મારી એક વાર્તા છે, ‘કાલાતીત’ કરીને. એમાં મહત્તમ માઇનસ ડિગ્રી સેન્ટિગ્રેડ પર એક શબ સચવાયેલું છે, તે એટલા માટે કે અમુક વર્ષો પછી થનારી શોધમાં માણસ ફરી જીવતો થવાનો છે, એવી શોધ થાય છે ને સૈકાઓ પછી એ શબ જીવંત થાય છે. આ જીવ સૈકાઓ પછીનું પ્રગતિશીલ જગત જોઈને એવો ડઘાય છે કે તે ફરી વસિયત કરે છે કે હવે સૂઈ જાઉં, તો ફરી ન જીવાડવો. આવું એટલે બને છે કારણ, જગત સૈકાઓ આગળ નીકળી ગયું છે ને તે ઝડપે તેનું મગજ અપગ્રેડ થયું નથી
આજે અપગ્રેડેશન તેની ચરમસીમાએ છે, તો ય માણસને પાછળ પડી જવાનો ભય રહે છે. માણસનું સ્થાન આજે સાચાખોટા ડેટાએ લીધું છે. બધું જ ડેટાબેઝ છે. અનેક ક્ષેત્રોમાં એટલો ઝડપી વિકાસ થયો છે કે એ બધું જાણવા એક જિંદગી ઓછી પડે. એ ખરું કે માણસની આવરદા વધી છે, તો ય આ જગતને જાણવા તે ઘણી ઓછી છે, એટલે પ્રયત્ન એવો થઈ રહ્યો છે કે મનુષ્યને મૃત્યુ જ ન રહે. મૃત્યુ જ ન રહે તો જગતને વધુ જાણવાનું શક્ય બને ને એ તો આજે નહીં ને ગમે ત્યારે અપડેટ કે અપગ્રેડ થઈ શકે. એમ કહેવાય છે કે 2050 સુધીમાં માણસ અમરત્વ પ્રાપ્ત કરી લેશે. એટલે કે તેણે મૃત્યુનો સામનો નહીં કરવો પડે. એનો અર્થ એવો ખરો કે કોઈ અકસ્માત કે કોઈ યુદ્ધ જ નહીં થાય? થાય તો મૃત્યુને આવવાનું કોઈ કારણ રહેને ! એ દિવસો પણ દૂર નથી કે સ્ત્રી, પુરુષ વગર સંતાનને જન્મ આપી શકે કે પુરુષો પ્રેગ્નન્ટ થઈ શકે. ટૂંકમાં, કુદરતે કે ઈશ્વરે મનુષ્ય પર મૂકેલાં નિયંત્રણો ફગાવીને માણસ પોતાને અનુકૂળ થાય એવો માણસ ઘડવાની ફિરાકમાં છે.
આમ તો ઈશ્વરે પોતાના હોવાનો કોઈ દાવો ક્યારે ય કર્યો નથી કે નથી તો હોવાનો પણ કોઈ દાવો કર્યો, પણ માણસે જ તેની પ્રતીતિ કરી અને તેને સર્વસત્તાધીશનું સ્થાન આપ્યું. કુદરતે પણ તેનાં ઘણાં કરિશ્મા માણસોને બતાવ્યા. કોરી જમીન પર વરસાદ પડે ને લીલુંછમ ઘાસ ઊગી નીકળે એ ચમત્કાર નથી તો શું છે? જમીનનો રંગ લીલો નથી, વરસાદનું પાણી લીલું નથી, નથી કોઈએ ઘાસ રોપ્યું, તો તેને લીલું કરે છે કોણ? આવી તો કેટલી ય વાતો માણસને ઈશ્વરનો કે પ્રકૃતિનો મહિમા કરવા પ્રેરે છે. આજ સુધી એવું બન્યું છે કે કોઈ ટેકનોલોજી કે શોધ નહોતી થઈ ત્યારે ને આજે સાયન્સ અને ટેકનોલોજીનો જ મહિમા રહી ગયો છે ત્યારે પણ, ઈશ્વર કે પ્રકૃતિ પરનો મનુષ્યનો ભરોસો અકબંધ છે. બીજા દેશોની વાત જવા દઇએ તો પણ અયોધ્યાનું રામમંદિર અને અબુધાબીનાં સ્વામિનારાયણ મંદિરે જે વૈશ્વિક પડઘો આસ્થાનો પાડ્યો છે, તે પરથી તો ભારત અને બીજા ઘણા દેશો ઈશ્વરમાંની પોતાની શ્રદ્ધા સહેલાઈથી જતી કરે એમ લાગતું નથી. આની સમાંતરે કેટલાક દેશો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એટલો ભરોસો ધરાવતા થયા છે કે તેમને ઈશ્વરને વળોટીને પોતાની સત્તા સ્થાપવાનો વિશ્વાસ ઊભો થયો છે. એ સત્તા સ્થાપવામાં એક જ વિઘ્ન નડે છે અને તે મૃત્યુ ! મનુષ્ય અને આ સમગ્ર જીવંત સૃષ્ટિને એક જ ભય સતાવે છે અને તે મૃત્યુનો ! આ મૃત્યુને કારણે જ મનુષ્ય ઈચ્છે ત્યાં સુધી પોતાનું વર્ચસ્વ સ્થાપી શકતો નથી ને મને કમને તેણે મૃત્યુને શરણે જવું જ પડે છે.
એવું નથી કે જીવન બધાંને જ વ્હાલું છે. ઘણાં જીવનથી ત્રાસે પણ છે, એટલે અનેક રીતે જીવન ટુંકાવે પણ છે. એનો અર્થ એવો થયો કે ઘણાં અમર થવા નથી પણ માંગતા. એમને ટૂંકું જીવન વધુ ટુંકાવવા જેવું લાગે છે ને જીવનથી મુક્તિ મેળવે છે. જે ધર્મ જોડે સંકળાયા છે, તેઓ પણ વહેલો મોડો મોક્ષ ઈચ્છે છે, એમાં પણ ‘મુક્તિ’ની જ અપેક્ષા છે. એનો અર્થ એવો થયો કે એક વર્ગ એવો છે જે આ પૃથ્વી પર રહેવા ઈચ્છતો નથી. તેને મોક્ષ કે મૃત્યુ ખપે છે.
એક જિજ્ઞાસુ વર્ગ એવો પણ છે જે પુનર્જન્મમાં માને છે, પણ તેનો લોભ ભવિષ્યે હજાર વરસ પછીનું જગત કેવું છે એ જોવાનો હોય એમ બને. બને કે એ હજાર વર્ષ પછી, બીજા હજાર વર્ષનું જીવન જોવાની ઈચ્છા થાય ને એ લોભ દરેક જન્મે ઓછો જ પડે. મારા જેવાને એમ પણ થાય કે આ જીવન 80એ પૂરું થતું હોય તો નવું જીવન 81થી શરૂ થાય તો ચાલેને ! ફરી એકડો ઘૂંટવાની કે કક્કો ગોખવાની જફા શું કામ? એને બદલે 81એ જ્યાંથી બાકી હોય ત્યાંથી શરૂ થાય તો શું ખોટું? કાલિદાસ ગમે એટલો મહાન કવિ હોય, પણ તેને રવીન્દ્રનાથની કવિતા વાંચવા ન મળે એટલી ખોટ તો તેને ખરી કે કેમ? એને બદલે એ એના સમયમાં હોય ને મારા સમયમાં પણ હોય, એવું જીવન એનું કે મારું કેમ ન હોય? જો કે, એક આશ્વાસન આ જન્મનું એટલું તો છે કે બારાખડીથી શરૂ કરીને હું આ જન્મમાં જ કાલિદાસ, શેક્સપિયર કે રવીન્દ્રનાથ અને છેક આજના કવિ સુધી આવી શકતો હોઉં કે વીજળી ન હતી એવા સમયથી શરૂ ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AI સુધી આવી શકતો હોઉ તો, નવા જન્મમાં એકડે એકથી શરૂ કરીને AIથી માંડીને જે તે સમયનાં છેલ્લાંમાં છેલ્લાં જ્ઞાન સુધી આવી જ શકુંને ! ને એ પણ 80ની અપાયેલી ઉંમરમાં –
જો કે, જે રીતનો માહિતી, ટેકનોલોજી અને વિ-જ્ઞાનનો છેલ્લાં થોડાં વર્ષોમાં રાફડો ફાટ્યો છે એ જોતાં આજની તારીખમાં સેંકડો વર્ષનું આયુષ્ય મળે તો પણ ઓછું પડે એમ બને. એ સંજોગોમાં સ્વાભાવિક જ એમ થાય કે મનુષ્યને મૃત્યુ જ ન હોય તો કેવું સારું ! અખંડ જીવન વડે સતત બ્રહ્માંડની સાથે તો રહેવાય. ધારો કે એવું થાય કે મૃત્યુ ક્યાં ય રહે જ નહીં, તો અપડેટ કે અપગ્રેડ થવાનું ગમે ખરું? ન ગમે તો પણ ગમાડવું પડે એવો સમય આવી રહ્યો છે. ઈચ્છા હોય કે ન હોય અપગ્રેડ થવાની લાચારી જ નિયતિ હોય એમ બને. ભવિષ્યમાં અપગ્રેડ ન હોવું મૃત્યુનો જ પર્યાય હશે. સતત જીવવાનો આનંદ રહે ખરો? રહે તો પણ કેટલોક? તેનો થાક લાગે? કે એવી કોઈ શોધ થઈ ચૂકી હોય કે થાક લાગે જ નહીં ! એ તો સમય પર જ ખબર પડે, પણ અત્યારની ટેકનોલોજી અને વિજ્ઞાનની ગતિ તો મૃત્યુ પર વિજય મેળવવાની લાગે છે. એમાં પણ મનુષ્ય સતત અપગ્રેડ ન રહ્યો તો તે જીવ વગરનો જ થઈને રહી જશે. તેનું મૂલ્ય જ કદાચ નહીં હોય ! ટૂંકમાં, અપગ્રેડ થયા વગરનો માણસ શબથી વધારે કૈં નહીં હોય ! આવનારું જીવન સમૃદ્ધ હશે, પણ જોખમો કે ચિંતા વગરનું નહીં હોય. જો મૃત્યુ પર વિજય મેળવાય તો ઈશ્વરને શરણે જવાનું કે તેની ભક્તિ કરવાનું કે તેનાથી ડરવાનું પણ બહુ નહીં રહે. એ સ્થિતિમાં મનુષ્ય જ ઈશ્વરનું સ્થાન લે એમ બને. માણસ ઈશ્વર થવા મથે તો એ મનુષ્યનાં હિતમાં કેટલુંક હોય તે વિચારવાનું રહે જ છે.
ઈશ્વરને મનુષ્ય થવાનો વાંધો નથી, એમ જ મનુષ્યને પણ ઈશ્વર થવાનો નહીં હોય એમ બને. તેણે તો મત્સ્યાવતાર, કૂર્માવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતાર લઈને લોક ક્લ્યાણનાં અનેક કર્યો કર્યાં ને અવતાર છતાં, સાધારણ મનુષ્યનું મૃત્યુ માંગ્યું. પગમાં તીર વાગવાથી કોઈ માણસ મર્યો નથી, પણ ભગવાને મોક્ષ મેળવ્યો છે, તો, મનુષ્ય ઈશ્વર થઈને દેવત્વ નિભાવી શકશે એવું લાગે છે?
એવું એટલે નથી લાગતું કે ’અહમ્ બ્રહ્માસ્મિ’માં ‘અહમ્’ વધારે મુખર થતો આવ્યો છે. મનુષ્ય તરીકે એક તરફ મૃત્યુ પર વિજય મેળવવાની વાત છે, તો બીજી તરફ મનુષ્ય જ ન રહે એવા સંહારની વેતરણમાં જ જગત અત્યારે વધુ વ્યસ્ત છે. રશિયા વિશ્વયુદ્ધની તૈયારીમાં હોવાનો પાકો વહેમ જગતને છે. ઈઝરાયેલ અને હમાસના યુદ્ધનો છેડો જણાતો નથી ને એ ઉપરાંત પણ ક્યાંક ને ક્યાંક હિંસક છમકલાં તો થયાં જ કરે છે. અણુ યુદ્ધની ધમકીઓ પણ વખતો વખત અપાતી રહે છે. એક બાજુ જિંદગી વિસ્તારવાની વાત હોય, મૃત્યુ પર જીત મેળવવાની કોશિશો ચાલતી હોય ને બીજી બાજુએ સમગ્ર પૃથ્વીનો એકથી વધુ વખત સર્વનાશ થઈ શકે એટલાં શસ્ત્રો જગતે વસાવ્યાં હોય તો સવાલ થાય કે આ બધી મહેનત જીવવા માટે છે કે મરવા માટે છે? બનવું તો એવું જોઈએ કે આખું વિશ્વ સહકારની ભાવનાથી વિકસે, પણ કરુણતા એ છે કે તે સ્પર્ધાના ભાવથી આગળ વધી રહ્યું છે, સૌથી દુ:ખદ બાબત એ છે કે વિશ્વના ચાવવાના અને બતાવવાના જુદા છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 ફેબ્રુઆરી 2024