તિરૂપતિના લાડુમાં ભેળસેળની ચંદ્રાબાબુ નાયડુની બૂમ શુક્રવારે પડી કે આખો દેશ ખળભળી ઊઠયો છે ને હિન્દુઓની આસ્થા પર કુઠારાઘાત થયો હોવાની બૂમરાણ મચાવી રહ્યો છે. ખરેખર તો કેટલાંક તત્ત્વોનો હેતુ જ હોબાળો થાય એવો હતો ને છે ને એ તત્ત્વો સફળ થઈ રહ્યાં હોય એવું પણ લાગી રહ્યું છે. ભેળસેળ તિરૂપતિ બાલાજીના લાડુમાં જ થઈ છે એવું નથી. પ્રસાદમાં ભેળસેળની બૂમ તો પ્રસિદ્ધ અંબાજી મંદિરમાંથી ય ઊઠી હતી. એમાં પણ પ્રસાદમાં અપાતાં મોહનથાળના ઘીમાં ભેળસેળનો અવાજ ઊઠ્યો હતો. અશુદ્ધ ઘીના 180 ડબ્બા પકડાયા હતા, પણ ઘીમાં શું હતું એનો વર્ષ થવા આવ્યું તો ય રિપોર્ટ જાહેર થયો નથી. થોડા વખત પછી વળી રગશિયું ગાડું ચાલ્યું છે ને ઘીનાં ઠામમાં (ભેળસેળિયું) ઘી પડી રહ્યું છે. અત્યારે પણ પ્રસાદના મોહનથાળમાં ભેળસેળિયું ઘી જ વપરાય છે ને ભક્તો તે હોજરીમાં ઠાલવે પણ છે. માતાજીને નથી, તો ભક્તોને શું વાંધો હોય?
સરકાર રાબેતા મુજબ મોડી જાગી છે ને તે બાર વરસે બાવો બોલે તેમ બોલી પણ કે ગુજરાતમાં અંબાજી સહિત પ્રસિદ્ધ મંદિરોના પ્રસાદની ચકાસણી થશે. ફૂડ અને ડ્રગ્સ વિભાગ રાજ્યનાં 32 જેટલાં યાત્રાધામોના પ્રસાદની લેબોરેટરીમાં ચકાસણી કરશે. સાધનો તો ચકાસણીમાં વફાદારી દાખવે છે, સવાલ અધિકારીઓની વફાદારીનો છે. થોડી લાલચે, મેડિકલ રિપોર્ટ બદલાઈ જતા હોય, ત્યાં પ્રસાદની ચકાસણીમાં બાંધછોડ કોઈ પણ સ્તરે ન થાય તે અપેક્ષિત છે. તિરૂપતિનો પડઘો સુપ્રીમ સુધી પડ્યો છે, એટલે આનો નિવેડો આવે એમ બને, પણ ત્યાં સુધીમાં કોકડું કેટલું ગૂંચવાશે એની કલ્પના જ કરવાની રહે છે.
આપણને આ બધું બહુ સ્પર્શતું નથી. બધું જ ભ્રષ્ટ ને ભેળસેળિયું હોય ત્યાં રોજ તો કોણ રડે? દવામાં, દારૂમાં, મસાલામાં, ઘીમાં, તેલમાં … ભેળસેળ ક્યાં નથી? નથી પકડાતું ત્યાં સુધી બધું શુદ્ધ છે, પકડાય કે અશુદ્ધ ! વસ્તુમાં જ ભેળસેળ છે એવું નથી, વ્યક્તિમાં, પક્ષોમાં પણ ભેળસેળની નવાઈ નથી. રાજકીય લાભ ખાટવા ભા.જ.પ.માં વિપક્ષોના સભ્યો ઘૂસ્યા જ ને ! આવી રાજકીય ભેળસેળની સામે કોઈ પણ ભેળસેળ નાની જ ગણાય.
દેશના સૌથી ધનિક તિરૂપતિ ભગવાનને નામે કરોડો આસ્થાળુઓની શ્રદ્ધા સાથે રમત રમાઈ છે ને એ બધું અગાઉની જગન મોહનની સરકાર દ્વારા થયું છે એવો આરોપ પણ હાલની નાયડુ સરકાર લગાવી રહી છે. ભગવાનને ચડેલું અગિયાર હજાર કિલોથી વધુ સોનું બેન્કોમાં રાખવામાં આવ્યું છે. એ ઉપરાંત નવ હજાર કિલોથી વધુ વજનના ચાંદીના દાગીના પણ ખરા જ ! ભગવાન પાસે 6,000 એકરનાં જંગલ જમીન છે. દર વર્ષે હજાર કરોડથી વધુનું તો ભક્તો તરફથી દાન આવે છે. આટલા અમીર ભગવાનનાં મંદિરમાં પ્રસાદનો લાડુ, પૈસા આપ્યા પછી પણ, ગાયની ચરબીવાળો મળતો હોય તો હિન્દુઓને ત્યાં ઊભા રહેવાનું કારણ જ કયું રહે છે? મંદિર તો ભેળસેળની વાતને નકારે જ છે, છતાં મંદિરનાં શુદ્ધિકરણનો ત્રિદિવસીય ઉપક્રમ પણ યોજવામાં આવ્યો છે તે પણ ખરું.
ખરેખર તો આંધ્રની આગલી અને હાલની સરકારો એક બીજાનું થાય એટલું ચીરહરણ કરવામાં પૂરી તાકાત લગાવી રહી છે. પ્રજાને આ ચીરહરણ જોવાનો આકસ્મિક લાભ મળી રહ્યો છે તે, તે લાચારીથી લઈ રહી છે. આની તપાસ બપાસ ચાલશે, થોડાકની ધરપકડ થશે ને હકીકત બહાર આવ્યા વગર જ ભુલાઈ જશે કે ભુલાવી દેવામાં આવશે. બધું વલોવાશે પછી ખબર પડશે કે એ પાણી હતું. આમ તો આ પ્રસાદનો પ્રશ્ન છે, પણ હવે શ્વાસ પણ રાજકારણથી જ ચાલે છે તો પ્રસાદ પણ એનાં વગર કેવી રીતે રહે?
ચંદ્રાબાબુ નાયડુ કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકારના ટેકેદાર છે ને હિન્દુત્વનો મુદ્દો તિરૂપતિના લાડુ નિમિત્તે ઉછળતો હોય તો તેને તો સોના કરતાં પીળું જ છે. આંધ્રમાં અગાઉ જગન મોહનની સરકારે નાયડુને સળિયા ગણાવેલા, હવે નાયડુનો વારો છે, સળિયા ગણાવવાનો. ‘જગન’ભડાકો ન થાય તો જ નવાઈ ! જગનના વખતમાં નંદિની બ્રાન્ડનું ઘી આવતું હતું. તે ભાવ ન પોષાતા ડેરીએ વધુ ભાવ માંગ્યો. એ ભાવને મંજૂરી ન મળતાં નંદિની બહાર થઈ ગઈ. તે પછી જગન સરકારે 320ના ભાવે ઘી ખરીદ્યું. દેખીતું છે કે તે ભેળસેળ વગરનું ન જ હોય, સાધારણ ભાવ 800ની આસપાસ ચાલતો હોય ત્યાં કોઈ 320ને ભાવે ઘી આપે તો તેની શુદ્ધિ વિષે શંકા રહેવાની. જગન સરકાર પણ વાંકમાં તો હતી જ. કર્ણાટક કો-ઓપરેટિવ મિલ્ક ફેડરેશન 50 વર્ષથી ટ્રસ્ટને રાહત દરે ઘી સપ્લાય કરતું જ હતું. દર છ મહિને 1,400 ટન ઘી વપરાતું હતું. જુલાઇ 2023માં કંપનીએ ઓછા ભાવે ઘી આપવાની ના પાડી, તો જગન સરકારે (YSRCP) 5 બીજી કંપનીઓને સપ્લાયનું કામ સોંપ્યું. એમાંની તામિલનાડુની એક કંપની એ.આર. ડેરી ફૂડ્સની પ્રોડક્ટમાં જુલાઈ, 2024માં ગરબડ હતી.
ચંદ્રાબાબુને અહીં બાંય ચડાવવાની તક મળી ગઈ. એમણે ધડાકો કર્યો કે તિરૂપતિના લાડુમાં ભેળસેળ છે. તેમાં માછલીનું તેલ, ગોમાંસ અને પ્રાણીની ચરબીનું તેલ વપરાય છે. આ જાહેરાતથી હિન્દુઓ ભડક્વાના હતા ને ભડક્યા પણ ! આ અંગેનો એક રિપોર્ટ પણ ગુજરાતની લેબોરેટરીમાંથી નાયડુએ મેળવ્યો. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભા.જ.પ. અને નાયડુ હિન્દુઓની આસ્થા સાથે રમત રમી રહ્યા છે. એ સાથે જ એવું ચિત્ર પણ ઉપસાવાઈ રહ્યું છે કે પૂર્વ મુખ્ય મંત્રી જગન મોહન મુસ્લિમ તરફી છે એટલે આવી ભેળસેળ દ્વારા હિન્દુઓની આસ્થાની અવગણના કરી રહ્યા છે. ભા.જ.પે. આ પહેલાં પણ તિરૂપતિ ટ્રસ્ટના ચેરમેન વાય.વી. સુબ્બા રેડ્ડી ખ્રિસ્તી છે એવો દાવો કરેલો, પણ તે પોકળ પુરવાર થયેલો. વિશ્લેષકોનું કહેવું છે કે ભા.જ.પ.ને લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી નથી એટલે તે હિન્દુઓને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરવાની કોશિશ કરતો રહે છે. આ વેપલામાં ચંદ્રાબાબુને રસ એટલે છે કે તેઓ તેમની મુસ્લિમ તુષ્ટિકરણની છાપ બદલીને પોતે હિન્દુ તરફી હોવાની છાપ ઊભી કરી શકે.
બીજી વાત એ કે ચંદ્રાબાબુની પોતાની હેરિટેજ કંપની છે. અત્યારે તો એમણે નંદિની બ્રાન્ડનું ઘી મંદિરમાં ઘૂસવા દીધું છે, પણ પછી હેરિટેજનું ઘી ઘૂસાડી મંદિરમાંથી કરોડો ઉસેટવાની ગણતરી હોય તો નવાઈ નહીં ! નાયડુ સામે બીજી શંકા એ છે કે તેમણે ચરબી ને તેલ હોવાનો રિપોર્ટ તો જાહેર કર્યો, પણ એ ઘી સપ્લાય કરતી કંપનીનું નામ જાહેર નથી કર્યું. વારુ, એ રિપોર્ટ લેબોરેટરીના લેટર હેડ પર નથી, પણ સાદા કાગળ પર છે. વળી તિરૂપતિ મંદિરની પોતાની લેબોરેટરી છે, હૈદરાબાદમાં એફ.એસ.એલ. જેવી રાષ્ટ્રીય કક્ષાની લેબોરેટરી છે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસ પણ હૈદરાબાદમાં છે, છતાં નાયડુએ રિપોર્ટ ગુજરાતની લેબોરેટરીનો મેળવ્યો. વળી નાયડુ પાસે રિપોર્ટ તો જુલાઈમાં આવી ગયેલો, પણ તેમણે આખો ઓગસ્ટ ને અડધો સપ્ટેમ્બર ગયો ત્યાં સુધી મૌન સેવ્યું. આ મૌન આવી રહેલી ચૂંટણીને લઈને હતું કે કેમ તે ખબર નથી. મંદિરનું ટ્રસ્ટ તો કહે જ છે કે લાડુ મંદિર દ્વારા જ બને છે. તેમાં સામગ્રી કેટલી માત્રામાં હોય તે પણ મંદિર દ્વારા જ નક્કી થાય છે. એ જો સાચું હોય તો મંદિર ઘીની તપાસ પોતાની લેબોરેટરીમાં કરતી જ હશે, પણ આ મામલામાં મંદિરે કૈં જ કહેવાનું નથી તેનું આશ્ચર્ય છે.
મંદિરને લાડુમાંથી જ 500થી 600 કરોડની આવક થાય છે. એ ઉપરાંત દર્શન ટિકિટમાંથી 340 કરોડ મળે છે. આ સ્થિતિ હોય તો મંદિરે પણ જરૂરી સ્પષ્ટતાઓ પ્રસાદમ્ અંગે કરવાની રહે. મંદિર ટ્રસ્ટના લેબર યુનિયનના કંદરપુ મુરલીએ મુખ્ય મંત્રી નાયડુની એમ કહીને ટીકા કરી કે તેમણે નિવેદન કરીને મંદિરના કર્મચારીઓનું અપમાન કર્યું છે. મુરલીએ પ્રસાદમાં ઉપયોગમાં લેવાતી દરેક સામગ્રીની પૂરતી ચકાસણી થાય છે એમ પણ કહ્યું. મંદિર ટ્રસ્ટને જે પ્રસાદ મળે છે તે સર્ટિફાય થયા પછી જ મળે છે. જો એ સાચું હોય તો ગુજરાત લેબોરેટરીનો પ્રસાદના લાડુમાં ચરબી અને તેલનો ઉપયોગ થાય છે એ રિપોર્ટ પણ છે. એ અંગે શું કહીશું? અત્યારને તબક્કે કશું જ સ્પષ્ટ નથી ને ભવિષ્યમાં થશે જ એની કોઈ ખાતરી નથી. એટલું છે કે હિન્દુ આસ્થાળુઓ ભક્તિ ભાવથી સાડાત્રણ લાખ લાડુ પ્રસાદ તરીકે આરોગતા હતા એ હવે શંકાથી પર નથી. એ તો ઠીક છે, તિરૂપતિના એક લાખ લાડુ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે પ્રસાદમાં પણ વહેંચાયા હતા. 20 સપ્ટેમ્બરે અયોધ્યા મંદિરના પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પ્રસાદમાં પશુની ચરબીને મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદના જનરલ સેક્રેટરી બજરંગ બાગરાએ કહ્યું કે દેશના તમામ મંદિરો અને ધાર્મિક સ્થળોને સરકારી નિયંત્રણોમાંથી મુક્ત કરવાં જોઈએ. એ તો થશે ત્યારે થશે, પણ હાલ તો ભક્તોની શ્રદ્ધાનું શ્રાદ્ધ થઈ ગયું છે. આ બધું સાચું હોય તો રમત રમાઈ છે એ પણ સાચું ને ખોટું હોય તો પણ રમત તો રમાઈ જ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 સપ્ટેમ્બર 2024