દુનિયા જાણે છે કે આતંકી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપીને પાકિસ્તાને, ભારત, અમેરિકા અને અન્ય દેશોની લોહિયાળ કનડગત કરી છે, છતાં તેને છાવરવાની કેટલાક દેશોને શરમ નથી જ આવતી. બાકી હતું તે આંતરરાષ્ટ્રીય મીડિયા ‘ધ ગાર્ડિયન’ એવો રિપોર્ટ બહાર પાડી ચૂક્યું છે કે ભારતે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપીને દુ:શ્મનોનો સફાયો કરવાનું શરૂ કર્યું છે. ભારત હવે એર સ્ટ્રાઈક કે સર્જિકલ સ્ટ્રાઈક કરીને બેસી નથી રહેતું, પણ શત્રુઓનો ખાતમો બોલાવી રહ્યું છે. રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે ભારત સરકારે પાકિસ્તાનમાં આતંકીઓની હત્યા કરવાનું ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું છે. ગુપ્તચર તંત્રનો દાવો છે કે 2020થી અત્યાર સુધીમાં 22 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ તો બંને દેશોના ગુપ્તચર અધિકારીઓની મુલાકાતો અને પાકિસ્તાની તપાસકર્તાઓ તરફથી અપાયેલ દસ્તાવેજો ટાંકીને દાવો કરે છે કે ભારતની ગુપ્તચર એજન્સી રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ) સીધી પી.એમ. ઓફિસને રિપોર્ટ કરે છે. ‘ધ ગાર્ડિયન’નો એવો અહેવાલ છે કે પાકિસ્તાનમાં આતંકીઓની હત્યામાં ‘રૉ’ની સંડોવણી હોવાના પુરાવા મળ્યા છે. વાત એટલી જ નથી, ખાલિસ્તાન આંદોલન સાથે સંકળાયેલા શીખ અલગતાવાદીઓને પણ ખતમ કરવાની યોજના ઘડાઈ છે અને આ ઓપરેશન પાકિસ્તાન અને અન્ય પશ્ચિમી દેશોમાં હાથ ધરાયું છે. પાકિસ્તાની તપાસકર્તાઓ તો ત્યાં સુધી કહે છે કે તેમના દેશમાં માર્યા ગયેલા આતંકીઓ પાછળ સંયુક્ત આરબ અમીરાત(યુ.એઈ.)થી સંચાલિત ભારતીય ગુપ્તચર સેલનો હાથ છે. જો કે, ‘ધ ગાર્ડિયન’ના આ અહેવાલને કેન્દ્ર સરકારે એમ કહીને ફગાવી દીધો છે કે આ આરોપો ખોટા છે અને તે ભારત વિરુદ્ધ પ્રચારથી વિશેષ કૈં નથી. વિદેશ મંત્રી એસ. જયશંકરે રોકડું પરખાવ્યું છે કે અન્ય દેશોમાં ટાર્ગેટ કિલિંગ ભારત સરકારની નીતિ નથી. વિદેશમંત્રી ભલે ના પાડે, પણ ભારતીય ગુપ્તચર એજન્સીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે એવો ખુલાસો કર્યો છે કે પુલવામા હુમલા પછી ભારત સરકારે દેશની બહારથી આતંકીઓ કોઈ ગરબડ કરે તે પહેલાં જ તેમને ઊગતા ડામવાનો નિર્ણય કર્યો છે. એ ખરું કે આતંકીઓને ખતમ કરવાને મુદ્દે પાકિસ્તાન ઉપરાંત કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ને અમેરિકન પ્રમુખ બાઈડન પણ ભારત તરફ આંગળી ચીંધી ચૂક્યા છે.
આમ ભારત સાથે સારાસારી રાખનાર દેશો ભારતને ટપારવાનું ચૂકતા નથી. કેજરીવાલની ધરપકડ થાય તો ઘણા દેશોને દુખાવો ઉપડે છે ને ભારતની આંતરિક બાબતમાં દખલ કરવાનું ચૂકતા નથી. અમેરિકા બિન લાદેનના પાકિસ્તાનના ઘરમાં આવીને મારી જાય તો કોઈને વાંધો પડતો નથી, પણ ભારત સ્વરક્ષણમાં આતંકીઓને પાઠ ભણાવે તો બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ની ચામડી તતડી ઊઠે છે ને ભારતે 22 આતંકીઓને ઠાર માર્યાની બૂમરાણ મચાવી મૂકે છે. કેમ જાણે એ આતંકીઓ ન હોય ને કોઈ સાધુસંતો હોય ! પાકિસ્તાનને બાદ કરતાં એવો કયો દેશ છે જેણે આતંકવાદીઓને ઠાર મારવાને બદલે તેની આરતી ઉતારી હોય? જો નથી, તો ભારત આતંકીઓને મારે તેની આટલી કાગારોળ શું કામ? પાકિસ્તાનની ભૂમિ પર જઈને આતંકીઓને મારે એ ભારતની નીતિ નથી એવું વિદેશ મંત્રી સ્પષ્ટ કરી ચૂક્યા હોય તો કોઈ વિવાદ અન્ય દેશોને ન હોવો જોઈએ ને એ પછી પણ કોઈને વાંધો હોય તો તે વાંધો અકબંધ રાખીને આતંકીઓનો સફાયો કરવામાં કૈં ખોટું નથી. પાકિસ્તાન પોતે આતંકી હુમલાઓનું ભોગ બનતું રહે છે, પણ તે આતંકીઓને રોકી શકતું નથી, એટલું જ નહીં, તે આતંકી પ્રવૃત્તિઓને ઉત્તેજન પણ આપતું હોય છે. એવામાં પી.ઓ.કે.ની ભૂમિ પરથી ભારત આતંકીઓનો સફાયો કરે ને એમ કરીને તે પાકિસ્તાનથી ન થઈ શકતું કામ જ કરતું હોય તો તેનો અન્ય દેશોને દુખાવો ન ઉપડવો જોઈએ. આ પણ એટલે કરવું પડે, કારણ સરહદ પારથી આતંકી હુમલાઓ થતા જ રહેતા હોય ને તે વખતે આખું વિશ્વ તમાશો જોતું હોય, તો ભારત પણ તે જોઈ રહે એ શક્ય નથી.
સાચી વાત તો એ છે કે ભારત છાશ પણ ફૂંકીને પીએ છે. આવી રહેલી રામનવમી પર ઉત્તર પ્રદેશને ભડકાવવાનું અને ચૂંટણી બગાડવાનું કાવતરું ઉત્તર પ્રદેશ એ.ટી.એસ.(એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ)એ ચાર એપ્રિલે નિષ્ફળ બનાવ્યું ને બે પાકિસ્તાની સહિત ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા છે. આમાંના બે તો હિજબુલ મુજાહિદ્દીન સંગઠન દ્વારા તાલીમ પામેલા છે. આ બંને પાકિસ્તાની નાગરિક દુબઈથી કાઠમંડુ થઈ ભારતમાં પ્રવેશ્યા હતા. પાકિસ્તાની આઈ.એસ.આઈ. આ ત્રણ આતંકીઓ મારફતે મોટી દુર્ઘટના દ્વારા અશાંતિ ઊભી કરવાની ફિરાકમાં હતું. એ સ્થિતિમાં એ.ટી.એસે. પોતાની ધરતી પર આ આતંકીઓને ઠાર માર્યા હોત તો તેથી આતંકીઓને અન્યાય ન થયો હોત, પણ તેણે તેવું નથી કર્યું, તો ભારત પાકિસ્તાનમાં જઈને આતંકીઓને ઠાર મારવા જેવું કરે તે માની શકાય એમ નથી.
પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર (પી.ઓ.કે.) 1947-‘48ની વાત છે ને ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુના કાર્યકાળથી એપ્રિલ, 2024 સુધી પી.ઓ કે. ભારતનું છે એ રટણ ચાલ્યું આવે છે. નહેરુ, શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મોરારજી દેસાઇ, વાજપેયી, મોદી જેવા ઘણાં વડા પ્રધાનો આવ્યા, પણ પી.ઓ.કે.નો મામલો નથી દેશમાંથી કે નથી યુ.એન.માંથી ઉકેલાયો. કાઁગ્રેસી સરકારો તો માટીપગી નીકળી, પણ ભા.જ.પ.ની સરકારને ય દસ વર્ષ થયાં, તે પી.ઓ.કે. ભારતનું છે એવું બોલે છે, પણ આજ સુધી તસુભાર પી.ઓ.કે. ભારત પાછું લઈ શક્યું નથી. જો આટલું પણ ના થઈ શકતું હોય તો તે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને ઠાર મારે એ ગળે ઉતારવાનું મુશ્કેલ છે. પી.ઓ.કે. મુદ્દે તમામ પક્ષો અને નાગરિકો એકમત છે. અરે, ખુદ પાકિસ્તાન સ્વીકારે છે કે પી.ઓ.કે. પાકિસ્તાનનું નથી. પી.ઓ.કે.ના નેતા આરીફ ચૌધરીએ મીરપુર શહેરની એક પ્રેસ ક્લબમાં તાજેતરમાં જ કહ્યું છે કે પાકિસ્તાનનાં બંધારણમાં પી.ઓ.કે. પાકિસ્તાનનો હિસ્સો નથી. આટલું સ્પષ્ટ હોય તો 75થી વધુ વર્ષથી પી.ઓ.કે. લેતાં ભારતને કોણ રોકે છે તે નથી સમજાતું. જડબાંતોડ જવાબ આપીશું, પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું જેવી વાતો તો ઘણી થાય છે, પણ પી.ઓ.કે. સુધી પહોંચવાનું બનતું નથી તે હકીકત છે.
એ જ હાલત ચીન બાબતે પણ છે. તે ભારતમાં ઘૂસી રહ્યું છે, પણ સરકારનું વલણ ઢીલું છે. ભારત હવે 1962નું ભારત રહ્યું નથી, તેવું ચીનને સંભળાવાય છે, પણ ચીનની સરહદી હિલચાલને રોકી શકાતી નથી. ચીને અરુણાચલના ત્રીસેક વિસ્તારોનાં નામ બદલી કાઢ્યાં તો વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે કોઈ મારાં ઘરનું નામ બદલી કાઢે તેથી કૈં તે ઘર તેનું થઈ જતું નથી. આવી ચતુરાઈનો કોઈ અર્થ નથી. ઘર જો મારું જ હોય તો કોઇની તાકાત શી છે કે તે નામ બદલવાનું સાહસ પણ કરી શકે? આવી રીતે ભારત ચીનને નામચીન કહીને સંબોધે કે બૈજિંગને બનારસ નામ આપે તો ચીન તે ચલાવશે? જો નહીં, તો ભારતે શું કામ ચીનની બાલિશ વાતોને ચલાવી લેવી જોઈએ?
હકીકત એ છે કે આપણે બણગાં ફૂંકવામાંથી જ ઊંચા નથી આવતા. આવાં બોલકાપણાંને કારણે જ કદાચ વિદેશીઓને સલાહ આપવાનું કે ટીકા કરવાનું કારણ મળી જાય છે. પી.ઓ.કે.ના લોકો જો ભારત સાથે રહેવા તૈયાર હોય તો કઈ વાત ભારતને પી.ઓ.કે. પરત લેતા રોકે છે તેનો ખુલાસો થવો જોઈએ. ગયા સપ્ટેમ્બરમાં યુ.એન.માં પાકિસ્તાનને ટપારતાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પંખુડી ગેહલોતે કહ્યું કે પાકિસ્તાન સરહદ પારથી ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરે ને પી.ઓ.કે.ના વિસ્તારોને ખાલી કરે, પણ પાકિસ્તાનને તે સંભળાયું જ ન હોય તેમ તે સ્થિતપ્રજ્ઞ છે. એક બાજુ બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ પાકિસ્તાનમાં ઘૂસીને ભારત આતંકીઓને ઠાર મારે છે એનો અહેવાલ પ્રગટ કરે છે ને એ જ યુ.કે. અને યુ.એસ. ભારતના સખત વિરોધ છતાં, કાશ્મીર મુદ્દે સતત હસ્તક્ષેપ કરે છે. જાન્યુઆરીમાં જ ભારત વિરોધ કરી ચૂક્યું છે, છતાં યુ.કે. અને અમેરિકન સૈન્ય અધિકારી પી.ઓ.કે. પહોંચ્યાના સમાચાર કાલે જ આવ્યા છે. બંને દેશોએ ભારત દ્વારા નિર્ધારિત રેડ લાઇનને વારંવાર ઓળંગી છે. આ સૈન્ય અધિકારીએ ગિલગિટ અને બાલ્ટિસ્તાનની મુલાકાત લીધી. આ વિસ્તાર પર પાકિસ્તાનનો કબજો છે, પણ ભારત તેને પોતાનો વિસ્તાર માને છે. આ સ્થિતિમાં બંને દેશોના સૈન્ય અધિકારીઓની મુલાકાત કાશ્મીર મુદ્દે તનાવ ઊભો કરનારી છે.
આઠેક મહિના પહેલાં પણ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કહી ચૂક્યા છે કે પી.ઓ.કે. ભારતનો અભિન્ન હિસ્સો છે ને એમણે જ એમ પણ કહ્યું છે કે પાકિસ્તાન સાથે હવે જો વાટાઘાટો થશે તો તે પી.ઓ.કે. અંગે જ હશે. પી.ઓ.કે. ભારતનું છે અને તેને રાજ્યસભામાં અને લોકસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગાઈ વગાડીને ગયા ડિસેમ્બરમાં કહી ચૂક્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે તો 2019ના ઓગસ્ટમાં કહ્યું હતું કે પી.ઓ.કે. ભારતનું છે. નવેમ્બર, 2022માં લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહેલું કે સરકાર આદેશ આપે તો પી.ઓ.કે. પાકિસ્તાન પાસેથી છીનવી લઈએ. એપ્રિલ, 2024 ચાલે છે, સરકારનો આદેશ હજી સુધી તો થયો નથી. કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ વી.કે. સિંહે તો સપ્ટેમ્બર, 2023 ની આસપાસ કહ્યું હતું કે રાહ જુઓ, થોડા સમયમાં પી.ઓ.કે. જ આપોઆપ ભારતમાં ભળી જશે. એ વાતને પણ છ મહિના થવાના, પી.ઓ.કે. છે ત્યાં જ છે, તે કૈં ભારતમાં ભળ્યું નથી ને આપોઆપ ભળે એ વાતમાં માલ નથી.
એક વાત સ્પષ્ટ છે કે પાકિસ્તાન મરવા પડે તો પણ તે ભારતને તાસકમાં પી.ઓ.કે. આપવા આવે એવું સપનું પણ પડે એમ નથી. વર્ષોથી પાકિસ્તાન પી.ઓ.કે. દબાવીને બેઠું છે અને તે લશ્કરી કાર્યવાહી વગર ભારતને મળવાનું નથી, તે ભારતે સમજી લેવાનું રહે. વાતો તો તો ઘણી થઈ, હવે લાતોની જરૂર છે. એ પાકિસ્તાનને જેટલી મોડી વાગશે, એટલું પી.ઓ.કે. ભારતથી દૂર રહેશે. પાકિસ્તાન બધી રીતે ખતમ થઈ ગયું હોવા છતાં ને આમ તો તે જીવતું કબ્રસ્તાન જ છે ને પી.ઓ.કે. પાકિસ્તાનનું નથી જ છતાં, તે ભારતનું નથી જ થતું તે નકરી, વાસ્તવિકતા છે, બલકે, કરુણતા છે ને એનું કયાં જઈને રડવું તે સમજાતું નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 એપ્રિલ 2024