એ સાહિત્યપુરુષ, સર્જક-કલાકાર, પોતાનાં લેખન-સર્જન પ્રકાશિત કરે છે ત્યારે પોતાના સ્વીકારનું કામ ભલે સહૃદયસમાજ પર કે સમીક્ષકમંડળી પર છોડતો હોય, એને એ કક્ષાની રીડરશિપની પરવા તો હોય જ છે.
મારી દૃષ્ટિએ, સર્જકે સર્જન દરમ્યાન એક સહૃદય વાચકને તો લેખામાં લીધો જ હોય છે, અને, એ એક તે એ પોતે ! એ વાચકને સર્જક ‘બરાબર છે? બરાબર છે?’ એમ મનોમન પૂછતો રહે છે, ‘ના’ આવે, તો સુધારા કરતો રહે છે. સર્જનપ્રક્રિયામાં અનુસ્યૂત આ વાચકને અવર રૂપે ‘ટાર્ગેટ’ કે ‘ઇમ્પ્લાઇડ’ રીડર કહી શકીએ.
પણ વાત નાનો વળાંક લે છે : સર્જકની કૃતિ શબ્દોની બની હોય છે, એ એક ભાષિક હસ્તી હોય છે – લિન્ગ્વિસ્ટિક ઍન્ટિટી. તેથી, ટાર્ગેટ કે ઇમ્પ્લાઇડ રીડર, જે હોય એ, કૃતિને ત્યારે જ પામી શકે જ્યારે કૃતિ જે ભાષામાં લખાઈ હોય તેને એ જાણતો હોય. દાખલા તરીકે, આ લખાણને ગુજરાતી ભાષક જ ઉકેલી શકશે. આમ, રીડર ઉત્તમ કે ઉત્તમોત્તમ કોટિનો હોય તો પણ એની પાસે તે ભાષાનું જ્ઞાન હોય એ એક અનિવાર્ય શરત બની રહે છે.
ભાષાજ્ઞાન પછીની બીજી અનિવાર્ય શરત એ છે કે સર્જકે સરજ્યું હોય તેને એ પામી શકવો જોઈએ. એટલે કે, શબ્દોના અર્થ તો એ સમજતો જ હોય પણ આ અર્થ આમ કેમ છે અને આ આમ કેમ નથી જેવી મૂંઝવણને અન્તે કોઈ એક અર્થ પર તેનું મન ઠરવું જોઈએ – જેથી કહી શકીએ કે એ એને પામ્યો છે. પામવાની આ વાતને સામાન્યપણે અર્થઘટન કહે છે.
વાત હવે મુશ્કેલ બને છે : પ્રશ્નો ઊભા થાય છે : વાચકે કર્યું તે અર્થઘટન સાચું હશે? એટલે કે, સર્જકને અભિમત હોય તે જ એ હશે? સહૃદયસમાજે કે સમીક્ષકમંડળીએ કર્યું તે સાચું હશે? સર્જકને અભિમત હોય એને જ સાચું શું કામ લેખવું જોઈએ? આ પ્રશ્નોના સર્વસ્વીકાર્ય અને છેલ્લા ઉત્તરો કદી મળ્યા નથી, મળશે પણ નહીં.
મુખ્ય કારણ એ છે કે સાહિત્યનું ઉપાદાન ભાષા છે, સાહિત્ય શબ્દોની સૃષ્ટિ છે. અને ભાષા સર્જકે વાપરી તે સૌ કોઈ વાપરે છે ને તેથી અનેક સ્વરૂપનાં ભાષાસામર્થ્ય જોવા મળે, અનેક સ્વરૂપના ભાષાપ્રયોગ જોવા મળે. હું જેને સાચું કહું તેને કોઈ પણ ગુજરાતી ભાષક ખોટું ઠેરવી શકે. તદનુસાર, રોજિંદા વ્યવહારમાં પણ અનેક અર્થઘટનો જોવા મળે. અને, સાહિત્યમાં તો અનેકશ: અનેક મળે જ મળે.
એટલે એક રોમૅન્ટિક કહેતી સ્થિર થયેલી સાંભળવા મળશે : સાહિત્યકૃતિનો એક અર્થ ન હોય, તેના અનેક અર્થ હોય. લોકો એટલે લગી કહેતા સાંભળવા મળશે : જેના અનેક અર્થ કરાતા હોય તે કૃતિને ઉત્તમ કહેવાય.
મને લાગે છે, આ કારણ વગરની મોટાઈનો દેખાડો છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રી તો આટલું જ કહે છે : મુખ્યાર્થનો બાધ થાય છે, તો લક્ષ્યાર્થ કરો; લક્ષણાનું પ્રયોજન વિચારીને વ્યંગાર્થને પામો. દાખલા તરીકે : ગંગાયામ્ ઘોષ: – ગંગામાં ઝૂંપડું. પણ નદી’માં’ ઝૂંપડું ન હોઇ શકે, તેથી, સમજીએ છીએ કે, ગંગા’કિનારે’ ઝૂંપડું છે. વિશેષે એમ પણ સમજીએ છીએ કે ગંગા નદીની શીતળતા અને પવિત્રતા જેમાં છે એવું છે એ ઝૂંપડું.
આ ઉપરાન્તના અર્થ કરીએ તો સામાન્યપણે કૃતિની ટૅક્સ્ટ તો ‘ના’ જ પાડશે. તેમ છતાં, સાહિત્યના વૈશેષિક વિદ્વાનો કહેતા-લખતા હોય છે : આ ઉક્તિ એમ દર્શાવે છે કે ભારતમાં પ્રાચીનકાળે ઋષિમુનિઓ નદીકિનારે તપ કરતા હતા ને આ સ્વરૂપનાં ઝૂંપડાંમાં નિવસતા હતા; કેવા સાદા ને સરળ હતા, જ્યારે આજે તો કોને ઋષિ ગણવો ને એ તપ કરે છે કે શું કરે છે ને ક્યાં કરે છે, ભગવાન જાણે. વગેરે.
Pic courtesy : African grey parrots
કૃતિભાષા જાણતો ન હોય, એટલે કૃતિને તો પામ્યો જ ન હોય, છતાં આવી વિદ્વત્તા છાંટે. બને છે એવું કે એવાં છાંટણાંથી છંટાયેલાં બાબા-બેબી સાઇઝના વિદ્વાનો તોતારટણ કરવા માંડે છે. દાખલા તરીકે, સુજ્ઞ સહૃદયે સ્વના રસાનુભવે કહ્યું હોય કે – આ વ્યક્તિનિષ્ઠ પ્રેમનું સમષ્ટિનિષ્ઠ પ્રેમમાં થયેલા રૂપાન્તરનું નાટક છે, તો એ જ વિધાનને એઓ વહેતું કરી દે છે.
આજની પરિભાષામાં કહીએ તો એ જ વિધાન વાયરલ થઈ જાય છે. બૅન્ડવેગન ટાઇપની ઍક્ટવિટી શરૂ થઈ જાય છે. સાહિત્યિક વાતાવરણમાં એ જ ફુગ્ગા ને એ જ ટુક્કલો ઊડ્યા કરે છે. મોટી કરુણતા પણ સરજાય છે : બીજા એવા જ અધ્ધરિયા નીકળી આવે છે ને બોલવા માંડે છે – ના ના, પ્રેમનું રૂપાન્તર શક્ય જ નથી, તમારી વાત ખોટી છે, પ્રેમ પ્રેમ હોય છે…
આ false extrapolation છે – મિથ્યા બહિર્વેશણ. કૃતિના રસાનુભવની ગેરહાજરીમાં વિસ્તરતી વ્યર્થ વિદ્વત્તા. એને ઓળખતાં આવડવું જોઈશે, અને પછી, પોતાથી એમાં ન જોડાઈ જવાય તેની કાળજી રાખતાં પણ આવડવું જોઈશે.
= = =
(December 8,2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર