આજકાલ દેશનું વાતાવરણ ધરમ ધ્યાનવાળું થતું જાય છે. ઉત્તર પ્રદેશમાં અને ઉત્તરાખંડમાં આજથી કાવડ યાત્રા શરૂ થઈ રહી છે ને કોઈ પણ યાત્રીને શિવ ભક્તિમાં અવરોધ ઊભો ન થાય એટલે પ્રશાસને પૂરતી કાળજી લીધી છે. યાત્રીઓ હોટેલમાં જમે કે કેમ તે તો નથી ખબર, પણ જમે તો તે શુદ્ધ અને સાત્ત્વિક શાકાહારી ભોજન પામે, એટલે ઉત્તર પ્રદેશ સરકારે એવું ફરમાન બહાર પાડ્યું છે કે દરેક હોટેલ, ઠેલાવાળા કે ઢાબાના માલિકે પોતાનું નામ તથા તેની સાથે કામ કરતાં કર્મચારીઓનાં નામ વંચાય એ રીતે જાહેર કરવાં. એમ ન કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે એવું પણ ફરમાવાયું છે. જો કે, કોઈ પણ દુકાનદારે લાઈસન્સમાં માલિકનું નામ ઠામ જણાવવાનું ને તે દુકાનમાં સૌને દેખાય એમ મૂકવાનું હોય જ છે, પણ એ ચોક્કસ સંજોગોમાં, ચોક્કસ હેતુથી જાહેર કરવાની ફરજ પડાય તો તે ધ્યાન ખેંચે અને રાજકારણ શરૂ થઈ જાય એમાં નવાઈ નથી.
આમ તો કાવડ યાત્રા વર્ષોથી થતી આવી છે ને ત્યારે હોટેલ કે દુકાનની ઓળખનો પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો, પણ આ વખતે ઉત્તર પ્રદેશની યોગી સરકારે કોઈ યાત્રી સાત્ત્વિક ભોજન મેળવવા જતાં છેતરાય નહીં એ માટે માલિક-નોકરોનાં નામ જાહેર કરવાની ફરજ પાડી છે. એવી જ હિલચાલ ઉત્તરાખંડ ને મધ્ય પ્રદેશ સરકારે પણ શરૂ કરી છે. આનો વિરોધ વિપક્ષો તો કરે જ, પણ એન.ડી.એ.ના નેતાઓએ પણ કર્યો છે. એમનું કહેવું છે કે આ રીતે નામો જાહેર કરવાથી જાતિ દ્વારા વિભાજિત કરવા જેવું થશે. ગણતરી તો એવી પણ મુકાઇ છે કે આ રીતે અમુક ચોક્કસ વર્ગને જુદો તારવીને તેના ધંધાધાપાને અસર પહોંચાડી આર્થિક રીતે નબળો પાડવો. વિપક્ષોને તો વાંધો પડે જ ! કારણ તેણે વાંધો પાડવાનો જ છે. કમનસીબી એ છે કે શાસક પક્ષને કશું ખરાબ દેખાતું નથી ને વિપક્ષને કશું સારું લાગતું નથી, એ તબક્કે સચ્ચાઈ ભાગ્યે જ કોઇની પાસે હોય છે. મૂળ વાત તો કાવડિયાની સાત્ત્વિકતા જાળવવાની છે, પણ નિશાન ધર્મનું લેવાતું લાગે છે. દેખાવ કશુંક સારું કરવાનો હોય ને પરિણામ કશુંક ખરાબ થવામાં આવે તે બરાબર નથી.
ટૂંકમાં, જે કરવું હોય છે તે સ્પષ્ટ કહેવાતું નથી ને હેતુ બર લાવવા યુક્તિઓ જુદી જ વપરાતી હોય છે. એવું જ રાષ્ટ્રીય સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પણ કર્યું છે. એમણે પણ સીધું ન કહેતાં કુલડીમાં ગોળ ભાંગ્યો છે. ગુરુવારે ઝારખંડનાં ગુમલામાં એન.જી.ઓ. વિકાસ ભારતીની ગ્રામ સ્તરીય કાર્યકર્તાઓની બેઠકમાં ભારતીય લોકોના સ્વભાવની, તેમની પ્રકૃતિની વાતો કરતાં ભાગવતે કહ્યું કે ઘણાં લોકો નામ કે પ્રસિદ્ધિની ઈચ્છા કે લાલસા વગર દેશનાં કલ્યાણનું કામ કરે છે. ભાગવતને દેશની પ્રગતિમાં શંકા નથી, કારણ કે અનેક લોકો તેમાં જોડાયેલા છે, એટલે પ્રગતિ તો થાય જ, પણ કેટલાક સ્વ બચાવ અને આત્મપ્રશસ્તિમાં પણ મગ્ન છે, તો એ અંગે વિચારવાનું રહે. એક વાત સ્પષ્ટ છે કે શિક્ષણ, સ્વાસ્થ્ય અને પર્યાવરણને પ્રગતિમાં પ્રાથમિકતા અપાવી જોઈએ. એ થાય તો જ વિશ્વમાં આપણે ઊજળાં દેખાઈએ. ભાગવતનું માનવું છે કે સનાતન ધર્મ માનવજાતિનાં કલ્યાણ માટે કાર્ય કરે છે. તે મહેલોમાંથી નહીં, પણ આશ્રમોમાંથી, જંગલોમાંથી આવ્યો છે. આપણો પહેરવેશ બદલાયો હશે, પણ અનેક પરિવર્તનો પછી પણ, આપણી પ્રકૃતિ બદલાઈ નથી. એ ખરું કે કોરોના વખતે દુનિયાને ભારતની શાંતિ અને સુખની વ્યાખ્યામાં રસ પડ્યો. અનેક પ્રયોગો હજારો વર્ષમાં થયા, પણ ભારતની પારંપરિક શાંતિ અને સુખની સ્થિતિને આ જગત નિષ્ફળ સાબિત કરી શક્યું નથી. એ ખરું કે આટલા વિકાસ પછી પણ જનજાતિ સમાજ આજે પણ પાછળ છે. એ પાછળ છે, પણ શાંતિપ્રિય, ભરોસાપાત્ર અને પ્રમાણિક છે. એમને શહેરમાં રહેતી પ્રભાવશાળી વ્યક્તિઓએ સહયોગ કરવો જોઈએ.
આપણા દેશની પૂજા અર્ચનાની વિધિ પણ અલગ છે, કારણ આપણા દેવી-દેવતાઓ 33 કરોડ છે. દેશનાં લોકોની ખાવા-પીવાની, બોલવા ચાલવાની રીતો અલગ અલગ છે. આટલું વૈવિધ્ય એટલે પણ છે, કારણ આપણી પાસે 3,800 ભાષાઓ છે. માત્ર ભારતમાં જ સ્ત્રીને માતૃસ્વરૂપ ગણી છે. આટલી ભિન્નતા છતાં સૌ એક છે, સૌનાં મન એક છે. અનેકતામાં એકતા ભારતમાં જ છે. એ બીજે નથી. ભાગવતે આજની ગતિવિધિઓ સંદર્ભે ટકોર કરતાં કહ્યું કે આજકાલ કહેવાતા પ્રગતિશીલ લોકો સમાજને કેટલુંક આપવામાં ભરોસો રાખે છે, જે ભારતીય સંસ્કૃતિમાં જ નિહિત છે. શાસ્ત્રોમાં એવું ક્યાં ય લખેલું નથી, પણ આ બધું પેઢી દર પેઢી લોહીમાં વણાયેલું છે. આજે માણસ છે, પણ માણસાઈ નથી. આ સ્થિતિમાં માણસે પહેલાં તો સાચા માણસ બનવું જોઈએ. એ પછી કેટલુંક કહેવાયું કાર્યકર્તાઓને, પણ તે સાંભળવાનું તેમણે ન હતું.
નામ દીધા વગર ભાગવતે વડા પ્રધાનને એ સંભળાવ્યું કે કેટલાક માણસો પોતાનો વિકાસ કરીને ‘સુપરમેન’, ‘દેવ’ ‘ભગવાન’ કે ‘વિશ્વરૂપ’ થવા મથે છે, પણ તેની આગળ શું છે તે કોઈ જાણતું નથી. માણસનો અંત છે, પણ વિકાસ કે પ્રગતિ અનંત છે. માણસ ન હતો ત્યારે પણ પૃથ્વી તો વિકસી જ છે ને માણસ નહીં હોય તો ય તે ફરતી રહેવાની છે. વિકાસની સાથે આ ધરતીને આપણે ઓછી હાનિ નથી પહોંચાડી. એની અસરો તો માણસે જ અનુભવવાની આવે છે. માણસ નશ્વર છે એ જાણવા છતાં ઈશ્વર બનવા મથે એ અહંકારનું સૂચક છે અને અહંકાર મનુષ્યને ઝડપથી નશ્વર બનવા તરફ ધકેલે છે. આમ ભાગવતે સામાન્ય રીતે માણસની ભગવાન બનવાની ઈચ્છા પર પ્રકાશ પાડ્યો હોવાનું લાગે, પણ તેમણે વડા પ્રધાન સંદર્ભે જ કહ્યું હોવાનું એટલે માનવું પડે, કારણ વડા પ્રધાને પોતે કહ્યું છે કે માતા જીવતી હતી, ત્યાં સુધી પોતે બાયોલોજિકલી જન્મ્યા, એવું માનતા હતા, પણ તે ગુજરી ગઈ પછી પોતાના અનુભવોમાંથી એવું માનતા થયા કે પોતાને ઈશ્વરે મોકલ્યા છે. પોતાની આ ઊર્જા શરીરમાંથી નથી આવતી, પણ તે ઈશ્વરે પોતાના પર વરસાવી છે. પોતે કૈં પણ કરે, તો લાગે છે કે ઈશ્વર દોરે છે. વડા પ્રધાનના પોતાને વિશેના આવા અવતારી વિધાનો સામે ભાગવતે ‘વિશ્વરૂપ’ સુધીની ટકોર કરી છે.
આમ તો આખી ભાગવત વાણી બહુ સૂચક છે ને એ એવું પણ સૂચવે છે કે સંઘ અને ભા.જ.પ. વચ્ચે સ્થિતિ સામાન્ય નથી. થોડા વખત પર ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સંઘ સાથેના સંબંધો અંગે કહ્યું હતું કે એક તબક્કે ભા.જ.પ.ને સંઘની જરૂર હતી, પણ હવે ભા.જ.પ. એવો મોટો રાષ્ટ્રીય પક્ષ થયો છે કે તેને સંઘની જરૂર રહી નથી. આ વાત ભા.જ.પ.ની મજબૂત સ્થિતિ તો સૂચવે જ છે, પણ સંઘ સાથેના સંબંધોમાં આવેલી ખટાશ પણ સૂચવે છે, એટલું જ નહીં, ભા.જ.પ.માં આવેલા અહંકાર તરફ પણ ઈશારો કરે છે. ભાગવતની ‘ભગવાન’ સંદર્ભની ટકોર પછી કાઁગ્રેસ ચૂપ રહે એ શક્ય જ નથી, કાઁગ્રેસી નેતા જયરામ રમેશે રોકડું કર્યું કે સ્વયં-ઘોષિત નોન-બાયોલોજિકલ વડા પ્રધાનને આ નવીનતમ અગ્નિ મિસાઇલના સમાચાર મળ્યા હશે, જે નાગપુરે ઝારખંડથી લોક કલ્યાણ માર્ગને નિશાન બનાવીને છોડી છે.
ભાગવતે શનિવારે પુણેમાં એવું પણ કહ્યું કે અંગ્રેજોએ આપણા પૂર્વજો અને પરંપરા પરની આપણી આસ્થાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. તેમણે અંધભક્તિ સંદર્ભે ટકોર કરતાં કહ્યું કે આસ્થા અંધ હોતી નથી. પરંપરા, રિવાજોમાં કૈં બદલવા જેવું હોય તો તે પણ બદલવું જોઈએ. એક વાત આપણે સમજી લેવાની જરૂર છે કે ભૂતકાળને વાગોળવાથી કે તેની ટીકા કરવાથી ભવિષ્ય સુધરતું નથી. આગળના શાસકોની ટીકા કર્યા કરવાથી ભાવિ શાસન સુધરી જ જાય એવું નથી. એને સુધારવા, ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય એટલું જોવાવું જોઈએ. અંગ્રેજોએ જે દમન કર્યું એ સ્થિતિ આજે છે કે તે સુધરી કે વધુ બગડી છે, એટલું જ મહત્ત્વ ભૂતકાળનું હોય, બાકી, ભૂતકાળનું સંકીર્તન પ્રગતિમાં અવરોધરૂપ બની શકે છે તે ભૂલવા જેવું નથી.
લોકસભાની ચૂંટણી પછી ભા.જ.પ. અસ્વસ્થ જણાય છે ને સંઘ વધુ સ્વસ્થ લાગે છે…
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 જુલાઈ 2024