બાપા ગુજરી ગયા ત્યારે દિવાળી હતી …
એટલે કે ગયા તેથી દિવાળી હતી,
એમ નહિ, ખરેખર જ દિવાળી હતી.
બૈરાંઓએ છેડો ખેંચતાં છેડો મૂકેલો :
દિવાળી બગાડી રે ….
ઘર શોક મગ્ન હતું ને લોક જોક મગ્ન!
બાપાને મત ઓછા ને મતભેદ વધારે હતા,
એટલે મને ઝાઝું ફાવતું નહિ!
આમે ય ફાવે તેવો બાપ ભાગ્યે જ કોઈને મળે છે,
તેમાં વળી બાપા તો દેવું મૂકતા ગયેલા વારસામાં
એટલે ઘરડાં ઘૂમટાઓની રૂદનની પ્રિન્ટ
૩૫ એમ એમ માંથી રહી રહીને
૭૦ એમ એમની થઇ ઊઠતી હતી.
બાપાને વળાવીને આવ્યા ત્યારે ફટાકડા ફૂટવાનું
ને બૈરાંઓ કૂટવાનું કામ કરતાં હતાં.
અમારા પાછા ફરવાની ખાતરી ન હોય તેમ
અમને જોતાં જ ઠૂઠવો એટલો લાંબો મૂકાયો કે
વર્ષ બદલાયાંની ખબર જ ન પડી.
બાપા ગયા, પણ સગાંઓ ગયા નહિ.
બાપાને સૌ ઘાસની જેમ વાગોળતાં રહ્યાં
સગાંઓને બાપા રમૂજી લાગતાં,
પણ મને તો એ મૂજી જ લાગતા.
ઘરવટને બદલે બાપાએ અમને ઘરવટો આપેલો ..
એટલે પ્રથમ પુણ્યતિથિએ
શ્રદ્ધાંજલિ છપાવવાની વાત આવતાં
મારી શ્રદ્ધા તૂટી ને અંજલિ બચી.
છતાં અંગૂઠાછાપ બાપા માટે
અંજલિ છપાવવાં હું પરાણે તૈયાર થયો.
એક જૂના ફોટોગ્રાફ્માંથી બાપા ખેંચી કઢાયા, ઉછેરાયા….
અને મેટર આવવા માંડ્યું:
તમારી ખોટ ક્યારેય પુરાવાની નથી!
મને, બાપાનું દેવું ઝબકી ગયું.
કોઈએ લખ્યું:
તમારી એક વખતની હાજરીથી ભરેલું ઘર
હવે ખાલીખમ લાગે છે.
પણ લખનારે હાજરીને બદલે હોજરી લખી માર્યું’તું.
એક મિત્રે મથાળું બાંધ્યું: ભાવભીની અંજલિ.
પણ ‘ભાવભીની’માં ‘વ’ લખવાનું જ રહી ગયું હતું.
છેવટે, ‘તર્પણ’ એજન્સીના સંચાલકને મળવાનું નક્કી કર્યું.
બાપાના મરવાની વાત સાંભળતાં
સંચાલકે પ્રોફેશનલ પોક મૂકી:
બહુ ખોટું થયું …બહુ,,,
પછી નાક સાફ કરતા નિસાસ્યા-ક્યારે થયું?
– વરસ થવા આવ્યું .
ભોંઠપ છુપાવતાં સંચાલકે કહ્યું – ઉપલે માળે જાવ.
મેં પૂછ્યું – ઉપલે માળે?
સંચાલકશ્રી બોલ્યા, ‘એક વર્ષની અંજલિ પહેલે માળે, બે વર્ષની બીજે,
એમ દસ માળ સુધીની વ્યવસ્થા છે.
-પણ કોઈને અગિયાર થયાં હોય તો?
– તો એના સંબંધીઓએ મેન્ટલ હોસ્પિટલે જવું જોઈએ.
ભલા માણસ, એક જ દિવસમાં માણસ ભુલાઈ જતું હોય ત્યાં તમે –
સંચાલકશ્રીને બોલતા રાખીને અમે પહેલે માળે ગયાં.
એક બહેને પૂછ્યું – કોની છે?
– મારી.
– તમારી પુણ્યતિથિ? – બહેન ગૂંચવાયાં.
– પુણ્યતિથિ નહિ, જાહેરખબર મારી છે.
– પણ પુણ્યતિથિ?
– બાપાની છે.
– તો બાજુની રૂમમાં જાવ. આતો માતાની પુણ્યતિથિનો વિભાગ છે.
બાજુની રૂમમાં એક વડીલ મોંમાં હવા મારી રહ્યા હતા.
અમને જોતા અર્ધા શ્વાસે પૂછ્યું – આખું કે અડધું?
મેં કહ્યું – પાસપોર્ટ સાઈઝ.
– એ તો દસમે વર્ષે ચાલે.
-પણ દસમે વર્ષે આપણું મળવાનું ન યે થાય.
એમ નહિ – વડીલ વકર્યા – પહેલી પુણ્યતિથિ ને
જાહેરાત પાનાની ય નહિ?
– એવી સ્થિતિ નથી અમારી.
– તો અમારી બગડશે. કમસેકમ અડધા પાનાની જાહેરાત તો –
– શક્ય નથી.
– બાપ માટે પાંચ હજાર ન ખર્ચાય? મારો દીકરો તો પચાસ…
– એને ય તક મળવી જોઈએને!
મોંમાં હવા મારતા વડીલે આલબમ સામે ધર્યું – પસંદ કરી લો.
આલબમમાં અનેક બાપાઓ
‘શ્રદ્ધાંજલિ’ના ટાઈટલ હેઠળ નિરાધાર લટકતા હતા.
– તમે નથી ને અમે છીએ તથી આ શ્રદ્ધાંજલિ!
– હતા ત્યારે તમે રડ્યા ને નથી તો અમે રડીએ છીએ.
છેવટે સાડા સાતસોમાં સોદો પત્યો.
ત્યાં દૂરના કાકા નજીક આવી કાનમાં કચક્ચ્યા:
જાહેરાત આપને!
મેં કહ્યું: આપીએ છીએ તે જાહેરાત જ છે.
-એમ નહિ,’શ્રદ્ધાંજલિ’ નીચે
પિતૃકૃપા પ્રોવિઝન સ્ટોર્સ, સુરતવાલા એમ લખાવ.
– એ ઠીક ન લાગે. બાપાને વટાવવા જેવું …
કાકા કૂદ્યા – મૂરખ, બાપ નથી પણ ધંધો તો છેને!
@
બીજે દિવસે આખો મહોલ્લો ઘરમાં ધસી આવ્યો….
-અલ્યા વરસ પહેલા માર્યો તે તારો જ બાપ હતો કે –
– હતો તો મારો જ, પછી ખબર નહિ!
-તો પછી આ શું છે?
જોયું,તો બાપા, ‘અસ્થિર મગજના હોવાથી ચાલ્યા ગયા છે’-
એમાં છપાયા હતા…
000
e.mail : ravindra21111946@gmail.com