દેશને પક્ષ પ્રમાણે વડા કે નેતા હોય છે ને તે સુપ્રીમો તરીકે સત્તા ભોગવતા હોય છે, આમાં કેટલાક બની બેઠેલા સુપ્રીમો પણ ખરા. આ ખરા કે ખોટા સુપ્રીમો સતત પક્ષના હિતમાં જ વિચારતા હોય છે ને તે પ્રમાણે નિર્ણયો લેતા હોય છે. તેનો હેતુ સત્તા પર હોય તો કોઈ પણ ભોગે સત્તા ટકાવી રાખવાનો હોય છે ને સત્તા પર ન હોય તો કોઈ પણ ભોગે સત્તામાં આવવાનો હોય છે. આમાં તટસ્થતા સમ ખાવા પૂરતી હોય તો હોય, પણ સુપ્રીમ (કોર્ટ) પાસેથી તો હંમેશ તટસ્થતા જ અપેક્ષિત છે ને દેશના સદ્દભાગ્યે એ જળવાઈ રહે છે તેનો આનંદ છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના નીરક્ષીર ન્યાયનો આખા દેશે અનુભવ કર્યો તે વાતની સાભાર નોંધ લેવી ઘટે.
આમ તો કોઈ શહેરની મેયર પદની ચૂંટણી સુપ્રીમ સુધી જતી નથી, પણ આ વખતની ચંડીગઢની મેયરની ચૂંટણી એટલી બધી સુપ્રીમમાં પહોંચી કે ખુદ CJI ચંદ્રચૂડે હસ્તક્ષેપ કરવો પડ્યો. આમ તો અત્યાર સુધી ચંડીગઢની મેયરની ચૂંટણીમાં ભા.જ.પ.ને સીધો બહુમત નહોતો, પણ કાઁગ્રેસ અને આપ વચ્ચે મનમેળ ન હોવાનો લાભ ભા.જ.પ.ને મળતો રહેતો હતો. એ શક્યતા એટલે ઘટી કે આ વખતે કાઁગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હાથ મિલાવી લીધા ને 30 જાન્યુઆરી, 2024 ને રોજ ચૂંટણી થઈ, ત્યારે ભા.જ.પ.ના હારવાના ચાન્સ વધારે હતા, પણ પરિણામ આવ્યું તો એક સાંસદ અને 35 કાઉન્સિલરોના કુલ 36 મતોમાંથી ભા.જ.પ.ના મનોજ સોનકરને 16 મત મળતા તેમને મેયર પદના વિજેતા જાહેર કરાયા. આપ-કાઁગ્રેસનાં ગઠબંધનના ઉમેદવાર કુલદીપ કુમાર ટીટાને 12 જ મત મળતા તે હાર્યા હતા. આઠ મતો અમાન્ય ઠરતા સોનકર મેયર જાહેર થયા હતા.
જો કે, વિપક્ષને એમાં ગેરરીતિ જણાઈ એટલે તેણે હાઇકોર્ટમાં અરજી કરી ને ચૂંટણી પ્રતિબંધિત કરવાની માંગ કરી, પણ હાઇકોર્ટે વિપક્ષની માંગણીનો અસ્વીકાર કર્યો. હાઈકોર્ટના આદેશને પણ વિપક્ષ દ્વારા 3 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં પડકારાયો. 5 ફેબ્રુઆરીએ ચંડીગઢ પ્રશાસન પર કડક ટિપ્પણી કરતાં સુપ્રીમે કહ્યું કે લોકશાહીની હત્યા થઈ છે. 20મી ફેબ્રુઆરીએ સુપ્રીમમાં સુનાવણી હાથ ધરાઇ અને આપ-કાઁગ્રેસના ઉમેદવાર કુલદીપ કુમારને સુપ્રીમ કોર્ટે મેયર પદના વિજેતા જાહેર કર્યા. સાધારણ રીતે ઉમેદવારોને ચૂંટણીના વિજેતા જાહેર કરવાનું કામ સુપ્રીમ કોર્ટનું નથી, પણ ચંડીગઢને મામલે સુપ્રીમે નિર્ણય જાહેર કરવાની નોબત આવી અને ચૂંટણી સંબંધી નિર્ણયોમાં પહેલીવાર, બંધારણે આપેલ વિશેષાધિકારની કલમ 142ની રૂએ ચુકાદો આપવાનું સુપ્રીમે સ્વીકાર્યું. બન્યું એવું કે આપના સર્વેસર્વા કેજરીવાલે 30મી જાન્યુઆરીની ચૂંટણીનું CCTV ફૂટેજ રજૂ કર્યું, જેમાં પ્રિસાઈડિંગ ઓફિસર મતપત્રકો સાથે છેડછાડ કરતા દેખાયા. એની કડક ચકાસણી થતાં, પેલા રદ્દ થયેલા આઠ મતો આપના જ હતા ને તે નિશાની કરીને પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહે ઇરાદાપૂર્વક રદ્દ કર્યા હતા, એ ફલિત થયું. આ શરમજનક હતું ને CJIએ રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહનો ઊધડો લેતાં સોંસરું કહ્યું, ‘અમે જે પણ પૂછીશું તેનો સાચો જવાબ આપજો, ખોટું બોલશો તો તમારા પર કેસ થશે. આ એક ગંભીર મામલો છે અને અમે તમને વીડિયોમાં બેલેટ પેપરમાં ક્રોસ કરતાં જોયા છે. તમે આ કામ કેમેરાની સામે જોઈને કરી રહ્યા હતા. તમે શું કરી રહ્યા હતા?’ આ અંગે ઘણું જૂઠાણું ચલાવ્યા પછી, અનિલ મસીહે છેવટે કબૂલ કરવું પડ્યું કે તેમણે આપને મળેલા મતવાળા 8 બેલેટ પેપર સાથે ચેડાં કર્યાં હતાં. એ મતપત્રકો સુપ્રીમે ગણતરીમાં લેતાં કુલદીપ કુમાર વિજેતા થતા હતા ને તેમને મેયર તરીકે વિજેતા જાહેર કરાયા.
બીજી તરફ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતાં સોનકરે મેયર તરીકે 18 ફેબ્રુઆરીએ રાજીનામું મૂક્યું ને ધારણા એવી હતી કે ભા.જ.પ.ના મેયર દ્વારા રાજીનામાની ખેલદિલી દાખવાતા સુપ્રીમ ફરી ચૂંટણી આપે. એ દરમિયાન જ આપના ત્રણ કાઉન્સિલરો ભા.જ.પ.માં જોડાયા. ભા.જ.પ.ને એવું હતું કે સુપ્રીમ ફરી ચૂંટણી જાહેર કરે તો સોનકરને મળેલા 16 ઉપરાંત, આપમાંથી આવેલા બીજા ત્રણ મત ઉમેરાતા 19 મત થાય ને નવી ચૂંટણીમાં સોનકર કે અન્ય કોઈ પક્ષનું જીતે તો ભા.જ.પ.ની જીત નિશ્ચિત થઈ જાય, પણ એવું કશું થયું નહીં અને રદ્દ થયેલા 8 મત આપને પક્ષે જતા, આપના કુલદીપ કુમાર મેયર જાહેર થયા.
આ પરિણામ 30મી જાન્યુઆરીએ જ જાહેર થઈ શક્યું હોત, પણ તેમ ન થયું ને રિટર્નિંગ ઓફિસરે ભા.જ.પ.ની તરફેણમાં પરિણામ ‘ક્રિએટ’ કર્યું, એ કોના કહેવાથી કર્યું એ તો ખબર નથી, પણ પોતે ભા.જ.પ. સાથે સીધી રીતે સંકળાયેલા હતા, એટલે ભા.જ.પ.ની ફેવર કરવાની લાલચ રોકી ન શક્યા હોય એમ બને. મતપત્રકો કોઈ પણ છેડછાડ વગરનાં હતાં ને આપને લાભ થશે એવું લાગતાં રિટર્નિંગ ઓફિસરે પોતે નિશાની કરીને મતપત્રકો સાથે છેડછાડ થઈ છે એવું ચિત્ર ઉપસાવ્યું. વીડિયોમાં અનિલ મસીહ મતપત્રકો સાથે છેડછાડ કરે છે એવું સુપ્રીમને સ્પષ્ટ જણાયું. એ પરથી સુપ્રીમે રદ્દ થયેલાં મતપત્રોને વેલીડ ગણીને આપના કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા.
રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહની તટસ્થતા અપેક્ષિત હતી, પણ તેમણે ભા.જ.પ.ની વફાદારી ન છોડી ને પરિણામ એ આવ્યું કે ભા.જ.પે. તેમને લઘુમતી મોરચાના મહાસચિવ પદેથી દૂર કર્યા. એને ય તટસ્થતા(?!) અપેક્ષિત હોયને ! જો કે, અનિલ મસીહ વિરુદ્ધ કેસ ચલાવવાનો સુપ્રીમે આદેશ કર્યો છે, એટલે વધુ ન્યાય તો ત્યારે થાય એમ બને. આ સજ્જને માન્ય મતપત્રકોને નિશાની કરીને અમાન્ય ઠેરવ્યા, સુપ્રીમ સામે જૂઠાણું ચલાવ્યું, એમ કરીને એમણે મતપત્રકો સાથે જ નહીં, લોકશાહી સાથે પણ ચેડાં કર્યાં. એમની સામે ફોજદારી રાહે પણ કામ ચલાવવાની વાત સુપ્રીમે કરી છે એ યોગ્ય જ છે, કારણ કાયદાનું કોઈ મૂલ્ય જ ન હોય એમ, એટલા અપરાધો અનેક ક્ષેત્રોમાં થાય છે કે કાયદાનાં શાસન પરથી ભરોસો ઊઠી જાય. સુપ્રીમનો આ નિર્ણય એટલો બધો સમયસરનો છે કે તેનું પરિણામ પણ તરત જ જોવા મળ્યું છે. એટલે જ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કહ્યું, ‘એવું લાગી રહ્યું છે કે ભગવાન કૃષ્ણ સુપ્રીમ કોર્ટમાં હાજર છે અને તેઓ ચીફ જસ્ટિસ દ્વારા ચુકાદો આપી રહ્યા છે.’ આ વિધાન બહુ સૂચક છે.
હવે એવું બને કે આપમાંથી ભા.જ.પ.માં ગયેલા ત્રણ મતોને આધારે ભા.જ.પ. ફરી ચૂંટણીની સ્થિતિ ઊભી કરે ને કુલદીપ કુમારને બદલે ફરી મનોજ સોનકર કે અન્ય આયાતી સભ્યને મેયર બનાવવા આગ્રહ કરે તો આપે હારવાનું થાય. આમ પણ લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિપક્ષોમાંથી પોતાની તરફ ખેંચવાના પ્રયત્નો થાય છે ને થશે પણ ખરા. ભા.જ.પ. એવી સ્થતિ ઊભી કરે તો નવાઈ ન લાગે કે સામે વિપક્ષ જેવુ કૈં રહે જ નહીં ! એ તો કરે, પણ વિપક્ષી સભ્યો પણ સ્વમાન, સંકોચ અને શિસ્ત વિનાના થવામાં નાનમ નથી અનુભવતાને ! પક્ષાંતર વિરોધી કાયદો નથી એવું ક્યાં છે? એ કાયદાને ઘોળીને પી જવાયો છે. કેટલાક વિપક્ષી સભ્યો વિપક્ષમાં હોય છે જ એટલે કે શાસકો તરફથી ભાવ બોલાય તો પોતાની વેચાણ કિંમત નક્કી થઈ શકે. એવી રીતે નવા આવેલા આપના સભ્યોને જોરે ભા.જ.પ. કુલદીપ કુમારને મેયર તરીકે ન ટકવા દે અને ફરી ચૂંટણી માંગે તો સુપ્રીમના ચુકાદાને ય ઉલટાવવા જેવું થાય ને ભા.જ.પ.નો કક્કો જ ખરો થાય એવી શક્યતાને પણ નકારી ન શકાય.
ભા.જ.પ. અનેક લોકકલ્યાણનાં કાર્યો કરે છે એની ના જ નથી, પણ પક્ષની મજબૂતી માટે તેના કોઈ આદર્શ, કોઈ સિદ્ધાંત નથી કે નથી કોઈ નીતિ ! કોઈ પણ રીતે સત્તા ટકાવવા કે મેળવવા સામેના પક્ષના સભ્યોને કોઈ પણ લાલચે તોડીને પોતાનામાં ભેળવવામાં તેને કોઈ સંકોચ થતો નથી. સાચું તો એ છે કે આવો કોઈ સંકોચ કોઈ પણ પક્ષને થતો નથી. દૂર ક્યાં જવું, જેની નીતિ જ અનીતિ છે, એવા નીતીશકુમાર જે રીતે ભા.જ.પ.માં આવે-જાય છે ને એ ભા.જ.પ. ચાલવા દે છે એ પરથી પણ, ભા.જ.પ.ને સાધન શુદ્ધિનો કેટલો આગ્રહ છે તે સમજી શકાય એમ છે. લાગે છે તો એવું કે જે, જે બાબતોનો કાઁગ્રેસ સામે વાંધો પાડીને ભા.જ.પ. 2014માં કેન્દ્રમાં સત્તા પર આવ્યો એ તમામ બાબતોની, સત્તા સંદર્ભે તેને કોઈ છોછ રહી નથી. આ દુ:ખદ છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ફેબ્રુઆરી 2024