== આ નવલકથાના ૪૬ ભાષામાં અનુવાદ થયા છે. કેટલા મૂળને અનુસરીને, કેટલા અંગ્રેજી અનુવાદને અનુસરીને, તે જાણવું કઠિન છે. પણ હું જેના અંગ્રેજી અનુવાદને અનુસરું છું એ છે ગ્રેગરી રબાસા.
Gregory Rabassa
માર્ક્વેઝે જણાવ્યું છે કે રબાસાના અનુવાદને પોતે ખૂબ ચાહે છે. એમણે એટલે સુધી કહ્યું છે કે પોતાના અધિકારથી ઊભેલી હું એને એક સ્વતન્ત્ર કલાકૃતિ ગણું છું. ==
The First edition
પ્રકરણ : ૧૪
મેમેનાં છેલ્લાં વૅકેશનો અને કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાનો મૃત્યુશોક, બન્નેના દિવસો સાથે સાથે થઈ ગયા. ઘરનાં બારણાં બંધ રાખવામાં આવેલાં. એટલે, પાર્ટીઓ પણ બંધ હતી. બધાં મોટેથી ન્હૉતાં બોલતાં, ફુસફુસ કરે; વગર અવાજે જમતાં; દિવસમાં ત્રણ વાર જપમાળા કરતાં – પ્રાર્થના – રોઝરી. શોક પાળવા વિશે ફર્નાન્ડાએ ઘરમાં ઘણી સખ્તાઈ વાપરેલી.
મેમે, ઔરેલિયાનો સેગુન્દો અને ફર્નાન્ડા કાર્પિયોની પહેલી દીકરી. એ મોટી થવા લાગેલી, બાપના જેવી જ મજાકિયા સ્વભાવની હતી. મા-એ ક્લેવિકોર્ડ શીખવાનું દબાણ કરેલું પણ દેખાવ એવો કરતી જાણે ક્લેવિકોર્ડમાં પોતાને બહુ જ રસ પડી રહ્યો છે. મેમે બાપ સાથે હળી જાય છે. કેમ કે એ બન્નેને ફર્નાન્ડા બાબતે સરખો સ્વાર્થ હતો, બન્નેને ફર્નાન્ડા ગમતી ન્હૉતી. મેમે કેટલીક અમેરિકન છોકરીઓ જોડે બેનપણાં કરી લે છે, એમની જોડેના સમ્બન્ધને વધારતી રહે છે, એટલે, એને થોડુંક અંગ્રેજી પણ આવડી જાય છે. ગરમીના દિવસોમાં વામકુક્ષી ટાણે ય એના ક્લેવિકોર્ડની પ્રૅક્ટિસ ચાલતી, જો કે એમાંથી ય શોકના સૂર પડઘાતા હતા !
ઔરેલિયાનો સેગુન્દો એના રિવાજ પ્રમાણે ઘરે સૂવા આવતો પણ દીકરીને વૅકેશન હોય ત્યારે. કાયદેસરની પત્ની તરીકે ફર્નાન્ડાએ પોતાના કેટલાક અધિકાર જતાવ્યા હોય, એટલે પણ એને આવવું પડતું’તું. પરિણામે, પછીના વર્ષે મેમે માટે નાની બેનનો જન્મ થયો. મા-ની ઇચ્છા વિરુદ્ધ એને બાપ્તિસ્મા અપાયો અને નામ રાખવામાં આવ્યું, અમરન્તા-ઉર્સુલા. અમરન્તા-ઉર્સુલા એમનું ત્રીજું સન્તાન.
બ્વેન્દ્યાઓની બીજી પેઢીની છેલ્લી જીવિત વ્યક્તિ મોટી અમરન્તા પોતાના વર્તમાનની તુલનામાં એકાકી અને પસ્તાવાભર્યા અતીતમાં વધારે જીવતી’તી. એને એના મૃત્યુનો પૂર્વાભાસ થાય છે અને પોતાના અન્તિમ સંસ્કાર માટે કફન શીવવાનું શરૂ કરે છે. કફન પૂરું કર્યા પછી એણે આખા કસબાને જણાવ્યું કે પોતે સાયંકાળે મૃત્યુ પામવાની છે; એમ પણ દર્શાવ્યું કે પોતે લોકો પાસેથી જીવિતો મૃતકોને લખે છે એવા પત્રો પણ ઇચ્છે છે.
અમરન્તા ઘરડી થઈ ગયેલી, બધાંથી જુદી હતી, અલગ જીવતી’તી, તેમ છતાં હજી સુદૃઢ અને ટટાર દીસતી’તી, નરવું સ્વાસ્થ્ય એણે પહેલેથી સાચવી રાખેલું. કોઈ જાણી શકેલું નહીં કે શા કારણે એણે કર્નલ જેરિનાલ્ડો માર્ક્વેઝને પાણીચું પકડાવેલું, અને છાના રુદનને માટે જાતને કેદ કરી દીધેલી. રેમેડિયોઝ ધ બ્યુટિના સ્વર્ગારોહણ વખતે કે ઔરેલિયાનોઓની બરબાદી વખતે કે કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાના અન્તકાળે, કોઈએ એને રડતી નહીં જોયેલી.
આ દુનિયામાં એ સૌથી વધુ ચાહતી’તી કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને. જો કે એ ચાહના એણે કર્નલને ચેસ્ટનટ વૃક્ષ નીચે એ લોકો લાવ્યા એ પહેલાં કદી વ્યક્ત નહીં કરેલી. કર્નલના દેહને ઊંચકવામાં મદદ કરેલી, સૈનિકનો ગણવેશ પહેરાવેલો, દાઢી કરી આપેલી, વાળ ઓળી આપેલા, અને કર્નલ કીર્તિના ઉજમાળા દિવસોમાં મીણ વડે મૂછોને તાવ દેતા, અમરન્તાએ એ પણ કરી આપેલું. બધાંને એમાં કશો પ્રેમ ન્હૉતો વરતાયો. કેમ કે મૃત્યુ પાછળની વિધિ બાબતે અમરન્તા પાવરધી હતી એ વાતે જ સૌ ટેવાયેલા હતા. જીવન સાથેના કૅથલિક ધર્મસમ્બન્ધને અમરન્તા સમજતી નથી એ મુદ્દે ફર્નાન્ડા નારાજ થઈ ગયેલી. એને એમ લાગ્યું હતું કે અમરન્તા માત્ર મૃત્યુ સાથેના સમ્બન્ધને જ સમજે છે; એમ સમજે છે કે કૅથલિક જાણે કે ધર્મ ન હોય, પણ અન્ત્યેષ્ઠિ વિધિવિધાનોનો સંચય હોય !
અમરન્તા જીવનભરની યાદોનાં થીગડાંથી એવી તો લપેટાઈ ગયેલી કે ધરમની એ બધી ઝીણી વાતો સમજવાનું એના માટે શક્ય જ ન્હૉતું રહ્યું. પોતાના અતીતને અકબંધ રાખતી રાખતી એ ઘરડી થઈ ગયેલી.
મેમેનું ભણતર પૂરું થયું, એને ક્લેવિકોર્ડિસ્ટના ડિપ્લોમાનું સર્ટિફિકેટ અપાયું. ઘરમાં શોકની પણ સમાપ્તિ થઈ. મહેમાનોને મેમેની કલા ગમતી અને એના દ્વિમુખી સ્વભાવની પ્રશંસા કરતા. એનો હસીમજાકિયો સ્વભાવ અને થોડી નાદાની જોતાં એમ જ થાય કે કશી ઠાવકી પ્રવૃત્તિ કરશે કે કેમ. પણ જેવી એ ક્લેવિકોર્ડ વગાડવા બેસે, એક જુદી જ છોકરી લાગે, એણે અણધારી પરિપક્વતા દાખવી હોય, વયસ્ક લાગે. પછીથી તો હમેશાં એ એમ જ રહી.
આ મેમે બનાના પ્લાન્ટેશનમાં મિકેનિક તરીકે કામ કરતા મૌરિસિયો બેબિલોનિયાના પ્રેમમાં પડે છે. મૌરિસિયો પણ કશી છોછ રાખ્યા વિના એને અતિશય પ્રેમ કરતો હોય છે. એની નિખાલસતા અને ગમ્ભીરતાથી મેમે પ્રભાવિત થઈ ગયેલી. મૌરિસિયાની પાછળ હમેશાં પીળાં પતંગિયાં ઊડતાં.
એક વાર ફર્નાન્ડા બન્નેને મૂવી થીએટરમાં ચુમ્બન કરતાં જોઈ ગઈ; એટલે પછી પ્રેમમાં પાગલ મેમેને એણે ઘરમાં જ રહેવાની સજા ફરમાવી. પણ મૌરિસિયો મેમે સાથે સમ્ભોગાર્થે રોજ રાતે ઘરમાં ઘૂસે છે એવી જ્યારે ફર્નાન્ડાને ખબર પડી, બૅકયાર્ડમાં એણે એક ગાર્ડ નિમ્યો. ફરી એક વાર મૌરિસિયો જેવો આવ્યો કે તરત ગાર્ડે ગોળી મારીને એની કરોડરજ્જુને વેરવિખેર કરી નાખી; હમ્મેશને માટે પંગુ બનાવી દીધો.
મેમે નૃત્ય સ્વીમિન્ગ અને ટૅનિસ તો શીખી ગઈ પણ હવે એને અંગ્રેજી ભાષા ખૂબ ગમવા માંડી. ઔરેલિયાનો સેગુન્દો દીકરીની પ્રગતિ માટે બહુ ઉત્સાહી હતો. એક ટ્રાવેલિન્ગ સેલ્સમૅન પાસેથી ઇન્ગ્લિશ ઍન્સાયક્લોપીડિયાના છ ગ્રન્થ લઈ આવેલો. મેમે નવરાશે નવરાશે વાંચતી.
પ્રેમલા-પ્રેમલીઓની ગપ્પાંબાજીમાં અને બેનપણીઓ સાથેના પ્રયોગોમાં કરેલી પીછેહઠમાં મેમેએ જે ધ્યાન ખરચેલું એને આ વાચને કબ્જે કરી લીધું. શિસ્તમાં રહેવા માટેની એ કોઈ જબરજસ્તી ન્હૉતી, પણ જાહેર ક્ષેત્રે જે જાતની ખાનગી વાતો ચાલતી’તી તેમાંથી એનો રસ ઊડી ગયેલો. મદીરાપાનના એ પ્રસંગને એણે યાદ કરી જોયો. એને થયું, કેવું બાલિશ સાહસ હતું એ. પ્રસંગ મેમેને એટલો બધો ફનિ લાગ્યો કે એ બધું એણે પિતા ઔરેલિયાનો સેગુન્દોને વર્ણવી બતાવ્યું. સેગુન્દોએ કહ્યું એને, ‘તારી મા-એ જાણ્યું હોત તો?’ કરીને એ ખડખડાટ હસ્યો. મેમે એને ખાનગીમાં વિશ્વાસથી આવું કંઈક કહે, ત્યારે એ આમ જ કરતો.
એણે મેમે પાસેથી વચન મેળવેલું કે મેમે એને પોતાના પહેલા પ્યારની વાત એવા જ વિશ્વાસથી કરશે. અને, મેમેએ કહેલું કે એને રેડ-હેડેડ અમરિકન છોકરો ગમી ગયો છે. ઔરેલિયાનો સેગુન્દોએ હસીને પૂછેલું, ‘તારી મા જાણે તો શું થાય જાણે છે?’ પણ મેમેએ જણાવેલું કે છોકરો હવે મારા માટે દૃશ્ય નથી કેમ કે એ એને દેશ પાછો ચાલી ગયો છે.
મેમેની પરિપક્વ વિવેકશીલતાએ પરિવારને શાન્તિનો અનુભવ કરાવેલો. પછી, ઔરેલિયાનો સેગુન્દો વધારે સમય પેત્રા કોટ્સને આપવા લાગ્યો. વીતેલા દિવસોમાં કરેલા ભ્રષ્ટાચાર માટે એના શરીર અને આત્માએ એને અનુમતિ નહીં આપેલી, છતાં એ બધાંને સરખું કરવા માટેની એક પણ તક એ ચૂક્યો નહીં.
અમરન્તાને લાગ્યું હતું કે મૃત્યુ એને એનો માર્ગ બતાવી રહ્યું છે. ચૉથી ફેબ્રુઆરીની રાતે વંટોળ ફુંકાય છે અને પાવર પ્લાન્ટ ખોરવાઈ જાય છે. પણ બીજે દિવસે સવારના આઠ વાગ્યે અમરન્તા, કોઈ સ્ત્રીએ કદી ન સરજી હોય એવી કલાકૃતિ સમા કફન પર છેલ્લો ટાંકો ભરે છે. કશા નાટકવેડા કર્યા વિના અમરન્તાએ જણાવ્યું કે પોતે સાયંકાળે મૃત્યુને વરશે. માકોન્ડોમાં બધે સમાચાર પ્રસર્યા અને બપોરના ત્રણ સુધીમાં તો પાર્લરમાં પત્રો ભરેલું એક આખું કાર્ટૂન આવી ગયું.
અમરન્તાએ અસ્વસ્થતા કે વેદનાનો અણસાર પણ આવવા દીધો નહીં. એ સ્વસ્થ હતી અને કર્તવ્યપૂર્તિને કારણે થોડી જુવાન પણ દેખાતી’તી. એ પહેલાં જેવી જ સરળ અને એવી દુબળી-પાતળી હતી. એનાં જડબાં કઠોર હતાં, કેટલાક દાંત ગાયબ હતા, નહિતર, એ હતી તેથી પણ વધારે જુવાન લાગત. પત્રોને એક બૉક્સમાં મૂકી સીલબંધ કરવા માટે એણે જાતે ઘરનાંને મદદ કરી; અને કહ્યું કે -બૉક્સને મારી કબરમાં એવી રીતે ગોઠવજો કે ભેજથી એ બગડી ન જાય.
એ પછી એ હતી ત્યાં જ હતી.
અમરન્તા કુંવારી જ મરી.
અમરન્તાના મૃત્યુ પછી ઉર્સુલા પોતાના બેડમાં સૂવા લાગી અને વરસો લગી જાણે જાગી જ નહીં. નાની અમરન્તા ઉર્સુલા એને મળી જતી. એની જોડે ઉર્સુલાને બહુ ગોઠી જાય છે અને એમની વચ્ચે સરસ વ્હાલપભર્યો સમ્બન્ધ રચાય છે.
હવે, સાન્તા સોફિયા દ લા પિયેદાદ ઉર્સુલાની સંભાળ લેવા માંડી. ઉર્સુલાના બેડરૂમમાં જમવાનું લઈ જાય, સ્નાન માટે અન્નાટો ફળનું પાણી લઈ જાય, માકોન્ડોમાં જે કંઈ બને એ બધાથી એને વાકેફ રાખે.
ઉર્સુલાને ઔરેલિયાનો સેગન્દો અવારનવાર મળવા જતો, એના માટે કપડાં વગેરે લાવતો, ઉર્સુલા એ બધું પથારી પાસે મૂકી રાખે. એમ કરતાં કરતાં બહુ ઓછા સમયમાં એણે બધું હાથવગું રહે એવી પોતાની એક આગવી દુનિયા વસાવી લીધી. એણે નાની અમરન્તા ઉર્સુલામાં પ્રેમતત્ત્વનાં બી રોપેલાં, એ પણ એના જેવી જ હતી, ઉર્સુલાએ એને પુસ્તકો વાંચતી પણ કરેલી.
ઉર્સુલાના સ્વભાવની સરળતા, પોતા પાસે હોય એથી પ્રસન્ન રહેવાની એની વૃત્તિ વગેરેથી કોઈને લાગે કે સો વર્ષના વજનથી એ કુદરતી રીતે જ જિતાઈ ગઈ છે, તેમ છતાં, સમજાય એવું છે કે એને દેખાતું ન્હૉતું તો પણ કોઈને લાગે નહીં કે એ સાવ જ અન્ધ છે.
મેમેનો પ્રેમી મૌરિસિયો બેબિલોનિયા એકાન્તે ઘરડો થઈને મૃત્યુ પામે છે – ન કશો વિલાપ – ન વિરોધ – વિશ્વાસઘાતની ન કશી યાદ. પીળાં પતંગિયાંએ એને બહુ સતાવેલો. પતંગિયાંથી એને પળભરની ય શાન્તિ નહીં મળેલી.
= = =
(Dec 30, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર