થોડી ગમ્મતથી શરૂઆત કરીએ. આમ તો એકલી હૈયાવરાળ નીકળે એટલો ત્રાસ રોજ થાય છે એટલે આપણા જ મંત્રીઓ, સાંસદો, વિધાનસભ્યો, કોર્પોરેટરો ઠેર ઠેર બફાટ કરીને દેશવાસીઓને કરમુક્ત મનોરંજન પૂરું પાડતા રહે છે, જેથી દેશ, વાસી થતો અટકે. દેશવાસીઓ તાજા જ રહે એટલે વરસાદ વરસતો રહે છે. વરસાદ આવે છે તેથી આગાહી થાય છે કે આગાહી થાય છે તેથી વરસાદ વરસે છે તેની ખબર પડતી નથી. વરસાદ અને વડોદરાને આ વખતે એવો મેળ પડ્યો કે ઘણાનાં મનમેળ તૂટી ગયા. લોકો તો પાણીમાં રહ્યાં જ, પણ પાણી પણ લોકોમાં રહ્યું. તે એ હદે કે કોઈ ખાવાનું આપવા આવે તો લોકો કહેતા કે ફૂડપેકેટ નથી જોઈતાં, પહેલાં પાણી કાઢો. લોકોએ તંત્રોની ઝાટકણી કાઢી. જો કે, લોકો હવે જાણી ગયા છે કે આવામાં તંત્રોની પોલ જ નથી ખૂલતી, પણ તંત્રો હોય છે જ પોલ ખૂલે એટલે. એટલું સારું છે કે આટલું બધું પાણી ગેરકાયદે ઘરમાં ઘૂસાડવા બદલ કોર્પોરેશને વધારાનો પાણી વેરો ન નાખ્યો, પણ સ્થાયી સમિતિના અધ્યક્ષે બળાપો તો કાઢ્યો જ કે પૂર અંગે તંત્ર પર આક્ષેપ કરવા કરતાં લોકો ઘરમાં તરાપા, દોરડાં, રબર ટ્યૂબ રાખે. એમને કેમ કહેવું કે લોકોએ આટલું બધું પાણી તો ઘરમાં રાખ્યું, હવે તરાપા, હોડી પણ એમણે જ રાખવાના? આ બરાબર છે? ટૂંકમાં, સ્થાયી સમિતિ અસ્થાયી છે તેની જાહેરાત, જાહેરખબર વગર જ થઈ ગઈ !
પાણીની બીજી એક કહાણી પણ જોઈએ. જબલપુરથી હજરત નિઝામુદ્દીન જતી ટ્રેન નંબર 22181 ‘ગોંડવાના એક્સપ્રેસ’ના એસી થ્રી કોચમાંથી વરસાદ જોવાની મઝા પડે, પણ 9 સપ્ટેમ્બરે જબલપુરથી બપોરે 3.16 કલાકે નીકળીને ટ્રેન દમોહ પહોંચી કે એવો વરસાદ શરૂ થયો કે પાણી કોચમાં વરસવા લાગ્યું. તે એટલું વધ્યું કે અંદરબહાર બહુ ફેર જ ન રહ્યો. ચાલુ ટ્રેનમાં ઝરણાંનો અનુભવ થવાથી યાત્રીઓનો સામાન તરબોળ થઈ ગયો ને ફરિયાદો થઈ તો રેલવે એ ડોલ પકડાવી દીધી. એટલું સારું છે કે એમ ન કહ્યું કે સામાનની સાથે ડોલ, દોરડું, રબરની ટ્યૂબ સાથે લાવતાં શું થાય છે? આમ તો આપણે ત્રીજા નંબરની ઈકોનોમી થવા જઈ રહ્યા છીએ ત્યારે એસી થ્રી કોચમાં યાત્રીઓને ધાબળા, ઓશીકાં અપાય છે તેમ રેઇન કોટ પણ અપાય તો નવાઈ નહીં !
એમ લાગે છે કે ટ્રેનમાં હવે મુસાફરી કરવાનું અઘરું બનતું જાય છે. આમ તો ટ્રેનમાં બધી જ જાતિ, કોમનાં લોકો મુસાફરી કરે છે. તો ચાલતી ટ્રેન સામે રોડાં ન નાખવા જોઈએ. રોડાં તો ઠીક છે, રેલવે ટ્રેક પર સિમેન્ટના બ્લોક, એલ.પી.જી. ગેસ સિલિન્ડર, ઝાડનાં થડ, લોખંડ વગેરે નંખાય છે. એ નાખનારાઓ બાળકો છે, પણ નખાવનારા બાળકો નથી. તેમનો સીધો ઇરાદો ટ્રેનને ઉથલાવવાનો છે. આ આકસ્મિક નથી. યોજના પૂર્વકનું કાવતરું છે. એ કાનપુર, અજમેર જેવામાં સાથે સાથે બને છે. ક્યાંક સિલિન્ડર તો ક્યાંક સિમેટના બ્લોક ટ્રેક પર મુકાય છે. સુરતમાં, ભરૂચમાં ને ગુજરાત બહાર ઝારખંડ જેમ અન્યત્ર પણ કેટલાંક બાળકોએ ગણેશ મૂર્તિઓને ખંડિત કરવાને ઇરાદે પથ્થરો નાખ્યા કે ક્યાંક ઈસ્લામિક ઝંડા રોપવા બાબતે તનાવ પણ ઊભો થયો. ઉપદ્રવ કરવા હવે બાળકોને આગળ કરાય છે, જેથી પકડાય તો બાળકો છે, એમ કહીને સહાનુભૂતિ ઉઘરાવી શકાય ને કોઈ કસૂરવાર ઠરે તો પણ, તેને સજા ઓછી થાય ને કાવતરું પાર પડે તે જુદું. કોઈ છે જે ઈચ્છે છે કે કોમી તનાવ વધે. સુરતમાં તો પોલીસે કાર્યવાહી કરી ને પચીસથી વધુ ઉપદ્રવીઓને કોર્ટમાં રજૂ કર્યા, તો, સાથે જ દબાણવાળા વિસ્તારમાં બુલડોઝર પણ ફેરવ્યું. સુરત અત્યાર સુધી કોમી ઉપદ્રવોથી બચેલું છે. અહીં ગણેશ વિસર્જન સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં વર્ષોથી સંપન્ન થાય છે, એમ જ તાજિયાંનું જૂલૂસ પણ રંગેચંગે પાર પડે છે, તો કોણ શાંતિમાં પલિતો ચાંપવા ઉત્સુક છે? સૌ જાણે છે કે કોમી આગમાં આંસુ અને લોહી સિવાય કૈં જ હાથમાં આવતું નથી, તો મહેરબાની કરીને ઉજવણાંને ઉઠમણાંમાં ન ફેરવો.
આમ તો ગણેશની મૂર્તિઓમાં અનેક વૈવિધ્ય જોવા મળે છે, પણ મુંબઇમાં ગણપતિ ગજાનન મહારાજ મૂષક સાથે વૃક્ષારોપણ કરતાં બતાવાયા છે. શું થાય, આપણું વૃક્ષારોપણ કાગળ પર જ રહેતું હોય તો ભગવાને જ ઝાડ રોપવાં પડે કે બીજું કૈં? આ પછી પણ આપણે કૈં શીખીશું જ એની ગેરંટી તો ગણપતિ દાદા પણ આપે એમ નથી. વડા પ્રધાન ગેરંટી આપવામાં મોખરે છે, એટલે એ ભારતમાં હોય તો આપે પણ ખરા. આમ તો શીખવું જ હવે કોઈને જરૂરી નથી લાગતું. એક વીડિયો જોયો જેમાં હોસ્પિટલનું બોર્ડ દેખાય છે ને તેના ડૉક્ટર એડવોકેટ છે એવું બતાવાયું છે. કદાચ કોર્ટમાં હવે ડોકટરો કેસ લડતા હશે. બોર્ડમાં એડવોકેટ એવું લખેલું જ છે તો એડવોકેટ હોય પણ ખરા.
ખરેખર તો હવે બાળક જન્મે એ સાથે જ તેને જોઈતી ડિગ્રી આપી દેવી જોઈએ, જેથી ભણવાની ઝંઝટ જ ન રહે. આ ભણવું, વાંચવું, પરીક્ષાઓ આપવી એની કોઈ જરૂર જ હવે લાગતી નથી. નીટની પરીક્ષામાં લાખો રૂપિયામાં દાહોદમાં ચોરી કરાવીને મેડિકલમાં પ્રવેશ અપાવવાનું કૌભાંડ હજી ધૂણ્યા કરે છે, પણ બિહારમાં તો વિદ્યાર્થીઓ સ્વાવલંબી નીકળ્યા. બિહારના ભોજપુરમાં મંગળવારે પી.જી. વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી. કેમ, તો કે પરીક્ષામાં ચોરી કરવાની છૂટ ન અપાઈ. સોમવારે ચોરી ન કરવા દેતાં મહિલા કક્ષ નિરીક્ષકને માર મારવામાં આવ્યો. આ બનાવ મહારાજા કોલેજમાં બન્યો. આમાં બીજી કોલેજ સંડોવાઈ તે એચ.ડી. જૈન કોલેજ. કોલેજના વિદ્યાર્થીઓ ચોરી કરવા દેવાના મામલે એક મત હતા. કુલપતિ પ્રો. શૈલેન્દ્રકુમાર ચતુર્વેદીએ સ્પષ્ટતા પણ કરી કે પરીક્ષા રદ્દ થવાની નથી, પણ વિદ્યાર્થીઓ પરીક્ષામાં નકલ કરવા માટે મોબાઈલ લઈને બેસવાનો આગ્રહ રાખતા જ રહ્યા. મહારાજા કોલેજના વિદ્યાર્થીઓએ તો કોલેજ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા ને કોલેજનો ગેટ પણ તોડી નાખ્યો, તો એચ.ડી. જૈન કોલેજના વિદ્યાર્થીઓએ મોબાઈલ નહીં, તો પરીક્ષા નહીં-ની માંગ સાથે ત્રણ કલાક સુધી ધમાલ મચાવી. છેને કમાલ ! એક સમયે ભણવા માટે આંદોલનો થતાં હતાં, હવે પરીક્ષામાં ચોરી કરવા દેવા થાય છે.
બિહારમાં પી.જી.ના વિદ્યાર્થીઓએ ચોરી કરવી છે, પણ શિક્ષકો કરવા નથી દેતા, જ્યારે ગુજરાતમાં શિક્ષકો આપવામાં જ અખાડા થાય છે. કાયમી શિક્ષકો મૂકવાની વાત તો દૂર રહી, કરાર આધારિત શિક્ષકો આપવામાં પણ સરકાર ધાંધિયા કરે છે. આ આજનું નથી, જૂનો રોગ છે. આપણો શિક્ષણ વિભાગ શિક્ષકો પાસે ભણ્યો હશે કે એ બધા એકલવ્યના વંશજો જ છે? જૂનમાં શિક્ષણનું નવું સત્ર શરૂ થઈ જાય, પણ ટર્મ પૂરી થવા આવે તો ય શિક્ષકોનું ઠેકાણું પડતું નથી. કોઈ વાર ચોપડાનાં ઠેકાણાં ન હોય, કોઈ વાર બૂટમોજાંની ખેંચ હોય, પણ શિક્ષકોનો દુકાળ તો કાયમી છે, તે પણ શિક્ષકો હોવા છતાં ! દર વર્ષે સત્ર શરૂ થવાનું નક્કી છે, પણ સમયસર શિક્ષકો ફાળવવામાં સરકારનો હાથ કાયમ તંગ રહે છે. આટલો કંગાળ શિક્ષણ વિભાગ ગુજરાત સિવાય બીજે ક્યાં ય નથી. ઉત્તર પ્રદેશના બહુરાઈચમાં વરુનો ઉપદ્રવ વધ્યો છે, પણ એ તો ચોપગું પ્રાણી છે, પણ આપણા વિસ્તારોમાં તો બેપગાં ફરે છે ને તેનો તો કોઈ પાર જ નથી !
તમે માનો કે ન માનો, પણ આપણા મંત્રીઓ કલ્પી ન શકાય એટલા ઇન્ટેલિજન્ટ હોય છે. મધ્ય પ્રદેશમાં પણ શિક્ષણ મંત્રી છે. ઇન્દરસિંહ પરમાર. એમણે સાબિત કરી દીધું છે કે આપણે કેવળ ભોટ છીએ. અમેરિકા કોલંબસે 1492માં શોધ્યો એવું ગોખી ગોખીને મરી ગયા, પણ એ ખોટું હતું. ધરાર ખોટું હતું. ઇન્દરસિંહ પરમારે છેક હમણાં કોથળામાંથી બિલાડું કાઢતાં કહ્યું કે અમેરિકા તો ભારતીયોએ શોધ્યો હતો. સાહેબનું માનવું છે કે અમેરિકા કોલંબસે શોધ્યો એવું ખોટું ભણાવવામાં આવી રહ્યું છે. અમેરિકા કયા ભારતીય કે ભારતીયોએ શોધ્યો હતો એનો ફોડ તો સાહેબે પાડ્યો નથી, પણ શિક્ષણ મંત્રી કહે તો સવા વીસ. બને કે બધા ભારતીયોએ અમેરિકા ખંડ એક સાથે શોધ્યો હોય. સાહેબ એટલાથી ઝાલ્યા ઝલાય એમ ન હતું, એમણે તો એમ પણ કહ્યું કે સ્થિર સૂર્યનો સિદ્ધાંત વૈજ્ઞાનિક નિકોલસ કોપરનિકસે નહીં, પણ ભારતના ઋષિઓએ આપ્યો હતો. ઇન્દરસિંહ પરમાર હજી તો શિક્ષણ મંત્રી છે અને એ છે ત્યાં સુધીમા વિજ્ઞાન અનેક રીતે ખોટું પડવાના જોખમો છે. બને કે બધી જ શોધ ભારતને નામે ચડે. આ બધું દિલ્હીને દેખાય છે કે એ જોવાનું હોય તે જ જુએ છે?
અત્યારે તો કાઁગ્રેસના વિપક્ષના નેતા રાહુલ ગાંધી, ‘ભારતીયોએ શોધેલા’ અમેરિકાના પ્રવાસે છે, ત્યારે એમને દેશમાં કોઈ બોલવા જ ન દેતું હોય તેમ ત્યાં ભારતના વડા પ્રધાન વિષે બખાળા કાઢતાં અટકતા નથી. ભા.જ.પી. નેતાઓ કે મંત્રીઓ પણ એ બાબતે જરા ય પાછળ નથી. શાસક પક્ષ અને વિપક્ષોનું કામ જ પરસ્પર આરોપો, પ્રત્યારોપો મૂકવા સિવાય ખાસ કૈં રહ્યું નથી. ચૂંટાઈને આવ્યા પછી સાંસદો બીજું કૈં કરે કે ના કરે, પણ કૂથલી કરીને દેશસેવા તો કરી જ લે છે. ભલે પછી પુલો તૂટતાં હોય, અનેક રસ્તાઓની વરસાદમાં પથારી ફરી ગઈ હોય કે આતંકવાદીઓ હુમલો કરી એકલદોકલ જવાનને ગોળીએ દેતા હોય કે મણિપુર ભડકે બળતું હોય, નેતાઓની ચામડી બચતી હોય તો જખ મારે છે દુનિયા …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 સપ્ટેમ્બર 2024