મને માતાજીમાં શ્રદ્ધા બહુ
રોજ માતાજીની પૂજા કરું
આરતી કરું
થાળ ગાઉં
આમ તો થાળ ખાલી હોય
પણ એમાં મેવા-મીઠાઈ
દાળ, ભાત, શાક, અથાણાં,
પાપડ, ચટણીની એટલી વાનગી ગાઉં કે
મને જ મોંમાં પાણી છૂટતું
છપ્પન ભોગ ધરાવવાનું તો ગમે
પણ છપ્પન રૂપિયામાં તો
કેટલુંક આવે
જે આવે તે ધરું
બાકીનાં નામ બોલી જાઉં
એ આશાએ કે કોઈ દિવસ તો
માતાજી ભરેલે ભાણે જમશે
પણ ખાલી થાળીએ છેતરવાનું ગમતું નહીં
છપ્પન ભોગની વાત
છપ્પનિયા દુકાળ જેવી લાગે
પણ હોય જ ઓછું
ત્યાં કરવાનું શું?
આવી જ રીતે એક દિવસ
થાળ ગાતો હતો
ત્યાં માતાજી ફોટામાં હાલ્યાં
ઘરમાં તો બધું
ઝળહળ ઝળહળ !
વાઘની ગર્જના સાંભળીને
મારાં તો ગાત્રો ઢીલાં થઈ ગયાં
વાઘને ફોટામાં જ રાખીને
માતાજી બહાર આવ્યાં
નવરંગી ચૂંદડીવાળો ફોટાનો
એટલો ભાગ ખાલી થઈ ગયો
આરસી પાછળનો ઢોળ નીકળી ગયો જાણે !
તેજ એટલું કે
આંખો ખૂલે જ નહીં
માતાજીએ તેજ ઓછું કર્યું
તોય મારાથી જોવાય નહીં
રૂપ રૂપનો અંબાર સામે હોય
તો આપણાં તો મોતિયાં જ
મરી જાય કે બીજું કૈં?
હાથમાં ત્રિશૂળ, તલવાર,
શંખ, ચક્ર, ગદા, પદ્મ …
આશીર્વાદવાળો હાથ પણ ભરેલો
ઉપર રેશમી લાલ વસ્ત્ર
ખબર ન પડે કે એમાં છે શું?
માતાજી તો મારી તરફ
આવવા લાગ્યાં
પગલે પગલે કંકુ વેરાય
હું બબૂચક તો સાવ અવાચક
એક પળ તો થયું કે સપનું હશે
સપનું હોય તો તૂટવું જોઈએ
માતાજીને રોજ જ દર્શન દોને
એવી પ્રાર્થના કરતો
પણ ખરેખર દર્શન દે તો
આપણું પ્રદર્શન થઈ જાય એવી ખબર નહીં
ખબર હોત તો પ્રાર્થના
કરત જ નહીં!
આમ ભગવાનને જોવાનું સહેલું નથી
પરસેવો એવો વળે કે
દેહ ભઠ્ઠીમાં હોય એમ લાગે
ઘડીભર તો થયું પણ ખરું કે
ગુજરી ગયો હોઈશ
એટલે અંતકાળે
માતાજીએ દર્શન દીધાં !
એક રીતે તો એ સારું જ થયું
રોજ રોજ ખાલી થાળ ગાવાની ઝંઝટ મટી
ત્યાં તો માતાજીએ ત્રિશૂળ
મારી સામે ધર્યું
મને થયું કે નક્કી વધ થવાનો
છેતર્યાં તેથી માતાજીએ
મને મહિષાસુર તો
નહીં માન્યો હોયને!
પણ ત્રિશૂળ બાજુ પર મૂકતાં
માતાજી પાસે આવ્યાં
મંદ મંદ સ્મિત કરતાં કહે – લે!
કપડું હટાવી થાળ સામે ધર્યો
જોયું તો હું ધરતો ન હતો
એ વાનગીઓ હાજર
પરેજી નહોતી તો ય
હાથ હલાવી ના કહી
બોલવાના હોંશ નહીં
શું કરું તે સમજાય નહીં
મન મગજમાં
ને મગજ જ રોકે
એટલી વાનગીઓ કે
પહેલાં મોમાં ને પછી
આંખોમાં પાણી આવે
કૈં પણ બોલ્યા વગર
પગમાં પડી ગયો
માતાએ
મને ઊભો કરતાં કહ્યું:
તને નથી મળતું તે ય તું ધરે
તો મને મળે તે હું ના ધરું?
આજે તને થાળ હું ધરું છું …
આંખો આંસુ થઈ ગઈ
000
e.mail : ravindra21111946@gmail.com