વર્ષ ઊઠશે તો બેસશેને!
નવું વર્ષ બેસશે ને બધાંના બાર વાગી જશે
સૂર્યને ખબર નથી કેલેન્ડરની તો ય
એ સવાર તો પાડી જ દેશે
ગમે એટલી ઠંડી કેમ ન હોય
પણ પ્રભાતે કોઈ ફૂલ
એપ્રિલફૂલ નહિ બનાવે
ને હેંગ ઓવરનું બહાનું કાઢીને
મોડું નહિ ઊગે !
કોઈ નદી લથડિયાં ખાતી હોય તો પણ
વહેવાનું નહિ ચૂકે
કોઈ ‘સાગર’, દિલકો બહેલાતા નહિ –
ગાઈને પિદ્ધડની જેમ કિનારે નહિ પડી રહે
એ લહેરોની વરાળ કરશે જ !
કોઈ પર્વત સ્વેટર ઓઢીને
તડકો ખાવા ડોકું બહાર નહિ કાઢે
એ તો બરફને ય સ્વેટરની જેમ જ ઓઢી લેશે
જો આકાશ પણ પાંખો
ફફડાવતું ઊંચે જતું હોય
તો આપણે ઊઠીને 31/12/2022નું પાનું તો ફેરવીએ !
ચાલો, 1/1/’23ને કંકુચોખાથી વધાવીએ …
000
e.mail : ravindra21111946@gmail.com