આ અગાઉના લેખમાં મેં કહ્યું હતું કે ગુજરાતીના સારા પ્રૉફેસરને સાંભળવાથી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ ‘સંકુલ’ ‘સુસ્પષ્ટ’ ‘પ્રતીતિ’ વગેરે બોલતાં થઈ જાય છે. તેઓ ’સર્વશ્રેષ્ઠ’ ‘સંયમ’ ‘ગામ્ભીર્ય’ ‘ઘનતા’ ‘પ્રાધાન્ય’ ‘સવિશેષ’ ‘સુશ્લિષ્ટ’ કે ‘રસાનુભવકારી’ લખતાં પણ થઈ જાય છે. અને, એક દિવસ ‘વિદ્વાન’ થઈ જાય છે, ‘મહાન’ ગણાવા માંડે છે.
એમ થાય એમાં કંઈ ખોટું નથી. આ કપરા કાળમાં એ પ્રૉફેસર અને એની એ વિદ્યાર્થિનીઓ તેમ જ વિદ્યાર્થીઓ, સૌ, સદ્દનસીબવાળાં ગણાય.
પણ સાચું એ પણ કહ્યુ હતું કે એની ‘એવી’ વિદ્વત્તા જુદી જ ચિન્તાનો વિષય બને છે. કેમ કે એનું શબ્દભંડોળ ઠિંગરાઈ ગયું હોય છે. કેમ કે એની મતિ ભાષાના એ ઓરડામાં કૅદ થઈ ગઈ હોય છે. એ એવા અને એટલા જ શબ્દોનો ગુલામ બની ગયો હોય છે.
કહ્યું હતું કે બીજા શબ્દોમાં એમ કહેવાય કે એની ‘સંકેતપરક સ્વતન્ત્રતા’ નષ્ટ થઈ ગઇ હોય છે – સૅમિયોટિક ફ્રીડમ.
આ ‘સૅમિયોટિક ફ્રીડમ’-ને સમજાવવા મારે નીચે મુજબના માર્ગે જવું રહેશે. એ માર્ગ મેં કોરેલો છે. એ માટે પરિભાષાને કઠોરતાથી તજી દીધી છે અને ન ગમવા છતાં શાસ્ત્રીયતાને ઑગાળી નાખી છે. તેમ છતાં, વાચકમિત્રોએ એ પર ધીમાં પણ નિશ્ચલ ડગ ભરવાં પડશે.
Pic courtesy : CanStockPhoto
સૅમિયોટિક્સ અથવા સૅમિયોલૉજીને ગુજરાતીમાં સંકેતોનું વિજ્ઞાન કહેવાય – સંકેતવિજ્ઞાન. કેટલાક વિદ્વાનો એને સંજ્ઞાવિજ્ઞાન પણ કહે છે. આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ અને પ્રત્યય મળીને પદ તેમ જ ધ્વનિ અને અર્થ મળીને શબ્દ બને છે; તેમ આમાં, સંકેતક અને સંકેતિત મળીને સંજ્ઞા બને છે. અને, સંજ્ઞાથી જે જ્ઞાન થવાનું હોય તે આપણને થાય છે. સંકેતવિજ્ઞાન સંજ્ઞાઓ પ્રતીકો અને તેમના વિનિયોગોનું અથવા અર્થઘટનનું અધ્યયન છે.
ભાષાના શબ્દોને ભાષિક સંકેતો કહેવાય – વર્બલ. પણ આપણી આસપાસ બિનભાષિક સંકેતો ઘણા છે – નૉનવર્બલ.
સોમવારે મારા વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓ લીલાં ખમીસ પ્હૅરીને આવ્યા હોય તો એ ‘રંગ’ કશાકનો સંકેત છે. મંગળવારે બધા બુલ્ગાનીન બીયર્ડમાં (દાઢી રાખવાની એક ફૅશન) કે બ્લૂ જીન્સમાં આવ્યા હોય તો એ ‘ફૅશન’ સંકેત છે. બુધવારે બધી જ છોકરીઓ પોપટી સાડીમાં આવી હોય અને તે દિવસે બધા જ અધ્યાપકમિત્રો ગળે કેસરી ખેસ લટકાવીને આવ્યા હોય, તો એ ‘પહેરવેશ’ એક સંકેત કહેવાશે.
(મારો એ બુધવાર કેવો રંગરંગીન !)
અમુક કલાકે મન્દિરનો ઘંટ વાગે, તો એ ‘અવાજ’ સંકેત છે. ચૂંટણી-વિજેતાઓ બૅન્ડવાજાં ઉપરાન્ત હાકોટા પાડતા જતા હોય એ ‘ક્રિયા’ કે ‘પ્રવૃત્તિ’ સંકેત છે. ખોપરી અને તેની નીચે ક્રૉસમાં બે હાડકાં ચીતર્યાં હોય, તો એ ‘દૃશ્ય’ સંકેત છે. કોઈ વ્યક્તિ ડોકું ઊંચું અને નીચું ધુણાવે; કોઈ જમણે-ડાબે ધુણાવે; કોઈ તમને તાકીને હથેળીનાં વચલાં બે આંગળાં પોતાની તરફ હલાવીને બોલાવે; કોઈ પોતાને હોઠે આંગળાં ચૉંટાડીને તરત તમારી તરફ મોકલે, તો એ બધા ‘હાવભાવ’ સંકેત છે. વગેરે વગેરે.
સાર એ કે રંગ, ફૅશન, પહેરવેશ, અવાજ, દૃશ્ય, ક્રિયા, પ્રવૃત્તિ, હાવભાવ વગેરે વગેરે બિનભાષિક સંકેતો છે. સમજવાનું એ છે કે સંકેતવિજ્ઞાન એ દરેકને પણ ભાષાઓ જ ગણે છે કેમ કે એ દરેક સંકેત પણ કશુંક કહે છે. સંકેતવિજ્ઞાન વર્બલની સરખામણીમાં વધારે તો નૉન-વર્બલનું વિજ્ઞાન છે.
આ વિષયમાં મને અત્યન્ત નૉંધપાત્ર લાગેલા પ્રશ્નો ત્રણ છે : ૧ : સંકેતકનો દરજ્જો કોને / શેને આપી શકાય? : ૨: સંકેતિત કોને સમજાય – ગુજરાતી ભાષકને કે કોઈપણ મનુષ્યને? : ૩ : એકને જે સંકેતિત સમજાય તે જ દરેકને સમજાય? :
પ્રશ્ન મેં ઉઠાવ્યા તો ઉત્તર પણ હું જ આપું. (અમારી એક કામવાળી છોકરી કૈલાસને કહીએ કે – પંખો બંધ કર, તો તરત હસીને ક્હૅ – હું નહીં કરું, જેણે ચાલુ કર્યો હોય, એ કરે !)
પ્રશ્ન ૧ -નો ઉત્તર : વિશ્વની કોઈપણ ચીજ સંકેતક બની શકે, એને એ દરજ્જો આપી શકાય. સૂનો પડેલો પથરો કે લાકડાનું એક ઢીમચું (ઇશ્વરનો) સંકેતક બની શકે. હાથરૂમાલ, અમુક પરફ્યુમ, મૉંએથી વ્હીસલ કે રેડ રોઝ (પ્રેમપ્રણયનાં) સંકેતકો છે. સંકેતકો અનેક છે : આંગળી અને અંગૂઠાથી વગાડાતી ચપટી. ઓમ્. ક્રૉસ. કપાળમાં ચાંલ્લો, તિલક કે ત્રિપુણ્ડ. સીધો કે સ્હૅજ જમણી તરફ વાળેલો સ્વસ્તિક. માથે કાશ્મીરી, કાળી કે સફેદ ટોપી, ફૂમતાવાળી ઊંચી લાલ ટોપી, પાઘડી, ફૅંટો કે ફાળિયું. વિવિધ રંગની લાંબી અને ટૂંકી ધજાઓ. દરેક દેશનાં રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત. સાડીછેડો જમણે અને ડાબે. અરે, જમણો હાથ અને ડાબો હાથ પણ સંકેતકો છે.
આવા મતલબનું કવિ બૉદ્લેરે કહ્યું હતું – મનુષ્ય પ્રતીકોના જંગલમાં વસે છે.
પ્રશ્ન ૨ -નો ઉત્તર : સામાન્યપણે સંકેતિતને દરેક મનુષ્ય પામી શકે છે. એ માટે એણે ગુજરાતી કે ભારતીય અથવા તો હિન્દુ કે મુસલમાન કે ખ્રિસ્તી હોવું અનિવાર્ય નથી. જેમ કે, દાઢી અને જીન્સની ‘ફૅશન’ એ જાણે છે. એ ‘હાવભાવ’ એ પણ પામે છે. પરન્તુ ‘અધ્યાપક’ ‘સાડી’ ‘ખેસ’ કે ‘મન્દિર’-ના સંકેતિતો સામાન્યપણે દરેક મનુષ્યને નહીં પ્હૉંચે, સિવાય કે એ ગુજરાતી ભાષક પણ હોય.
પ્રશ્ન ૩-નો ઉત્તર : સંકેતિત એકને સમજાય તે જ સામાન્યપણે દરેકને ન સમજાય. સફેદ રંગથી હું સમજું શુભમંગળ પણ મધુ મંગેશકર એને અશુભઅમંગળ સમજે. દાઢી અને જીન્સથી હું સમજું યુવાની પૂરબહારમાં અને જોશમાં ખીલી પણ મનુ મારવાડી એને છેલબટાઉવેડા સમજે. પોપટી સાડીઓથી મને લાગે કે મારા વર્ગમાં વનસ્પતિ – પ્રકૃતિ – છવાઈ ગઈ છે પણ લાલબહાદુરસિંહ કો યે બકવાસ દિખે. મન્દિરનો ઘંટ મને જણાવે કે આરતીનો સમય થઈ ગયો છે પણ કરીમચાચા માટે એ માત્ર અવાજ હોય. ખોપરી નીચે હાડકાંનું દૃશ્ય જોઇને હું ડરું પણ મારો અમેરિકન ફ્રૅન્ડ સ્ટીવન્સન મને હસે, બાળક પણ ગણે.
(મેં જ્યાં જ્યાં ‘વગેરે વગેરે’ અને ‘સામાન્યપણે’ કહ્યું છે તે, સ્વીકારો કે વિધાનોની વ્યાપકતા સૂચવવા માટે છે.)
ત્રણેય ઉત્તરનો સાર એ છે કે સંકેતકો અને સંકેતિતો શબ્દ અને અર્થની તુલનાએ વધારે મુક્ત છે. ઉચ્ચારણ, વ્યાકરણ કે જોડણીનો તો પ્રશ્ન જ નિર્મૂળ થઈ જાય છે અને તેથી ખૂબ મૉકળાશ મળે છે. માણસ સ્વભાષાની સીમાઓ સાચવીને કે ઓળંગી જઈને પરભાષીઓ લગી આરામથી પ્હૉંચી શકે છે. એથી એક મનુષ્યને બીજા મનુષ્યો સાથે કમ્યુનિકેટ થવાની અને એ માટે ઍક્સ્પ્રેસ થવાની ઘણી સ્વતન્ત્રતા મળે છે.
એ સ્વતન્ત્રતાનું નામ છે, સૅમિયોટિક ફ્રીડમ – સંકેતપરક સ્વતન્ત્રતા.
પેલી વિદ્યાર્થિનીને કે વિદ્યાર્થીને સંસ્કૃત શબ્દોવાળી એ પરિભાષા જરૂર બચાવી શકે, શરત એ કે એ અધ્યાપક હોય અને પરિભાષાને યથાસ્થાને યુક્તિપૂર્વક વાપરી જાણે. નહિતર, એ વિદ્યાર્થિની કે વિદ્યાર્થી તત્સમ અને દેશ્ય શબ્દોની દિશાઓ ભૂલી જશે. ગામડાગામના ધુમાડિયા રસોડામાં જેટલા સંકેતકો હશે તેને એ ઝીલી નહીં શકે, સંકોચાઈ જશે અને એની સૅમિયોટિક ફ્રીડમ એટલી ઘટી જશે. આનું પ્રતિ-દૃષ્ટાન્ત એ કે ગ્રામવાસી જન તદ્ભવ કે તત્સમની દિશાઓમાં નથી પ્રવેશી શકતો. શહેરી ભાઈબંધ જોડે એ રેસ્ટોરાંમાં ગયો તો હોય છે પણ છરીકાંટા સહિતની ટેબલમૅનર્સના સંકેતો એને મૂંઝવતા હોય છે.
જે ગુજરાતી શિક્ષિતો અંગ્રેજી શબ્દોની કે હિન્દી સિનેમાના પ્રભાવે કરીને હિન્દી શબ્દોની ભરમારથી જીવનવ્યવહાર કે સંદેશાવ્યવહાર ચલાવતા હશે, જેને તેઓ પોતાની વિશેષતા સમજતા હોય છે, તો એમની જાણ બહાર એમની સ્વતન્ત્રતા ઘટી જવાની. તેઓ ગુજરાતી ભાષામાં સર્જન કરતાં હશે તો એ ઘટાડાની અસર તેમાં પણ વરતાશે. જતે દિવસે એ વ્યવહારોની મર્યાદાઓને તેઓ જાણી શકશે નહીં અને જાણશે ત્યારે મૉડું થઈ ગયું હશે. સમર્થો આમાં અપવાદો છે પણ તેઓથી આ સર્વસાધારણ મુદ્દો પુરવાર થાય છે.
પેટ ‘ઠોકીને’ ખાધું : એ બાંગડને મારા ‘તાબામાં’ રાખીશ : સરખું વરત ને, શું ‘ગોથાંપિલ્લાં’ કર્યા કરે છે? : લોહી ‘પી’ ગ્યો : ‘ધૂનમાં ને ધૂનમાં’ હું એ બાજુ ચાલી ગયો : મારા બેડરૂમમાં આમ ‘ચોરપગલે’ નહીં આવવાનું : મારું ‘માથું’ ન ‘ખા’ : પેલાએ મનુને એવી ‘ફાચર’ મારી કે વાત પતી ગઈ : તેં ‘બાફ્યું !’ જોજે હવે તારી શી ‘વલે’ થાય છે : આવા તો ગુજરાતીમાં એટલા બધા પ્રયોગો છે કે ગણતાં થાકી જઈએ. પણ હું ગુજરાતી ભાષાને આવાં કારણોસર ભારે સર્જનાત્મક ક્હૅતાં નહીં થાકું.
ઉપર્યુક્ત લગભગ દરેક પ્રયોગમાં માનવીય વર્તનની અસાધારણતા છે – જેમ કે, પેટને ઠોકાય નહીં; બાંગડને તાબામાં રાખવાનું મુશ્કેલ; સરખું વર્તન કરનારો ગોથાંપિલ્લાં ન કરે; લોહી પીવાની વસ્તુ નથી; ચાલવું અને ધૂનમાં ને ધૂનમાં ચાલવું. બેડરૂમ અને ચોરપગલાં. માથું, ખાવાની વસ્તુ નથી. મનુ નામનો મનુષ્ય અને ફાચર. સામાન્યપણે વરાળથી પકવવીએ એને બાફવું કહેવાય, એથી વલે નથી થતી – બૂરા હાલ.
જોઈ શકાશે કે દરેક પ્રયોગમાં ભાષા ફંટાઈને બિનભાષિક સંકેતોની દિશામાં સંચરે છે. અને તેથી, એ દરેક પ્રયોગ એક ‘સૅમિયોસિસ’ ઊભું કરે છે – એટલે કે, અર્થસૂચનને બધી બાજુએથી પામવા માટેની એક સંકુલ રચનાપ્રક્રિયા.
ભાષા મરી રહી છે એમ ન કહો; એમ કહો કે ભાષા આવડતી’તી પણ એ શબ્દો શબ્દગુચ્છો વાક્યો રૂઢિપ્રયોગો કે કહેવતો વાપરવાને બદલે આપણે ઓછા શબ્દોથી કામ પતાવતા થયા; ટૂંકાક્ષરીઓ કે ઇમોજી જેવાં ચિત્રોથી મુદ્દો પૂરો કરવાની કુટેવને વશ થયા. અને ત્યારે, દેખીતું છે કે ઉતાવળ થાય, આજકાલ ઘણાને લાગે છે એમ જોડણી અને વ્યાકરણ પંચાત લાગે.
આમ આપણા જીવનમાં શબ્દો છે પણ સંકેતો ય છે. જીવન એ બન્નેથી ચાલે છે. એટલે, સંકેતવિજ્ઞાનની છતરી હેઠળ ભાષાવિજ્ઞાન આવી જાય છે એમ સમજી રાખવું બહુ જરૂરી છે.
સ્વિસ ભાષાવિજ્ઞાની ફર્ડિનાન્ડ દ સૉસૂર પછી ‘બાયોસૅમિયોટિક્સ’ વિકસ્યું છે – ધરતી પરના જીવોનું વિજ્ઞાન અને સંકેતવિજ્ઞાન. એ દિશાનું ગહન વિજ્ઞાન. યાદ આવે છે કે સૅમિયોટિક્સનો નિર્દેશ મારા ‘સંરચના અને સંરચન’ પુસ્તકમાં મેં ૧૯૮૬માં કરેલો; એ પછી આજે કર્યો. નથી ખબર કે બાયોસૅમિયોટિક્સની વાત વીગતે ક્યારે ય કરી શકીશ કે કેમ.
ત્રણ બાબતો નૉંધપાત્ર છે : ૧ : દરેક મનુષ્ય સંકેતપરક સ્વતન્ત્રતાને લાયક છે : ૨ : સંકેતપરક સ્વતન્ત્રતાનો અર્થ જ એ કે હું ગમે એ વસ્તુને સંકેતક બનાવી શકું અને તેમાં મારી મરજી મુજબનો સંકેતિત આરોપી શકું : ૩ : એટલું જ નહીં, અન્યોએ આકારેલા સંકેતકોને પણ હું સ્વેચ્છાએ સ્વીકારું.
પણ એ ત્રણ બાબતોને કારણે દુ:ખદાયી પ્રશ્નો જન્મે છે. પેલો મનુ મંગેશકર બાંયો ચડાવીને મને ધમકાવી શકે – શી રીતે સફેદ રંગ શુભમંગળ છે? અમે લોકો તો એથી શોક અને રુદન સમજીએ છીએ. મનુ મારવાડીને હું પૂછી શકું – છેલબટાઉવેડા એટલે શું? વ્યાખ્યા આપ ! સ્ટીવન્સનને કહી શકું – તમે હાળા અમેરિકનો દુનિયાને શસ્ત્રો વેચો છો તે ખોપરી-હાડકાના દૃશ્યથી શેના ડરો, સમજાય છે મને.
ધર્મયુદ્ધો, ક્રુસેડ્સ, વર્ણ વર્ણ વચ્ચે ઝઘડા, કોમો વચ્ચે હુલ્લડો, જાતિઓ વચ્ચે ઘર્ષણ, લડાઈઓ અને યુદ્ધો થયાં છે એમાં પ્રજાઓએ સંકેતપરક સ્વતન્ત્રતાનો દુરુપયોગની હદે ઉપયોગ કર્યો છે. ઇતિહાસમાં અનેક દાખલાઓ મોજૂદ છે : વર્ણભેદ – વર્ણો અને દલિતો. જાતિભેદ – હિન્દુ અને મુસ્લિમ – નાઝિ અને યહૂદી, રંગભેદ – નિગર અને વ્હાઇટ …
સંકેતપરક સ્વતન્ત્રતાનો દુરુપયોગ થવાનાં અનેક કારણો છે. મુખ્ય કારણ એ છે કે સંજ્ઞાઓને જે કોઈ અર્થ સૌ પોતપોતાના સ્વાર્થ અનુસાર ચૉંટાડે છે કેમ કે અર્થ તો બહાર જોઈએ તેટલા અને તેવા મળી રહેતા હોય છે.
આપણા કેટલાયે અધ્યાપકો અને વ્યાખ્યાનકારો અર્થ બાબતે આવી જ દોડ લગાવતા હોય છે. હાથ પરના વિષયમુદ્દાને હડસેલીને વિશ્વયુદ્ધો, ટૅક્નોલૉજિ, પશ્ચિમની સંસ્કૃતિ, સૅક્યુલારિઝમ, આધુનિકતાવાદ વગેરે દિશાઓમાં ઊડવા લાગે છે !
સંકેતવિજ્ઞાનનો આ કેન્દ્રવર્તી સૂર ધ્યાનમાં લેવાની જરૂરત છે : શબ્દ કે સંકેતો કે સંજ્ઞાઓ અર્થ લઇને નથી જન્મ્યાં હોતાં : જેમ કે, હું ‘ગાય’ કહું તેમાં, એ માતા છે, પવિત્ર છે, એના શરીરમાં બધા દેવો વસે છે વગેરે અર્થો સંભર્યા નથી હોતા. મીનિન્ગ, ઇન-બિલ્ટ નથી. પણ એક બોલ્યો, બીજાએ સ્વીકાર્યું, એ સ્વીકારની દીર્ઘ પરમ્પરા બની, અને એ ચૉંટાડેલો અર્થ જ સૌને ‘સહજ’ લાગવા માંડ્યો ! પણ હકકીત જુદી છે. ખરેખર તો ‘ગાય’-નો એ અર્થ સમયાન્તરે અને કેટલા ય સાંસ્કૃતિક તત્ત્વો તેમ જ પરિબળોનું ફળ છે. એટલે એનો આંખો મીંચીને સ્વીકાર ન કરાય. કોઈ પણ શબ્દ કે સંકેત કે સંજ્ઞાનું પાછલે પગે ચાલતા જઈને કાળજીથી વિશ્લેષણ કરવું જોઈએ.
રોલાં બાર્થ જેને ‘રીવર્સલ’ કહે છે તે છે એ.
એટલે, બધા સંકેતવિજ્ઞાનીઓ સૂચવે છે કે દરેક સંકેતક અને સંકેતિતનું તથા કોઈ પણ સૅમિયોસિસનું એ સ્વરૂપનું વિશ્લેષણ કરો.
એ વિશ્લેષણને સૅમિયોટિક ઍનાલિસિસ કહેવાય છે.
એ વિશે હવે પછી…
= = =
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર