વિધાનસભાનાં ચોમાસું સત્રના છેલ્લા દિવસે પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023ને મંજૂરી મળી ગઈ છે અને આ વિધેયકથી આવનારાં 100 વર્ષની શિક્ષણ વ્યવસ્થાનો પાયો નંખાયાનું સરકારનું માનવું છે. સરકારને લાગે છે કે રાજ્યની પબ્લિક યુનિવર્સિટીઓને વહીવટ અને સંચાલનમાં આપેલ ઓટોનોમીથી ગુજરાત વિશ્વ ફલક પર એજ્યુકેશન હબ બનીને ઉભરશે. એજ્યુકેશન હબ તો બનતાં બનશે, પણ અત્યારે જે સ્થિતિ છે, તે જોતાં તે એજ્યુકેશન હબ તો નહીં, પણ એજ્યુકેશન ‘શબ’ બને એવી શક્યતાઓ વધુ છે.
પબ્લિક યુનિવર્સિટી એક્ટ, 2023 મુજબ કુલપતિઓની ટર્મ 5 વર્ષની થઈ છે ને તે પછી પણ બીજી યુનિવર્સિટીમાં વધુ એક ટર્મ મેળવી શકે એવી જોગવાઈ છે. આ એક્ટ દ્વારા 11 સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ, અભ્યાસ અને પરીક્ષા પદ્ધતિમાં એકસૂત્રતા આવશે. બિલમાં અધ્યાપક, આચાર્ય, પ્રોફેસર, અધ્યક્ષની નિમણૂકમાં 33 ટકા મહિલાઓની જોગવાઈ પણ કરવામાં આવી છે. યુનિવર્સિટીનાં સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને એકેડેમિક કાઉન્સિલની ભૂમિકા મહત્ત્વની રહેશે, જે કદાચ સેનેટ, સિન્ડિકેટને વિકલ્પે હોઈ શકે. આ વિધેયકના પ્રતિભાવો મિશ્ર છે. માઈગ્રેટ થતાં વિદ્યાર્થીઓને, તમામ યુનિવર્સિટીઓની પ્રણાલી સરખી થઈ જતાં, એકમાંથી બીજી યુનિવર્સિટીમાં જવાની સરળતા રહેશે. દક્ષિણ ગુજરાત શૈક્ષિક સંઘ બિલ સ્વીકારવાના મતનો છે, તો બિલને કારણે સેનેટ, સિન્ડિકેટ નીકળી જતાં વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોનું પ્રતિનિધિત્વ રહેશે નહીં એવી ચર્ચા પણ સંબંધિત વર્તુળોમાં છે. સરકારી યુનિવર્સિટીઓનું ભાવિ ઉજ્જવળ બનવાની આશા સરકારને હશે, પણ યુનિવર્સિટીઓની અત્યારની હાલત સરકારે જ વિધાનસભામાં વર્ણવી છે તે જુદું જ ચિત્ર ઊભું કરે છે.
સાધારણ રીતે સાધનસંપન્ન વિદ્યાર્થીઓ વધુ વિદ્યાભ્યાસ અર્થે વિદેશ ઊડી જાય છે, ત્યારે વિદેશી સગવડોનો લાભ લેવાનો આરોપ તેમના પર આવે છે, પણ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાથી ત્રાસીને તેઓ વિદેશ દોડે છે તે વાતને નજર અંદાજ કરવામાં આવે છે. અહીં પૂરતી ફી આપવા છતાં શિક્ષણનાં કોઈ ઠેકાણાં ન હોય કે શિક્ષણ લીધાં પછી નોકરીની કોઈ ખાતરી ન મળતી હોય ને તમામ સ્તરે વગનો જ મહિમા થતો હોય તો વિદ્યાર્થી અહીં શું કામ રહેશે? જે સાધનસંપન્ન છે તે તો વિદેશ જઈને ભવિષ્ય સુધારશે ને જે સાધનસંપન્ન નથી, તેનું તો આમે ય ભવિષ્ય જ શું છે? પબ્લિક યુનિવર્સિટી બિલ પસાર કરીને મંત્રીશ્રીઓ પ્રસન્ન છે, પણ શિક્ષણમંત્રીશ્રીએ જ ગુરુવારે વિધાનસભામાં આપેલી વિગતો ઉત્સાહવર્ધક નથી.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન-UGCનો આદેશ છે કે જે તે યુનિવર્સિટી અને કોલેજે નેશનલ એસસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ-NAACની માન્યતા મેળવી લેવી. NAAC ચોક્કસ માપદંડોને આધારે યુનિવર્સિટી તથા કોલેજોની શૈક્ષણિક ગુણવત્તાનું અને વહીવટી બાજુનું મૂલ્યાંકન કરે છે ને જે તે સંસ્થાઓને માન્યતા આપે છે. ગુજરાતની કુલ 108 યુનિવર્સિટીઓ છે, તેમાંથી 88 યુનિવર્સિટીઓ પાસે NAACની માન્યતા નથી. કોલેજો ગુજરાતમાં 2,468 છે, પણ 2,371 પાસે NAACની માન્યતા નથી. ટૂંકમાં, 78 ટકા યુનિવર્સિટીઓ અને 96 ટકા કોલેજો ગુજરાતમાં એવી છે જે NAACનાં માપદંડોનો સામનો કરવાથી દૂર છે. સરકારે તાકીદે માન્યતા મેળવી લેવા યુનિવર્સિટીઓને અને કોલેજોને જણાવ્યું છે, પણ અત્યાર સુધી એની કોઈ અસર વર્તાઇ નથી, તો હવે કેટલી વર્તાશે એ તો ફરી આમ જ જાણ કરાશે ત્યારે ખબર પડશે. એ છે કે સરકારે ખાનગી યુનિવર્સિટીઓને પણ 2 વર્ષમાં NAACની માન્યતા મેળવી લેવા જણાવ્યું છે.
આ તો યુનિવર્સિટીઓ અને કોલેજોની વાત થઈ, પણ પ્રાથમિક શિક્ષણની દરિદ્રતા ને ગરીબાઈ તો વધુ શરમજનક અને દયાજનક છે. એવું નથી કે સરકાર પાસે બજેટ નથી. 2023-‘24નું ગુજરાતનું બજેટ 3,01,022 કરોડ રૂપિયા હતું. તેમાંથી સૌથી વધુ 43,651 કરોડ જેવી રકમ શિક્ષણને ફાળવાઈ, પણ એ રકમ શિક્ષણ માટે ખર્ચાઈ હોય એવું એટલે લાગતું નથી, કારણ, સરકારે જ પ્રાથમિક શિક્ષણનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વિગતો વિધાનસભામાં આપી છે, એ પરથી બજેટ, શિક્ષણ માટે ખર્ચાયું નથી એ નક્કી. વિધાનસભામાં સરકારે જે વિગતો આપી છે, એમાં વર્ષોથી કોઈ સુધારો થયો નથી અને હાલત બદથી બદતર જ થતી ગઈ છે.
સરકાર 2017થી 32 હજાર કાયમી શિક્ષકોની ઘટ ન પૂરવાનાં સોગંદ ખાઈને બેઠી હોય તેમ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર જ્ઞાન સહાયક શિક્ષકો રાખીને કારભાર કરવા ધારે છે, એ તો ઠીક, પણ પ્રાથમિક સ્કૂલો જે જગ્યાએ ચાલે છે એ સ્થિતિ તો સરકાર ભિક્ષુક થવાની જ બાકી રહી હોય એવી ગરીબીની ચાડી ખાય છે. એકથી વધુ વર્ગના વિદ્યાર્થીઓ એક જ ખંડમાં ઠૂંસવામાં આવ્યા હોય કે જર્જરિત દીવાલો વચ્ચે બાળકો જોખમી રીતે ભણતાં હોય એવા આંકડાઓ સરકારે, વિપક્ષના સભ્યોની પૃચ્છામાં, જાહેર કર્યા છે. સરકારે લેખિતમાં જવાબો આપ્યા છે અને જાહેર કર્યું છે કે આગામી વર્ષોમાં બધી ક્ષતિઓ દૂર કરવામાં આવશે. જો કે, સરકાર બરાબર જાણે છે કે આગામી વર્ષોમાં તેનાથી કૈં થવાનું નથી. થવાનું હોત તો વીતેલાં વર્ષોમાં થયું જ હોત, પણ કૈં ન થાય એની સરકારે પૂરતી કાળજી રાખી છે. કૈં થયું હોત તો દુર્દશાના આંકડાઓમાં ક્યાંક તો ઘટાડો થયો હોત, પણ થયો નથી તે હકીકત છે. આમ તો એકથી વધુ શિક્ષણમંત્રીશ્રીઓ રાજ્યમાં છે, પણ તેમનાથી શેકેલો પાપડ પણ ભાંગે એમ નથી, એટલે આ મામલે મુખ્યમંત્રીશ્રી સીધો હસ્તક્ષેપ કરે તો જ કૈં ફેર પડે તો પડે !
રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ 32,000થી વધુ છે, તેમાંથી 17,267 સ્કૂલો એવી છે, જેમાં એક જ ઓરડામાં એકથી વધુ વર્ગના વિદ્યાર્થીઓને ઠાંસવામાં આવે છે. મતલબ કે અડધીથી વધારે સ્કૂલોને પૂરતા ઓરડા જ નથી. એમાં પણ જર્જરિત ઓરડાવાળી શાળાઓ 3,838 છે. ઘટતા ઓરડાની સંખ્યા 9,153 છે. RTE મુજબ ઘટતા ઓરડાઓની શાળાઓ 1,588 અને ઘટતા ઓરડાઓની સંખ્યા 2,614 બતાવાઈ છે. જેને કમ્પાઉન્ડ વોલ જ નથી એવી શાળાઓ 5,439 છે. લાઇટ જ ન હોય એવી શાળાઓ 8 છે. 7,599 પ્રાથમિક સ્કૂલો એવી છે, જેને ધાબું નથી, પતરાં છે. ડાંગની એક સ્કૂલ તોડી પાડવામાં આવી, તે હવે ભાડાંના ઓરડામાં ચાલે છે. આ સ્થિતિ આદિવાસી બાળકોની ધીરજ કેટલી ટકાવી રાખશે તે જોવાનું રહે. રહી વાત મેદાનોની, તો હવે રમતગમતનાં મેદાનો ને વ્યાયામ શિક્ષકો વગરની સ્કૂલો જ તેની વિશેષતા છે. આ અંગેની વારંવારની નોટિસો પછી, ત્રણેક વર્ષમાં ખાનગી સ્કૂલોમાં 129 અને સરકારી સ્કૂલોમાં 264 મેદાનો તૈયાર થયાં છે તે નોંધવું ઘટે. લાગે છે, આ ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલો છે?
આમ તો જાતભાતની પરીક્ષાઓ ને ઇન્ટરવ્યૂ શિક્ષકને નોકરી આપવા લેવાય છે, તો ય શિક્ષણમંત્રીશ્રીના કહેવા મુજબ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 1,885 શિક્ષકો શૈક્ષણિક લાયકાત વગરના છે, જેમાંથી અમદાવાદમાં જ 306 શાળાઓના 805 શિક્ષકો લાયકાત વિનાના છે. આમ તો ખાનગી સ્કૂલોની જવાબદારી સરકારની નથી એટલે ત્યાં શું ચાલે છે તે તો કોઈ તપાસ વગર ખબર નહીં પડે, પણ તપાસ થાય તો તેનાં પરિણામો પણ સરકારી ને ગ્રાન્ટેડ સ્કૂલોથી બહુ સારાં ભાગ્યે જ હશે, કારણ એ સ્કૂલો પણ છે તો ગુજરાતની જને ! આટલી દરિદ્રતા ખરેખર નબળું રાજ્ય હોય તો કૈંકે સમજાય, પણ આ રાજ્યમાંથી ગયેલા વડા પ્રધાન હજી સક્રિય છે ને એમને શરમમાં નાખતી હોય એવી દુર્દશા ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાઇમરી સ્કૂલોની છે.
સૂરતની વાત કરીએ તો શિક્ષણ સમિતિની શાળાઓને જૂન માસમાં મળતી સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્ટ સપટેમ્બર અડધો પૂરો થઈ જવા છતાં મળી નથી. કેટલીક સ્કૂલોમાં તો આચાર્ય પોતાને ખર્ચે સ્કૂલ ચલાવી રહ્યા છે. આચાર્યને પણ એની મર્યાદા હોય, જો સમિતિ જ એટલી ગરીબ હોય તો આચાર્ય કેટલુંક ખેંચશે? શિક્ષણને મામલે આખું રાજ્ય એટલું કંગાળ અને ગરીબ છે કે છતે પૈસે ભિખારી જેવી સ્થિતિમાં શિક્ષણ ચાલે છે ને એની કોઈને જ જરા જેટલી શરમ નથી.
આ બધાં માટે માત્ર સરકારને દોષ દેવાનો પણ અર્થ નથી, ગુજરાતના વિદ્યાર્થીઓ, વાલીઓ, શૈક્ષણિક યુનિયનો અને શિક્ષણશાસ્ત્રીઓની ઉદાસીનતા પણ આ શૈક્ષણિક દરિદ્રતા માટે એટલી જ જવાબદાર છે. સરકારનો વિરોધ જ કરવો જોઈએ એવું નથી, પણ સરકારે જ જાહેર કરેલી વિગતો સંદર્ભે કૈં ખોટું થતું હોય તો તે વાત સરકારને ધ્યાને લાવવી પ્રજાની ફરજ છે. એ ફરજ બજાવવામાં પ્રજા પણ સરકાર જેટલી જ ઊણી ઊતરી છે તે દુ:ખદ છે. આવનારી પેઢી તો આ સૌને માફ નહીં જ કરે, પણ છે તે પેઢીએ પણ આ નાદાની અને નાદુરસ્તીને ક્ષમ્ય નહીં જ લેખવી જોઈએ. અભિશાપ હવે કોઈને લાગતા નથી તે સારું છે, બાકી, કાળ તો એનો જ લાગે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 સપ્ટેમ્બર 2023