
સુમન શાહ
અગાઉના ૩૦ લેખો પછી જે પ્રશ્ન થવો જોઈએ તે આ છે : વાસ્તવમાં સાહિત્યનાં અધ્યયનોમાં ‘એ.આઈ.’-નો વિનિયોગ કેવી રીતે કરી શકાય?
મેં સુરેશ જોષીના જાણીતા કાવ્ય ‘કદાચ હું કાલે નહીં હોઉં’-નું ‘એ.આઈ.’-સિસ્ટમમાં જઇને અધ્યયન શરૂ કર્યું એ દાખલા સાથે એ પ્રશ્નનો ઉત્તર આપું :
કદાચ હું કાલે નહીં હોઉં / સુરેશ જોષી
કદાચ હું કાલે નહીં હોઉં
કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે
મારી બિડાએલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે;
કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના
ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ
હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;
કાલે જો સાગર છલકે તો કહેજો કે
મારા હૃદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે;
કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;
કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે
મારા વિરહી પડછાયાની ચિતા
હજી પ્રકટાવવી બાકી છે.
કદાચ હું કાલે નહીં હોઉં.
= =
સૌ પહેલાં, ‘એ.આઈ.’-ઑજાર પસંદ કરવાનું, એ મેં કર્યું. સાહિત્યઅધ્યયન માટે પ્રયોજી શકાય એવાં એકથી વધુ ‘એ.આઈ.’-ઑજારો ઉપલબ્ધ છે : Google Bard, GPT-3, અને Elicit.org. એ બધાં વપરાય છે અને તેથી જાણીતાં થયાં છે. દરેક ઑજારનાં સામર્થ્ય અને મર્યાદાઓ જુદાં જુદાં હોય છે. જેમ કે, GPT-3 કૃતિના સંક્ષેપો કરવામાં તેમ જ પ્રશ્નોત્તરી કરવામાં, આપણી સાથે સંવાદ કરવામાં, વધારે શક્તિશાળી મનાય છે, જો કે બીજાં પણ એ કામ નથી કરી શકતાં એવું નથી. મેં Google Bard પસંદ કર્યું.
બીજું ડગ એ ભરવાનું કે ‘એ.આઈ.’-ઑજાર અને નક્કી કરેલી કૃતિના ફૉરમેટનો મેળ પાડવાનો. કેમ કે કેટલાંક ઑજારો કૃતિની સાદી ફાઇલ કે ‘વર્ડ’ માગશે, તો કેટલાંક ‘પી.ડી.ઍફ.’. એ કહેવાની જરૂર નથી કે ફાઇલ ડિજિટલ વર્જન હોવી જોઈએ. ‘કદાચ હું કાલે નહીં હોઉં’-ની મારી ડિજિટલ વર્જન વર્ડ ફાઇલ બાર્ડને મંજૂર હતી.
ત્રીજું ડગ એ કે ફાઇલને ‘એ.આઈ.-ઑજારમાં અપલોડ કરવાની, જે મેં કરી. કેટલાંક ઑજાર, મેં કરી એમ ફાઇલને કમ્પ્યુટરથી સીધી અપલોડ કરવા દે, તો કેટલાંક, એ માટે ઍકાઉન્ટ ખોલવાની ફરજ પાડતાં હોય છે.
હવે, વધારે મહત્ત્વનું ડગ એ કે અધ્યયન શરૂ કરવાનું. આગળના સમયમાં અધ્યયન માટે જેમ હાથમાં પેન અને નોટબુક ખોલીને બેસતો તેમ અહીં આંગળીઓ તત્પર હતી અને કમ્પ્યુટરની બુક તો ખોલેલી જ હતી, મારા તો કમ્પ્યુટરનું નામ પણ ‘મૅકબુકઍેર’ છે. મારે આ કાવ્ય વિશે તો શું જાણવું હોય, પણ એ જાણવું હતું કે હું એને જે પૂછું એના એ શા આવકાર્ય ઉત્તરો આપે છે, અને મેં પહેલો પ્રશ્ન કર્યો કે —
Please furnish a list of images in the said poem. તો એણે ગુજરાતી અને કૌંસમાં અંગ્રેજી સાથે નીચે મુજબનો ઉત્તર વાળ્યો, એના જ શબ્દોમાં, આ પ્રમાણે —
The images -કલ્પનો in the poem કદાચ હું કાલે નહીં હોઉં are :
૧ આંસુ (tears)
૨ કન્યાનું સ્મિત (smile of a young girl)
૩ કાળમીંઢ ઈશ્વર (black-faced God)
૪ મત્સ્ય (fish)
૫ વિરહી પડછાયો (separated shadow)
(હું હાલ એ બધું નથી કહેવા માગતો કે એનું શું ખોટું અને આપણું શું ખરું કે એનું શું ખરું અને આપણું શું ખોટું ..)
પછી, એણે પોતે કહેલી ઇમેજિસ વિશે અંગ્રેજીમાં આ પ્રમાણે ટિપ્પણી કરી —
“These images are used by the poet to represent different aspects of human life, such as sorrow, love, faith, hope, and loss. The poet uses these images to create a vivid and moving description of his own thoughts and feelings about life and death.
“The poem is a beautiful and poignant reminder that life is precious and that we should cherish every moment. It is also a reminder that we should not take anything for granted, as we never know what tomorrow may bring.
“મને થયું મેં એને પ્રશ્ન અંગ્રેજીમાં કરેલો એટલે શાસ્ત્રની શિસ્ત સાચવવા એ પણ અંગ્રેજીમાં ઉત્તર આપે છે. પણ એને જો ગુજરાતી આવડે છે, તો મેં એને ગુજરાતીમાં લખીને કહ્યું કે આનો અનુવાદ આપ; એણે તરત આપ્યો (‘તરત’ એટલે ૪-૫ સૅકન્ડમાં) —
“આ છબીઓ કવિ દ્વારા માનવજીવનના વિવિધ પાસાઓ, જેવા કે દુઃખ, પ્રેમ, શ્રદ્ધા, આશા અને નુકસાનને રજૂ કરવા માટે વપરાય છે. કવિ આ છબીઓનો ઉપયોગ જીવન અને મૃત્યુ વિશેના પોતાના વિચારો અને લાગણીઓનું જીવંત અને હૃદયસ્પર્શી વર્ણન કરવા માટે કરે છે.
“આ કવિતા એક સુંદર અને સૂચક સ્મરણ છે કે જીવન અમૂલ્ય છે અને આપણે દરેક ક્ષણને થોપાવી રાખવી જોઈએ. તે એક યાદ અપાવે છે કે આપણે કંઈપણને બેદરકારીપૂર્વક લેવું જોઈએ નહીં, કારણ કે આપણે ક્યારે ય જાણી શકતા નથી કે કાલે શું લાવશે.”
મેં એને કહ્યું (લખ્યું) કે તારા કેટલાક પર્યાયો ખોટા છે, વિરામચિહ્નોની ભૂલો છે. તો એણે મારી વાત સ્વીકારી અને કહ્યું કે હું સુધારી લઈશ. અને હમ્મેશની નમ્રતાપૂર્વક લખ્યું કે હું મારી ભૂલો માટે દિલગીર છું, કેમ કે હું હજી બધું શીખું છું.
આ ઉપરાન્ત મેં એને સમગ્રદર્શી મૂલ્યાંકન માટે, ફૉર્માલિસટ – આકારવાદી – અભિગમ અનુસારના મૂલ્યાંકન માટે, આ કાવ્યના નૅગેટિવ ક્રિટિસિઝમ માટે પણ પ્રશ્નો કર્યા છે, અને એણે સરસ ઉત્તરો આપ્યા છે. એ આ પછીના લેખમાં રજૂ કરીશ.
= = =
(10/11/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર