તડકો છે પાંચનો શેર ને છાંયડો ખાલી પચ્ચાનો પા
બોલો કેટલો જોખું ભા?
છાંયડો છે કચ્છી ખારેક સમો, તડકો નર્મદાથી લાયો છું,
વાઇબ્રન્ટ ગુજરાતમાં ટૅન્ડર જીતી ધંધો કરવા આયો છું
જુઓ તો ખરા સાહેબજી જોવાના ક્યાં માગ્યા પૈસા?
તડકો છે પાંચનો શેર અને છાંયડો ખાલી પચ્ચાનો પા
બોલો કેટલો જોખું ભા?
વિન્ટર સ્પેશિયલ વેરાઇટીનો છે કશ્મીરી માલ મારી પાસે
છાંયડો કે તડકો વર્તાય જ નહીં, રગ રગ હિમાલય ભાસે
ગોળી ને છાતી વચ્ચેનું અંતર પોસાય તમને જો રૂપિયામાં
તડકો છે પાંચનો શેર ને છાંયડો ખાલી પચ્ચાનો પા
બોલો કેટલો જોખું ભા?
તડકા-છાંયડાના ધંધામાં આજકાલ ચાલે છે મોટી ભેળસેળ
લીમડો બાવળ ગણે, બાવળ બોરસલ્લી, આંબાને માને વેલ
છોડો એ વાત બધી એટલું કહો, હપ્તે લેશો કે રોકડામાં?
તડકો છે પાંચનો શેર ને છાંયડો ખાલી પચ્ચાનો પા
બોલો કેટલો જોખું ભા?
દિલ્હી, 30 ડિસેમ્બર 2020