I N D I A- 28 વિપક્ષોનું જોડાણ થયું ત્યારે એમ લાગેલું કે આ બધા એક થઈને ભા.જ.પ.ને પડકારી શકશે ને લોકસભાની 2024ની ચૂંટણીમાં શાસક પક્ષને પરસેવો પડાવશે, પણ અત્યારની સ્થિતિ જોતાં લાગે છે કે 2024ની ચૂંટણી પછી ભા.જ.પ. જ સત્તા પર આવે તો નવાઈ નહીં ! વિપક્ષો I N D I Aને રિપ્રેઝન્ટ કરતાં હોય તો પણ, જે તે પક્ષ પોતાનો કક્કો ખરો કરવાનું ચૂકતો નથી. પેશીની જેમ બધા સાથે તો થાય છે, પણ તેનું આખું સંતરું બનતું નથી. I N D I A નામ રાહુલ ગાંધીએ આપ્યું ત્યારે આવું સૂચક નામ આપવા બદલ ખુશી વ્યાપેલી. એ નામથી એટલું તો થયેલું કે શાસકોને ‘ભારત’ શબ્દ આગળ કરવાનું કારણ મળેલું.
કોણ જાણે કેમ, પણ એક મજબૂત વિપક્ષ તરીકે કાઁગ્રેસને ઊભા થવાનું સૂઝતું નથી. રાહુલ ગાંધી એકંદરે સક્રિય જણાય છે, પણ તે ય ચૂંટણીલક્ષી સામૂહિક પ્રયત્ન તો નથી જ ! ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધીની થઈ, પણ તે અન્ય વિપક્ષોની યાત્રા પણ બની હોત તો તેની અસર વધુ વ્યાપક હોત. બધા વિપક્ષોએ સાથે મળીને શાસકોને પડકારવાના હોય, તેને બદલે, એ એકબીજાને જ પડકારતા રહેતા હોય એવી સ્થિતિ વધારે છે. રામમંદિર કે 370 નાબૂદી જેવી સફળતા વિપક્ષો પાસે નથી. દેશ ભલે ત્રીજા નંબરની વૈશ્વિક ઈકોનોમી બનવાની ક્ષમતાથી દૂર હોય તો પણ, 80 કરોડ જનતાને મફત અનાજ પહોંચાડવાનું શાસકો ચૂક્યા નથી, તો એ 80 કરોડ પ્રજા સરકારથી એવી નગુણી તો કેવી રીતે થાય, જેણે એનું પેટ પાળ્યું હોય? એ ખરું કે વિપક્ષો પાસે સત્તા નથી, એટલે એ પ્રજાલક્ષી પ્રોજેકટો ન કરી શકે, પણ 28 વિપક્ષો એક છે એવો અવાજ તો ઊભો કરી શકેને ! એવું પણ ખાસ થયું નથી. રાહુલ ગાંધી ચૂંટણી પહેલાં હવે ન્યાયયાત્રા મણિપુરથી મુંબઈની કરવા માંગે છે. એ યાત્રા પણ રાહુલની કે કાઁગ્રેસની જ હોય એવી હવા છે, તો બાકીના વિપક્ષો એમાં જોડાય તો હવામાન બદલાય એવું, નહીં?
ઘણીવાર તો સવાલ થાય છે કે વિપક્ષો જીતવા માંગે છે કે ભા.જ.પ.ને જિતાડવા માંગે છે? બધા જ વિપક્ષો ભા.જ.પ.ને પછાડવા માંગે છે, પણ પરિણામ એકબીજાને પછાડવામાં આવે છે. એવું એટલે લાગે છે કે બધા સાથે છે, પણ I N D I Aનાં બેનર હેઠળ એક થયેલા જણાતા નથી. એક બાબત તમામ વિપક્ષોએ સમજી લેવાની રહે કે અંગતતા છોડીને વ્યાપકતા તરફ નજર નહીં દોડે તો વિપક્ષો છે ત્યાં જ રહેશે. વિપક્ષોની બેઠકો ભલે થતી રહે, પણ ભા.જ.પ.નો કાંગરો ય ખરે એમ નથી. સાચું તો એ છે કે વિપક્ષો ભા.જ.પ.ને પહોંચી વળે એમ જ નથી. ભા.જ.પ.માં મતભેદો ને વિચિત્રતાઓ નથી એવું નથી, પણ ત્યાં મોદી સિવાય કોઈને આગળ કરવાની કલ્પના પણ નથી, જ્યારે વિપક્ષોમાં બધા જ નેતા થવાની સ્પર્ધામાં છે. નેતા હોય તેની પણ ના નથી ને બધા ટિકિટને લાયક હોય તો પણ, ક્યાંક તો અટકવું પડશેને ! વિપક્ષોની સૌથી મોટી મર્યાદા તેમનામાં સંયમ અને સંપનો અભાવ છે એ છે.
એ દુ:ખદ છે કે દરેક વિપક્ષ ભેગા મળીને કોઈ એક સ્પષ્ટ નીતિ કે વ્યક્તિ જાહેર કરી શકતા નથી ને પોતાની સ્પર્ધા કોની સાથે છે ને પોતે કેટલી સીટ પર લડી ચૂક્યા છે એનો ભૂતકાળ ઉખેળવામાંથી જ ઊંચા નથી આવતા. કાઁગ્રેસ 2024ની ચૂંટણીમાં 291 બેઠક પર એકલે હાથે લડવા માંગે છે ને 85 સીટ પર I N D I Aનો સહયોગ ઈચ્છે છે. દેખીતું છે કે કાઁગ્રેસ સૌથી વધુ સીટો પર એકલે હાથે લડવા માંગે તો બીજા પક્ષોને પણ એવો લોભ હોય જ, તેઓ પણ ઈચ્છે કે કાઁગ્રેસ પોતાને માટે વધુ સીટ છોડે. મમતા બેનર્જી કહે છે કે પશ્ચિમ બંગાળમાં TMCની ટક્કર સીધી ભા.જ.પ. સાથે છે ને TMC રાજ્યમાં એકલી જ લડવા માંગે છે. બીજી તરફ I N D I A દેશમાં બધી સીટો પર સાથે લડવાની વાત કરે છે, પણ સાથે લડવાનું વલણ જણાતું નથી.
શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ ને પ્રવક્તા સંજય રાઉત કહે છે કે લોકસભા ચૂંટણીમાં શિવસેના 23 સીટો પર લડતી આવી છે. શિવસેના મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી છે એવું રાઉત કહે છે, પણ 2019ની ચૂંટણીમાં ભા.જ.પ.ને 23 અને શિવસેનાને 18 સીટ મળી હતી. કેજરીવાલે પંજાબની બધી જ 13 સીટ માંગી છે, પણ કમાલ એ છે કે 2019માં લોકસભાની ચૂંટણીમાં આપને 1 જ સીટ મળી હતી. દિલ્હીની કુલ સાત સીટ છે, પણ 2019માં બધી જ સીટ ભા.જ.પ.ને મળી હતી અને આપ કે કાઁગ્રેસનું તો ખાતું પણ ખૂલ્યું ન હતું. એ જ રીતે મધ્ય પ્રદેશમાં 29માંથી 28 સીટ ભા.જ.પ.ને મળી હતી ને કાઁગ્રેસને સમ ખાવા પૂરતી 1 સીટ મળી હતી, તો ઉત્તર પ્રદેશમાં 80માંથી ભા.જ.પ.ને 62, બ.સ.પા.ને 10, સ.પા.ને 5 અને કાઁગ્રેસને માત્ર એક સીટ મળી હતી ને બિહારમાં 40માંથી 17 ભા.જ.પ.ને, 16 જે.ડી.યુ.ને, લો.જ.પા.ને 6 અને કાઁગ્રેસને 1 સીટ 2019ની લોકસભા ચૂંટણીમાં મળી હતી.
તાત્પર્ય એ છે કે બધે જ ભા.જ.પ. મોખરે હોય તો 28 વિપક્ષો સીટની ખેંચાખેંચ કરે કે સૌથી મોટી પાર્ટીનો દાવો કરે તો તે કેટલે અંશે યોગ્ય છે? કાઁગ્રેસ પોતે મોટી પાર્ટી હોય તો પણ તેનો દેખાવ છેલ્લી ચૂંટણીમાં કંગાળ રહ્યો છે. હકીકત એ છે કે ભા.જ.પ. સામે તમામે તમામ વિપક્ષોનો છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં દેખાવ નબળો રહ્યો છે ને 2024માં ભા.જ.પ.ને ટક્કર આપવી હોય તો તે મુજબની સ્ટ્રેટેજી નક્કી કરવી પડે, પણ એવું કશું જણાતું નથી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પછી પણ ભા.જ.પ.ને ટક્કર આપી શકે એવાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો નથી. પાંચમાંથી 3 રાજ્યો – મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભા.જ.પ.નો વિજય થયો છે ને તેલંગાણામાં કાઁગ્રેસ જીતી છે.
આમ ચૂંટણી જીતવાના ઠેકાણાં નથી, પણ વડા પ્રધાન પદ માટે વિપક્ષોની દાવેદારી શરૂ થઈ ગઈ છે. કાઁગ્રેસમાંથી મલ્લિકાર્જુન ખડગે, જે.ડી.યુ.ના નીતીશકુમાર, બ.સ.પા.નાં માયાવતી, આપના કેજરીવાલ, તૃણમૂલ કાઁગ્રેસનાં મમતા બેનર્જી, શિવસેનાના ઉદ્ધવ ઠાકરેનાં નામ આગળ કરાયાં છે. એન.સી.પી.ના શરદ પવાર ભેદી છે ને રહેશે. એ વિપક્ષોની સાથે છે કે એન.ડી.એની. સાથે તે નક્કી નથી, પણ એ તો લાભ હશે ત્યાં જ લોટશે એ નક્કી છે. 2014 અને 2019માં નાલેશીભરી હાર વેઠી હોય છતાં, વિપક્ષોને અહંકારને કારણે આત્મમંથન સૂઝતું નથી તેનું આશ્ચર્ય છે.
થોડા વખત પહેલાં I N D I A ગઠબંધનની મીટિંગમાં મમતાએ વડા પ્રધાનપદના ચહેરા તરીકે ખડગેનું નામ સૂચવ્યું એને આપના ટેકા સહિત બારેક પક્ષોએ ટેકો આપ્યો, પણ બાકીના પક્ષોએ આનાકાની કરી ને વાત આગળ ના વધી. નીતીશ અને શરદ પવાર છણકાયા. ખડગેનું નામ ચાલવું જોઈતું હતું, કારણ તેમની દક્ષિણના રાજ્યોમાં સારી એવી પકડ છે. કમ સે કમ કર્ણાટક અને તેલંગાણામાં કાઁગ્રેસનું ગાડું તો ગબડ્યું જ છે. એ નામ ન હોય તો ભલે, પણ કોઈ એક નામ સર્વ સંમતિથી કે બહુમતીથી એવું નક્કી નથી થઈ શકતું જે આખા I N D I A – ગઠબંધનને પ્રસ્તુત કરી શકે. એને બદલે 28 પક્ષો 28 નામ રજૂ કરવાની બાલિશતા ધરાવે, તો એમને એ નથી ખબર કે દેશનો વડા પ્રધાન તો એક જ હોય છે, 28 નહીં. શિવસેનાના મુખપત્ર ‘સામના’માં યોગ્ય રીતે જ પુછાયું છે કે INDIA ગઠબંધન માટે સંયોજકનો ચહેરો કયો છે? મોદીની સામે ધરી શકાય એવું નામ કયું છે? એનો જવાબ વિપક્ષો પાસે નથી.
એ જરૂરી નથી કે વડા પ્રધાનપદ માટે કોઈ ચહેરો હોવો જ જોઈએ, પણ આટલા બધાં નામ વિપક્ષો ફોડતાં હોય ને એ બધા જ કૈં વડા પ્રધાન થઈ ન શકે, એ સ્થિતિમાં બધા પક્ષોને આશ્વસ્ત કરી શકે એવું એકાદ નામ તો હોવું જોઈએ, કારણ, ન કરે નારાયણ ને વિપક્ષો સત્તા પર આવ્યા તો આ બધા ચહેરા એટલું બખડજંતર કરશે કે ફરી ચૂંટણીનું બ્યૂગલ વાગે તો આશ્ચર્ય ન થાય. આવી ભાંજગડથી થાય છે એવું કે દેશ આખામાં વિપક્ષો વચ્ચે કેટલી સમજૂતી ને સંપ છે, એ બહાર આવે છે. પ્રજા આ બધું જુએ છે. તે મૂર્ખ નથી. તેને ખબર પડે છે કે વિપક્ષોથી શેકેલો પાપડ પણ ભાંગે એમ નથી, એટલે વધારે સાહસ કરવાનું પડતું મૂકીને તે, જે પાણીએ મગ ચડે તે પાણીએ ચડાવે છે.
વિપક્ષો એક મત ન થાય ત્યાં સુધી ભા.જ.પ.ને વાંધો આવે એમ નથી. કોઈ ચમત્કાર જ તેને સત્તાથી દૂર રાખે એમ બને. વિપક્ષો કુસંપને કારણે હારે ને ભા.જ.પ. સંપને કારણે જીતે એમ બને …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 જાન્યુઆરી 2024