મારા જેવા શિક્ષિત જનો, સાહિત્યજ્ઞો, કલાકારો, જો એમ કહે કે આ સમાજ રોગીષ્ટ છે, તો સંભવ છે કે સમાજશાસ્ત્રીઓ મૉઢાં તોડી લે અને ફરમાવે કે પુરવાર કરો. તેઓ ઝઘડવા આવે તો હું તો આ ઘડીથી જ હાર સ્વીકારી લઉં છું અને, મારે તો જીતવું જ નથી. એટલે એ વાતને એ રીતે સમાપ્ત સમજું છું.
મારે તો એ રોગ વિશે સાદી રીતનો સાદો સહવિચાર કરવો છે.
લૂઝલિ એમ કહી શકાય કે એક સમાજ ટોળું જૂથ મંડળી કે એક વર્તુળ, વ્યક્તિની તુલનાએ ખયાલ છે કેમ કે વ્યક્તિ એક નકરી હસ્તી છે.
એટલે મને પહેલો સવાલ એ થાય છે કે કુટુમ્બમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને કઈ રીતે જુએ છે. પુત્ર કે પુત્રી માબાપને પણ વ્યક્તિ તરીકે જુએ છે કે કેમ? માબાપ અને સન્તાનો એકમેકનાં સ્વાતન્ત્ર્યની રક્ષા કરે છે કે કેમ? પતિ પત્નીને અને પત્ની પતિને મનુષ્ય તરીકે જોઈ શકે છે કે કેમ? આ સૌ એકમેક પ્રત્યેની વૈયક્તિક જવાબદારીઓનાં કે દાયિત્વોનાં પાલન કરે છે કે કેમ?
એથી પણ આગળ વધીને પૂછવું જોઈએ કે કુટુમ્બમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સમ્બન્ધોની જે જાળ રચાય છે તેનું રસાયન પ્રેમ છે કે રીતરસમો સાચવવા માટેનાં બન્ધનો?
એક તીવ્ર પ્રશ્ન આ છે : આ સમાજ શારીરિક સ્પર્શને કઈ રીતે જુએ છે?
ઊંડે ઊતરીને સ્પષ્ટ પૂછવું જોઈએ કે કુટુમ્બમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કશી પણ શારીરિક આપ-લે બચી છે ખરી? માતાના ધાવણ પછી મોટી વયે દીકરા-દીકરી ભાવથી માતાની છાતીએ વળગી શકે છે? ખૉળે માથું મૂકીને હાશકારો અનુભવી શકે છે? ભાઈ અને બહેન એકમેકને ભેટીને વ્હાલ કરી શકે છે? એકમેકને ગાલે કે કપાળે ચૂમી શકે છે? પિતા સાથે વયસ્ક દીકરી કે માતા સાથે વયસ્ક દીકરો ઘડી-બે-ઘડી કે આરામથી લાંબી વાતોચીતો કરવા માટે એક જ પથારીમાં સૂઈ શકે છે?
આ જ પ્રશ્નો કુટુમ્બીજનો સંદર્ભે પણ છે : કાકા-કાકી મામા-મામી ફૂઆ-ફોઈ અને ભત્રીજા-ભત્રીજી કે ભાણા-ભાણી વચ્ચે વ્હાલ એટલે કે વાત્સલ્ય એક રસાયન રૂપે બચ્યું છે કે કેમ? એમની વચ્ચે હાથ મેળવવાના કે ભેટવાના કે ચૂમવાના પ્રસંગો બને છે કે કેમ? ભાભી-દિયર કે જેઠ-જેઠાણી, સાસુ-જમાઇ કે સસરા-વહુ વચ્ચે કશાક માનવીય સ્પર્શની ઘટનાઓ ઘટે છે કે કેમ?
આ જ પ્રશ્નો ઓળખીતાં સ્નેહી કે પરિચિતજનો સંદર્ભે પણ છે.
આ સમાજમાં પ્રેમ અને વ્હાલ, બચ્ચી અને ચુમ્બન, ભેટવું અને આલિંગવું વચ્ચેના ભેદ બચ્યા જ નથી, એવું કેમ? દરેક શારીરિક વર્તનને જાતીયતા અથવા આજકાલ છૂટથી વપરાય છે અને સહેલાઈથી સમજાય છે એ અંગ્રેજી શબ્દ ‘સૅક્સ’-થી જ ઓળખાવવામાં આવે છે, એ કેટલું ભ્રાન્ત બલકે ગંદું છે કે કેમ?
એમાં, મને બીજો સવાલ એ થાય છે કે સમાજમાં મનુષ્યો એકબીજાને કઈ રીતે જુએ છે.
એક વર્ણ સમાજના બીજા વર્ણો સાથે કેવાક સમ્બન્ધો ધરાવે છે? ‘સવર્ણ’ અને ‘દલિત’ એ નવી સંજ્ઞાઓથી કેટલી સમરસતા સાધી શકાઈ છે? એ વર્ણની બે વ્યક્તિઓ ક્યારે કેટલો સમય સાથે હોય છે? હિન્દુધર્મવિષયક આછકલી સમજે કરીને, આને તો અડાય જ નહીં એવી જડ માનસિકતાથી સમાજના એક મોટા વર્ગને આ દેશમાં સદીઓ લગી અસ્પૃશ્ય ગણીને ચાલવાનું બન્યું છે. વર્તમાન કાયદાકાનૂન પછી પણ એ પાપનિવારણ એના પૂર્ણ રૂપમાં નથી થયું. કહેવાતા હિન્દુના ચિત્તમાં એ કલંક હજી જીવતું છે, નેસ્તનાબૂદ નથી થયું.
એવા જ પ્રશ્નો : એક વર્ગ સમાજના બીજા વર્ગોને કઈ નજરે ઘટાવે છે? શ્રીમન્તોની મધ્યમોને વિશેની માનસિકતા શી છે અને મધ્યમોની ગરીબોને વિશેની શી છે? માલિકો હાથ નીચેના કાર્યકરોને કઈ રીતે જુએ છે? એક શિક્ષિત બીજા શિક્ષિતને તેમજ અશિક્ષિતોને કઈ રીતે જુએ છે? અને, અશિક્ષિતો શિક્ષિતોને કઈ રીતે જુએ છે?
વ્યાપક સમાજના એક સંવિભાગ તરીકે સાહિત્યકારસમાજને મૂકી શકાય; એમાં વ્યાપકનું પ્રતિબિમ્બ જોવા મળે છે એવું કેમ? સાહિત્યસમાજમાં પણ ઊંચનીચભાવ પ્રવર્તે છે એવું કેમ? સર્જકની સાહિત્ય-કોટિ ચડિયાતી અને વિવેચકની ઊતરતી એવું કેમ? અધ્યાપન પણ વિવેચન છે તેમછતાં એની કોટિ વિવેચકની છે એથી ઊતરતી કેમ? ઇનામી કે ઍવૉર્ડી સાહિત્યકાર એ પ્રાપ્તિ પછી સદા સર્વદા મોટો કે મહાન કેમ ગણાયા કરે છે? એનાં મૌન, એનાં વચનો-પ્રવચનો કે એનાં મન્તવ્યોને બાબાવાક્યમ્ પ્રમાણમ્ ગણીને ચાલે તે સમજદાર ને બીજા બધા બેસમજ એવું કેમ છે? ’સિદ્ધ’ ‘પ્રસિદ્ધ’ ‘નીવડેલા’ ‘નવોદિત’ સંજ્ઞાઓ સાહિત્યતત્ત્વ-સમ્બન્ધે છે કે સાહિત્યકારોના વર્ગો પાડીને ઉચ્ચાવચતાભેદને ઊભો રાખવા માટે છે કે કેમ?
હકીકત એ છે કે વ્યક્તિઓ વર્ણો વર્ગો ભેદભાવથી સંયોજાયેલાં છે એટલાં માનવ્ય, સમાનતા કે સમરસતાથી નહીં. સ્વાર્થે-પરમાર્થે કે કારણે-અકારણે બધું એકરસ લાગતું હોય છે, પણ હું થોડો કંઈ એવા ક્ષણભંગુર પ્રસંગોની ચર્ચા કરનારો છું?
હું તો લોહીમાં ભળી ગયેલા અને રોગ માટે કારણભૂત સૂક્ષ્મ ભેદ-કણોની વાત માંડી રહ્યો છું.
(ક્રમશ:)
(March 5, 23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર