
રાજ ગોસ્વામી
તાજેતરમાં, ભારત સરકારે બે શખ્સિયતને દેશનું સર્વોચ્ચ સન્માન, ભારત રત્ન, આપ્યું. 3 ફેબ્રુઆરીએ, કેન્દ્રએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને અયોધ્યામાં રામ મંદિર ચળવળ માટે દેશ વ્યાપી રથયાત્રાના આયોજક લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી નવાજ્યા. તે પહેલાં, 25 જાન્યુઆરીએ, બિહારના બે વાર મુખ્ય પ્રધાન રહી ચુકેલા સ્વતંત્ર સેનાની અને શિક્ષક કર્પૂરી ઠાકુરને દેશનું સર્વોચ્ચ સન્માન એનાયત કર્યું હતું.
દેશની વર્તમાન પેઢીને કદાચ કર્પૂરી ઠાકુરનું નામ બિલકુલ ખબર ના હોય તે શક્ય છે. કર્પૂરી ઠાકુરને બિહારના રાજકારણમાં સામાજિક ન્યાયના નેતા માનવામાં આવે છે. કર્પૂરી ઠાકુરનો જન્મ એક સાધારણ વાળંદ પરિવારમાં થયો હતો. તેમણે જીવનભર કાઁગ્રેસ વિરોધી રાજકારણ કર્યું અને પોતાનું રાજકીય સ્થાન બનાવ્યું હતું. કટોકટી દરમિયાન પણ તમામ પ્રયાસો છતાં ઇન્દિરા ગાંધી તેમની ધરપકડ કરાવી શક્યાં ન હતાં. ભારત રત્ન માટે તેમની કેમ પસંદગી કરવામાં આવી, તેનાં અનેક કારણો પૈકી, તેમની આ રાજનીતિ પણ કારણભૂત છે.
બિહારના રાજકારણમાં, કર્પૂરી ઠાકુરની અવગણના ન કરી શકાય. કર્પૂરી ઠાકુરનું 1988માં અવસાન થયું હતું, પરંતુ આટલાં વર્ષો પછી પણ તેઓ બિહારના પછાત અને અત્યંત પછાત મતદારોમાં ખૂબ જ લોકપ્રિય છે. બિહારની લગભગ 52 ટકા વસ્તી પછાત અને અત્યંત પછાત છે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે દરેક રાજકીય પક્ષ કર્પૂરી ઠાકુરનું નામ એ રીતે લે છે જાણે ભગવાનનું નામ લેતા હોય.
કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરે કહ્યું હતું,”કર્પૂરીજી બિહારમાં સામાજિક આંદોલનના પ્રતીક રહ્યા છે, તેથી તમામ પ્રકારના લોકો, વિવિધ રાજકીય પક્ષો તેમના જન્મદિવસ પર સામાજિક ન્યાયનાં સપનાંને પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છે.”
બિહારમાં જે વાળંદ સમુદાયની વસ્તી માત્ર બે ટકા જ છે, તેના નેતા કર્પૂરી ઠાકુર આટલા મોટા નેતા બન્યા તેનું કારણ એ છે કે ઠાકુરની ઓળખ અત્યંત પછાત વર્ગ(ઈ.બી.સી.)ના એક મોટા નેતા તરીકે કરવામાં આવી છે. નાની-નાની વસ્તીઓ ધરાવતા વૈવિધ્યસભર વંશીય જૂથ ઇ.બી.સી.માં 100થી વધુ જાતિઓનો સમાવેશ થાય છે. તેમણે એક વખત એક કવિતામાં કહ્યું હતું, “હમ સોયે વતન કો જગાને ચલે હૈં, હમ મુર્દા દિલોં કો જિલાને ચલે હૈં … ગરીબોં કો રોટી ન દેતી હુકૂમત, જાલિમોં સે લોહા બજાને ચલે હૈં.”
તેમની પ્રામાણિકતાની ઘણી વાર્તાઓ આજે બિહારમાં દંતકથાઓ બની ગઈ છે. રાજકારણમાં આટલી લાંબી સફર કર્યા પછી, જ્યારે તેઓ મૃત્યુ પામ્યા, ત્યારે તેમના નામે તેમના પરિવારના વારસાને ઘર પણ નહોતું. ન તો પટણામાં, કે ન તો તેમના પૂર્વજોના ઘરમાં, તેઓ એક ઇંચ જમીન ઉમેરી શક્યા. આજે જ્યારે કરોડો રૂપિયાના કૌભાંડમાં નેતાઓના નામ ઉછાળવામાં આવી રહ્યા છે, ત્યારે કર્પૂરી જેવા નેતાઓ પણ આપણી વચ્ચે હતા, તેના પર વિશ્વાસ કરવો શક્ય નથી.
રામનાથ તેમના પિતાની સરળતાનો એક કિસ્સો વર્ણવે છે. તેઓ 1952માં ધારાસભ્ય બન્યા હતા. તેમને એક પ્રતિનિધિમંડળ સાથે ઑસ્ટ્રિયા જવાનું હતું. તેમની પાસે કોટ નહોતો એટલે કે મિત્ર પાસેથી ઉછીનો માંગ્યો. ત્યાંથી તેઓ યુગોસ્લાવિયા ગયા અને ત્યાં માર્શલ ટીટોએ જોયું કે તેમનો કોટ ફાટી ગયો છે અને તેમને એક નવો કોટ ભેટ આપ્યો હતો.”
એકવાર હઝારીબાગમાં પાર્ટીની બેઠક યોજાઈ હતી. ત્યાં મુખ્ય મંત્રીની એક મોટા ઉદ્યોગપતિના ઘરે બ્રેકફાસ્ટ મિટિંગ ગોઠવવામાં આવી હતી. તેમને પાર્ટીમાં જોડાવાની વાત પણ થવાની હતી. જ્યારે કર્પૂરી ઠાકુર નાસ્તો કરીને ત્યાંથી પરત ફર્યા ત્યારે તેમણે પાર્ટી માટે તેમની પાસેથી માત્ર 500 રૂપિયા માંગ્યા હતા. પરત ફર્યા બાદ નેતાએ તેમને કહ્યું કે તેઓ 5 લાખ રૂપિયા આપવાના હતા. આજે કયો નેતા આવું કરે?
પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ તત્કાલીન મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુરના અગ્ર સચિવ તરીકે પણ સેવા આપી હતી. તેઓ કહે છે કે, “તેમની પત્ની ગામમાં રહેતી હતી. એકવાર હું એક સરકારી કાર્યક્રમ માટે સમસ્તિપુર ગયો અને ત્યાંથી તેમના ગામમાં ગયો, મેં જોયું કે ઝૂંપડું તૂટી ગયું હતું. ત્યાં એક તૂટેલી સ્ટૂલ હતી. તેમણે મને બેસવા માટે આપી હતી. તેમણે મારા માટે માટીના ચૂલા પર ચા બનાવી. કર્પૂરજી તે સમયે બિહારના મુખ્ય મંત્રી હતા.”
કર્પૂરી ઠાકુર સાથે સંકળાયેલા કેટલાક લોકોનું કહેવું છે કે જ્યારે તેઓ રાજ્યના મુખ્ય મંત્રી હતા, ત્યારે તેમના સાળા તેમની પાસે નોકરી માટે ગયા હતા અને તેમને ક્યાંક ભલામણ કરીને નોકરી મેળવવાનું કહ્યું હતું. તેમની વાત સાંભળીને કર્પૂરી ઠાકુર ગંભીર થઇ ગયા હતા અને પછી તેમના ખિસ્સામાંથી 50 રૂપિયા બહાર કાઢ્યા અને તેમને આપ્યા અને કહ્યું, ‘જાઓ, અસ્તરો વગેરે ખરીદો અને તમારા પૂર્વજોનો વ્યવસાય શરૂ કરો.”
ઉત્તર પ્રદેશના મહાન નેતા હેમવતી નંદન બહુગુણાએ તેમના સંસ્મરણોમાં કર્પૂરી ઠાકુરની સરળતાનું વર્ણન કર્યું છે. બહુગુણા લખે છે, “કર્પૂરી ઠાકુરની આર્થિક કટોકટીને ધ્યાનમાં રાખીને હરિયાણાના મુખ્ય મંત્રી દેવીલાલે પટણામાં એક હરિયાણવી મિત્રને કહ્યું હતું – જો કર્પૂરીજી ક્યારે ય તમારી પાસે પાંચથી દસ હજાર રૂપિયા માંગે, તો તમારે આપી દેવાના, મારા પર દેવું ગણજો. બાદમાં, દેવીલાલે તેના મિત્રને ઘણી વખત પૂછ્યું – ભાઈ કર્પૂરીજીએ કંઈક માંગ્યું. દરેક વખતે મિત્રનો જવાબ હતો – ના સાહેબ, તેઓ કંઈ માંગતા નથી.”
70ના દાયકામાં સરકાર પટણામાં ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોના ખાનગી રહેઠાણો માટે પરવડે તેવા દરે જમીન આપી રહી હતી. કર્પૂરી ઠાકુરની પોતાની પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ તેમને તેમના નિવાસ માટે જમીન લેવાનું કહ્યું હતું. તેમણે સ્પષ્ટ ના પાડી. તે સમયના એક ધારાસભ્યએ પણ તેમને કહ્યું હતું, “તમે જીવતા નહિ હો ત્યારે તમારાં બાળકો ક્યાં રહેશે?” કર્પૂરી ઠાકુરે કહ્યું કે તે પોતાના ગામમાં જ રહેશે.
જ્યારે કર્પૂરી ઠાકુર પ્રથમ વખત નાયબ મુખ્ય પ્રધાન અને પછી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તે પુત્ર રામનાથને પત્ર લખવાનું ભૂલ્યા નહોતા. પુત્ર રામનાથ કહે છે, “પત્રમાં માત્ર ત્રણ જ વાત લખેલી હતી – તું (મારા પદથી) પ્રભાવિત ના થઈશ, કોઈ લાલચ આપે તો લોભ ના કરતો, મારી બદનામી થશે.”
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ; “સંદેશ”; 13 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર