![](https://opinionmagazine.co.uk/wp-content/uploads/2022/07/Ravindra.Parekh-300x234.jpg)
રવીન્દ્ર પારેખ
લોકસભાની ચૂંટણી નજીકમાં છે, પણ મતદારો નજીકમાં જણાતા નથી. મતદારો મત આપે એ માટે જાગૃતિના પ્રયત્નો આ વખતે સૌથી વધુ છે, તો પણ મતદારોનો ઉત્સાહ જોઈએ એવો નથી. રાજકીય પક્ષો પોતપોતાની તાનમાં મસ્ત છે, છતાં અંદરખાને અસંતોષનું આંધણ પણ મુકાયેલું છે. આમ તો ભા.જ.પ.ની જીત લગભગ નક્કી છે ને એ કેવળ વડા પ્રધાનના તનતોડ પ્રયત્નોનું જ પરિણામ હશે. લોકો ઉમેદવારને મત આપે એવું ઓછું છે, પણ મત વડા પ્રધાન મોદીને જોઈને અપાય એવું વધારે છે. તે એટલે પણ કે ભા.જ.પ.ના જ ઉમેદવારો લોકોને માફક આવતા નથી. વર્ષોથી, વફાદારીથી ભા.જ.પ.માં સેવા કરી હોય ને કાઁગ્રેસમાંથી આવેલા લોકોને ટિકિટ આપી દેવાય તો વફાદારોને ચચરે તેમાં નવાઈ નથી. વફાદારોને અન્યાય થાય તે પક્ષને દેખાય કે ન દેખાય, પણ મતદારોને તો બંધ આંખે પણ એ દેખાય છે. એને સમજાય છે કે વિપક્ષમાંથી ભા.જ.પ.માં આવેલો કાર્યકર માત્ર લાભ ખાટવા જ આવ્યો છે. ત્યાં દાળ ગળી નથી એટલે અહીં જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવવા આવ્યો છે ને સવાલ એ છે કે જે પોતાના પક્ષને વફાદાર નથી તે ભા.જ.પ.ને કેટલો વફાદાર રહેશે? મતદારો મૂરખ નથી. દાયકાઓથી સત્તા ભોગવતી કાઁગ્રેસને જો આ મતદારો ખસેડી શકતા હોય તો તેને માટે કોઈ પણ સત્તાપલટો નવાઈની વાત નથી તે દરેક પક્ષે સમજી લેવા જેવું છે.
સાચું તો એ છે કે દરેક પક્ષ સત્તા મેળવવા રઘવાયો થયો છે ને સામસામે આક્ષેપો કરીને, સામેવાળાને નીચો બતાવીને પોતાની ઊંચાઈ સિદ્ધ કરવા મથે છે, પણ મતદાતાને એની નીચાઈ દેખાયા વગર રહેતી નથી. વડા પ્રધાને કહ્યું કે વિપક્ષોને એમ છે કે મોદી આવશે તો બંધારણ પર જોખમ છે, પણ હવે તો ખુદ બાબાસાહેબ પણ ઉપરથી આવે તો બંધારણ ખતમ કરી શકે એમ નથી. એ ખરું કે બાબાસાહેબ તો કૈં ન કરે પણ, વિપક્ષોને ડર મોદીનો છે, એટલે જ તો રાહુલ ગાંધી કહે છે કે ભા.જ.પ. બંધારણને નષ્ટ કરી રહ્યું છે, ને અમે તેને બચાવવા માંગીએ છીએ. આવા સામસામા આક્ષેપોમાં પક્ષો રચ્યાપચ્યા રહે છે, પણ આવામાં મતદાતાની યાદ ભાગ્યે જ કોઈને આવે છે. નેતાઓને તો ટોળાં મળી રહે એટલું જ જોઈતું હોય છે. પ્રચાર લોકોમાં થાય છે એની ના નહીં, પણ લોકોનો મહિમા ઓછો જ થાય છે. પક્ષોને એવો ભરોસો હોય છે કે મતદાતાને તો ભોળવી લેવાશે, પણ એવાં ભોળપણમાં રહેવા જેવું નથી.
વિપક્ષો ગમે એટલા ફાંફાં મારે, પણ તેમની વચ્ચેના મતભેદો, મત ભેદી શકે એમ નથી. તેમને પોતાના પક્ષની જીત સિવાય બીજો કોઈ રસ નથી. તેઓ એ ભૂલી જાય છે કે તેમણે ભા.જ.પ.ને ટક્કર આપવાની છે, તેને બદલે તેઓ એકબીજાને ટક્કર આપવામાંથી ઊંચા નથી આવતા. આ સ્થિતિ હોય ત્યાં ભા.જ.પ.ને લાભ ન મળે તો જ નવાઈ ! આમ તો બધી જ રીતે ભા.જ.પ. મોખરે છે, પણ છેલ્લે છેલ્લે પુરુષોત્તમ રૂપાલા પ્રકરણે ગુજરાતની સ્થિતિ ડામાડોળ કરી છે. રૂપાલાની રાજપૂતો વિષેની ટિપ્પણીએ અણધાર્યો વળાંક એવો લીધો છે કે રૂપાલા હશે તો ભા.જ.પ.ને મત નહીં મળે. રાજકોટનો વિરોધ ભા.જ.પ. સામે નથી, રૂપાલા સામે છે, પણ રૂપાલા ભા.જ.પ.ના ઉમેદવાર હોય તો એ વિરોધ ભા.જ.પ. સામેનો પણ આપોઆપ જ ગણાય. રૂપાલાએ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે એકથી વધુ વખત માફી માંગી છે, પણ રાજપૂતો ને રજપૂતાણીઓ હઠ પર છે કે ઉમેદવાર બદલાય તો જ ભા.જ.પ.ને મત, અન્યથા નહીં ! વળી રાજપૂતોનો વિરોધ રાજકોટ પૂરતો સીમિત નથી. વધારામાં રાજપૂતોમાં પણ બે ભાગ પડ્યા છે. અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે જાહેર કર્યું છે કે સમાજ ભા.જ.પ.ના સમર્થનમાં છે અને રૂપાલાને માફી આપી છે. રૂપાલાનાં સમર્થનમાં પાટીદારો છે એ ખરું, પણ જેમણે રૂપાલાનું સમર્થન કર્યું તે રાજપૂતો તો ભા.જ.પ.ના જ સમર્થકો છે ને તેમની સાથે સમાજ નથી એવો મત પણ પડ્યો છે. ટૂંકમાં, રૂપાલાએ રાજપૂતોનાં સમર્થન વગર જ ચૂંટણી લડવી પડે એ સ્થિતિ છે ને એ રીતે લડવું જરા ય સહેલું નથી. એની અસર ભા.જ.પ.ને થયા વગર નહીં રહે. આ ઉપરાંત પણ ભા.જ.પ.ના કેટલાક ઉમેદવારો સામે પ્રજાને વાંધો છે. વાત તો એવી પણ છે કે ભા.જ.પ.ના અસંતુષ્ટો જ પ્રજાનો વિરોધ વધે એની ફિરાકમાં છે. આ બધા પછી પણ વિપક્ષોનો પનો ટૂંકો પડે એમ બને. ભા.જ.પ.ની સીટો કદાચ ઘટે, પણ સત્તા પલટો થાય એ તો કોઈ ચમત્કાર વગર શક્ય નથી લાગતું.
2024ની લોકસભાની ચૂંટણીમાં દક્ષિણને બાદ કરતાં જીત લગભગ નિશ્ચિત છે. દક્ષિણમાં પણ વડા પ્રધાનના ઘણા પ્રયત્નો ભા.જ.પ.ની સ્થિતિ મજબૂત કરે એમ બને. ટૂંકમાં, થોડી સીટોની વધઘટ થાય કદાચ, પણ સરકાર ભા.જ.પ.ની બને એવી પૂરી શક્યતા છે. આ સ્થિતિ હોય ત્યારે ભા.જ.પ. ડરી ગયો હોય તેમ વર્તે એનું આશ્ચર્ય છે. ધારો કે, કાઁગ્રેસ જોર પર હોય તો પણ, તે સરકાર બનાવે એ અશક્યવત છે. આમ હોય ત્યારે રાહુલને કે કાઁગ્રેસને ભાંડવાનો કોઈ મતલબ નથી. ખરેખર તો લોકશાહી ખતરામાં છે અને ભા.જ.પ. આવશે તો બંધારણ બદલીને ઇલેક્શન જ નહીં થવા દે એવો ભય લોકોમાં છે, તેને નિર્મૂળ કરવાની જરૂર છે. ભા.જ.પ. બદલાની રાજનીતિ કરી રહ્યું છે, એવો વિપક્ષોનો આરોપ છે. તેમાં તથ્ય નથી એવું નથી. વિપક્ષમાં ભ્રષ્ટ નેતા હોય ને તેને ઇ.ડી. કે અન્ય એજન્સીઓ દ્વારા પડકારવામાં આવે કે જેલમાં ધકેલવામાં આવે તે બધી રીતે યોગ્ય હોય તો પણ, આ બધા ખેલ ચૂંટણી વખતે જ કેમ થાય છે એ સવાલ તો છે જ ! સવાલ તો એ પણ છે કે ભા.જ.પ.માં પણ ભ્રષ્ટ નેતાઓ, મંત્રીઓ છે જ, ઘણા પર તો કેસ પણ થયા છે, છતાં ત્યાં તપાસ, દરોડા કે જપ્તી નથી. ટિકિટ મળી છે એવા કેટલા ય દાગી નેતાઓ ભા.જ.પ.માં છે, તો એમના પર ઇ.ડી., સી.બી.આઇ., આઇ.ટી. જેવી એજન્સીઓનો હાથ કેમ નથી પડતો?
એ હકીકત છે કે અમેરિકી પ્રમુખની ચૂંટણી કરતાં ભારતની આમ ચૂંટણીઓ વધુ ખર્ચાળ થઈ ગઈ છે. ચૂંટણી પ્રચારમાં થનારો ખર્ચ વિધાનસભા હોય તો 20 કરોડ અને લોકસભાની ચૂંટણી હોય તો 50 કરોડ પર પહોંચ્યો છે ને ચૂંટણી પંચે આ ખર્ચ અનુક્રમે 40 લાખ અને 95 લાખ નક્કી કર્યો છે, જે દરિયામાં ખસખસ જેવો છે ને કમાલ તો એ છે કે ચૂંટણી પંચ એ જાણે પણ છે, પણ આ મર્યાદા જે તે પક્ષની સલાહ સૂચનાથી નક્કી થાય છે. એ પણ હકીકત છે કે મોટે ભાગના ખર્ચ રોકડથી થાય છે ને એમાં કાળું નાણું જ ખર્ચાતું હોય છે, જેનો હિસાબ ચૂંટણીપંચ માંગતું રહે છે ને પક્ષો તે ટાળતા રહે છે. ચૂંટણી બોન્ડથી તો 16.5 કરોડ જ પક્ષોને મળ્યા છે ને ચૂંટણીનો ખર્ચ એક લાખ કરોડને આંબતો હોય તો, સમજાય એવું છે કે બાકીનો ખર્ચ ક્યાંથી થાય છે. આમાંની કેટલીક રકમ મતની આશાએ મતદાતાઓને રાજી રાખવા રોકડ કે ભેટ રૂપે ખર્ચાતી હોય છે. આ મામૂલી રકમ કે ભેટ મતદાતાઓને કેટલી મોંઘી પડે છે તે તો ચૂંટણી પછી આવતી મોંઘવારી વખતે જ ખબર પડે છે. આ બધું મતદાતા જુએ છે, જાણે છે ને સમજે પણ છે. તે એ પણ સમજે છે કે ચૂંટણી પછી કોઈ પણ સરકાર આવે, મતદાતાએ ભાવ વધારા માટે તૈયાર રહેવાનું છે. તેના મત જ તેને એવો દાટો મારવાના છે કે તે ચીસ પણ નહીં પાડી શકે.
સો વાતની એક વાત કે આ બધું કર્યા વગર પણ ભા.જ.પ.નો હાથ ઉપર રહે તેમ છે, તો તેણે ભયભીત થવાની જરૂર શી છે? તેને બદલે તે બેકારી, મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય જેવા મુદ્દે કેવી રીતે લોકોને આશ્વસ્ત કરી શકે એમ છે, તેની વાત કરે તે જરૂરી છે. મોટે ભાગના લોકો શાંતિથી જીવવા ઈચ્છે છે. કોઈ પણ ધાર્મિક કે કોમી હિંસાથી પ્રજા દૂર રહેવા ઈચ્છે છે. એને કોઈ રાજનીતિ ને તેનાં પરિણામોમાં એટલો રસ નથી, જેટલો બે ટંકનું ખાવાનું મળે ને ભડકા વગર સૂવાનું મળે એમાં છે. આ દેશમાં નેવું કરોડ લોકો એવા છે જેને સરકાર મફતમાં અનાજ આપે છે. તેમને કયો પક્ષ દલીલોમાં કોને મહાત કરે છે એમાં રસ નથી. મધ્યમ વર્ગ મફતનું મેળવતો નથી, એ રીતે તે ગરીબો કરતાં વધુ ગરીબ છે. તે સમજે છે બધું, પણ કૈં કરી શકતો નથી. તે મોંઘવારીરૂપે, ટેક્સ રૂપે ઘણા પૈસા સરકારને ભરે છે. રહ્યા અમીરો, એમને પૈસે પક્ષો સામસામે પટાબાજી ખેલતા રહે છે ને પોતાનું સામર્થ્ય સિદ્ધ કરતાં રહે છે. એમાં મતદાતાનું તો કૈં વળતું નથી. તે સાક્ષી ભાવે બધું જોઈ રહે છે, તો કેટલાક ભક્તિ ભાવે પણ જોઈ રહે છે. આ જોઈ રહેવું જ્યારે બદલાય છે, ત્યારે પરિણામો પણ બદલાય છે.
જોઈએ, મતદાતા ક્યાં સુધી જોઈ રહે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 એપ્રિલ 2024