
રવીન્દ્ર પારેખ
દ્વારકા દેવભૂમિ ગણાય છે, પણ તે હવે ડ્રગ્સભૂમિ તરીકે પણ ઓળખાય છે. 26 જૂન ડ્રગ્સ વિરોધી દિવસ તરીકે ઉજવાય છે ને એ દિવસે જ ક્યાંક ડ્ર્ગ્સથી ઉજવણું થતું હોય તો નવાઈ નહીં, કારણ કે એ જ દિવસે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામના એક રહીશ પાસેથી ચરસના 42 કિલોના 21.06 કરોડની કિંમતનાં 40 પેકેટ્સ પોલીસે કબજે કર્યાં. આપણે આમ તો દેખાડો કરવામાં જ માનીએ છીએ. કશુંક બીજાને માટે નહીં, પણ પોતાને માટે હોય, અંગત હોય, એવું તો ખાસ રહ્યું જ નથી. જે આવે છે તે જોતો નથી, પણ દેખાડે તો છે જ ! યોગ દિવસ આવે છે તો એ દિવસે યોગ, રોગની જેમ ફાટી નીકળે છે, એ હિસાબે ડ્રગ્સ વિરોધી દિવસ, ડ્રગ્સનું સેવન કરીને ઉજવવાનો હોય તેમ ડ્રગ્સ પકડાય છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સ પકડાયાનો હરખ તો કરે છે, પણ દરિયા કિનારે ઊતરતાં ડ્રગ્સનો પ્રવાહ રોક્યો રોકાતો નથી ને લગભગ રોજ જુદા જુદા દરિયા કિનારાઓ પર ડ્રગ્સ ઊતરે છે ને કેટલુંક તો નધણિયાતું ય મળી આવે છે. પોલીસ તે પકડે તો છે, પણ ન પકડાયેલું રાજ્યની ગલીઓમાં ઘૂસ્યું છે ને ગુજરાતનું યુવાધન તેમાં સપડાઈ રહ્યું છે એની ચિંતા કરવા જેવી છે. ડ્રગ્સ ઉતારુઓને ગુજરાતનો દરિયા કિનારો માફક આવી ગયો છે ને છાશવારે કરોડોનું હજારો કિલો ડ્રગ્સ ઊતરી રહ્યું છે તે શરમજનક છે.
છેલ્લાં પાંચેક વર્ષમાં રાજ્યમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લિટર પ્રવાહી ડ્રગ્સ ને 73,163 ડ્રગ્સ પિલ્સ ને ઇન્જેક્શન્સ પકડાયાં છે. છેલ્લા 6 મહિનામાં જ ચારેક હજાર કરોડનું હજારો કિલો ડ્રગ્સ પોલીસને હાથ લાગ્યું છે. છેલ્લા બાર દિવસમાં જ જુદા જુદા દરિયા કાંઠેથી ડ્રગ્સના 242 પેકેટ્સ પોલીસને હાથ લાગ્યા છે, એ ગુજરાતમાં વધી રહેલી ડ્રગ્સની હેરાફેરી સૂચવે છે. આપણી મુશ્કેલી એ છે કે બધું ભરપૂર હોય છતાં કારણ વગરની કંજૂસાઈ કોઠે પડી ગઈ છે. શિક્ષકો નોકરી માટે રાહ જુએ છે, પણ કાયમી ભરતી કરતાં સરકારને ઠંડી ચડે છે ને બીજી તરફ હજારો સ્કૂલ એકાદ શિક્ષકથી ચલાવવાની નાનમ નથી લાગતી. એવી જ રીતે સરેરાશ એક લાખની વસ્તી સામે 127 પોલીસથી કામ કઢાય છે. આ સ્થિતિ હોય તો અસલામતી ન વધે તો બીજું થાય શું? ગુજરાતમાં દારૂબંધી હોય ને તે ડ્રગ્સનું પ્રવેશદ્વાર અને એપી સેન્ટર બન્યું હોય ત્યારે પૂરતી સંખ્યામાં પોલીસો ન હોય તો ડ્રગ્સ ગલી મહોલ્લામાં જ પહોંચશે કે બીજું કૈં? સારું છે કે પોલીસ આટલું ડ્રગ્સ કબજે કરે છે, છતાં ડ્રગ્સને રવાડે યુવકો ચડ્યા છે તેની નોંધ લેવી ઘટે. આમ તો દારૂબંધી નામની રહી છે, એમ જ ભવિષ્યે ડ્રગ્સબંધી પણ નામની જ રહે તો નવાઈ નહીં. રાજ્ય સરકાર દારૂ-ડ્રગ્સ સામે લડત તો આપે છે, પણ તે ય નામની જ હોય એવું એટલે લાગે છે, કારણ સરકારે દારૂ-ડ્રગ્સ સામે લડત આપતી 75 જેટલી સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. બીજી તરફ ગરીબી, બેકારી અને મોંઘવારીને કારણે બાળકો ને મહિલાઓ ડ્રગ્સની તસ્કરીમાં સંડોવાયાં છે ને તેઓ એકાએક પોલીસનાં ધ્યાનમાં ન આવે એટલે ડ્રગ્સ માફિયાઓ પણ તેમનો ઉપયોગ વધારી રહ્યા છે.
લેટેસ્ટ આંકડાઓ તો મળતા નથી, પણ 2018ના એક રાષ્ટ્રીય સર્વે મુજબ ગુજરાતનાં 17.35 લાખ પુરુષો અને 1.85 લાખ મહિલાઓ ડ્રગ્સના બંધાણી છે. આ આંકડાઓ છેલ્લાં છ વર્ષમાં વધ્યા જ હશે. રાજ્યમાં પોલીસ, એન.સી.બી., ડી.આર.આઈ. જેવી સંસ્થાઓ, પેટ્રોલિંગ, સર્વેલન્સ, સી.સી.ટી.વી. કેમેરાઓ જેવી ટેકનોલોજી છતાં કરોડો રૂપિયાનું હજારો કિલો ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે તે યુવા પેઢીનો કેવો વિનાશ કરશે તેની કલ્પના જ કરવાની રહે છે. સરકાર જે ગતિએ કામ કરે છે, તેનાથી આ વિનાશ રોકાય એમ લાગતું નથી, તેણે સઘન અને સજીવ રીતે સક્રિય થયા વગર છૂટકો નથી. સરકાર વાતો તો ઘણી કરે છે, પણ તે પરિણામો આપે એ અપેક્ષિત છે. ડ્રગ્સ વિરોધ દિને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું તો છે કે ભારતને નશામુક્ત રાષ્ટ્ર બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે ને એ લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. જે પરિસ્થિતિ અત્યારની છે એ જોતાં આ શબ્દો ગમ્મત જેવા લાગે, કારણ, સરકાર તો આગળ વધી જ રહી છે, ભલે વધે, પણ થોડું પાછળ પણ જોઈ લે તો આવનારી પેઢીને તંદુરસ્ત અને સ્વસ્થ ભારત જોવા મળે.
સરકારને એ ખબર છે કે નશાખોરી વધી છે ને ગુજરાતમાં જ છેલ્લા દાયકામાં ડ્રગ્સને કારણે હજારથી વધુ લોકોના જીવ ગયા છે, જેમાં 711 વ્યક્તિઓએ જીવન ટૂંકાવ્યું છે ને એમાં ય 66 તો મહિલાઓ છે. વળી ડ્રગ્સના ઓવરડોઝને કારણે 371 વ્યક્તિઓનાં મોત થયાં છે. ડ્રગ્સનાં સેવન બદલ ત્રણેક વર્ષમાં જ ગુજરાતમાં 528 લોકોની ધરપકડ થઈ છે. આ બધું છતાં ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના પ્રયત્નોમાં ઓટ આવી નથી. એ ખરું કે સુરત ક્રાઇમ બ્રાન્ચે બે વર્ષથી વોન્ટેડ આરોપીને 59 લાખના 590 ગ્રામ MD ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે. એટલે કામ થાય તો છે, પણ ગુનેગારો એક રસ્તો બંધ થાય તો બીજા નવા માર્ગો શોધી લે છે. એવું નથી કે ડ્રગ્સ દરિયાઈ માર્ગે જ ઘૂસાડવામાં આવે છે, તે હવાઈ માર્ગે પણ શહેરોમાં પહોંચે છે.
23 જૂને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે ફોરેન પોસ્ટ ઓફિસમાં સ્નિફર ડોગની મદદથી તપાસ કરી, તો ફરી એક વખત ગાંજાનો જથ્થો હાથ લાગ્યો. પોલીસે 58 પાર્સલોમાંથી હાઇબ્રીડ અને 2 પાર્સલોમાંથી લિક્વિડ ગાંજો કબજે કર્યો છે. રમકડાં, ડાઇપર, કાર્ટૂન કેરેક્ટર, લંચ બોક્સ, સ્પીકર, સાડી, પુસ્તકો, ફોટોફ્રેમ … વગેરેમાં સંતાડીને ગાંજાની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું છે. આ પાર્સલો અમેરિકા, યુ.કે. અને કેનેડાથી આવ્યાં છે. જો કે, ડિલિવરી પહેલાં જ પાર્સલો કબજે લેવાયાં હોવાથી તે કોણે મંગાવ્યાં તેની માહિતી મળી નથી, પણ ફોરેન ઓફિસમાંથી 3.48 કરોડનો ગાંજો ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો છે તે હકીકત છે. 31 મે, 2024 ને રોજ કરેલ આ જ પ્રકારના કેસમાં પોલીસને માહિતી મળી હતી કે પંદરથી સત્તર વર્ષનાં સગીરોએ પેડલરો થકી ગાંજો મંગાવ્યો હતો. એ 20 સગીરો સાથેની પૂછપરછમાં જ વધુ એક કન્સાઈન્મેન્ટ આવવાનું છે એ વાત પણ ખૂલી હતી અને એને આધારે ફોરેન પોસ્ટ ઓફિસમાં તપાસ કરતાં 3.48 કરોડનો ગાંજો પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે આ મામલો ગંભીરતાથી લીધો છે ને નશાને રવાડે ચડેલા દોઢસો તરુણોનું કાઉન્સેલિંગ કરી આ દૂષણથી દૂર રહેવા સમજાવ્યા છે, તો માલેતુજારોના આ નમૂનાઓમાંના કેટલાક તો વિદેશ પણ ભાગી ગયા છે. એમનાં માબાપ આ વાત જાણતા હશે કે કેમ તે નથી ખબર, પણ આ વાતને હળવાશથી લઈ શકાય એમ નથી. ગૃહ રાજ્ય મંત્રી દ્વારા એન્ટિ ડ્રગ્સ કેમ્પેઇન શરૂ કરાવવાની વાત પણ છે. જો કે, આ તપાસે એ જાહેર કરી દીધું છે કે ગાંજાની લતમાં સગીરો સપડાયા છે અને સૌથી આઘાતજનક કોઈ વાત હોય તો એ છે. એ આઘાતજનક છે કે 10માં, 12માં ધોરણના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ડ્રગ્સ ઓર્ડર કરે છે. પોલીસે આ મામલે વાલીઓને પણ ચેતવણી આપી છે કે પોતાનાં બાળકો કોની સંગતમાં છે તેનું ધ્યાન રાખે. આ પ્રકારના ચાર કેસ પોલીસે કર્યા હોવા છતાં પાર્સલમાં આવી રહેલાં ડ્રગ્સ ઘટવાને બદલે વધી રહ્યા છે એ સૂચવે છે કે ડ્રગ્સ કેટલું ઊંડે ગુજરાતનાં લોહીમાં ઊતરી રહ્યું છે.
એક વાત બહુ સ્પષ્ટ છે કે સરકારે જરા જેટલો પણ દેખાડો કર્યા વગર ડ્રગ્સને મામલે લોખંડી તાકાતથી કામ લેવાનું રહે છે, કારણ એમાં સગીરો સપડાઈ રહ્યા છે ને કોઈ ઇરાદાપૂર્વક ગુજરાતની યુવા પેઢીને ટાર્ગેટ કરી રહ્યું હોવાનું એટલે લાગે છે, કારણ તેમને સંડોવીને તરુણ પેઢીને ખતમ કરવાનું સહેલું છે. આમાંના મોટે ભાગના અમીરોનાં ફરજંદો છે ને તેમને માબાપ જોઈતા પૈસા આપીને છૂટી જાય છે. એમના સંતાનો એકલાં છે ને દિશાવિહીન છે. નિરાશ છે અને માબાપની હૂંફ વગર સોરાય છે. એમને કોઈ પણ રવાડે ચડાવવાનું સહેલું છે. એમને ધનની ખોટ નથી, મનની છે, એટલે થોડું પણ વ્હાલ તેમને કોઈ પણ રસ્તે વાળી શકે એમ છે. એ જો ખોટે રસ્તે વળશે તો તે પોતાનો તો કરશે જ અન્યોનો પણ ઓછામાં ઓછો, સર્વનાશ તો કરશે જ ! એ થવા દેવાનો છે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 જૂન 2024