતાં ‘પ્રબંધ’ કે ‘નિબંધ’ શબ્દ વાપર્યા. પણ તેમને અભિપ્રેત તો પુસ્તકની ‘હસ્તપ્રત’ જ હતી. મુંબઈની રીતને અનુસરીને અમદાવાદની સોસાયટીએ પણ જ્યારે લખાણ મગાવવાનું શરૂ કર્યું ત્યારે તેને માટે ‘હસ્તપ્રત’ શબ્દ ન વાપરતાં ‘પ્રબંધ’ કે ‘નિબંધ’ શબ્દ વાપરવાનું શરૂ કર્યું. આથી જ તો અમદાવાદની સોસાયટીની જુદી જુદી હરીફાઈઓ માટે લખાયેલા ‘નિબંધો’માં પદ્યમાં લખાયેલી કૃતિઓ પણ જોવા મળે છે, તો ‘કડવા કણબી વિષે નિબંધ’ ગદ્ય અને પદ્ય, બંનેમાં લખાયેલો છે. એટલે ભૂત નિબંધ હકીકતમાં કથાપ્રધાન ગદ્ય લખાણ છે, નિબંધ નહિ.
બીજી વાત એ નોંધવી જોઈએ કે કવિ નાનાલાલે ‘કવીશ્વર દલપતરામ’માં એવી છાપ ઊભી કરી કે ‘ભૂત નિબંધ’ એ અર્વાચીન ગુજરાતી ગદ્યની પુસ્તક રૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. નાનાલાલ કહે છે : “ભૂત નિબંધ એટલે ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ની ગ્રંથ પ્રકાશન માળાનો પ્રથમ મણકો. અર્વાચીન ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર ગદ્યગ્રંથ, લોક પ્રસિદ્ધિ પામેલો દલપતરામનો પહેલો સાહિત્યવિજય … અર્વાચીન ગુજરાતીનો પ્રથમ સ્વતંત્ર ગદ્યગ્રંથ તે ઇસવી સન ૧૮૪૯માં લખાયેલો દલપતરામનો ભૂત નિબંધ.” (કવીશ્વર દલપતરામ, ભાગ ૨, પૂર્વાર્ધ, પા. ૩૧-૩૨. બીજી આવૃત્તિ, ૨૦૦૦) આપણા ભાષા-સાહિત્યના ઇતિહાસ કે વિવેચન લખનારાઓમાંથી કેટલાકે કવિ નાનાલાલની આ વાત ઝાઝી પડપૂછ કર્યા વગર સ્વીકારી લીધી છે અને દલપતરામને અર્વાચીન ગુજરાતી ગદ્યના પ્રારંભકનું માન આપી દીધું છે. પણ હકીકતમાં આ વાત સાચી નથી. ગુજરાતી ગદ્યમાં છપાયેલી કૃતિઓ દલપતરામના જન્મ પહેલાંથી, છેક ૧૮૧૫થી જોવા મળે છે. ભૂત નિબંધમાં જે વાતો છે તેમાંની ઘણી આજે કાલગ્રસ્ત થઇ ચૂકી છે. આજે આ કૃતિ મુખ્યત્વે ઐતિહાસિક મહત્ત્વ જ ધરાવે છે – તેના લેખક અને પ્રકાશક, બંનેના પ્રથમ પુસ્તક તરીકે.
e.mail : deepakbmehta@hotmail.com