
રવીન્દ્ર પારેખ
કોઈને આ શીર્ષક વિચિત્ર લાગવા સંભવ છે, પણ તે ખોટું નથી. નવી શિક્ષણ નીતિ-2020 અનેક રીતે યોગ્ય હશે, મહત્ત્વની હશે, ઉપયોગી હશે, પણ તે અમલમાં આવશે તો ઉપયોગી બનશેને ! તે સ્ક્રિપ્ટમાં જ રહેવાની હોય, તો તેનો કોઈ મતલબ નથી. શિક્ષણ નીતિનો ક્યાંક અમલ થતો પણ હશે, પણ મોટે ભાગે તો અવ્યવસ્થા જ એટલી છે કે તેનાં સમારકામમાં જ નીતિરીતિ ભુલાઈ જાય એમ છે. શિક્ષણ વિભાગ કેવીક તંદ્રામાં છે, તે તો તે જાણે, પણ શિક્ષણમાં અરાજકતા, અનીતિ ને ઉદાસીનતા અગાઉ ક્યારે ય ન હતી, એટલી આજે છે. પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધી તમામ સ્તરે સ્ટાફની ઘટ જગજાહેર છે. સરકારનો એટલો ઉપકાર કે શિક્ષણ વિભાગમાં મંત્રીઓની કસર નથી, બાકી, એ સિવાય બધે જ દારિદ્રય આંખે ઊડીને વળગે એવું છે. કોઈ પણ સરકારી વિભાગ કરકસર કરે તે આવકાર્ય ગણાય, પણ સ્કૂલ ચલાવીએ ને સ્કૂલ જ ન હોય કે એકાદ ઓરડામાં જ આખી સ્કૂલ ઠાંસી દેવામાં આવી હોય કે વર્ષ પૂરું થવા આવે તો ય ગણવેશ, બૂટમોજાં કે પુસ્તકોનું ઠેકાણું જ ન પડે કે શિક્ષકોને નામે જ્ઞાન સહાયકથી કામ લેવાય તેમાં કરકસર નથી, કંજૂસાઈ છે.
શિક્ષકો કોન્ટ્રાક્ટ પર એટલે રખાય છે કે એમને નિવૃત્તિના લાભો આપવા ન પડે. એ નિવૃત્તિના લાભો પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર આવેલા મંત્રીઓને આપવાનો વાંધો નથી, કારણ એમાં તો પોતે મેળવવાનું છે ને બીજામાં આપવાનું છે. એક પણ મંત્રી ભથ્થાં વધે છે તો ક્યારે ય વાંધો નથી ઉઠાવતો, પણ શિક્ષકને પૂરો પગાર આપવાનો આવે છે તો ચૂંક ઊપડે છે. શિક્ષકોની ભરતીની વાતો તો થાય છે. કચ્છની જ વાત કરીએ તો ધોરણ 1થી 8માં શિક્ષકોની ઘટ 51 ટકા છે, ત્યાં 4,100 શિક્ષકોની ભરતીની વાત છે. વાત છે એટલે કે વિચારણા હેઠળ છે. વિચારણા હેઠળ હોય એનો અર્થ એવો સમજવાનો કે ભરતી થઈ ગઈ. જેમ કે, શિક્ષણ મંત્રીની વિધાન સભાગૃહમાં ધોરણ 1થી 8માં ગઈ 18 માર્ચે, 13,852 વિદ્યાસહાયકોની ભરતીની વાત ! ગયા ડિસેમ્બર સુધીમાં 24,700 કાયમી શિક્ષકોની ભરતી કરવાની વાત હતી ને 13,852 વિદ્યાસહાયકોની ભરતીની વાત બીજી આવી. એનો અમલ થતાં કેટલાં કેલેન્ડરો બદલાશે તે નથી ખબર, પણ શિક્ષકોની તંગીની બૂમ ઘટતી નથી તે હકીકત છે. ગમ્મત તો એ છે કે સરકારે 10 વર્ષનું સરકારી સ્કૂલોથી માંડીને કોલેજો અને પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની વિવિધ કચેરીઓમાં ભરતી માટેનું કેલેન્ડર તૈયાર કર્યું, તેમાં ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો અને આચાર્યોની જ બાદબાકી કરી નાખવામાં આવી. આ મુદ્દે ચીફ સેક્રેટરીને ફરિયાદ પણ કરવામાં આવી છે. આ બેદરકારી છે કે બેવકૂફી, એ નક્કી કરવાનું મુશ્કેલ છે.
અત્યારે બોર્ડની પરીક્ષાઓનું મૂલ્યાંકન ચાલે છે. તેમાં રેગ્યુલર શિક્ષકો ઉપરાંત જ્ઞાન સહાયકોને પણ જોતરવામાં આવ્યા છે. રેગ્યુલર શિક્ષકો અને જ્ઞાન સહાયકો મૂલ્યાંકનનું સરખું જ કામ કરે છે, તો તેમને મહેનતાણું પણ સરખું જ મળવું જોઈએ, પણ તેવું નથી. રેગ્યુલર શિક્ષકોને બોર્ડ દ્વારા 400 અને કોન્ટ્રાક્ટ પરના જ્ઞાન સહાયકોને 240 રૂપિયા ચૂકવાય છે. સરખું કામ, પણ મહેનતાણું જુદું. ફરક ખાસો 160નો. એ કઈ ખુશીમાં તે બોર્ડ જાણે. વારુ, ચેકિંગમાં કોઈ ભૂલ થાય તો આ ફરક રહેતો નથી. દંડ સરખો, પણ મહેનતાણું ભેદભાવયુક્ત. જ્ઞાન સહાયકો જોડે આભડછેટ શરૂથી જ ચાલી આવે ને મહેનતાણાંમાં સરખાં કામ છતાં, ખાસો 160નો ફરક પડે તો તેમનો પિત્તો જાય તેમાં નવાઈ નથી. તે સૌએ બોર્ડને ફરિયાદ કરી છે ને સમાન ધોરણ નહીં અપનાવાય તો મૂલ્યાંકનની કામગીરી નહીં કરવાની ચીમકી આપી છે. આવી કસરથી જ બોર્ડ ને શિક્ષણ વિભાગ પેટિયું રળવા વિવશ કેમ છે તે અકળ છે. બીજે ક્યાં ય કાપ નથી, તો શિક્ષણમાં જ આંગળા ચાટવાની ટેવ કેમ છે તે નથી સમજાતું.
12મી ફેબ્રુઆરી, 2025ના સમાચારો એવું કહે છે કે રાજ્યમાં 1,606 સ્કૂલો એક જ શિક્ષકથી ચાલે છે. છોટાઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકાની રનભુન ગામની 1થી 8 ધોરણની સ્કૂલ નવી બનાવવા માટે 2022માં 5 જર્જરિત ઓરડા તોડી પાડવામાં આવ્યા. તે માર્ચ, 2025 સુધીમાં ફરી બનાવવામાં આવ્યા નથી. બે વર્ગો પતરાંના શેડમાં ચાલે છે ને બે શિક્ષકો એક સાથે બે વર્ગોને ભણાવે છે. ગોધરાને અડીને આવેલી વાવડી બુઝુર્ગ પ્રાથમિક શાળાના પાંચ ઓરડા જર્જરિત છે, એટલે એક વર્ગમાં ત્રણ ત્રણ ધોરણો એક સાથે ભણે છે. આ રીતે 250 વિદ્યાર્થીઓ ભણે છે. ઓરડા નવા કરવાનો હુકમ તો 2018માં થયેલો, પણ, 2024નો જૂન પૂરો થયો ત્યાં સુધીમાં તો કશું ઠેકાણે પડ્યું જ નહીં !
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ખૂબી એ છે કે તે 60 જર્જરિત સ્કૂલો પર સોલર પેનલ લગાવવાની છે, જ્યાં સમિતિને ખબર છે કે આ સ્કૂલોનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ છે. સ્કૂલોનાં રિપેરીંગનાં ઠેકાણાં નથી ને સોલર પેનલ લગાવવાની ઈચ્છા તીવ્ર છે. આટલું ગરીબ ગુજરાત ક્યારે હતું? આમાં નવી કે જૂની નીતિ શું કામ લાગે, જ્યાં અનીતિ જ કેન્દ્રમાં હોય? આવાં તો ઢગલો ઉદાહરણો મળી રહે એમ છે.
એક તરફ ખંડિયેરોમાં પ્રાથમિકનાં બાળકો ભણે છે ને બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ ધોરણ 8 પછીનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સાત ઝોનમાં ધોરણ 9 અને 10ના વર્ગો વિના મૂલ્યે શરૂ કરવાનું પ્રશસ્ય પગલું ભર્યું છે, જે ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકો માટે ઉપકારક નીવડશે. ડ્રોપ આઉટ રેશિયો તો ધોરણ 12 પછી પણ ઓછો નથી. રાજ્યના 76 ટકા વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી અભ્યાસ છોડી દે છે, પરિણામે દેશમાં હાયર એજ્યુકેશનમાં ગુજરાત 18માં ક્રમે છે. એમાં આશ્ચર્ય એ વાતે છે કે છોકરાઓમાં એ ટકાવારી 25.2ની છે, તો છોકરીઓની 22.7ની છે. ડ્રોપ આઉટ રેશિયોની સ્થિતિ વધારે કથળે એવી તકો હજી વધે એમ છે.
સમાચાર એવા છે કે રાજ્યના શિક્ષણ વિભાગે RTE હેઠળ પ્રવેશ માટેની આવક મર્યાદા ગ્રામીણ વિસ્તાર માટે 1.20 અને શહેરી વિસ્તાર માટે 1.5 લાખથી વધારીને 6 લાખ કરી છે. એ સાથે જ અરજી કરવાની તારીખ પણ લંબાવીને 15 એપ્રિલ કરવામાં આવી છે. આ નિર્ણયથી હવે 6 લાખ સુધીની આવક ધરાવનારા વાલીઓ RTE હેઠળ 3થી 6 વર્ષનાં બાળક માટે બી.પી.એલ. કેટેગરીમાં પ્રવેશ માટે અરજી કરી શકશે. એમ કહેવાય છે કે 6 લાખની મર્યાદા વધારી હોવા છતાં ઓછી આવકવાળાને પ્રાથમિકતા આપવાનો નિયમ છે. એવું હોય તો સારું જ છે.
હવે 19 માર્ચ, 2025ની RTE હેઠળની સ્થિતિ જોઈએ. હજી મહિનો બાકી છે, છતાં 100 ટકાથી વધુ ફોર્મ ભરાઈ ગયાં છે. RTE હેઠળ સુરતમાં 15,229 સીટો ઉપલબ્ધ છે. તેની સામે 26,649 ફોર્મ ઓલરેડી ભરાઈ ચૂક્યાં છે. તેમાં 20,465 ફોર્મ મંજૂર થઈ ચૂક્યાં છે અને 500 ફોર્મ પેન્ડિંગ છે. હજી મહિનો લગભગ બાકી છે. બીજા ફોર્મ આવશે જ અને એ આંકડો મોટો જ હશે, એ સ્થિતિમાં મોટા ભાગનાં બાળકો પ્રવેશથી વંચિત રહે ને ભણતર શરૂ થવા પહેલાં જ અટકી પડે એમ બને. અહીં પ્રશ્ન એ થાય કે જો ઓછી આવકવાળાને પ્રવેશ પહેલાં આપવાનો નિયમ હોય તો 6 લાખ સુધીની આવક મર્યાદા વધારવાનો કોઈ અર્થ ખરો? જો દોઢ લાખથી વધુની આવકવાળાને પણ પ્રવેશ મળવાનો હોય તો તે 1.50 લાખની આવકવાળાઓને પ્રવેશ અપાયા પછીના ક્રમે હશે કે તેને ભોગે પ્રવેશ અપાશે? ગયે વર્ષે આવક મર્યાદા 1.5 લાખ જ હતી, છતાં રાજ્યમાં 2.35 લાખ ફોર્મ ભરાયેલાં ને તેમાંથી 1.66 લાખ ફોર્મ મંજૂર થયેલાં ને બેઠકો તો 43,800 જ હતી. ગયે વર્ષે જ જો હજારોની સંખ્યામાં પ્રવેશ ન મળ્યાં હોય તો 6 લાખની વધેલી મર્યાદા મજાક છે એવું નહીં?
ટૂંકમાં, એટલું તઘલખી રીતે બધું ચાલે છે કે શિક્ષણને, શિક્ષણ વિભાગથી કઈ રીતે બચાવી શકાય તે પ્રશ્ન જ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 માર્ચ 2025